મેટિની

જગતભરના દર્શકો-વિવેચકોએ કેમ વધાવી અણુબોમ્બના શોધકની અ-જાણી કથા કહેતી આ ફિલમને?!

તાજેતરમાં જે ફિલ્મ પાંચ પાંચ ‘ગોલ્ડન ગ્લોબ’ અવોર્ડ મેળવી ગઈ છે એ ફિલ્મ ઓપનહાઈમરનું અહીં આપણે કરીએ ઍકશન રિ-પ્લે..

ડ્રેસ-સર્કલ -ભરત ઘેલાણી

ફિલ્મ ડિરેકટર ક્રિસ્ટોફર નિલોન
બહુ પ્રતિષ્ઠિત ‘ઓસ્કર અવોર્ડ્સ ’ આવું આવું થઈ રહ્યા છે ત્યાં લગભગ એ જ કક્ષાના પારિતોષિક તરીકે જેની ગણના થાય છે એવાં ખ્યાતનામ ‘ગોલ્ડન ગ્લોબ અવોર્ડસ ’ આ અઠવાડિયે જાહેર થઈ ચૂકયા છે અને વિવેચકો- દર્શકોને અમુક અંશે ખાત્રી હતી એ બહુચર્ચિત ફિલ્મ ‘ઓપનહાઈમર’એ વિવિધ કેટેગરીમાં કુલ પાંચ ગોલ્ડન ગ્લોબ-૨૦૨૪’ અવોર્ડસ જીતીને બાજી મારી લીધી
આ ફિલ્મને બેસ્ટ મોશન પિકચર -ડ્રામાના અવોર્ડ સાથે ડિરેકટર ( ક્રિસ્ટોફર નોલ) – બેસ્ટ એકટર ( સિલિયન મર્ફી) – બેસ્ટ સ્પોર્ટિંગ એકટર – બેસ્ટ ઓરિજનલ સ્કોરનાં પણ પારિતોષિક પણ મળ્યા.

આ તો આ વર્ષના લેટસ્ટ્ બ્રેકિંગ ન્યૂઝ ગણાય,પરંતુ ગયા વર્ષે જુલાઈ ૨૦૨૩માં આ ફિલ્મ રજૂ થઈ લગભગ એ ગાળામાં આપણે ત્યાં દર્શકો હજુ વ્યાધિપુરુષ બની ગયેલા ‘આદિપુરુષ’ ફિલ્મના વિવાદમાંથી બહાર નથી આવ્યા.એ વખતે હોલીવૂડમાં ત્રણ ફિલ્મોએ જબરી જિજ્ઞાસા જગાડી હતી. . આ ફિલ્મો હતી. ટોમ ક્રૂઝની લેટેસ્ટ ‘મિશન ઈમ્પોશિબલ-સેવન’ – ‘બાર્બી’ અને ‘ઓપનહાઈમર’ આ ત્રણેય ફિલ્મ બોકસ ઑફિસ પર ગાજી, પણ સૌથી વધુ ધ્યાન ખેચ્યું હતું એક સાવ નોખી કથા લઈને આવેલી ફિલ્મ: ‘ઓપનહાઈમર’એ…
એના દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલન પોતાની ફિલ્મોના વિષયોની આગવી રજૂઆત કરવા માટે જગવિખ્યાત છે. એની અગાઉની ફિલ્મોમાંથી કેટલીક ,જેમકે: ફોલોઈંગ- ડ્ન્કર્ક- મેમેન્ટો- ડાર્ક નાઈટ- ઈન્સેપ્શન અને ઈન્ટરસ્ટેટ્લ, ઈત્યાદિ તો એના વેગળા વિષય અને વેગળી રજૂઆતને લીધે વિવેચકો અને દર્શકોને હંમેશાં વિશેષ પસંદ પડી હતી.

ક્રિસ્ટોફર નોલને એની આ પાંચ અવોર્ડ વિજેતા ફિલ્મ ‘ઓપનહાઈમર’માં પરમાણુ બોમ્બ બનાવનારા વિજ્ઞાની ઓપનહાઈમરના જીવનની અજાણી કથા-વ્યથા દર્શાવી છે.

