સેક્સટોર્શનથી કંટાળેલા રેલવેના કર્મચારીએ ટ્રેન નીચે ઝંપલાવી કરી આત્મહત્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સેક્સટોર્શનથી કંટાળેલા ૩૬ વર્ષના રેલવેના કર્મચારીએ માટુંગા રેલવે સ્ટેશન ખાતે ટ્રેન નીચે ઝંપલાવીને આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. દાદર રેલવે પોલીસે આ પ્રકરણે મહિલા સહિત ત્રણ જણ સામે ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી.
ડોંબિવલી પૂર્વમાં રહેતો વિપુલ પટેલ (નામ બદલ્યું છે) મધ્ય રેલવેના માટુંગા વર્કશોપમાં કામ કરતો હતો. ગયા મહિને પટેલને ફેસબૂક પર મહિલાની ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી, જે તેણે સ્વીકારી હતી. બાદમાં એ મહિલાએ ઑનલાઇન સેક્સને નામે પટેલના અશ્ર્લીલ વીડિયો બનાવ્યા હતા અને તેને બ્લેકમેઇલ કરવા લાગી હતી.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ ન થાય એ માટે પટેલે અજાણી મહિલાના કહેવાથી વિવિધ બેન્ક ખાતાંમાં વખતોવખત રૂ. બે લાખ ટ્રાન્સફર કર્યા હતા. જોકે ત્યાર બાદ પણ મહિલા સહિત ત્રણ જણ પટેલને કૉલ કરીને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને પૈસાની માગણી કરી રહ્યાં હતાં. આથી કંટાળી પટેલે આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો. એ અગાઉ તેણે સ્યુસાઇડ નોટ લખી હતી, જેમાં તેણે ત્રણેયનાં નામનો ઉલ્લેખ કર્યો હતો અને તેમના ત્રાસથી પોતે અંતિમ પગલું ભરી રહ્યો હોવાનું જણાવ્યું હતું.
સ્યુસાઇડ નોટ ખીસામાં રાખીને પટેલ સોમવારે ફરજ પર હાજર થયો હતો. કામેથી છૂટ્યા બાદ તેણે માટુંગા સ્ટેશન ખાતે સીએસએમટી જતી ટ્રેન નીચે ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. આ પ્રકરણે અજાણી મહિલા સહિત ત્રણ જણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું દાદર રેલવે પોલીસ સ્ટેશનનાં સિનિયર ઇન્સ્પેક્ટર સ્મિતા ઢાકણેએ જણાવ્યું હતું.