મહારાષ્ટ્રમાં દસમા ધોરણનું પરિણામ જાહેરઃ આ વખતે પણ છોકરીઓએ બાજી મારી
રાજ્યમાં કોંકણ ડિવિઝનનું સૌથી વધુ પરિણામ, કુલ 14.55 લાખ વિદ્યાર્થી પાસ

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ (MSBSHSE) દ્વારા આજે ધોરણ 10નું (SSC) પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના લાખો વિદ્યાર્થીઓ માટે આજે ખુશીનો દિવસ છે. MSBSHSE દ્વારા જાહેર કરવામાં આવેલ પરિણામમાં દસમામાં કુલ 94.10 ટકા પરિણામ આવ્યું છે, જેમાં આ વખતે છોકરાઓની સામે છોકરીઓનું સારું પરિણામ આવ્યું છે.
14.55 લાખ વિદ્યાર્થી પાસ
શિક્ષણ બોર્ડે ધોરણ 10નું પરિણામ sscresult.mahahsscboard.in અને maharesult.nic.in પર જાહેર કર્યું હતું. આ વેબસાઈટ પર જઈને બેઠક નંબરથી પરિણામ જોઈ શકાય છે. MSBSHSE દ્વારા ધોરણ 10ની બોર્ડની પરીક્ષા માર્ચ-એપ્રિલમાં લેવામાં આવી હતી. આ વર્ષે કુલ 15,58,020 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા માટે નોંધણી કરાવી હતી. જેમાંથી 15,46,579 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. આટલી સંખ્યામાંથી કુલ 14,55,433 વિદ્યાર્થીઓ પાસ થયા હતા.
વિદ્યાર્થિનીઓએ બાજી મારી
એમએસબીએસએચએસઈના ચેરમેન શરદ ગોસાવીએ આજે પરિણામ જાહેર કરતા આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ વખતે કુલ પરિણામ 94 ટકા કરતા વધુ આવ્યું છે. આ વર્ષે પણ એચએસસીના માફક એસએસીમાં વિદ્યાર્થિનીઓએ છોકરાઓ કરતા સારું પરિણામ લાવી છે. છોકરીઓ અને છોકરાઓની વાત કરવામાં આવે તો, આ વર્ષે છોકરાઓ કરતા છોકરીઓએ વધારે સારૂ પરિણામ લાવ્યું છે. આંકડાની વાત કરવામાં આવે તો, છોકરીઓનું પાસ થવાનું પ્રમાણ 96.14 ટકા છે, જ્યારે છોકરાઓમાં પાસ થવાનું પ્રમાણે છોકરીઓ કરતા 3.83 ટકા ઓછું એટલું કે 92.31 ટકા આવ્યું છે. આ વર્ષે 8,23,611 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જ્યારે 7,22,986 વિદ્યાર્થિનીએ પરીક્ષા આપી હતી, જેમાંથી 7.60 લાખ વિદ્યાર્થી અને 6.95 લાખ વિદ્યાર્થિની પાસ થઈ છે.
32 વિષયમાં 100 ટકા પરિણામ
મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષામાં 62 વિષયમાંથી કુલ 32 વિષયમાં 100 ટકા પરિણામ આવ્યું છે. રાજ્યના આઠ વિભાગોમાં કોંકણમાં સૌથી સારૂ પરિણામ આવ્યું છે, આ કેન્દ્રમાંથી 98.82% વિદ્યાર્થીઓ પાસ થયા છે. પરિણામ બાબતે નાગપુર 90.78 ટકા પરિણામ સાથે સૌથી નીચે રહ્યું છે. અન્ય કેન્દ્રોની વાત કરવામાં આવે તો કોલ્હાપુરમા 96.87 ટકા, મુંબઈ 95.84 ટકા, પુણે 94.82 ટકા, નાશિક 93.04 ટકા, અમરાવતી 92.95 ટકા, છત્રપતિ સંભાજીનગર 92.82 ટકા અને લાતુરમાં 92.77 ટકા પરિણામ આવ્યું છે
મુંબઈનું કુલ પરિણામ 95.84 ટકા
આ વર્ષે મહારાષ્ટ્રનું કુલ પરિણામ 94.10 ટકા આવ્યું છે, જ્યારે ગયા વર્ષ કરતા પરિણામમાં સહેજ ઘટાડો થયો છે. ગયા વર્ષે એસએસસીનું પરિણામ કુલ 95.81 ટકા આવ્યું હતું. મહારાષ્ટ્રમાં કોંકણનું 98.82 ટકા, કોલ્હાપુરમાં 96.87 ટકા, મુંબઈ 95.84 ટકા, પુણે 94.81 ટકા, નાશિકનું 93 ટકા, અમરાવતીમાં 92.95 ટકા, લાતુરમાં 92.77 ટકા અને નાગપુરનું 90.78 ટકા પરિણામ આવ્યું છે.
આ પણ વાંચો…..BREAKING NEWS: CBSE ધો.12નું પરિણામ થયું જાહેર, જાણો કેવી રીતે કરશો ચેક