મેટિની

કોણ ચઢે માનિકદા કે પછી મૃણાલબાબુ?

થોડા મહિના પહેલાં સત્યજિત રાયની ૧૦૨મી જન્મજ્યંતીની ઉજવણી થઈ અને મૃણાલ સેનની ૬ઠ્ઠી મરણતિથિ આગામી ૩૦ ડિસેમ્બરના છે. . બંગાળના આ બે દિગ્ગજ ફિલ્મ સર્જકની હંમેશાં સરખામણી થતી રહે છે તો એ ખરેખર એકમેકના સ્પર્ધક હતા કે માત્ર સમકાલીન? આવો, જાણી લઈએ

ડ્રેસ-ર્સકલ -ભરત ઘેલાણી

બંગાળીમોશાયની એક ખાસિયત નોંધવા જેવી છે. રોજિંદા જીવનમાં એ ડગલે ને પગલે સરખામણી કરતા રહે. આમ જૂવો તો સરખામણી કરવી-એકબીજા સાથે તુલના કરવી કંઈ ખોટું નથી,પણ બંગાળીઓમાં ઘણી વાર આવી તુલનાનો અતિરેક પણ થઈ જાય. અમુક વાર તો એમની ચર્ચા તો તમારા વિસ્તારના ફ્લાણા દાકતરબાબુ કરતાં તો અમારા પાડા (વિસ્તાર)ના ઢીંકણા દાક્તર વધુ સારા..!’ એવી સામાન્ય વાત સુધી પણ પહોંચી જાય !

જો કે , અહીંના ઊચ્ચ અભ્યાસુ લોકો પણ કોલેજ સ્ટ્રીટના કોફીહાઉસમાં એક કોફીના પ્યાલા પર આવી સરખામણીમાં કલાકો કાઢી નાખે. આ ઐતિહાસિક કોફીહાઉસના અડ્ડા પર ખુદ સત્યજિતબાબુ અને મૃણાલદા પણ બેઠક જમાવતા.અહીં ઘણી વાર સ્થાનિક રાજકારણથી લઈને ઈન્ટરનેશનલ ફિલ્મ્સ ફેસ્ટિવલ અને લોકલ ફૂટબોલ ટીમ મોહનબગાનથી માંડીને ફૂટબોલ વર્લ્ડ ચેમ્પિયન બ્રાઝિલ સુધી તુલના થાય ત્યારે એમની દલીલોમાં એક હીરો અને એક વિલન ન હોય. એમને મન બન્ને સરખા. દરેક ક્ષેત્રમાં એમનાં બે માનીતા હોય. એમની સરખામણીમાં એક સારો ને બીજો નઠારો એવો ભાવ નહીં,પણ એક ગમતી અને વધુ ગમતી વ્યક્તિ વચ્ચેની વાત હોય-તુલના હોય. મને જે પસંદ છે એ નાયક ને તમને ગમે છે એ ‘ખલનાયક’ એવું પણ નહીં. હા, ‘મને તો મારો આ ગમે છે… તમને તમારો મુબારક !’ એવો ભાવ- પ્રતિભાવ ચોક્કસ આપે.

જેમ બંગાળના રવી ઠાકુર એટલે કે રવીન્દ્રનાથ ટાગોરનો પરિચય આપવાનો ન હોય એવું જ સત્યજિત રેનું છે. વિશ્ર્વવિખ્યાત સિનેસર્જક સત્યજિત રે (બંગાળીમાં ‘રાય’)નું હુલામણું નામ માનિકદા. આવા માનિકદા જેવા અવ્વલ સર્જકને તાજેતરમાં કાન્સ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં સન્માનપૂર્વક યાદ કરવામાં આવ્યા. ૧૯૭૦માં રજૂ થયેલી એમની બહુચર્ચિત ફિલ્મ ‘પ્રતિદ્વંદ્વી’ પણ રજૂ થઈ.
માનિકદાની સ્મૃતિમાં એમની એક ટૂંકી વાર્તા પરથી સ્ટોરી ટેલર’ નામની ફિલ્મ પણ બની છે. થોડા મહિના પહેલાં દક્ષિણ કોરિયાના ફિલ્મ ફેસ્ટિવલમાં વખણાયેલી પરેશ રાવલ અભિનિત આ ફિલ્મની કથાવસ્તુ બડી રસપ્રદ છે. કોઈ એક શ્રીમંતને અનિન્દ્રા સતાવે છે એટલે એ કોઈને રોજ વાર્તા સંભળાવવ માટે બોલાવતો હોય છે. મૌલિક વિરુદ્ધ તફડંચીની ચર્ચા કરતી આ ફિલ્મમાં દર્શકોને પ્રશ્ર્ન પુછાય છે :

મહત્ત્વ કોનું વધુ – વાર્તા કે વાર્તાકારનું ?!

