મેટિની

‘યાર’ સીમા પાર સે… ઓમપ્રકાશની એ યાદગાર સાંજ

સ્ટાર-યાર-કલાકાર – સંજય છેલ

ઓમ પ્રકાશ, તારી ખાન એકવાર ‘અર્જુન’ અને ‘બેતાબ’ જેવી હિટ ફિલ્મોના નિર્દેશક રાહુલ રવૈલ અને બીજા ભારતીય કલાકારો પાકિસ્તાનમાં કરાચીની ટૅક્સીમાં સફર કરતા હતા ને મોટે મોટેથી વાતો કરતા હતા. ત્યારે પાક ટૅક્સીવાળાએ તરત જ ટૅક્સી ઊભી રાખીને કહ્યું:

‘ઊતર જાવ સબકે સબ.. યહાં રેડિયો પર લતા મંગેશકરજી કા ગાના બજ રહા હૈ ઓર આપ લોગ શોર કરતે હો? બડે બદતમીઝ હો!’ સાંભળીને નવાઈ લાગશે કે દુશ્મન દેશની પ્રજામાં ભારતીય કલાકારો માટે આ હદનો આદર હોઈ શકે? હમણાં ભારત-પાક મૅચમાં ભારત શાનદાર રીતે જીત્યું ત્યારે ત્યાંના અમુક (બધા નહીં) પ્લેયરોએ જે રીતે વિરાટ કોહલીનાં વખાણ કર્યાં એ જોઈ થયું કે દુશ્મની ભલે બે દેશ વચ્ચે હોય છે, પણ સામાન્ય પ્રજામાં તો નહીં.

એવી જ બીજી સત્યઘટના હમણાં જાણવા મળી. 1980ની આસપાસ પ્રખ્યાત પાકિસ્તાની ગઝલ ગાયક ગુલામઅલી પહેલીવાર ભારતમાં પ્રોગ્રામ માટે આવેલા. એમની ટીમમાં ‘તારી ખાન’ નામના અફલાતૂન તબલાવાદક પણ હતા. હાસ્ય અભિનેતા જુનિયર મહેમૂદ પણ ગુલામઅલીજીનો કાર્યક્રમ માણવા ગયેલા. ત્યાં પ્રોગ્રામ પછી બધાને મળ્યા બાદ જુનિયર મહેમૂદ અને તારી ખાન વચ્ચે દોસ્તી થઈ થઈ. જુનિયર મહેમૂદે સપ્રેમ તારી ખાનને ઘરે જમવા બોલાવ્યા. ત્યારે વાતવાતમાં, તારી ખાને જુનિ. મહેમૂદને કહ્યું, ‘જુનિયરભાઈ, હું અહીં ફક્ત શો માટે નથી આવ્યો. ખાસ તો મારે હિંદી ફિલ્મ અભિનેતા ઓમ પ્રકાશજીને પણ મળવું છે. તમે મારી મુલાકાત કરાવી શકો?’

જુનિયર મહેમૂદે તો ઓમ પ્રકાશજી સાથે ઘણી ફિલ્મોમાં કામ કરેલું એટલે આ તો નાની વાત કહેવાય, પણ જુનિ. મહેમૂદે પૂછ્યું, ‘તમે કોઈ નહીં ને ઓમ પ્રકાશજીને જ કેમ મળવા માંગો છો?’ જવાબમાં તારી ખાને કહ્યું, ‘લાહોરમાં એમના એક પરિચિતે મને એમને એક પત્ર પહોંચાડવા કહ્યું છે. જો હું આ પત્ર પહોંચાડી શકીશ તો જ મારી ભારતયાત્રા સફળ થયેલી ગણાશે.’

મુંબઈના દાદર વિસ્તારમાં અગાઉ એક ‘રૂપતારા’ સ્ટુડિયો હતો. ત્યાં ઓમ પ્રકાશજીનો એક ફ્લૅટ હતો. ત્યાં ઓમજી એમના મિત્રોને બોલાવીને શૂટિંગ બાદ ક્યારેક પત્તાંપાર્ટી વગેરે રાખતા. બીજા જ દિવસે જુનિ. મહેમૂદ, તારી ખાન સાથે રૂપતારા સ્ટુડિયો પહોંચ્યા. ત્યાં જઈને ઓમજીના સેક્રેટરીને કહ્યું, ‘તમે ઓમજીને મેસેજ આપશો કે જુનિયર મહેમૂદ મળવા માંગે છે.’ સેક્રેટરીએ ઓમ પ્રકાશજીને વાત કરી. ‘જુનિયર મહેમૂદ’નું નામ સાંભળીને ઓમજીએ પંજાબી સ્ટાઇલમાં બૂમ પાડી, ‘અરે ખોત્તેયા, તારે પૂછવાની જરૂર છે? તું ઘરનો માણસ કહેવાય. આવી જા આવી જા.’ જુનિયર મહેમૂદ પહેલાં તારી ખાનને ગેટ પાસે ઊભા રાખીને પહેલાં ઓમજીને મળવા ગયા. એમને પ્રણામ કરીને ઓમજીને કહ્યું, ‘ઓમ અંકલ, મારે તમારું પર્સનલ કામ છે.’ ‘પર્સનલ વાત’ સાંભળીને ઓમજીને લાગ્યું કે કદાચ જુનિયરને પૈસાની જરૂર હશે એટલે તરત ઓમજીએ ખિસ્સામાં હાથ નાખીને કહ્યું, ‘બોલ જુનિયર, કેટલા પૈસા જોઈએ છે?’

