જિંદગી કે સફર મેં ગુઝર જાતે હૈ જો મકાં, વો ફિર નહીં આતે
આનંદ બક્ષ્ાીમાં સાહિર, શૈલેન્દ્ર, ગુલઝાર અને જાવેદ અખ્તરનું કોમ્બિનેશન હતું
ફિલ્મનામા -નરેશ શાહ
સની દેઓલની ‘ગદર-ર’ એ બોક્સ ઓફિસના ગાભાં-છોતરાં કાઢી નાખ્યા છે, ત્યારે ર૦૦૧માં આવેલી ‘ગદર: એક પ્રેમકથા’ ફિલ્મની વાતથી શરૂ કરીએ. આ ફિલ્મનાં બે ગીત ફિલ્મફેર એવોર્ડમાં બેસ્ટ સોંગ માટે નોમિનેટ થયા હતા : એક ટ્રક ડ્રાયવર તારાસિંહે ગાયેલું- મૈં નીકલા ગડ્ડી લેકે અને બીજું- ઉડ જા કાલે કાવાં…
… પણ બેસ્ટ સોંગ માટેનો એવોર્ડ મળ્યો ‘લગાન’ના ગીત લેખક જાવેદ અખ્તરને અને તેની જાણ થતાં જ ગદર (તેને બેસ્ટ એકશનનો એવોર્ડ જ મળેલો) ના ગીતકાર આનંદ બક્ષ્ાીનું દિલ તૂટી ગયું. તેમણે પોતાની અંગત ડાયરીમાં નોંધ્યું: ગદર – એક પ્રેમકથા ના મારા ગીત ઉડ જા કાલે કાવાં ને કોઈ એવોર્ડ ન મળ્યો. વરસો પહેલાં પણ આવું થયું હતું ત્યારે હું અને ગાયક મુકેશ ખૂબ રડેલાં. એ વરસે અમારી ‘મિલન’ ફિલ્મને એક પણ એવોર્ડ નહોતો મળ્યો. અમને બન્નેને ખાતરી હતી કે સાવન કા મહિના, પવન કરે શોર માટે અમને બન્નેને જ એવોર્ડ મળશે, પણ અમારી બદલે મેરે દેશ કી ધરતી, સોના ઉગલે… ને એવોર્ડ મળ્યો હતો
તાજા કલમ : આનંદ બક્ષ્ાીને પોતાના ગીત માટે ચાલીસ વખત ફિલ્મફેર એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા, પરંતુ એવોર્ડ માત્ર ચાર વખત (અપનાપન – આદમી મુસાફિર હૈ, એક દૂજે કે લીએ – તેરે મેરે બીચ મેં, ડીડીએલજે – તુજે દેખા તો યે જાના સનમ અને તાલ – ઈશ્ક બીના ક્યા જીના યારોં) જ ફિલ્મફેર એવોર્ડ મળ્યા હતા. લગે હાથોં એ પણ જાણી લો કે- ૧૯૭૦થી ર૦૦રના બત્રીસ વરસના ગાળામાં માત્ર પાંચ જ વરસ આનંદ બક્ષ્ાીએ લખેલાં ગીતો ફિલ્મફેર એવોર્ડની સ્પર્ધામાં સામેલ નહોતા.
હજુ એક પ્રસંગ કહેવો છે
તાજ્જુબ થાય તેવી વાત છે કે દિગ્ગજ ડિરેકટર યશ ચોપરાએ બનાવેલી તમામ સુપરહિટ ફિલ્મોના ગીત સાહિર લુધિયાનવીએ (એ જીવતા હતા ત્યાં સુધી) લખ્યાં હતાં. બન્ને વચ્ચે ગહરી દોસ્તી હતી અને સાહિરની સાહિત્યિક સમજ માટે યશ ચોપરાને આદર હતો. એ જ સાહિરે એક વખત યશ ચોપરાને આનંદ બક્ષ્ાીનો પરિચય કરાવતાં કહેલું કે, બક્ષ્ાી પાસે ગીત લખાવવા જેવું છે. સાદી-સરળ ભાષ્ાામાં ગહન વાત કરવામાં (આનંદ બક્ષ્ાી) માહિર અને સફળ છે…
એ પછી ત્રિશૂલ (અમિતાભ-સંજીવકુમાર) ફિલ્મ ફાઈનલ થતી હતી ત્યારે નિર્માતા ગુલશન રાયે ગીતો માટે આનંદ બક્ષ્ાીનું નામ સૂચવ્યું. મિટિંગ થઈ અને યશ ચોપરાએ બક્ષ્ાીને ગીત લખવા માટે મૌખિક સહમતી આપી દીધી, પરંતુ એ રાતે તેઓ સૂઈ શક્યા નહીં, કારણકે સાહિર લુધિયાનવી કાબેલ-સફળ ગીતકાર ઉપરાંત દોસ્ત પણ હતા. સવારે ઊઠીને યશ ચોપરાએ આનંદ બક્ષ્ાીને ફોન કરીને અવઢવ વ્યક્ત કરીને જણાવ્યું કે તમને ખરાબ લાગશે પણ મારે ત્રિશૂલના ગીત સાહિર પાસે જ લખાવવાં છે…
બેશક, જરાપણ હિચક રાખ્યા વગર તમે સાહિરસાહેબ પાસે ગીત લખાવો. મને જરા ય ખરાબ નહીં લાગે આનંદ બક્ષ્ાીના આ જવાબ પછી આપણને સાહિરે લખેલાં (મૈં તુઝે દૂધ ન બક્ષ્ાુંગી, તુજે યાદ રહે…) ગીત ત્રિશૂલ ફિલ્મમાં જોવા-સાંભળવા મળ્યા હતા. બેશક, સાહિર લુધિયાનવીના અવસાન પછી (૧૯૮૦) યશ ચોપરાએ પોતાની ફિલ્મ (ચાંદની, લમ્હે, દિલ તો પાગલ હૈ)નાં ગીતો આનંદ બક્ષ્ાી પાસે લખાવ્યાં હતાં.
