ઢૂંઢો રે સાજના સ્ત્રી, સાલાર ઔર કલ્કિ! ક્લેપ એન્ડ કટ..!

-સિદ્ધાર્થ છાયા
કશું સમજમાં ન આવે અથવા તો કોઈ જવાબ ન આવડે તો ‘ગૂગલ કરી લેવું’ એ હવે સામાન્ય પ્રવૃત્તિ બની ગઈ છે. દરેક વાતે જવાબ આપતું ગૂગલ આપણે ત્યાં ‘ગૂગલ બાબા’ તરીકે પણ ઓળખાય છે. જો બધી વાત લોકો ગૂગલ બાબાને પૂછ-પૂછ કરતા હોય તો આપણી ફિલ્મો વિશે ફેન્સની ઉત્કંઠા પણ કેમ બાકી રહી જાય?
૨૦૨૪ પૂરું થઈ રહ્યું છે એટલે કાયમની જેમ ગૂગલ બાબાને આ વર્ષે પણ જે ફિલ્મો વિષે સહુથી વધુ પ્રશ્ર્નો પૂછવામાં આવ્યા છે એનું એક લિસ્ટ જાહેર થયું છે. આ લિસ્ટમાં ‘સ્ત્રી-૨’ મોખરે છે. આમ પણ આ ફિલ્મે ‘પુષ્પા-૨’ આવ્યા પહેલાં બૉક્સ ઑફિસના ઘણા બધા રેકોર્ડ્સ તોડ્યા જ હતા એટલે તેનું ટોચ પર રહેવું જરાય આશ્ર્ચર્ય પમાડે તેવું નથી.
બીજા નંબરે પ્રભાસની બે ફિલ્મ એટલે કે ‘સાલાર’ અને ‘કલ્કિ’ને સંયુક્ત રીતે સ્થાન મળ્યું છે. ભલે આ બંને ફિલ્મોમાં પ્રભાસની ‘એક્ટિંગ’ વિષે ટીકાનો વરસાદ વરસ્યો હોય, પણ એના વિશે ગૂગલ પર ખાસ્સી પૂછપરછ થઈ છે એ હકીકત છે.
ગૂગલના આ ટોપ ટેન સર્ચ રિઝલ્ટમાં જે વાત ઊડીને આંખે વળગે છે તે એ છે કે ફિલ્મરસિકો દક્ષિણની ફિલ્મો વધુ સર્ચ કરી રહ્યા છે. ઉદાહરણ તરીકે ‘સાલાર’ અને ‘કલ્કિ’ દક્ષિણની ફિલ્મો છે આ ઉપરાંત ‘હનુ-મેન’(પાંચમા સ્થાને), ‘મહારાજા’ (છઠ્ઠા), ‘મંજુમ્મલ બૉયઝ’ (સાતમા), ‘ધ ગ્રેટેસ્ટ ઑફ ઑલ ટાઈમ’ (આઠમા) અને ‘આવેશમ્’ (દસમા) વિશે જાણવા ગૂગલ બાબાને સહુથી વધુ તકલીફ આપી છે.
હિન્દી ફિલ્મોની વાત કરીએ તો ‘સ્ત્રી-૨’ ઉપરાંત ‘ટ્વેલ્થ ફેલ’ ત્રીજા, અને ‘લાપતા લેડીઝ’ ચોથા સ્થાને આવી છે. જો આખા વર્ષની ભારતની ટોચની દસ ફિલ્મ અંગેની ઉત્કંઠામાં ફક્ત ત્રણ જ ફિલ્મો બોલિવૂડની હોય તો બોલિવૂડ માટે એ ચિંતાનો વિષય જરૂર છે.
Also read: લગ્નનાં ત્રીસ વર્ષ પૂરાં કરવાની એ.આર. રહમાનની ઇચ્છા ન થઈ પૂરી: ૨૯ વર્ષ બાદ લીધા ડિવોર્સ
‘પુષ્પા-૨’નો ટેસ્ટફૂલ સુરતી લોચો?
ના ભાઈ ના! બૉક્સ ઑફિસ પર ટંકશાળ પાડી રહેલી અલ્લુ અર્જુનની ‘પુષ્પા-૨’ એ કોઈ લોચો નથી માર્યો, પરંતુ સુરતમાં એણે એક નવા પ્રકારનો વિક્રમ સર્જ્યો છે, જે સુરતી લોચાની જુદી રીતે યાદ અપાવે છે. સુરતી લોચો જેમ ગરમાગરમ ખાવાની જ મજા આવે એ જ રીતે સુરતમાં દર્શકોને ‘પુષ્પા-૨’ સળંગ અડતાળીસ કલાક માટે ગરમાગરમ પીરસવામાં આવી હતી.
