મેટિની

સફેદ ચહેરો (પ્રકરણ-૨૧)

‘તમારી ડેનીએ કિરણ બનીને મારા દોસ્તને છેતર્યો છે. કિરણ વાસ્તવમાં એક જાસૂસ હતી અને તે પ્રેમનું નાટક કરતી હતી. એ વાતની ખબર જ્યારે મારા દોસ્તને પડશે ત્યારે એનું માસૂમ કાચ જેવું હૃદય ભાંગીને ચૂરેચૂરા થઈ જશે…’

કનુ ભગદેવ

(ગતાંકથી ચાલુ)
‘હવે બસ કરો દેસાઈભાઈ ! કહેતો અચાનક ધીરજ હાથમાં રિવોલ્વર સાથે અંદર આવ્યો. એને સજા કરવાનું કામ હવે કાનૂન પર છોડી દો…’
દેસાઈભાઈ બોલ્યો : ‘તમે…. તમે લોકો?’
ધીરજે કહ્યું: ‘તમારી મદદ માટે આવ્યા છીએ.’
‘આભાર બંધુઓ…! સાવચેત રહેજો આના શરીફ જાદાઓ. ઘણા બધા નીચે છે.’
‘ચિંતા ન કરો.’ સુનીલ બોલ્યો, ‘અમે એ સૌને હાલરડાં સંભળાવી દીધાં છે…’
‘થેંક યુ… ઉપાધિ… ઉપાધિ… ભારે કરી…’ અને પછી કંઈક યાદ આવ્યું હોય એમ બોલી ઊઠ્યો : ‘દિવાકરને કેમ છે?’
‘ઘણું જ સારું! પહેલાં કરતાં એની તબિયત ઘણી સુધારા પર છે. કદાચ હવે એકાદ દિવસમાં જ ભાનમાં આવી જશે…’
‘થેંક યુ…’ એ એક ખુરશી પર ફસડાઈ ગયો.

