ચૂંટણી પંચમાં ભારે સંઘર્ષ: આગામી સુનાવણી નવ ઑક્ટોબરે
પવાર વિરુદ્ધ પવાર જંગ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચૂંટણી પંચ સમક્ષ એનસીપીના ચિહ્ન અને પક્ષ માટેની લડાઈની પહેલી સુનાવણી શુક્રવારે કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી માટે એનસીપીના સ્થાપક શરદ પવાર જાતે હાજર હતા, બીજી તરફ અજિત પવાર જૂથનો એકેય નેતા આ સુનાવણીમાં હાજર રહ્યો નહોતો. તેમના વતી મનિન્દર સિંહે દલીલો કરી હતી. બીજી તરફ અભિષેક મનુ સિંઘવીએ શરદ પવાર જૂથ તરફથી દલીલો કરી હતી. હવે આગામી સુનાવણી નવ ઑક્ટોબરે રાખવામાં આવી છે.
અજિત પવારે સૌથી પહેલાં જયંત પાટીલની નિયુક્તિ જ ગેરકાયદે હોવાનો દાવો કર્યોહતો. આ ઉપરાંત સૌથી વધુ વિધાનસભ્યોનો ટેકો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. અજિત પવાર જૂથ જ ખરો પક્ષ છે, એવો દાવો પણ તેમણે કર્યો હતો. અજિત પવાર જૂથે વિધાનસભ્યોની સંખ્યાનો દાખલો આપતાં નાગાલેન્ડની વિધાનસભ્યોની સંખ્યા પણ દાખવી હતી. ૫૫ વિધાનસભ્ય અને બે સંસદસભ્ય સાથે હોવાનું અજિત પવાર તરફથી જણાવવામાં આવ્યું હતું. શરદ પવાર પોતાની મનમરજી મુજબ પાર્ટી ચલાવી રહ્યા હોવાનો સૌથી મોટો આક્ષેપ અજિત પવાર જૂથ તરફથી કરવામાં આવ્યો હતો.
શરદ પવાર જૂથ તરફથી અભિષેક મનુ સિંઘવીએ એવી દલીલ કરી હતી કે ઘડિયાળનું નિશાન ચૂંટણી પંચે ફ્રીઝ ન કરવું, તે શરદ પવારના જૂથને આપવું. શરદ પવાર વતી એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે પાર્ટીમાં કોઈ ભંગાણ પડ્યું નથી, પક્ષ એક જ છે. અજિત પવાર જૂથે એવી દલીલ કરી હતી કે પાર્ટી રાષ્ટ્રીય પક્ષ તરીકેનો દરજ્જો ગુમાવી ચૂકી છે, આવી સ્થિતિમાં વિધાનસભ્યોની સંખ્યા એક જ માપદંડ બચે છે. અત્યારે સૌથી વધુ વિધાનસભ્યો અમારી સાથે છે.
પ્રફુલ્લ પટેલ દિલ્હીમાં હોવા છતાં સુનાવણીમાં ન ગયા
ચૂંટણી પંચ સમક્ષ ચાલી રહેલી પાર્ટીના નામ અને ચિહ્નની લડાઈના અત્યંત મહત્ત્વના તબક્કે અજિત પવાર જૂથના સંસદસભ્ય પ્રફુલ્લ પટેલ દિલ્હીમાં હોવા છતાં સુનાવણીમાં હાજર રહ્યા ન હોવાનું જાણવા મળ્યું હતું.
શરદ પવાર સુનાવણી પછી ખર્ગે-રાહુલ ગાંધીને મળ્યા
એનસીપીના સ્થાપક શરદ પવાર ચૂંટણી પંચની સુનાવણી ચાલી રહી હતી ત્યારે ત્યાંથી કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખર્ગેના નિવાસસ્થાને ગયા હતા અહીં કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ આવ્યા હતા. આ ત્રણેય નેતાઓએ બંધબારણે ચર્ચા કરી હતી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ ચર્ચા ‘ઈન્ડિયા’ આઘાડીની આગામી રણનીતિ કેવી હોવી જોઈએ તેના પર આધારિત હતી.
ચિહ્ન ફ્રીઝ ન કરો, અમને આપો: શરદ પવારની કાકલૂદી
એનસીપી પાર્ટીના નામ અને ચિહ્ન પર ચાલી રહેલી સુનાવણી વખતે એનસીપીના સ્થાપક શરદ પવારે ચૂંટણી પંચને પાર્ટીના ચિહ્ન પર જ્યાં સુધી નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી તે ચિહ્ન અમને આપવું, ફ્રીઝ કરવું નહીં એવી માગણી કરી હતી. શરદ પવારની રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે થયેલી પસંદગી જ ગેરકાયદે હોવાનો દાવો અજિત પવાર જૂથ દ્વારા કરવામાં આવ્યો હતો.