ડોંબિવલીમાં જૈન મંદિરોમાં ચોરી કરનારો દક્ષિણ મુંબઈથી ઝડપાયો
ડોંબિવલી: ડોંબિવલી વિસ્તારમાં જૈન મંદિરોમાં દર્શનને બહાને પ્રવેશ્યા બાદ ચાંદીની વસ્તુઓ ચોરવા બદલ રામનગર પોલીસે દક્ષિણ મુંબઈના ગિરગામ ખાતેથી ૪૭ વર્ષના શખસની મંગળવારે ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ નરેશ અગરચંદ જૈન તરીકે થઇ હોઇ મુંબઈના નવ પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ જૈન મંદિરોમાં ચોરીના ગુના દાખલ છે.
ડોંબિવલીના રામનગર, ટાટા પાવર લાઇન અને માનપાડા વિસ્તારમાં આવેલા જૈન મંદિરમાં ગયા સપ્તાહે ચોરી થઇ હતી. સવારે ૧૦ વાગ્યાથી સાંજે પાંચ દરમિયાન ચાંદીની વસ્તુઓ સહિત રૂ. ૯૫ હજારની મતા ચોરવામાં આવી હતી.
દરમિયાન આ પ્રકરણે રામનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેને આધારે ગુનો દાખલ કરીને આરોપીને પકડવા વિશેષ ટીમ તૈયાર કરવામાં આવી હતી અને ઘટનાસ્થળોના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા, જેમાં ત્રણેય જગ્યાએ એક જ શકમંદ ચોરી કરતો નજરે પડ્યો હતો.
આ ફૂટેજને આધારે શકમંદની શોધ ચલાવવામાં આવી હતી અને ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કર્યા બાદ મળેલી માહિતીને આધારે પોલીસ ટીમે મંગળવારે ગિરગામ વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી રૂ. ૮૦ હજારની મતા જપ્ત કરાઇ હતી.