મેટિની

યશ ચોપડા: માણસ તરીકે ગમવાનાં કારણો

ડ્રેસ-સર્કલ -સંજય છેલ

કોરોના કાળ બાદ અને નેટફ્લિક્સ હોટસ્ટાર જેવાં ઓટીટી પ્લેટ ફોર્મ પર ઘરે બેસીને મનોરંજન મળે છે, માટે આજે હિંદી ફિલ્મો પહેલાં જેટલી ચાલતી નથી એવામાં યશ ચોપડાનો ભવ્ય આધુનિક સ્ટુડિઓ અને યશરાજ ફિલ્મ્સ આર્થિક ભીંસમાં છે એવી અફવા ઊડી રહી છે, એવામાં યશ ચોપડાનું પ્રદાન અને માણસ તરીકે લાક્ષણિકતાઓ યાદ આવે છે જે હું ‘માણસ’ યશજી વિશે અમુક પાસાં શેર કરવા માગું છું.

નં.૧- યશજીનો કાવ્યપ્રેમ.
હિંદી-ઉર્દૂ સાહિત્યકારોને સમજવાની કે પરખવાની સમજ. યશજીએ (સલીમ-જાવેદ ઉપરાંત) નાટ્યકાર સાગર સરહદી,ઉર્દૂ સાહિત્યકાર રાહી માસૂમ રઝા જેવા સજજ લેખકો અનેક ફિલ્મો પાસે લખાવી.શાયર સાહિર લુધ્યાન્વીનો સાથ યશ ચોપડાએ છેલ્લે સુધી ના છોડયો. છેલ્લા વર્ષોમાં માત્ર યશ ચોપડા જ સાહિર જેવા મિજાજી, મોંધા કવિને નિભાવી શક્યાં. ‘કભીકભી’નાં ગીતો, યશ ચોપડાએ સાહિરનાં કાવ્યસંગ્રહમાંથી પસંદ કરીને લીધેલાં કારણ કે ‘તલ્ખીયાં’ નામનો સાહિરનો કાવ્ય-સંગ્રહ યશજીને મોઢે હતો! સાગર સરહદી જેવા મૂડી લેખકને ‘ચાંદની’, ‘સિલસિલા’ કે ‘કભીકભી’ જેવી રોમેન્ટિક ફિલ્મો લખવા માટે છેક લંડન સુધી ખર્ચા કરીને મોકલે, ત્યાંની શ્રેષ્ઠ હોટેલોમાં રોકાણ કરાવે. ખાવાપીવાનાં શોખીન યશજી લેખકોને પણ એટલાં જ જલસા કરાવે!

નં.૨: નિર્માતા તરીકેનું સાહસ:
પોતાના આસિસ્ટંટોને ફિલ્મમાં બ્રેક આપવાની પરંપરા યશજીએ શરૂ કરી. રમેશ તલવાર, નરેશ મલ્હોત્રા, દીપક સરીનથી લઇને સ્વ.સંજય ગઢવી સુધી અનેકોને ફિલ્મો બનાવવા આપી. રમેશ તલવારને તો ‘ઇપ્ટા’નાં નાટકોમાંથી ઊંચકીને આસિસ્ટંટ બનાવ્યાં, ‘દૂસરા આદમી’ જેવી ફિલ્મ પ્રોડયુસ કરી આપી. આજે પણ યશરાજ ફિલ્મ, જે ડિરેકટરને ત્રણ ફિલ્મ માટે સાઇન કરે છે એમને ફિલ્મો ફ્લોર પર હોય કે નહીં તો યે પગાર રેગ્યુલર આપે છે. જે ડિરેકટરની એક ફિલ્મ ફલોપ ગઇ હોય, એને પણ બીજી ફિલ્મો બનાવવાનો ચાન્સ આપે છે! જે ઇન્ડસ્ટ્રીમાં ફલોપ ફિલ્મ પછી નિર્દેષકને લોકો ફોન કરવાનું પણ બંધ કરી દે છે એવાં સફળતા-પ્રેરિત સંબંધોનાં જંગલમાં યશ ચોપડાએ સદા ખાનદાની દાખવી છે.એટલું જ નહીં, ૧૯૭૮માં કંપનીના ટેકનિશિયનોના લાભાર્થે યશજીએ ‘નૂરી’ નામની ફિલ્મનું નિર્માણ કર્યું. જેમાં નિર્દેશક-લેખક-સંગીતકાર-કેમેરામેન બધાંને પ્રોફિટમાં પાર્ટનર બનાવ્યાં. “નૂરી’ નસીબજોગે સુપરહીટ થઇ અને યશજીએ એ સમયે સૌને નફો પણ આપ્યો! એટલું જ નહીં ૧૫ વર્ષ પછી ‘નૂરી’નાં કેમેરામેન રોમેશ ભલ્લાનું મૃત્યું થયું ત્યારે એની વિધવા પત્ની યશજી પાસે ગઇ અને યાદ અપાવ્યુ કે ‘નૂરી’ના પ્રોફિટનાં પૈસા યશજીએ રમેશ ભલ્લા વતી કશેક ઇન્વેસ્ટ કરેલાં. એના કાગળો ના તો યશજી પાસે હતા ના તો એ વિધવા પાસે. પણ યશજીએ ૧૫ વર્ષ પછી પણ એ વિધવાને તરત જ મોટી રકમ આપી! જયાં ફિલ્મસ રિલીઝ થયાનાં ૧૫ દિવસ પછી નિર્માતા ઓળખવાથી ઇન્કાર કરતાં હોય છે ત્યાં ૧૫ વર્ષ પછી આવી ખાનદાની દેખાડવી,એને કહેવાય ‘ક્લાસ’!

