ચેંબુરમાં ગૅસ સિલિન્ડર બ્લાસ્ટ બાદ ઘર તૂટી પડતાં આઠ જખમી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચેંબુરમાં ચિત્તા કેમ્પમાં બુધવારે સવારના ગૅસ સિલિન્ડર બ્લાસ્ટને પગલે ગ્રાઉન્ડ પ્લસ એક માળના પાંચ ઘર તૂટી પડ્યા હતા. આ દુર્ઘટનામાં આઠ જખમી થયા હતા. તેમાંથી બેની હાલત ગંભીર હોઈ તેમના પર આઈસીયુમાં સારવાર ચાલી રહી છે. તો ૧૧ને બચાવી લેવામાં આવ્યા હતા. ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ ચેંબુર કેમ્પમાં ગોલ્ફ ક્લબમાં ઑલ્ડ બેરેસમાં બુધવારે સવારના ૭.૫૦ વાગે સવારના ગ્રાઉન્ડ પ્લસ એક માળના ઘરમાં ગૅસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા ચારથી પાંચ ઘર તૂટી પડ્યા હતા.ફાયરબ્રિગેડના અધિકારીના જણાવ્યા મુજબ સવારના ગૅસ સિલિન્ડરમાં સ્ફોટ થયા
બાદ પહેલા માળે ફસાયેલા ૧૧ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાં પાંચ લોકો પહેલા માળા ફસાયેલા હતા, તેમને પણ બચાવી લેવામાં આવ્યા હતા.
સવારના ગૅસ સિલિન્ડર સ્ફોટ થયા બાદ ફાયરબ્રિગેડની પાંચ ગાડી, પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટના કર્મચારી વગેરે ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. સિલિન્ડર સ્ફોટને પગલે મકાન તૂટી પડયું હતું. સદ્નસીબે કાટમાળ હેઠળ કોઈ દબાયું નહોતું.
આ દુર્ઘટનામાં આઠ લોકો જખમી થયા હતા. છ લોકોને સારવાર બાદ હૉસ્પિટલથી રજા આપવામાં આવી હતી. બાકીના જખમી પર જુદી જુદી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જખમીઓમાં એક જ પરિવારના ચાર સભ્યો ૨૭ વર્ષના અશોક આંબોરે, ૨૯ વર્ષનો રોહિત આંબોરે, ૫૦ વર્ષના વિકાસ આંબોરે અને ૪૭ વર્ષના સવિતા આંબોરેને સમાવેશ થાય છે. જખમીમાં ૩૫ વર્ષના રાહુલ કાંબળે અને ૨૧ વર્ષના પાર્ટી સિંહ પર આઈસીયુમાં સારવાર ચાલી રહી છે. એ સિવાય ૫૪ વર્ષના મનોજ નિરભવણે ૩૫થી ૪૦ ટકા દાઝવાથી તેમના પર આઈસીયુમાં સારવાર ચાલી રહી છે. ૪૯ વર્ષની સુનંદા નિરભવણે ૮૦ ટકા દાઝવાની સાથે જ હાથ-પગ પર જખમી છે, તેના પર પણ આઈસીયુમાં સારવાર ચાલી રહી છે.