સુનીલે આગળ વધીને રમણદેસાઈને બેડી પહેરાવી દીધી…


‘તો તમે છેવટે પોલીસના પંજામાં આવી ગયા દેસાઈભાઈ!’ બમનજી કટાક્ષ કરતો બોલ્યો.
‘મિ. બમનજી ! ’ ધીરજ બોલ્યો, ‘છનાભાઈ તથા વિદ્યાનાં ખૂનોમાં એનો કોઈ જ હાથ નથી. ખૂનો રમણદેસાઈએ કર્યાં છે, અને એ માટે એણે દેસાઈભાઈને ફસાવવા માટે પ્લાન બનાવ્યો હતો. મારી તથા સુનીલની સામે એણે આ વાત કબૂલ કરી છે. એટલું જ નહીં એણે દેસાઈભાઈના ખૂનનો પ્રયાસ કર્યો પણ હતો. દેસાઈભાઈની લાશને તે એના જ મકાનના પાછલા ભાગમાં દાટી દેવા માગતો હતો. એણે ત્યાં તૈયાર કરાવેલી કબર મોજૂદ છે.’
‘પરંતુ શા માટે?’
‘રંગપુરની જમીનદારી હાંસિલ કરવા માટે ! અહીંયા જે કોલસાની ખાણ છે, એની પાકી તપાસ ભૂસ્તરશાસ્ત્રી કરી ચૂકયા છે, મિ. બમનજી! એ ખાણનો જે માલિક બને તે કરોડપતિ થઈ જાય એવી આ વાત છે.’
‘પરંતુ એ ખાણ તો વર્ષો થયાં. જવાબ આપી ચૂકી છે. એમાં હવે શું દાટ્યું છે?’
‘ઘણું-બધું! એના ઊંડાણમાં અપાર ધનસંપત્તિ છે કોલસાના રૂપમાં…! અલબત્ત કોલસો નીકળવો બંધ થઈ ગયો હતો એ વાત સાચી છે. પરંતુ કુદરતની લીલા અકળ છે અને એનો કોઈ જ પાર નથી પામી શક્યું. જે ખાણ કોલસો આપતી બંધ થઈ ગઈ, એ જ ખાણની પુષ્કાળ ઊંડાણમાં ફરીથી કોલસો દેખાયો છે. અપાર નીચે થરના થર જામ્યા છે. શરૂઆતથી જ મને એવું લાગતું હતું કે આ હત્યાકાંડમાં માત્ર ઘૃણા અને તિરસ્કાર જ નહીં. કોઈક બીજું પણ જબરદસ્ત કારણ છે. તપાસ કરતાં આ ખાણની વાત સામે આવી. વર્ષો પહેલાં અચાનક કોલસા નીકળવા બંધ પડી ગયા અને ત્યાર બાદ વચ્ચેના ભાગમાં પથ્થરો સિવાય કશું જ નીકળ્યું નહી. આથી ખાણને નકામી થઈ ગયેલી સમજી લેવામાં આવી.’
‘મેં એથી એ વધુ ઊંડાણમાં તપાસ કરાવી. ભૂસ્તરશાસ્ત્રીએ પૂરી તપાસ કરીને ખાતરીથી અભિપ્રાય ઉચ્ચાર્યો કે આ પથ્થરોની નીચેથી કોલસો અચૂક નીકળશે અને ખોદકામ કરવાથી એની વાત સાચી નીકળી.’
‘પરંતુ મારા પહેલાં જ આ કોલાસો પથ્થરો નીચે છુપાયેલો છે, એ વાત કોઈક બીજું પણ જાણી ચૂક્યું હતું અને તે રમણદેસાઈ! કોઈ પણ રીતે તેને જાણ થઈ ગઈ હતી કે ઉપર ઉપરથી દેખાતા પથ્થરોની નીચે કોલસો-કોલસો જ કદાચ એણે પણ ખાણ વિશેષજ્ઞ પામે તપાસ કરાવીને આ વાત જાણી લીધી હતી.’
‘પરંતુ ખાણમાં એનો પણ ભાગ છે જ…! છતાં એ શા માટે?’

‘સાથે જ છનાભાઈ, દેસાઈભાઈ અને વિદ્યાનો પણ હિસ્સો હતો અને રમણદેસાઈ પોતે એકલો જ એ અપાર સંપત્તિનો માલિક બનવા માગતો હતો. એણે એવી યુક્તિ શોધી કે છનાભાઈ તથા વિદ્યાને ખતમ કરી નાખવા તેનો આરોપ દેસાઈભાઈને માથે મઢી દેવો. આ રીતે એના માર્ગના તમામ કાંટાઓ દૂર થઈ જતા હતા. જો એની ચાલ સફળ થઈ હોત તો આજે તે એકલો આ ખાણનો માલિક બની જાત.’
‘યુક્તિ ઘણી સરસ હતી.’
‘પહેલાં એણે બીજી યુક્તિઓ પણ લડાવી હતી. દેસાઈભાઈને એનો ભાગ ન આપવા માટે એણે છનાભાઈના કાન શરૂઆતમાં ખૂબ ખૂબ ભંભેર્યા હતા. દેસાઈભાઈ સાથે મતભેદ હોવા છતાં પણ છનાભાઈ એ વિષે તૈયાર ન જ થયો. આ જ સમય દરમિયાન રમણદેસાઈ એવો પ્રચાર કરતો રહ્યો કે હવે ખાણમાં કંઈ દમ નથી… અને ઊબડખાબડ જમીનમાં પણ બિલકુલ કસ નથી તેમ પોતાને એમાં જરાયે રસ નથી ઊલટું પોતે એ બધું જતું કરવા તૈયાર છે. મદદ અને ભલમનસાઈનું પ્રદર્શન કરવાના બહાના હેઠળ એણે છનાભાઈ પાસેથી એનો ભાગ ખરીદી લેવાનો પણ પ્રસ્તાવ મૂકયો હતો…’
‘પરંતુ વંશના ગૌરવ સાથે લપેટાયેલી જમીનનો કે ખાણનો પોતાનો ભાગ, ભૂખમરો વેંઠતો હોવા છતાં એ માણસ વેચવા માટે હરગીઝ તૈયાર ન થયો. રમણદેસાઈને લાગ્યું કે હવે મોડું કરવામાં સાર નથી. કોઈપણ દિવસે સરકારી વિભાગના માણસો બંધ પડેલી ખાણની તપાસ કરવા માટે આવી ચડે તેમ હતું. એ સ્થિતિમાં ખાણની સાચી હકીકત પ્રગટ થઈ જાત અને પછી એની ઈચ્છા પૂરી ન જ થાત ! પછી એણે આ રસ્તો અપનાવ્યો.’

