‘ઈન્ડિયા’ઝ ગૉટ લેટન્ટ’ સામે ગુનો નોંધાયો: તમામ એપિસોડ ડિલિટ કરવાનો આદેશ

મુંબઈ: લોકપ્રિય પોડકાસ્ટર અને યુટ્યૂબર રણવીર અલાહાબાદિયાએ ‘ઈન્ડિયા’ઝ ગૉટ લેટન્ટ’ શોમાં માતા-પિતાને ઉદ્દેશીને કરેલી બીભત્સ ટિપ્પણી બાદ વિરોધનો વંટોળ ઊઠતાં મહારાષ્ટ્ર સાયબર વિભાગે આ રિયાલિટી શો સામે એફઆઈઆર નોંધ્યો હતો. સાયબર વિભાગે આ શોના તમામ એપિસોડ ડિલિટ કરવાના નિર્દેશ પણ આપ્યા હતા.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અલાહાબાદિયાની કમેન્ટ્સ પછી થયેલા વિવાદને પગલે સાયબર સેલે સુઓમોટો (આપમેળે લીધેલી નોંધ) એફઆઈઆર નોંધ્યો હતો. આ શોમાં પહેલા એપિસોડથી અત્યાર સુધીમાં ભાગ લેનારા 30 જેટલા ગેસ્ટ્સને સમન્સ પણ મોકલવામાં આવી રહ્યા છે.
યુટ્યૂબર સમય રાઈનાના આ કોમેડી શો પર કથિત પણે બીભત્સ, અયોગ્ય અને અસંવેદનશીલ તેમ જ વિવાદાસ્પદ જોક્સ અને ટિપ્પણી કરવા બદલ રણવીર અલાહાબાદિયા ટીકાકારોના સરસંધાનનો સામનો કરી રહ્યો છે. છેલ્લા એપિસોડમાં તેણે એક સ્પર્ધકને વડીલોને ઉદ્દેશીને બીભત્સ પ્રશ્ર્ન કર્યો હતો. માતા-પિતાને ઉદ્દેશીને કરેલી આ ટિપ્પણી અલાહાબાદિયાને ભારે પડી ગઈ હતી. તેણે સોશિયલ મીડિયા પર માફી માગવી પડી હતી, પરંતુ તેની ચારેકોર ટીકા થવા લાગી હતી.
આ પણ વાંચો : રણવીર અલાહાબાદિયાનો અશ્લીલ કમેન્ટવાળો વીડિયો યુટ્યુબ પર બ્લોક, સરકાર એક્શનના મૂડમાં…
આ મુદ્દે વિવાદ વકરતાં ખાર પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. જોકે પોલીસ ગુનો નોંધતાં પહેલાં આખા મામલાની પ્રાથમિક તપાસ કરી રહી હતી ત્યારે સાયબર પોલીસ ઍક્શન મોડમાં આવી ગઈ હતી. મંગળવારે સાયબર વિભાગે આઈટી ઍક્ટની સુસંગત કલમો હેઠળ ગુનો નોંધી આ શોના તમામ 18 એપિસોડ ડિલિટ કરવાનું કહ્યું હતું.
આ શોમાં અશ્ર્લીલ અને વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જણાયું હતું. પરિણામે સાયબર પોલીસ શોના જજીસ, શોમાં ભાગ લેનારા અમુક લોકો અને ગેસ્ટ્સની યાદી બનાવી રહી છે. શોમાં ભાગ લેનારા લોકોને પૂછપરછ માટે બોલાવવામાં આવશે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)