 આમ તો માનિકદાના ફિલ્મસર્જન વિશે વિશ્ર્વભરમાં અઢળક લખાયું છે-ચર્ચાયું છે અને હજુય લખાતું-ચર્ચાતું રહેશે. આમ છતાં, આપણે ત્યાં   સત્યજિત રે એટલે કે માનિકદા-ઋત્વિક ઘટક અને મૃણાલસેન જેવા સમકાલીન સર્જકો  વચ્ચે અવારનવાર સરખામણી અગાઉ થતી  ને હજુ આજે પણ થાય છે. જીવનની વાસ્તવિકતાને ઋત્વિક  તેજાબી શૈલીમાં રજૂ કરતા.(ફિલ્મો: મેઘે ઢાકા તારા- કોમલ ગાંધર-અજાનત્રિક-સુવર્ણરેખા,વગેરે)  માનિકદા પણ વાસ્તવિક સિનારિયો- દારુણ ગરીબીને અદ્લોદલ  પરદે પેશ કરતાં,પણ એમની વાતમાં અંતે  હંમેશાં આશા ઝળહળતી (પાથેર પાંચાલી-અપરાજિતો-જ્લસાઘર- ચારુલતા,નાયક, ઈત્યાદિ).

મૃણાલબાબુ થોડા પાછળથી આવ્યા,પણ પોતાની ફિલ્મો ( ભુવાન શોમ – મૃગિયા-કોલકાતા ૭૧-પદાતિક-એક દિન પ્રતિ દિન,ઈત્યાદિ) દ્વારા બંગાળી યુવાનોની સમકાલીન સમસ્યા,જેમકે બેકારી-નક્સલવાદને લઈને આવ્યા.એ જમાનાના યુવાનો-એન્ગ્રી યંગમેનના આક્રોશને આગવી રીતે રજૂ કર્યા.

માનિકદા ખુદ જેમની ફિલ્મોને વધાવતા એવા ઋતિક ઘટક જેવા અલગારી સર્જકે શરાબના વધુ પડતા સેવન અને ટીબીને કારણે માત્ર ૫૧ વર્ષે વિદાય લીધી. એ પછી માનિકદા અને મૃણાલબાબુની જાહેરમાં સીધી સરખામણી થવા માંડી કે કોણ ચઢે?

આમ તો મૃણાલ સેન ફિલ્મ ક્ષેત્રે પ્રવેશ્યા એ પહેલાં સત્યજિતબાબુનું નામ -કામ વિશ્ર્વ ફિલ્મ ફ્લક પર જાણીતું થઈ ગયું હતું. સદ્ભાગ્યે, ગુજરાતી ફિલ્મ કંકુ’ના સર્જકમિત્ર કાંતિલાલ રાઠોડની સાથે પત્રકાર તરીકે મને માનિકદા અને મૃણાલબાબુને નજીકથી ઓળખવાની-મુલાકાત લેવાની તક મળી છે. એ બન્ને સર્જક એકમેકની સિદ્ધિને સલામ કરતા.એક્બીજા માટે પૂરતો આદર હતો એ નજરોનજર જોયું ને એમને સાંભળ્યાં પણ છે.

ભારતીય તેમજ વિશ્ર્વ સિનેમાના વિશેષ ખબર-અંતર રાખતા મુંબઈના અગ્રણી અભ્યાસુ અમૃત ગંગર પણ આ બન્ને બંગ ફિલ્મ સર્જકોથી સારા એવા પરિચિત . સત્યજિત રાયના કલાવિશ્ર્વ વિશે અમૃતભાઈનું એક વિશેષ પુસ્તક: દૃષ્ટિ ભીતરની..’ થોડા મહિના પહેલાં પ્રગટ થયું છે .(આ પુસ્તક વિશે વિસ્તારથી ફરી ક્યારેક..)

અમૃતભાઈ કહે છે કે માનિકદા- ઋત્વિક ઘટકના સંબંધ બહુ ગાઢ. ઋત્વિકજીનાં ફિલ્મને લગતાં બે યાદગાર પુસ્તકની એવી જ નમુનેદાર પ્રસ્તાવના ખુદ સત્યજિત રેએ આલેખી છે. બાકી ઋત્વિક ઘટક- માનિકદા કે મૃણાલબાબુ જેવાં દિગ્ગજ ફિલ્મ સર્જકોમાં એકમેકથી કોણ ચઢિયાતું એવી ચર્ચા અર્થહીન છે!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…