‘એ દિવસે છનાભાઈ તથા દેસાઈભાઈ વચ્ચેનો ઝઘડો પણ એણે જ ઈરાદાપૂર્વક કરાવ્યો હતો. દેસાઈભાઈ દાણચોર છે…અને કાયદાને હાથમાં લેતો ફરે છે. એમ કહીને એણે ન છનાભાઈને ઉશ્કેર્યો હતો ત્યાર બાદ એણે નિર્દોષ અને બીમાર માણસને શૂટ કરી નાખ્યો. વિદ્યાનું પણ ખૂન કરી નાખ્યું અને બંનેની લાશને ખાડીમાં ફેંકી દીધી.’

‘પછી એણે વિદ્યાના નામથી દેસાઈભાઈને તાર કર્યો કે મારી સાથે વાતો કરવા આવો. અહીંની પોસ્ટ ઓફિસમાં એ તારનું ફોર્મ રેકોર્ડમાં છે. એ ફોર્મમાં લખાયેલા અક્ષરો રમણદેસાઈના જ છે, એની ચકાસણી કરી લેવામાં આવી છે. એના કાવતરામાં તિરાડ એટલા માટે પડી કે દેસાઈભાઈને બદલે દિવાકર આવી પડ્યો. એના માણસો ખાડી પાસે તૈયાર ઊભા હતા. તેઓ દેસાઈભાઈને ઘાયલ કરીને તેને ખાડીમાં ફેંકી દેવા માટે ઊભા હતા. પરંતુ દિવાકરના આગમનથી બાજી પલટાઈ ગઈ. ઉતાવળના કારણે એ લોકો જે ઉપાય દેસાઈભાઈ પર અજમાવવા માગતા હતા. એ જ દિવાકર પર અજમાવવામાં આવ્યો, પરંતુ એમના માટે કિરણ આફતરૂપ બની ગઈ. તેને એ લોકોએ ખાડીના કિનારે આવેલી એક કોટડીમાં પૂરી દીધી.’

બબ્બે ખૂનો પછી એક વધુ ખૂન કરવાની માનસિક સ્થિતિ રમણદેસાઈમાં નહોતી રહી. જોકે તેનો હેતુ તો કિરણને ભૂખતરસથી રિબાવી રિબાવીને મારી નાખવાનો હતો, કિરણે જે લોકોની વાતચીત સાંભળી હતી, તે એ જ હતો…જ્યારે કિરણ તેને દેસાઈભાઈ માની બેઠી. વાસ્તવમાં તે રમણદેસાઈ હતો.’

‘ત્યાર બાદ દેસાઈભાઈ મેદાનમાં ઊતર્યો એના એકે એક પગલાંએ આપણને સૌને અંધારામાં રાખ્યાં. પરંતુ એ સિવાય એની પાસે બીજો કોઈ માર્ગ જ નહોતો. આ કાવતરું એના કાકાનાં કુપુત્ર રમણદેસાઈનું જ છે. એ વાત તે એકદમ સ્પષ્ટ રીતે સમજી ગયો.

