શબ્દો પાસે અર્થ હોય ને મન પાસે અર્થઘટન!

અરવિંદ વેકરિયા
જે કર્મને સમજે છે એને ધર્મ સમજવાની જરૂર નથી એ વાત લાંબે ગાળે ઈમ્તિયાઝ પટેલ માટે કેવી સાચી પડી તે આગળ ઉપર આવશે. હજી તો શરૂઆત થવાની હતી. મારું મન ‘બોલ્ડ’ વિષય ઉપર નાટક કરવા માટે તૈયાર થવા અચકાતું હતું. ડોલર પટેલે જે ‘જ્ઞાનની ગોળી’ મને ખવડાવી એના પરથી મને થોડે ઘણે અંશે લાગ્યું કે હા, નાટક કરવાનું મારું કામ છે પછી વિષય કોઈ પણ હોય, ચેલેન્જ સમજીને સ્વીકારી લેવું જોઈએ. ડોલરે આ વાત મને કરી એની પાછળ એનો ‘બોલ્ડ’ નાટક કરવાનો સ્વાર્થ ભલે હોય, પણ એની વાત 100% સાચી તો હતી. ‘હરણફાળ’ તો હીટ થયું, પણ એ પહેલાં બોલ્ડ બનાવ્યાં પછી ‘વાત મધરાત પછીની’ સુપર-હીટ થયું જ. જે નાટક ‘છાનું છમકલું’ના નામે સુપર-ફ્લોપ થઈ ગયેલું. ઠીક છે, પ્રથા નહી, શ્રદ્ધા મહત્ત્વની રાખી આગળ વધવાનો વિચાર કરી લીધો. લોકોને ‘ગલગલિયા’ભર્યા સંવાદો ખૂબ ગમે છે એ ‘વાત મધરાત..’માં સાબિત થઈ ચૂકી હતી. મને થયું કે લોકોને ક્યુરિયોસિટી-ઉત્સુકતા બહુ ઉત્તેજિત કરતી હોય છે. મારે એનું ધ્યાન રાખી ‘નાગાઈ’ને દૂર રાખવી પડશે.
ખેર, ઈમ્તિયાઝ પટેલે મને સ્ક્રિપ્ટ તો પહોંચાડી દીધી. મેં વાંચવા લીધી તો અક્ષરો તો વંચાયા, પણ લખાણ વાંચ્યા પછી એને ધરમૂળથી બદલવાની જરૂર લાગી. વધુપડતાં બોલ્ડ વાક્યો અને જે રીતે સીન વિઝ્યુલાઈઝ કરેલો એ વધુપડતો ‘ઉઘાડો’ હતો… લખાણમાં ભલે શબ્દો હતા, પણ કેવા? નાટકની જા.ખ.માં જાહેર તો કરવું પડે કે ‘કેવા પ્રકારનું આ નાટક છે’. શુદ્ધ શાકાહારી કહીને નોન-વેજીટેરિયન થાળી તો ન જ પીરસાય ને? શબ્દો પાસે અર્થ હોય પણ અર્થઘટન તો મન પાસે જ હોય અને ‘આ’ પ્રકારના આવતા પ્રેક્ષકો અર્થઘટન એ જ દિશામાં કરવાનાં…
બીજા દિવસથી મેં ઈમ્તિયાઝને મારે ઘરે બોલાવવાનું શરૂ કર્યું અને નાટકનું ક્રાફટિંગ જેટલું મેં અનુભવે શીખેલું એ એને સમજાવવાનું શરૂ કર્યું. જો હું નોકરીથી સમયસર ઘરે પહોંચું તો નવા બનેલા મારા અંદરના રૂમમાં બેસી જઈએ. એ સમયે એનો લંગોટિયો દોસ્ત હતો, દિલીપ ભાટિયા. ઈમ્તિયાઝ એને લાડમાં ‘દિલો’ કહીને બોલાવતો. આર્ટિફિશિયલ જ્વેલરીનો ધીકતો ધંધો હતો એનો. ટૂંકમાં ખમતીધર પાર્ટી. એની પાસે કાર તો હતી, સ્કૂટર પણ હતું. સ્કૂટર જાણે ઈમ્તિયાઝ માટે જ હોય એવું મને લાગતું. ઈમ્તિયાઝને જ્યાં દોડવું હોય ત્યાં દિલો એના સ્કૂટર સાથે હાજર હોય. હું સમય જણાવું કે એનો ‘સ્કૂટર-રથ’ મારે ઘરે હાજર હોય. એકવાર પત્ની ભારતીએ થેપલાં ખવડાવ્યાં પછી એની ઇચ્છા થાય ત્યારે એ હકથી માગી લે એવી દોસ્તી થઈ ગયેલી. એક વસ્તુ તો હતી કે એની વાતમા ગજબનું ખેંચાણ હતું. જીભમાં મીઠાશ હતી. કહે છે ને કે માણસનું અડધું સૌન્દર્ય એની જીભમાં હોય છે.
