કલ્યાણ-વસઈ જળ પરિવહન પ્રોજેક્ટ માટે ₹૧૧૯ કરોડ મંજૂર, રેડીઓ ક્લબ ખાતે પણ નવી જેટી બનશે
મુંબઈ: રાજ્ય સરકારે શુક્રવારે સાગર માલા પ્રોજેક્ટ હેઠળ કલ્યાણ-વસઈ જળ પરિવહન પ્રોજેક્ટ માટે ₹૧૧૯ કરોડમાં ડોમ્બિવલી, કોલશેત, મીરા-ભાયંદર અને કાલ્હેરમાં ચાર જેટીના નિર્માણ માટે મંજૂરીનો આદેશ જારી કર્યો હતો. રાજ્યએ ગેટવે ઓફ ઈન્ડિયા નજીક રેડિયો ક્લબ ખાતે નવી જેટીના નિર્માણ માટે ₹૨૨૯ કરોડની મંજૂરી પણ આપી હતી.
કલ્યાણ-વસઈ જળ પરિવહન પ્રોજેક્ટને ‘ક્વિક સ્ટાર્ટ પ્રોજેક્ટ’ તરીકે હાથ ધરવામાં આવ્યો હતો. અગાઉ ચાર જેટી માટે ₹૯૯ કરોડ અને ૬૭ લાખ મંજૂર કરવામાં આવ્યા હતા. ૨૦૨૨-૨૩માં ટેન્ડરો પણ બહાર પાડવામાં આવ્યા હતા, પરંતુ કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. પ્રોજેક્ટ રાષ્ટ્રીય દરજજોધરાવતો હોવાથી, સરકારી અધિકારીઓએ ખર્ચમાં સુધારો કરવા અને નવા ટેન્ડરો લાવવાનો પ્રસ્તાવ મૂક્યો. શુક્રવારે તેને ઔપચારિક મંજૂરી આપવામાં આવી હતી, અને આદેશ જારી કરવામાં આવ્યો હતો.
ડોમ્બિવલી જેટી માટે ₹૨૪ કરોડ ૯૯ લાખ મંજૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ, કોલશેત જેટી માટે, ₹૩૬ કરોડ અને ૬૬ લાખ, મીરા-ભાઈંદર માટે, ₹૩૦ કરોડ અને કાલ્હેર જેટી માટે, ₹૨૭.૭૨ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આદેશ મુજબ રાજ્ય સરકાર, કોસ્ટલ રેગ્યુલેટરી ઝોન અને પુરાતત્વ વિભાગની તમામ પરવાનગીઓ મેરીટાઇમ બોર્ડ દ્વારા લેવામાં આવશે. તેવી જ રીતે, રાજ્યએ શુક્રવારે ગેટવે ઓફ ઈન્ડિયા નજીક રેડિયો ક્લબ ખાતે નવી જેટીના નિર્માણ માટે ₹૨૨૯ કરોડની મંજૂરી પણ આપી હતી. એલિફન્ટ, માંડવા, જેએનપીટી વગેરેના જળ પરિવહન માટે ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે નવી જેટીની દરખાસ્ત કરવામાં આવી હતી, પરંતુ નૌકાદળે તેની સામે વાંધો ઉઠાવ્યો હતો, તેથી રેડિયો ક્લબ ખાતે નવી જેટીની દરખાસ્ત કરવામાં આવી હતી.