આ ફિલ્મ ૨૦૦૫માં પ્રગટ થયેલ પુસ્તક પર આધારિત છે એની વાત પણ આપણે જાણવી જરૂરી છે. અણુ-વિજ્ઞાનિક ઓપનહાઈમરની જીવનકથા લેખક માર્ટિન શેરવિન લાંબા સમયથી લખી રહ્યા હતા. ૭૦ હજાર ડૉલરના કરાર મુજબ શેરવિને એ પુસ્તક પાંચ વર્ષમાં પૂરું કરવાનું હતું , પણ વચ્ચે પોતે એ કથામાં એવા અટવાયા કે એ પુસ્તક પૂરું જ નહોતું થતું અને વર્ષો વીતતાં ગયાં. આખરે શેરવિને પોતાના એક લેખક મિત્ર કાય બર્ડનો સાથ લઈને ઢગલાબંધ ઈન્ટરવ્યૂઝ અને પત્રો જેવાં ૫૦ હજારથી વધુ દસ્તાવેજોને ફંફોળીને એ પુસ્તક ‘સમાપ્ત’ કર્યું ત્યારે ૨૫ વર્ષ વીતી ગયાં હતાં!
બીજી તરફ, પ્રતિષ્ઠત ‘પુલિત્ઝર અવોર્ડ’ વિજેતા આ પુસ્તક (‘અમેરિકન પ્રોમેથિયસ’)ની કથાવસ્તુ વિશે ડિરેકટર ક્રિસ્ટોફર નોલેનને જાણ હતી. વિષય પણ એની તાસીર મુજબનો જ હતો. એણે વિવાદાસ્પદ અણુ-વિજ્ઞાની કથા પરથી બાયોપિક-જીવનકથા બનાવવાનો નિર્ણય કરી લીધો પછી ૭૦૦થી વધુ પૃષ્ઠોના પુસ્તક પરથી ૧૮૦ પાનાંની સ્ક્રિપ્ટ-પટકથા તૈયાર કરી. આ ફિલ્મ એક વગોવાયેલા અણુ-વિજ્ઞાનીના જીવનની અમુક સત્યઘટના પર આધારિત છે. એ પણ એવી ઘટનાઓ પર, જેણે વિશ્ર્વના-અમેરિકાના ઈતિહાસનો પ્રવાહ પલટાવ્યો પણ છે. એ બધા ભયસ્થાનથી વાકેફ ક્રિસ્ટોફરે કલાકારોની કાસ્ટિંગ નક્કી કરતાં કરતાં ફિલ્મનાં તબક્કાવાર શૂટિંગનો પ્રારંભ પણ કરી દીધો.

આ ફિલ્મમાં અગત્યનાં પાત્રો ભજવતાં કલાકારો પણ નીવડેલાં છે. આમાં આઠથી વધુ ઑસ્કર અવોર્ડસ વિજેતા અને એ અવોર્ડ માટે નામાંકિત થયેલા કલાકારો છે. ફિલ્મમાં ઓપનહાઈમરની મુખ્ય ભૂમિકા ભજવી છે કિલિયન મર્ફીએ. એ તો લાંબાં સમયથી ક્રિસ્ટોફરની અન્ય ફિલ્મોમાં લીડ રોલ માટે સ્ક્રિન ટેસ્ટ આપી ચૂક્યો હતો, પણ એને ત્યારે હીરોના રોલ મળ્યો નહીં. ‘ઓપનહાઈમર’ ફિલ્મ માટે પણ એણે સ્ક્રિન ટેસ્ટ આપ્યો ને આખરે ક્રિસ્ટોફરે એને ઓપનહાઈમરની અટપટી ભૂમિકા માટે પસંદ પણ કર્યો.. અને આ ભૂમિકા માટે એને હમણાં જ ‘બેસ્ટ એકટર’ તરીકે ‘ગોલ્ડન ગ્લોબ’ અવોર્ડ પણ મળ્યો..!