ઈમ્તિયાઝનું એવું જ હતું. ધીમે ધીમે અમે સીન પ્રમાણે નાટક તૈયાર કરતા ગયા. એનો ઉત્સાહ અને ધગશ એટલાં કે આગલે દિવસે કહ્યું હોય એ રીતે લખીને બીજે દિવસે હાજર. ‘બોલ્ડનેસ’ને લિમિટમાં રાખવા એ વિશે મેં એને ઓશોની વાત કરેલી. ઓશો માનતા કે માણસની હંમેશા વિજાતીયની ઢાંકી રાખેલી વસ્તુ પાછળ ‘શું’ હશે એ જાણવાનું કુતૂહલ હોય છે. એના વાંચેલા લખાણમાં કંઈ એવું હતું કે સ્ત્રીના ઉભાર ઢંકાયેલા હોય છે એ પાછળ કેવું સૌન્દર્ય છુપાયું છે એ જાણી લેવાની તાલાવેલી હોય છે. એમણે એ પણ લખેલું કે આદિવાસી ગામડાઓમાં, ત્યાંની સ્ત્રીઓ બ્લાઉઝ પહેરતી જ નથી. એને એક રૂટિન તરીકે લોકો જોવા ટેવાઈ જાય પછી કોઈ કામેચ્છા જાગતી જ નથી.. મેં ઈમ્તિયાઝને એ જ વાત કરી કે, ‘તું હીરોઈનને દસ કપડાં પહેરાવ, ભલે બોલ્ડ બનાવવા આપણે નવ કપડાં કઢાવી નાખીએ, પણ દસમું તો પહેરેલું જ હોય. નવ કપડાં જે હીરોઈન કાઢે એ દરમિયાન પ્રેક્ષકોને જે ‘ટેમટેશન’ થાય એ આપણી જીત હશે. વિજાતીયની જે વસ્તુ ઢંકાય એ જાણી લેવાની ઇચ્છા પ્રબળ હોય એ સ્વભાવમાં હોય છે. પ્રેક્ષકો સાથે આ જ રમત રમવાની… આમ કરવાથી ‘ઉઘાડા’ થવાથી દૂર રહી શકાય. માણસ રમકડાંથી વધુ કંઈ નથી, કોઈ એનાં દિલથી તો કોઈ મગજથી રમતાં હોય છે. આપણે એમની ઉદ્ભવતી કામેચ્છાને પંપાળવાની છે.’
ઈમ્તિયાઝ બરાબર કહ્યા પ્રમાણે લખી લાવતો. પહેલું જ નાટક હતું કદાચ એટલે વધુ દલીલમાં પણ ઊતરતો નહી. પહેલો અંક લખાઈ ગયા પછી અમે નિર્માતા ડોલર પટેલ પાસે પણ જઈ આવ્યા. નાટકનો અનુભવ નહિ, પણ એને સમજ ખરી. એણે ઘણા ઊલટ-સૂલટ સુઝાવ કહ્યા. પછી લટકામાં કહ્યું, ‘દાદુ, તમે ડિરેક્ટર છો.. તમને યોગ્ય લાગે એમ જ કરજો.’ પ્રથમ અંક વંચાવી/વાંચી અમે નીકળ્યાં. ઈમ્તિયાઝ થોડો ઢીલો પડી ગયો. મને પૂછ્યું: ‘આ બધા સુધારા કરવા પડશે?’ મેં કહ્યું, ‘એણે કહ્યુંને કે ડિરેક્ટર તરીકે મારે નક્કી કરવાનું છે. એક વાત ધ્યાનમાં રાખ કે બીજાના અભિપ્રાય પર જીવવું સ્વાસ્થ્ય માટે સિગારેટ કરતાં પણ વધુ હાનિકારક છે.’
હા, ડોલર પટેલનાં એક-બે સૂચન માન્ય રાખીને એ સુધારવા મેં ઈમ્તિયાઝને કહી દીધું. આ રીતે પ્રથમ અંક તૈયાર થઈ ગયો. નક્કી કરેલું કે બીજો અંક લખાઈ ન જાય ત્યાં સુધી કાસ્ટિંગ વિશે વિચારવું નથી. બીક તો હતી કે કલાકાર ગમે તેટલા ખુલ્લા વિચાર ધરાવતા હોય, પણ પ્રેક્ષકો સામે આવા વિષય સાથે આવવાની હિંમત ઘણા ઓછામાં હોય છે, ખાસ તો નવોદિતોને તૈયાર કરવા પડે, મને નવા કલાકારો સાથે કામ કરવાનો ગજબનો ઉત્સાહ હોય છે. હું પણ એક દિવસ ‘નવો’ જ હતો ને? ગુરુની મહેરબાની કે જેમણે મારો હાથ પકડી દિશા બતાવી. શિખામણમાંથી કદાચ રસ્તા મળે, પણ દિશા તો ભૂલ કરવાથી જ મળે. ખબર નહીં ગાંધીબાપુને મારી સાથે કઈ વાતનું ખોટું લાગ્યું છે… એ ખિસ્સાંમાં ટકતા જ નથી.