નં.૩: અભિમાન વિનાનો સ્ટાર ફિલ્મમેકર:
યશજી ફિલ્મમેકર તરીકે સૌથી ઇઝી કે સરળ માણસ હતાં.વચ્ચે એક પરિસંવાદમાં એમની જોડે વાત કરતી વખતે મને એમ લાગ્યું જ નહીં કે આટલાં મોટા માણસ સાથે ઉભાં છીએ. મેં કઇંક પૂછયું એના જવાબમાં યશજીએ તરત જ હસીને કહયું, ‘યાર,જિસકી લાસ્ટ ફિલ્મ હિટ હૈ વો સહી’ હૈ. બાકી સબ ગલત! શાહરૂખ ખાને મને અંગત રીતે અનેકવાર કહ્યું છે કે યશજીના શૂટિંગમાં ખબર જ ના પડે કે કામ થઇ રહ્યું છે. પિકનિક જેવું લાગે. ઓછા શોટ્સ, ના વધુ ચર્ચાઓ, ના કેમેરાની ખોટી ગિમીકસ. ૩૫-૪૦ દિવસમાં શૂટિંગ પતી જાય એવું અદ્ભુત હોમવર્ક.

નં.૪: દિલદાર માણસ.
પત્રકારોને છેક સ્વીત્ઝરલેંડ લઇ જવાનો શાનદાર ટ્રેન્ડ પણ યશજીએ શરૂ કર્યો. સ્ટારોનાં કપડાંનાં શોપિંગ માટે ડિઝાઇનરોને વિદેશ મોકલવાનું યશજીએ શરૂ કર્યું. કોર્પોરેટ કંપનીઓ બોલીવુડમાં આવી તે પહેલાં યશરાજ ફિલ્મઝ કોર્પોરેટ કક્ષાની કંપની હતી. મુંબઇમાં ફાઇવસ્ટાર કક્ષાનો એકમાત્ર સ્ટુડિયો “ઢછઋ યશજીનો છે, બાકીનાં સ્ટુડિયો હજીય દાદાસાહેબ ફાળકેનાં સમયનાં જર્જર અને ગંદા છે. આ ઢછઋ સ્ટુડિયો માટે એમણે કરોડોનું રિસ્ક લીધું. જી હાં,અહીં ફિલ્મોમાં કમાઇને એમણે ફિલ્મોમાં જ પૈસા નાખ્યાં.

નં.૬- નાટકોનાં ચાહક
યશજી રંગભૂમિનાં ચાહક. સતત નાટકો જુએ.‘ઇપ્ટા’ની પ્રોગ્રેસીવ મુવમેંટમાં ટેકો આપે. રમેશ તલવાર, ફારૂખ શેખ, અંજન શ્રીવાસ્તવ હોય, એ.કે. હંગલ, મનમોહન ક્રીષ્ણ કે સ્વરૂપ સંપટ..સૌને યશજીએ નાટકોમાંથી ઊંચકયાં.