અણુ-વિજ્ઞાનિક જુલિયસ રોબર્ટ ઓપનહાઈમરની જીવનકથા ઈતિહાસને અનેક અણધાર્યા વળાંક દઈ શકે એવી રોચક છે. અચાનક રાતોરાત બધાનો હીરો બની જતો એક માણસ કઈ રીતે અણધાર્યો જગતનો સૌથી બદનામ આદમી બની જાય છે એની અહીં વાત છે.

બીજું વિશ્ર્વયુદ્ધ જીતવું
હશે તો એક એવું શસ્ત્ર બનાવવું પડશે કે જેનાથી ચપટી વગાડતાં જ દુનિયાને વશમાં લઈ શકાય. આના માટે અમેરિકાએ ‘મેનહટ્ટન પ્રોજેકટ’ના કોડ સાથે અણુ-પરમાણુ બોમ્બ બનાવવા માટે એક કાર્યક્રમ ઘડી કાઢ્યો. એની બધી જ જવાબદારી જુલિયસ ઓપનહાઈમરે સ્વીકારીને અમેરિકાની સરકાર માટે જોઈતો અણુબોમ્બ બનાવી આપ્યો. અમેરિકાએ એનો ઉપયોગ જાપાન પર કરીને દુનિયાને ચોંકાવી દીધી. એ વખતે અણુધડાકાની તારાજી જોઈને વ્યથિત થયેલા ઓપનહાઈમરે વિખ્યાત વિજ્ઞાની આઈન્સ્ટાઈનનો સાથ લઈને ખુદ અમેરિકાની અણુશસ્ત્રોની નીતિ-રીતિનો વિરોધ કર્યો ત્યારે શરૂઆતમાં અણુબોમ્બના સર્જક ઓપનહાઈમરને ‘વીર’ તરીકે વધાવનારું અમેરિકા, પણ હિરોસીમાની અપૂર્વ તારાજી અને માનવસંહારથી સ્તબ્ધ બનેલા દુનિયાની તીવ્ર પ્રતિક્રિયા જોઈને પલટી મારી. અમેરિકાની સરકારે વિજ્ઞાની ઓપનહાઈમરને રશિયાની કહેવાતી જાસૂસી જાળમાં ફસાવીને એને માત્ર બદનામ જ નહીં, એની પાછળી જિંદગી બદતર કરી નાખી.

જો કે છેલ્લે છેલ્લે ઓપનહાઈમરને પ્રેસિડન્ટ કેનેડી અને અનુગામી સરકારો તરફથી કેટલાંક પ્રતિષ્ઠિત અવોર્ડસ પણ એનાયત થયા. નોબલ પારિતોષિક માટે એનું નામ બે વાર સૂચવવામાં પણ આવ્યું . આમ છતાં, આખરે ૧૯૬૭માં ઓપનહાઈમર ‘જાલીમ હત્યારા’ની કાળી ટીલી સાથે જ કેન્સરથી મૃત્યુ પામ્યો.

જ્યારે આ અણુ-વિજ્ઞાનીની જીવનકથા અવોર્ડ વિજેતા ફિલ્મ પર આલેખનારા ક્રિસ્ટોફર નોલનની ઓળખ વિશ્ર્વફિલ્મના ફલક પર એક અલગારી સર્જક તરીકે છે. જેને ખરા અર્થમાં શોર્ટ કહી શકાય એવી એ ફિલ્મો નથી બનાવતો, પણ એની સરેરાશ ફિલ્મો લાંબી પણ નથી હોતી. એ ફિલ્મમાં દ્રશ્યોના નિરર્થક સાથિયા નથી પૂરતો. મૂળ કથાનક પર સીધો આવે છે.
એની પ્રથમ ફિલ્મ ‘ફોલોઈંગ’ માત્ર ૬૯ મિનિટની હતી. અત્યાર સુધીમાં એની સૌથી લાંબી ફિલ્મ ‘ઈન્ટરસ્ટેલર’ ૧૬૯ મિનિટની હતી, પણ એની આ નવી- છેલ્લી ફિલ્મ આગલા બધા રેકોર્ડ તોડી રહી છે. ૧૦ કરોડ ડૉલરના ખર્ચે બનેલી ‘ઓપનહાઈમર’ ૩ કલાકથી વધુ લાંબી છે..!

