વિકીમાં કૌશલ ભારોભાર છે
નવી અપેક્ષાઓ સાથે થિયેટરમાં આવનારા સિને રસિકો માટે અભિનેતા વૈવિધ્યપૂર્ણ ભૂમિકાઓ સાથે હાજર થવા થનગની રહ્યો છે
વિશેષ – હેન્રી શાસ્ત્રી
રાજકુમાર હિરાણીની ‘ડંકી’માં ડંકા ભલે વાર્તા, દિગ્દર્શન અને શાહરૂખના વાગ્યા, પણ વિકી કૌશલના પર્ફોર્મન્સની પણ ઘંટડી વાગી અને ડંકાના અવાજમાં ઘંટડીનો અવાજ દબાઈ ન ગયો, સ્પષ્ટ મધુર ધ્વનિ દરેક કાન સુધી પહોંચી હૃદયને ઝંકૃત કરી ગયો. વિકી કૌશલને લાંબી રેસનો ઘોડો બધા અમથું નથી કહેતા એ તેણે સાબિત કરી દીધું છે. અગ્નિની સાક્ષીએ એ ખરો ઉતર્યો છે, ‘ડંકી’માં સુખી (વિકી કૌશલનું પાત્ર)ના આગની જ્વાળામાં લપેટાયેલા દ્રશ્યની ખુદ રાજકુમાર હિરાણીએ તારીફ કરી છે. સોને પે સુહાગા જેવી વાત એ છે કે સિંગલ ટેકમાં લેવાયેલા આ એક્શન સીનનું સંચાલન વિકીના પિતાશ્રી અને સ્ટન્ટ ડિરેક્ટર શામ કૌશલે કર્યું હતું. બાપની નજર સામે અને એમની કોશિશથી બેટો અગ્નિ પરીક્ષામાં ખરો ઊતર્યો, રૂઢ અર્થમાં અને સૂક્ષ્મ અર્થમાં. સુખીના પાત્રમાં વિકી નો અભિનય જોયા પછી ફિલ્મમેકરોની નજરમાં એનું સ્થાન ઊંચું ગયું હશે એમાં બેમત નથી.
૨૦૨૩નું વર્ષ દીપિકા પાદુકોણની માફક વિકી કૌશલ માટે પણ સંતોષ અને ગૌરવ આપનારું રહ્યું છે. વિકિની ચાર ફિલ્મ રિલીઝ થઈ: ‘જરા હટ કે જરા બચ કે’, ‘ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી’, ‘સેમ બહાદુર’ અને ‘ડંકી’. એમાંથી યશરાજ ફિલ્મ્સની ‘ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી’ બોક્સ ઓફિસ પર ઊંધા માથે પટકાઈ, પણ બાકીની ત્રણેય ફિલ્મ ૧૦૦ કરોડથી વધુ વકરો કરવામાં સફળ રહી છે. લક્ષ્મણ ઉતેકરની ‘જરા હટ કે જરા બચ કે’ રોમેન્ટિક કોમેડી હતી. સારું ઘર મેળવવા સંઘર્ષ કરતા કપિલ દુબેના રોલમાં વિકી દર્શકોને પસંદ પડ્યો. મેઘના ગુલઝાર ડિરેક્ટર હોય અને સેમ માણેકશા જેવું કદાવર પાત્ર હોય ત્યારે ફિલ્મના (સેમ બહાદુર) કૌવત વિશે ભાગ્યે જ કોઈને શંકા હોય, અને વિકી કસોટીમાં સાંગોપાંગ ખરો ઉતર્યો. જોકે, ફિલ્મની પ્રશંસા કરનારા સાથે એની ટીકા કરનારા સુધ્ધાં હતા, પણ વિકીની વાહ વાહ સાગમટે થઈ. બોક્સ ઓફિસ પર ધમાલ સાબિત થયેલી રણબીર કપૂરની ‘એનિમલ’ની સાથે જ ‘સેમ બહાદુર’ રિલીઝ થવા છતાં એ અફળાઈ નહીં, બલકે ભારત ઉપરાંત વિદેશમાં મળી બજેટથી બમણો વકરો કરવામાં એ સફળ રહી. મહત્ત્વની વાત એ છે કે ફિલ્મને