ન ખ્યાલ આવ્યો? ચાલો સમજીએ. આમ પણ આ ફિલ્મની ડિમાંડ એટલી બધી ઊંચી હતી કે દેશનાં ઘણાં બધાં શહેરોમાં એક્સ્ટ્રા શો ગોઠવવા પડ્યા હતા. અમુક શહેરોમાં તો મિડ-નાઈટ શો પણ ફિક્સ થયા હતા અને મધરાતે પણ પબ્લિક ‘ઝૂકેગી નહીં’ કહીને તૂટી પડી હતી.
હવે પબ્લિકનો આટલો જબરો ક્રેઝ જોઈને સુરતના એક થિયેટર દ્વારા ગત શનિવારે સવારથી માંડીને સોમવાર સવાર સુધી ‘પુષ્પા’ના નોન-સ્ટોપ શો આયોજિત કરવામાં આવ્યા હતા. આમ સુરતી લોચાની માફક સુરતીલાલાઓને સતત બે દિવસ સુધી આ ‘પુષ્પા-૨’ નામની મસાલેદાર વાનગી પીરસવામાં આવી હતી. રેકોર્ડ બુકવાળાઓ કદાચ આવનારા દિવસોમાં આ ઘટનાને પોતાની રેકોર્ડ બુકમાં જમા કરી લે તો નવાઈ નહીં!
હવે આ ઉંમરે ધરમ પા’જીએ કોર્ટમાં જવું પડશે?
ધર્મેન્દ્રસિંહ દેઓલ એટલે કે ધર્મેન્દ્રએ હાલમાં જ એમનો જન્મદિવસ ઊજવ્યો. હજી તો ધરમ પા’જી ૮૯ વર્ષના થયા ત્યાં જ એવા સમાચાર આવ્યા કે એમના પર દિલ્હીની કોર્ટમાં એક કેસ નોંધવામાં આવ્યો છે.
વાત જાણે એમ છે કે દિલ્હીના કોઈ સુશીલ કુમારે દિલ્હીના કનોટ પ્લેસ અને હરિયાણાના મુરથલમાં આવેલા ‘ગરમ ધરમ ઢાબા’ની ઝળહળતી આર્થિક સફળતા જોઈ. સુશીલ કુમારે આ સફળતા જોઈને ઉત્તર પ્રદેશમાં આ ગરમ ધરમ ઢાબાની ફ્રેન્ચાઇઝી લેવા માટે ત્રણ લોકોને ૪૧ લાખ રૂપિયા આપ્યા. જે ત્રણ લોકોનાં નામ એ કોન્ટ્રેક્ટમાં છે તેમાં ધર્મેન્દ્ર પણ સામેલ છે.
હવે સુશીલ કુમારનો આરોપ છે કે ૨૦૧૮માં ધર્મેન્દ્ર તરફથી આવેલી એક વ્યક્તિએ પૈસા તો લઈ લીધા, પરંતુ ધર્મેન્દ્ર સહિત આ ત્રણેયએ એમને હજી સુધી ફ્રેન્ચાઈઝી નથી આપી. એમણે જે ચેક આપ્યો હતો એ ચેક પણ પેલા લોકોએ રોકડો કરી લીધો હતો.
દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ધર્મેન્દ્ર અને અન્યો વિરુદ્ધ સમન્સ કાઢતાં જણાવ્યું છે કે આ તમામ વિરુદ્ધ પ્રથમદર્શી કેસ બને છે. ધરમ પા’જીને હવે આ મામલે, આ ઉંમરે, ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૫ના દિવસે કોર્ટમાં હાજર થવાનો હુકમ કરવામાં આવ્યો છે. જોઈએ, હવે ધર્મેન્દ્ર પા’જી ગેરહાજર રહીને પણ ત્યાં પોતાની ‘હાજરી’ પૂરાવે છે…
Also read: વિશેષ : કૅન્સરની સારવાર બાદ હવે એની સાઇડ-ઇફેક્ટ્સ મ્યુકોસાઇટીસથી પીડાઇ રહી છે હીના ખાન
કટ એન્ડ ઓકે..‘અનુજનું પ્રકરણ હવે પૂરું થઈ ગયું છે…’
(‘અનુપમા’ સિરિયલમાં અનુજ કાપડિયાના પુનરાગમન વિશે થઈ રહેલી ચર્ચાના જવાબમાં આ પાત્ર ભજવનારા ગૌરવ ખન્નાની સ્પષ્ટતા.)