ફિલ્મનિર્માણ વિશે કોઈ પણ જાતના વ્યવસ્થિત શિક્ષણ વગર માત્ર પોતાનાં નિરીક્ષણ અને અનુભવોથી શીખેલો ક્રિસ્ટોફર નોલન આજના આધુનિક ફિલ્મઉદ્યોગનો સૌથી બહેતરીન અને સૌથી સફળ ફિલ્મસર્જક ગણાય છે. જો કે આજના આ ડિજિટલ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના યુગમાં એ અતિ આધુનિક સાધન કે સુવિધા એ ભાગ્યે જ વાપરે છે. એને ફિલ્મ સર્જતી વખતે ઈૠઈં અર્થાત ‘કમ્પ્યુટર જનરેટેડ ઈમેજ્નરી’નો ઉપયોગ પસંદ નથી. એ હાઈ ફાઈ કેમેરા વાપરવાને બદલે મોટા ફોર્મેટ (ઈંખડ-૭૦ ખખ)માં એણે તાજી ફિલ્મ ઓપનહાઈમર શૂટ કરી છે… એટલું જ નહીં, ફિલ્મનો અમુક સમયગાળો કે તબક્કા દર્શાવવા એણે ઘણાં દ્રશ્યો બ્લેક એન્ડ વ્હાઈટમાં પણ શૂટ કર્યાં છે. આના માટે ‘કોડાક’ કંપનીએ વર્ષો પછી ફરી એક વાર ક્રિસ્ટોફર નોલને માટે ખાસ બ્લેક એન્ડ વ્હાઈટ્ના કાચા રોલ્સનો જથ્થો તૈયાર કરી આપ્યો હતો…!

આજનો કોઈ દિગ્દર્શક હોત તો એણે અણુધડાકાનાં દ્રશ્યો કમ્પ્યુટરગ્રાફિકની સહાયતાથી પરદા પર સહજતાથી પેશ કર્યાં હોત, પણ ‘ઓપનહાઈમર’માં ક્રિસ્ટોફરે ન્યૂ મેક્સિકોના અફાટ રણમાં એનાં રાબેતા મુજબના કેમેરાથી એ અતિ અગત્યનો ‘અણુધડાકો’ કરીને દર્શકો-વિવેચકોની દાદ મેળવી લીધી છે!

આમ તો પોતે આધુનિક સુવિધા-સાધનનો કે આજની મોડર્ન વિચારધારાનો જરાય પણ વિરોધી નથી એવો ક્રિસ્ટોફર આજનો સ્માર્ટફોન વાપરતો નથી. એ સાદો ફોન જ વાપરે છે અને કહે છે: ‘મારો રોજિંદા વાતચીતનો વ્યવહાર આ ફોનથી બરાબર કામ ચાલે છે પછી સ્માર્ટફોનની શું જરૂર છે..?!’ ( સંપૂર્ણ )

‘ઓપનહાઈમર’ ફિલ્મમાં આપણા દર્શકોને શું ન ગમ્યુ?
આ ફિલ્મ એની ચૂસ્ત પટકથા-રજૂઆત અને અભિનયને કારણે બધાને ખૂબ ગમી ગઈ હતી. રૂપિયા ૧૦ કરોડ ડૉલરના ખર્ચે બનેલી આ ફિલ્મનું વિશ્ર્વભરનું બોકસ ઑફિસ કલેકશન હતું ૬૫૦ કરોડ ડૉલર..!
હા, સંસ્કૃતનો અભ્યાસુ એવો આ અણુ વિજ્ઞાનિક ઓપનહાઈમર ફિલ્મના એક બેડરૂમ સીનમાં ગીતાનો એક સંસ્કૃત શ્ર્લોક એની નગ્ન ગર્લ ફ્રેન્ડને વાંચી સંભળાવે છે એ દ્રશ્ય સામે ભારતીય દર્શકોએ સત્તાવાર નારાજી પ્રગટ કરી હતી ખરી…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button