જે સફળતા મળી છે એમાં વિકીની ઍક્ટિંગનું યોગદાન ૫૧ ટકાથી વધારે છે. યાદ કરો શાહરુખની ‘ઓમ શાંતિ ઓમ’ અને રણબીર કપૂરની ‘સાંવરિયા’ એક જ દિવસે રિલીઝ થઈ હતી. શાહરુખની ફિલ્મને દર્શકોએ માથે ચડાવી હતી જ્યારે રણબીરની ફિલ્મથી લોકોએ મોઢું ફેરવી લીધું હતું. ‘ડંકી’માં તો રાજકુમાર હિરાણી વિકીને લેવાના નહોતા. બન્યું એવું કે ‘ડંકી’ ના એક્શન ડિરેક્ટર શામ કૌશલ ફિલ્મની સ્ટોરી સાંભળવા હિરાણીની ઓફિસે ગયા હતા. કામની વાત ગયા પછી શામજીએ ફિલ્મના કલાકારો વિશે પૂછ્યું ત્યારે રાજકુમાર હિરાણીએ કહ્યું કે ‘આમ તો બધા નક્કી થઈ ગયા છે, સુખીના પાત્ર માટે એક્ટર હજી નક્કી નથી થયો. વિકી હોત તો મજા પડત, પણ નાનકડા રોલ માટે એને નથી કહેવું.’ ઘરે જઈ પિતાશ્રીએ પુત્રને વાત કરી અને રાત્રે જ વિકીએ ડિરેક્ટરને ફોન કર્યો અને બીજે દિવસે તો તેણે ફિલ્મ સાઈન પણ કરી લીધી. રાજકુમાર હિરાણીએ કહ્યું કે ’સારું થયું કે વિકીએ સુખીનો રોલ કર્યો. કુશળ અભિનેતા પાત્રને વધુ ઊંચાઈએ લઈ જાય છે. સુખીના પાત્રમાં વિકીએ લાજવાબ અભિનય કર્યો છે. વિકી માટે તો પ્રશંસાનો પુલ કહેવાય. ૨૦૨૩ માટે ખુદ વિકી કહે છે ‘એક્ટર તરીકે વધુ ચેલેન્જિંગ રોલ કરવા છે. આ વર્ષના પરફોર્મન્સ અને એનો પ્રતિસાદ જોયા પછી મારી ભૂખ વધુ ઉઘડી છે.’
૨૦૨૪નું વર્ષ પણ વિકી માટે યાદગાર સાબિત થાય એવી સંભાવના ભારોભાર છે. એની ત્રણ ફિલ્મ રિલીઝ થશે જેમાંથી બે ફિલ્મના ડિરેક્ટર છે લક્ષ્મણ ઉતેકર. ‘ટપાલ’ અને ‘લાલબાગચી રાણી’ જેવી મરાઠી ફિલ્મો કરનાર લક્ષ્મણની હિન્દી સવારી શરૂ થઈ ‘લુકા છુપી’થી. વિકીની ‘જરા હટ કે જરા બચ કે’નો દિગ્દર્શક પણ લક્ષ્મણ ઉતેકર જ હતો. ૨૦૨૪માં લક્ષ્મણની ‘છાવા’ અને ‘લુકા છુપી ૨’માં વિકી કૌશલ લીડ રોલમાં છે. એમાંય ‘છાવા’તો પિરિયડ ડ્રામા છે જેમાં અભિનેતા છત્રપતિ સંભાજી મહારાજના રોલમાં જોવા મળશે. વિકી ઈચ્છે છે એવી પડકારરૂપ ભૂમિકા છે. ત્રીજી ફિલ્મ છે કરણ જોહરના ‘ધર્મા પ્રોડક્શન’ની ‘મેરે મેહબૂબ મેરે સનમ’ જેમાં ‘એનિમલ’ ફિલ્મથી ખૂબ ગાજેલી તૃપ્તિ ડિમરી અને સાન્યા મલ્હોત્રા પણ જોવા મળશે. મોટા બેનર વિકી સાથે કામ કરવા ઉત્સુક છે. એકંદરે ૨૦૨૪નું વર્ષ વિકી માટે ૨૦૨૩ની સફળતાનું પુનરાવર્તન કરે છે કે કેમ એ તો દર્શકો નક્કી કરશે, પણ અભિનયમાં એ જે નવા શિખરો સર કરવા માગે છે એ કોશિશમાં એ સફળ રહેશે એવું જરૂર લાગે છે.