ફિલ્મ મેકિંગમાં મહિલા મંડળ
ફોકસ – હેમા શાસ્ત્રી
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મહિલાલક્ષી ફિલ્મોને છેલ્લાં પાંચ વર્ષમાં બોક્સ ઑફિસ પર ભાગ્યે જ સફળતા મળી છે એ પરિસ્થિતિમાં એક જ છત્રછાયા હેઠળ નવ મહિલા ડિરેક્શન પર હાથ અજમાવી રહી છે
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે આ વર્ષ અત્યંત લાભદાયી સાબિત થયું છે. બોક્સ ઑફિસ પર સફળ થયેલી પ્રથમ ૧૦ ફિલ્મની યાદીમાં શાહરૂખ ખાનની ‘પઠાન’ અને ‘જવાન’ તેમજ સની દેઓલની ‘ગદર-૨’ અધધ સફળતાને વરી છે એ વાત સાચી, પણ અન્ય ફિલ્મો સુધ્ધાં ૧૦૦ કરોડથી વધુ વકરો કરવામાં સફળ રહી છે એ પણ એટલી જ સાચી વાત છે. આ યાદીની ખાસ નોંધ લેવા જેવી વાત એ છે કે બે ફિલ્મ એવી છે જેમાં સીધી યા આડકતરી રીતે મહિલાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એક છે વિપુલ અમૃતલાલ શાહ નિર્મિત ‘ધ કેરળ સ્ટોરી’ અને બીજી છે એકતા કપૂર નિર્મિત ‘ડ્રિમ ગર્લ ૨’. મહિલાઓના ધર્મ પરિવર્તનના મુદ્દાને કેન્દ્રમાં રાખી બનેલી ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ની ફરતે ઊભા થયેલા વિવાદને સ્પર્શ્યા વિના એક વાત સ્વીકારવી જ રહી કે આ ફિલ્મ ફાંકડી સફળતા મેળવી શકી હતી અને રોકાણ સામે વળતરને ધ્યાનમાં લેતા તો નિર્માતાને બખ્ખા થયા હતા. આયુષ્માન ખુરાના-અનન્યા પાંડેની ડ્રિમ ગર્લ’ રૂઢ અર્થમાં મહિલાલક્ષી ફિલ્મ નથી, પણ પુરુષ પોતાનું સપનું સાકાર કરવા સ્ત્રી બને છે એટલે આડકતરી રીતે એને મહિલાલક્ષી ફિલ્મ કહી શકાય ખરી. આ સિવાય ‘સર મેડમ સરપંચ’, ‘થેન્ક યુ ફોર કમિંગ’ તેમજ ‘સજીની શિંદે કા વાયરલ વિડીયો’માં પણ ફોકસ મહિલા પર જ છે. પહેલી ડિસેમ્બરે મેઘના ગુલઝારની ‘સેમ બહાદુર’ વિશે પણ ખાસ્સી ઉત્સુકતા છે. અલબત્ત દર્શકોને કઈ ફિલ્મ માથા પર મૂકી નાચશે અને કઈ ફિલ્મને ઊંડી ખાઈમાં ફગાવી દેશે એ સમજવું અશક્ય છે. આ પરિસ્થિતિમાં અર્થપૂર્ણ ફિલ્મો સાથે સંકળાયેલી રહેતી ભૂમિ પેડણેકરે કહેલી વાતની નોંધ લેવી જોઈએ.