-તો આવા હતા આનંદ બક્ષ્ાી જેમણે (૧૯૩૦-ર૦૦ર) બોંતેર વર્ષ્ામાંથી લગભગ છેંતાલીસ વરસ સુધી ગીતો લખ્યાં અને એવાં ગીતો લખ્યાં, જેણે આપણો ભૂતકાળ રંગીન તેમજ યાદગાર બનાવી દીધો. આનંદ બક્ષ્ાીએ રક્ષ્ાાબંધનથી હોળી, ભાઈબહેનથી પત્ની અને દોસ્ત, ઈશ્કથી ઈમાનદારી, શંકાથી ફિલસૂફી, સૂફીથી કવ્વાલી, વ્યંગથી વેદના અને ટ્રેન (ગાડી બુલા રહી હૈ )થી કાર સુધીના વિવિધ વિષ્ાયો પરનાં ગીતો લખ્યાં. માત્ર લખ્યાં જ નહીં, એ ગીતો અત્યંત મશહૂર પણ થયાં. સાહિર લુધિયાનવી, શૈલેન્દ્ર, ગુલઝારસાહેબ અને જાવેદ અખ્તરનાં ગીતોને ધ્યાનમાં રાખીને કહીએ તો પણ એ સ્વીકારવું રહ્યું કે આનંદ બક્ષ્ાી આ બધાથી અનેક બાબતમાં વ્હેંત આંગળ ઊંચા હતા. તેમનાં ગીતોમાં શૈલેન્દ્રની સાદગી હતી તો સાહિર લુધિયાનવી જેવું ફિલોસોફિલ ઊંડાણ હતું.
ગુલઝારસાહેબની જેમ તેમનાં ગીતો કલાની વિભાવનામાં સામેલ કરી શકાય તેવા હતા તો જાવેદ અખ્તર કરતાં અનેકગણું વિષય વૈવિધ્ય આનંદ બક્ષ્ાીએ લખેલાં ગીતોમાં હતું. માત્ર ફિલ્મોના નામ સાંકળીને તેમણે એક દૂજે કે લિએ ફિલ્મ માટે લખેલું ગીત યાદ કરો: મેરે જીવન સાથી, પ્યાર કિએ જા, જવાની દીવાની, ખૂબસૂરત, જિદ્દી પડોશન… સત્યમ શિવમ સુંદરમ્.
શ્ર્વાસ ચઢી જાય ગાતી વખતે એવું એક રમતિયાળ ગીત તેમણે દો ઔર દો પાંચ ફિલ્મમાં લખેલું: તુને અભી દેખા નહીં, દેખા હૈ તો જાના નહીં, જાના હૈ તો માના નહીં, મુઝે પહેચાના નહીં. દુનિયા દીવાની મેરી, મેરે પીછે પીછે ભાગે, કિસ મેં હૈ દમ યહાં ઠહરે જો મેરે આગે, મેરે આગે આના નહીં, કભી ટકરાના નહીં, કિસી સે ભી હારે નહીં હમ, હમ વો હૈ જો દો ઔર દો પાંચ બના દે…
…પણ આ જ આનંદ બક્ષ્ાી અમર પ્રેમ (ચિનગારી કોઈ ભડકે) અને આપ કી કસમ (જિંદગી કે સફર મેં ગુઝર જાતે હૈ) જેવી ફિલ્મના ગીતો થકી આપણી સમજને અર્થસભર બનાવે તો ૧૯૭૧ પછીની કદાચ એકપણ રક્ષ્ાાબંધન એવી નથી ગઈ કે જેમાં હરે રામ હરે કૃષ્ણ ફિલ્મનું આ ગીત આપણે ન સાંભળ્યું હોય: ફૂલો કા તારોં કા સબ કા કહેના હૈ, એક હજારો મેં મેરી બહેના હૈ…
આ આનંદ બક્ષ્ાીની કલમનો ઓરા છે. રાવલપિંડી (હવે પાકિસ્તાન)માં જન્મીને નેવીમાં જોડાયેલા અને એક વખત નિષ્ફળ થયા પછી ફરી મુંબઈ આવેલા આનંદ બક્ષ્ાીને તો ગાયક બનવું હતું. સંગીતની સૂઝબૂઝ હોવાથી સંગીતકાર બનવાની પણ ઊંડે ઊંડે તેમની ઈચ્છા હતી, પરંતુ ગાયકી અને સંગીતની સમજે તેમને પ્રથમ કોટિના હિન્દી સિનેમાના ગીતકાર બનાવી દીધા. ૩૦મી માર્ચ, ર૦૦રએ તેમણે વિદાય લીધી ત્યારે ‘ગદર: એક પ્રેમકથા’ના ઉડ જા કાલે કાવા માટે એવોર્ડ ન મળ્યો, તેનો ચચરાટ પોતાની સાથે લઈ ગયા, કારણકે એ ગીત એમનું ફેવરિટ હતું. બેશક, તેમનાં સેંકડો ગીતો આપણા પર્સનલ ફેવરિટ છે અને આપણે આનંદ બક્ષ્ાીની જિંદગી કે સફર મેં પસાર થઈ ગયેલાં મકાં ને ફિર સે આ પાનાં પર જીવંત કરવાના છીએ.