પશ્ર્ચિમ રેલવેનો ‘મહાબ્લોક’ સમાપ્ત પણ પ્રવાસીઓ પર ‘એસી’નો બોજો
સાદી લોકલની જગ્યાએ એસી ટ્રેન ગોઠવતા પ્રવાસીઓના નારાજ
મુંબઇ: પશ્ચિમ રેલવે પર ખારથી સાંતાક્રુઝ વચ્ચે ચાલી રહેલું કામ આખરે પૂર્ણ થઈ ગયું છે. આ પછી સોમવારથી લોકલ સેવાઓ સામાન્ય થઈ ગઈ છે. જેના કારણે શહેરીજનો થોડી રાહત અનુભવે એ પહેલા પશ્ચિમ રેલવે દ્વારા લેવાયેલા એક નિર્ણયને કારણે મુસાફરોને હાલાકી ભોગવવી પડે તેવી પૂરી શક્યતા છે. પશ્ચિમ રેલવેના વહીવટીતંત્રે સાદા લોકલ રાઉન્ડ રદ કર્યા છે અને તેના સ્થાને વધારાના ૧૭ એસી લોકલ રાઉન્ડ ઉપલબ્ધ કર્યા છે. જોકે વહીવટીતંત્રના આ નિર્ણયથી એસી લોકલના મુસાફરોને રાહત મળી છે, પરંતુ અન્ય મુસાફરોને મુશ્કેલી વેઠવી પડી રહી છે.
પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેનો સોમવારથી સમયપત્રક મુજબ સરળ રીતે દોડી રહી છે. પશ્ચિમ રેલવેના અધિકારીઓના જણાવ્યા અનુસાર સોમવારથી વધુ ૧૭ એસી લોકલ ટ્રેનો દોડાવવામાં આવશે. આના કારણે પશ્ચિમ રેલવે પર લોકલ ટ્રેનોની સંખ્યા ૭૯ થી વધીને ૯૬ થઈ જશે. સમયપત્રકમાં ફેરફાર થયા બાદ દહાણુ અને અંધેરી વચ્ચે ચાલતી લોકલ હવે ચર્ચગેટ સુધી દોડશે.
મધ્ય રેલવેમાં ધાંધિયા: રોજની ૭૦ લોકલ રદ, ૧૦૦થી વધુ મોડી
મુંબઈ: મધ્ય રેલવેમાં દરરોજ સરેરાશ ૭૦ જેટલી લોકલ ટ્રેનો રદ થાય છે અને ૧૦૦થી વધુ ટ્રેનો મોડી દોડે છે. આ કારણે મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે રેલવે પ્રશાસન આ વિલંબ માટે મુસાફરો જવાબદાર હોવાનું જણાવી રહ્યા છે.
ઑક્ટોબર ૨૦૨૩માં ૨,૦૦૦ લોકલ ટ્રેનો રદ થઈ, ૩,૦૦૦થી વધુ લોકલ મોડી પડી, ૧,૦૦૦થી વધુ ટ્રેનો ટેકનિકલ ખામી, ખરાબ વાતાવરણને કારણે રદ થઇ. આ સિવાય રવિવાર અને જાહેર રજાઓમાં ૩૭૦ જેટલી ટ્રેનો રદ થાય છે. પેસેન્જર એસોસિએશનો આ ‘સન્ડે શેડ્યૂલ’ને રદ કરી, અઠવાડિયામાં ૧,૮૧૦ ટ્રેનો દોડાવવાની માગણી કરી રહ્યા છે.
લોકલ વિલંબથી બેથી સાડા ત્રણ કલાકની લોકલ મુસાફરીમાં સરેરાશ એકથી અઢી કલાકનો સમય લાગે છે. થાણે-દિવા વચ્ચેનો પાંચમો-છઠ્ઠો રુટ શરૂ થયા બાદ મુસાફરો સમયસર મુસાફરી કરી શકશે તેવી અપેક્ષા હતી. પરંતુ
મોટાભાગની ફાસ્ટ લોકલ પારસિક ટનલમાંથી પસાર થતી ન હોવાથી મુસાફરીનો સમય નવથી ૧૦ મિનિટ વધી ગયો છે.
કલ્યાણ જંકશનથી કસારા અને કર્જત સુધીના બે ફાંટા છે. લાંબા અંતરની મોટાભાગની ટ્રેનો કલ્યાણમાં સ્ટોપ કરે છે. આ ટ્રેનોને ફરીથી રુટ કરવા માટે લોકલ સેવાઓ ખોરવાઈ ગઈ છે. મુસાફરોની ફરિયાદ છે કે લાંબા અંતરની ટ્રેનોને પહેલા રસ્તો આપવો પડે છે, જેના કારણે સ્થાનિક લોકો એકબીજાની પાછળ ઊભા રહે છે અને મુસાફરીમાં વિલંબ થાય છે.