‘ના ના. સરજી પૈસા નથી જોઈતા, એક માણસ તમને છેક લાહોરથી મળવા આવ્યો છે.’ ઓમ પ્રકાશજીનો લાહોર સાથે ખૂબ જ ગાઢ સંબંધ. ભાગલા પહેલાં ત્યાંથી જ આવેલા. એક સમયે ઓમજી ‘ઑલ ઈન્ડિયા રેડિયો’ના લાહોર સ્ટેશન પરથી ફતેહદીન નામથી રેડિયો અભિનેતા ને એંકર તરીકે બહુ પ્રખ્યાત હતા. આમ મૂળ તો ઓમ પ્રકાશજી કાશ્મીરી હતા, પણ એમનું બાળપણ લાહોરમાં વીતેલું. ઓમ પ્રકાશજીએ શાસ્ત્રીય સંગીતની તાલીમ પણ ત્યાં જ લીધેલી. જ્યારે જુનિયરે કહ્યું કે લાહોરથી કોઈ એમને મળવા આવ્યું છે એટલે ઓમજી તરત જ ગંભીર થઈ ગયા… એમણે ત્યાં પાર્ટીમાં ધમાલ કરી રહેલા બધા મિત્રોને ચૂપ થઈ જવા કહ્યું અને ત્યાં પત્તાંની રમત પણ બંધ કરાવી.

પછી જુનિયર પેલા તબલાવાદક તારી ખાનને અંદર લઈ ગયા. ઓમ પ્રકાશજીએ તારી ખાનને પૂછ્યું, ‘મને કેમ મળવા માંગો છો?’ તારી ખાને એક પરબીડિયું આપીને કહ્યું, ‘હું તમારા માટે લાહોરથી એક પત્ર લઈને આવ્યો છું.’ ઓમ પ્રકાશજીએ પરબીડિયું હાથમાં લીધું ને પૂછ્યું, ‘કોનો પત્ર છે?’ તારી ખાને કહ્યું, ‘લાહોરના ‘રઝાક ખાન’ નામના એક પ્રખ્યાત વ્યક્તિએ આ પત્ર તમને પહોંચાડવા કહ્યું હતું.’ એ માણસનું નામ સાંભળીને ઓમ પ્રકાશજી તરત જ ભાવુક થઈ ગયા. અચાનક એમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં. ઓમ પ્રકાશજીને આમ રડતાં જોઈને સૌને નવાઈ લાગી, કારણ કે આ પહેલાં કોઈએ હસતાં હસાવતાં ઓમ પ્રકાશજીને આ રીતે અચાનક ધ્રુસકે ધ્રુસકે રડતાં જોયા નહોતા. રડતાં રડતાં ઓમ પ્રકાશજીએ પત્ર મોકલનાર વ્યક્તિ વિશે કહ્યું: ‘એ મારો યાર છે. લાહોરમાં મારો પાડોશી હતો. અમે બાળપણનો ઘણો સમય એકસાથે વિતાવ્યો છે.’

ઓમજીને એમની બચપણની વાતો યાદ આવી ગઈ. જુનિયર સહિત રૂમમાં બેઠેલા બધા લોકોએ રડતાં ઓમજીને શાંત કરાવવાનો પ્રયાસ કર્યો. થોડા સમય પછી, ઓમજી, સ્વસ્થ થયા એટલે તારી ખાનને કહ્યું, ‘દીકરા, તેં મને મારો યાર મેળવી આપ્યો વરસો બાદ.. લાખ લાખ શુક્રિયા.. પણ તારો પરિચય હજી સુધી નથી આપ્યો?’ ‘મારું નામ અબ્દુલ સત્તાર તારી છે.’ ‘તમે શું કરો છો?’ ઓમજીએ પૂછ્યું. ‘સાહેબ, હું તો મામૂલી તબલાવાદક છું. આજે તમને મળીને મને ખૂબ ખુશી થઈ કે હું એક મહાન કલાકારને મળી શક્યો, કારણ કે તમે પણ તો શાસ્ત્રીય સંગીતના સારા જાણકાર છોને?’

ઓમજીએ પૂછયું: ‘એક મિનિટ શું તમે એ જ ‘તારી ખાન’ છો – જે જાણીતા ગઝલગાયક ગુલામઅલી સાથે તબલા વગાડો છે?’ તારી ખાને ઝૂકીને કહ્યું: ‘હા સાહેબ.’ એ સાંભળતાં તો ઓમ પ્રકાશજીએ તારી ખાનને બાઝી પડ્યા અને તારીનાં ખૂબ વખાણ કર્યાં અને કહ્યું કે ‘અરે, હું તો તારો ફેન છું! પછી ઓમ પ્રકાશજી અને તારીએ સંગીતની મહેફિલ જમાવી. આમ એ સાંજ તારી ખાન, જુનિયર મહેમૂદ, ઓમ પ્રકાશજી અને મહેમાનો માટે હંમેશની યાદગાર સાંજ બની ગઈ. ખરેખર, આજના વાતાવરણમાં કોઈને આવી વાત ગમે કે ના ગમે, પણ કલાકારોને ક્યાં કોઈ સીમા નડતી હોય છે?!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button