અભિનેત્રીનું કહેવું છે કે બોક્સ ઑફિસ પર સારી સફળતા મેળવનાર છેલ્લા મહિલાલક્ષી ફિલ્મ કરીના કપૂર અને સોનમ કપૂરની ‘વીરે દી વેડિંગ’ (૨૦૧૮) હતી. ભૂમિના આ વિધાન પરથી એવું માની શકાય કે તે ‘કેરળ સ્ટોરી’ને મહિલાલક્ષી ફિલ્મ નથી માનતી. ભૂમિ પોતાની વાતનો વિસ્તાર કરતા જણાવે છે કે કોવિડ – ૧૯ની મહામારીને પગલે લૉકડાઉન આવ્યા પછી મહિલા પ્રધાન ફિલ્મોના બજેટમાં ઘણી કાપકૂપ આવી ગઈ. આ વાત ભૂમિએ તેની ‘થેન્ક યુ ફોર કમિંગ’ રિલીઝ થઈ ત્યારે કરી હતી. વાત એમ છે કે ‘વીરે દી વેડિંગ’ની નિર્માત્રી રિયા કપૂર હતી અને ‘થેન્ક યુ ફોર કમિંગ’ની નિર્માત્રી પણ રિયા કપૂર જ છે. ‘વીરે દી વેડિંગ’ને સફળતા (વિશ્ર્વભરનો વકરો ૧૩૦ કરોડ રૂપિયા) મળ્યા પછી મહિલાને કેન્દ્રમાં રાખી વધુ ફિલ્મો બનશે એમ માનવામાં આવતું હતું, પણ લૉકડાઉનને કારણે બધું ખોરવાઈ ગયું. જોકે, ગયા વર્ષે રિલીઝ થયેલી સંજય લીલા ભણસાલીની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ રૂઢ અર્થમાં મહિલાલક્ષી ફિલ્મ નહીં ગણાતી હોય પણ એમાં કેન્દ્ર સ્થાને મહિલા અને એની સમસ્યા જ છે. આ ફિલ્મ ૨૦૦ કરોડથી વધુ વકરો કરવામાં સફળ રહી હતી. અલબત્ત અંતે તો ફિલ્મની કથા દર્શકોને સ્પર્શે એ
મહત્ત્વનું છે.
આ વાતાવરણમાં એક અચરજ પમાડે એવી જાણકારી મળી છે. શાહરૂખ-સલમાન હજી બોક્સ ઑફિસ છલકાવી દેવાનું સામર્થ્ય ધરાવતા હોય ત્યારે પુરુષના આધિપત્યવાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક પ્રોડક્શન હાઉસ દ્વારા નવ મહિલા ડિરેક્ટરની નવ ફિલ્મની જાહેરાત આંખોને વિસ્ફારિત કરવા પૂરતી છે.
પ્રોડક્શન હાઉસની સ્થાપક કેતકી પંડિત કહે છે કે ‘સિનેમા જગતમાં નવો વિચાર, અલગ પ્રકારની કથા અને અગાઉ રજૂ ન કરવામાં આવ્યા હોય એવા મુદ્દાને પ્રાધાન્ય આપવામાં આવશે.’ આ નવ ફિલ્મમાંથી આઠ ફિલ્મ પહેલીવાર ડિરેક્શન કરનારી મહિલાની હશે. આશ્ર્ચર્યનો માહોલ ઊભી કરનારી એ નવ ફિલ્મ છે કૃતિ કપૂરની ‘સોરી નોટ સોરી, નિહારિકા સાહનીની ‘લવ ખટોલા’ (દિલીપકુમાર નિમ્મીની ‘ઉડન ખટોલા’ યાદ આવી ગઈ), શ્રુતિ અનંદિતા વર્માની ‘વૃંદાવન’, વિદુષી સૂદની ‘ઘોસ્ટિંગ’, સોનમ સિંહની ‘બ્લેમ ઈટ ઓન ધ રેઇન્સ’, સાઈ દેવધરની ‘બીના શક્કર કી ચાય’, સુચિત્રા કૃષ્ણમૂર્તિની ‘અપ્પા’. શ્રાવણી દેવધરની ‘ફાલુદા’ અને કેતકી પંડિતની ‘ઓ વુમનિયા’નો સમાવેશ થાય છે. આ ફિલ્મો કેવી છે અને દર્શકો તરફથી એને કેવો આવકાર મળે છે એ તો આવનારો સમય જ કહેશે, પણ એસ્થે નવ મહિલા દિગ્દર્શિકા ફિલ્મ મેકિંગમાં ઝંપલાવે એ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે અનન્ય ઘટના જરૂર કહેવાય.
હિન્દી ફિલ્મો જોવાના શોખીન દર્શકો પુરુષ-મહિલા એવો ભેદભાવ નથી કરતા. પસંદ ન પડે તો શાહરૂખની ‘ઝીરો’ (૨૦૧૮)ને શૂન્યમાં ખપાવી દે છે અને હૃદયને સ્પર્શી જાય તો ગ્લેમર વિનાના કલાકાર અને અજાણ્યા દિગ્દર્શકની ‘બધાઈ હો’ (૨૦૧૮)ને એવી વધાવી લે છે કે ન પૂછો વાત. અલબત્ત પ્રેક્ષકો કોને વધાવશે અને કોને ફગાવશે એનો જવાબ તો પ્રેક્ષક જ જાણે.