નં.૭: સંગીતની સંપૂર્ણ સમજ.
સંતુરવાદક શિવકુમાર શર્મા અને બાંસુરીવાદક હરીપ્રસાદ ચૌરસિયાને સાથે લાવીને બોલીવુડને શિવ-હરી નામની સંગીતકારોની જોડી આપી.ખૈયામ જેવા જૂનાં જોગીને “કભીકભી’થી ફરી લોન્ચ કર્યા. મ્યુઝિક-એરેંજર ઉત્તમ સિંઘને વર્ષો બાદ ‘દિલ તો પાગલ હૈ’માં મોટો બ્રેક આપ્યો.. લતાજીનાં નાનાંભાઇ હૃદયનાથ મંગેશકરને”મશાલ’ફીલ્મ વડે હીંદી સિનેમામાં લઇ આવ્યાં. ‘સિલસિલા’માં લેખક જાવેદ અખ્તરને ગીતકાર બનાવ્યાં.૭૩માં ‘દાગ’ ફીલ્મ વખતે ‘સાહિર’નાં મુદ્દે ગીતકાર આનંદ બક્ષીને યશજી સાથે કશુંક મનદુ:ખ થયેલું. પણ ૧૯૮૭-૮૮માં જ્યારે યશજી ‘ચાંદની’ બનાવવાં નીકળ્યાં ત્યારે એ બક્ષી પાસે સામેથી ગયા, માફી માગી અને પછી તો છેલ્લેે સુધી બક્ષીએ યશજી માટે ગીતો લખ્યાં.

નં.૮: યશજીની હિમ્મત
પોતાની જાત પર કન્વિક્શન, પૂરો ભરોસો. ‘લમ્હે’ ફિલ્મ વખતે હું નવોનવો ઇન્ડસ્ટ્રીમાં આસીસ્ટંટ થયો હતો. કોઇકની સાથે ટ્રાયલ શોમાં ઘૂસી ગયેલો. ફિલ્મ જોઇને સૌએ સલાહ આપી કે ફિલ્મનો અંત બદલો,અનીલ કપૂર, મૃત શ્રીદેવી માટે દર વરસે શ્રાદ્ધ કરે છે એને કાઢી નાખો..વગેરે વગેરે..પણ યશજીએ પોતાની અંદરની શ્રદ્ધા પ્રમાણે જ ફિલ્મ બનાવીને કોઇ ચેંજીસ વિનાં રજૂ કરી! જ્યાં ટ્રેન્ડ જોઇને લોકો અભિપ્રાયો બદલે છે, બોકસઓફિસ જોઇને સ્ટાઇલ બદલે છે ત્યાં યશજી પોતાની સાદી સમજ અને સ્ટાઇલના સુલ્તાન હતાં.

કારણ નં.૯ : ફાઇટર ક્વોલીટી.
મોટાભાઇ બી.આર. ચોપડાના હાથ નીચે લગભગ ૨૦ વર્ષ કામ કર્યું એમનાં બેનરમાં ૪-૫ ફિલ્મો પણ બનાવી પણ એક દિવસ બોલાચાલી થઇ અને બી.આર.ફિલ્મમાંથી છૂટા પડયાં ને ચૂપચાપ ગાડી લઇને નીકળી પડયા અને પછી બી.આર.ફિલ્મની ઓફિસથી માત્ર એક જ કિલોમીટર દૂર એક પેટ્રોલપંપ પર પેટ્રોલ ભરાવવા ગયા કારણ કે ત્યાં બી.આર.ફિલ્મનું ખાતું ચાલતું હતું. પેટ્રોલપંપવાળાએ એમને પેટ્રોલ આપવાથી ઇન્કાર કર્યો અને કહ્યું કે હમણાં જ ફોન આવ્યો કે તમે હવે કંપનીમાં નથી રહ્યા. માત્ર પાંચ મિનિટ પહેલાં જે કંપની છોડી, ત્યાંથી આટલી જલ્દી પેટ્રોલપંપ પર ફોન પણ આવી ગયો? અને એ પણ સગા મોટાં ભાઇની કંપનીમાંથી આવું વર્તન? પણ ફિનિકસ પંખીની જેમ યશજી ફરી ઊભા થયાં ને ૫૫ વરસ રાજ કર્યું. સુપર-સ્ટાર રાજેશ ખન્નાની પાર્ટનરશિપમાં યશ-રાજ ફિલ્મઝ શરૂ કરી, ૮૦ના દાયકામાં સતત ૧૦ વર્ષ ૯-૧૦ ફ્લોપ ફિલ્મો આવી, મોટા હીરો એમની ફિલ્મમાં કામ કરતાં અચકાતાં! પણ ‘ચાંદની’ પછી ફરીથી ઉઠીને યશજી હિંદુસ્તાનનાં સૌથી મોટા મૂવી-મુઘલ બન્યાં ને વિધિની વક્રતા જુઓ કે પોતે જ બનાવેલાં પોશ સ્ટુડિયોમાંનાં ડેંગ્યૂના એક મચ્છરે એમને મોત આપ્યું. કહેવાય છે, સિકંદર પણ હિંદુસ્તાનમાં મચ્છરથી જ મરેલો! યશ ચોપડા પણ સિનેમાનાં ‘સિકંદર’ હતાં અને રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button