ખાર-ગોરેગાંવ વચ્ચેની આઠ કિલોમીટરની લાઈનનો શુભારંભ
બ્લોક વખતે ૨,૫૫૦થી વધુ ટ્રેન રદ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પશ્ચિમ રેલવેમાં ખાર-ગોરેગાંવ વચ્ચેની આઠ કિલોમીટરના અંતરની છઠ્ઠી લાઈનનું ઈન્ફ્રાસ્ટ્રકચરનું કામકાજ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. નિર્ધારિત સમયગાળામાં બ્લોકની કાગમીરી પૂરી કરવામાં આવ્યા પછી છઠ્ઠી લાઈનમાં ટ્રેન વ્યવહાર ચાલુ કરવામાં આવ્યો છે, જેમાં કલાકના ૧૧૨ કિલોમીટરની સ્પીડથી ટ્રાયલ પણ સફળ રહ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આઠ કિલોમીટરના કોરિડોરનું નિર્માણ થવાથી નવી લાઈનની ક્ષમતામાં વધારો થયો છે, જેનાથી વધુ લોકલ ટ્રેનની સર્વિસ દોડાવી શકાશે. હાલના તબક્કે નોન-એસી લોકલના બદલે એસી લોકલની સર્વિસમાં વધારો કરવામાં આવ્યો છે, પરંતુ આગામી દિવસોમાં વધુ ટ્રેન સર્વિસ દોડાવવાની સાથે ટ્રેનની ઓપરેશન સિસ્મટ વધુ રેગ્યુલર બની શકશે, એવો પશ્ચિમ રેલવેના અધિકારીએ દાવો કર્યો હતો. આ કામકાજ માટે છેલ્લા ૧૦ દિવસ દરમિયાન પશ્ચિમ રેલવેમાં ૨,૫૦૦થી વધુ લોકલ રદ કરવામાં આવી હતી, જ્યારે ૨૬૦થી વધુ લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનની સેવા પર અસર પડી હતી, પરિણામે પ્રવાસીઓને ટ્રેનોમાં પ્રવાસ કરવામાં હાલાકી પડી હતી. બ્લોકના દિવસોમાં રોજ અગિયાર-બાર વાગ્યા પછી ટ્રેનો રદ કર્યા પછી મહિલાઓ સાથે સિનિયર સિટીઝન માટે ટ્રેનમાં મુસાફરી કરવામાં બેહાલ થયા હતા, એમ પ્રવાસી સંગઠને જણાવ્યું હતું.
સાતમી ઓક્ટોબરથી શરુ કરવામાં આવેલા કામકાજને ૩૦ નાઈટ માટે પ્રી-ટ્રાફિક વર્ક ઓર્ડર અને ૨૯ નાઈટના ટ્રાફિક વર્ક ઓર્ડરનો સમાવેશ થયો હતો, જેમાં છ સ્ટેશન પર ૧૦ રાતનો નોન-ઈન્ટરલોકિંગ કામકાજનો સમાવેશ હતો.
પશ્ચિમ રેલવેમાં પાંચમી લાઈન અને બંને ફાસ્ટ લાઈનમાં ૧૨ ટર્નઆઉટ અને ત્રણ ટ્રેપ પોઈન્ટ બિછાવવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ૭૦૦ મીટર ટ્રેક હટાવવાની સાથે ડાયમંડ ક્રોસિંગ સહિત પાંચ પોઈન્ટને તોડવાની સાથે બાંદ્રા ટર્મિનસ યાર્ડની પાંચમી અને છઠ્ઠી લાઈન માટે એક સ્વતંત્ર ક્નેક્ટિવિટી મળશે. આ બ્લોકની કામગીરી દરમિયાન હાઈ ટેક મશીનરીમાં ટી-૨૮, યુનિમેટ, ડુઓમેટિક, યુટીવી, હાઈડ્રોલિક ક્રેઈન સહિત જેસીબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રસ્તાવિત કોરિડોર માટે સરકારી જમીનને હસ્તગત કરવાની બાબતનો સમાવેશ થાય છે, એમ પશ્ચિમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
છઠ્ઠી નવેમ્બરથી ટ્રેનસેવા રાબેતા મુજબ ચાલુ કરવામાં આવી હતી, પરંતુ ટ્રેનો રોજના માફક અડધોથી પોણો કલાક મોડી પડવાને કારણે પ્રવાસીઓને ટ્રેનમાં મુસાફરી કરવામાં કોઈ રાહત થઈ નથી. બોરીવલીના રહેવાસી મનીષ દોશીએ કહ્યું હતું કે બ્લોક પૂરો થયો છે, પણ એવું લાગતું નથી, કારણ કે આજે પણ યથાવત રહી હતી. લોકલ ટ્રેનો પણ અડધો કલાકથી વધુ મોડી દોડતી હોવા છતાં એનાઉન્સ કરવામાં આવતું હતું કે હજુ ટ્રેનસેવા પર અસર રહેશે.