‘પરંતુ એ પોલીસ પાસે જઈ શકે તેમ નહોતો એની વાત સાંભળીને પોલીસ એમ જ માની લેત કે એણે પોતે જ દિવાકરને ફસાવવા માટે રંગપુર મોકલ્યો છે. આમેયે પોલીસની નજર તો એના પર એક યા બીજી રીતે જ! દિવાકરને બચાવવા માટે તેણે સ્વતંત્ર રીતે જ કામ કરવાનો નિર્ણય લીધો…’

‘ઉપરાંત એણે કહ્યું છે કે હિસાબ પોતે જ અંગત રીતે ચૂકવવા માગે છે, અને સદ્ભાગ્યે શરૂઆતથી જ એને સફળતા મળી રખડતાં-ફરતાં અચાનક એણે કિરણને શોધી કાઢી. એની પાસેથી એણે જે કંઈ સાંભળ્યું, એથી તેને લાગ્યું કે હાલ તરત કિરણને ત્યાં જ કેદ રહેવા દેવી જોઈએ…

‘જો એ કિરણને ત્યાંથી બહાર કાઢત તો કિરણ પછી પોલીસને સ્ટેટમેન્ટ આપત તો રમણદેસાઈને ખૂની તરીકે પુરવાર કરવાના એના પ્રયાસો અધૂરા જ રહી જાત સ્મગલિંગનાં આરોપસર પોલીસ તેને પકડીને જેલમાં લઈ જઈ શકે તેમ હતું. અને તે હજુ થોડા દિવસો સુધી સ્વતંત્ર રહેવા માગતો હતો.’
‘પણ પછી તેને દયા આવી-એટલા માટે કે કિરણ એના જિગરના ટુકડા જેવા દોસ્તની પ્રેયસી હતી. આ વિચારથી એણે કિરણને પોતાના જહાજ પર મોકલવાની વ્યવસ્થા કરી. જેથી જીભ પણ બંધ રહે અને તે આઝાદ પણ થઈ જાય વચ્ચેના સમયના ગાળામાં એ દિવાકરને બચાવવાનો પ્રયાસ કરે.’

‘ત્યારબાદ મેદાનમાં સુનીલ આવ્યો એ ગોડાઉનમાં છુપાયેલા દેસાઈભાઈનાં રહસ્યની એકદમ નજીક પહોંચી ગયો. દેસાઈભાઈએ તરત જ નિર્ણય લીધો અને ગોડાઉનમાં આગ ચાંપી દીધી. સુનીલની જીભ પણ થોડા દિવસ માટે બંધ રાખવી હતી. એટલે એને પણ કિરણની સાથે જ જહાજ પર મોકલવાનું એણે નક્કી કર્યું. બાકી એનો હેતુ એ બંનેને બિલકુલ ઈજા પહોંચાડવાનો નહોતો.’
‘કિરણને બરાબર અણીની પળે કોટડીમાંથી છોડાવી જવા માટે તે સફળ તો થઈ ગયો. પરંતુ મારા ત્યાં પહોંચી જવાથી તેમજ એના પર ચાંપતી નજર રાખવાથી હું જાણી શક્યો કે કિરણને જહાજ પર લઈ જવામાં આવી છે. આથી એની સ્કીમ ફેઈલ થઈ ગઈ અને તેનું જહાજ પકડાઈ ગયું…

‘ત્યારબાદ દેસાઈભાઈ તથા રમણદેસાઈએ બંને એ આપસમાં ફેંસલો કરી લેવાનું નક્કી કર્યું અને એ પછી જે કંઈ બન્યું તે આપણે જાણીએ છીએ’ -કહીને ધીરજ દેસાઈભાઈ તરફ, ‘દોસ્ત. તું સાચે જ હવે ખૂબ જ અમીર બની જઈશ. પરંતુ સ્મગલિંગના આરોપસર જે સજા થાય એ ભોગવી લીધા પછી…બાકી, તે મારા દોસ્ત માટે જે કંઈ કર્યું તે સાચે જ કાબિલે તારીફ છે. તારી ભાવનાની કદર કરું છું હું.’
‘થેંક યુ…’ દેસાઈભાઈનો અવાજ પહેલાં જ લાપરવાહીથી ભરપૂર હતો, ‘કદરની સાથે એક મહેરબાની કરશો?’
‘બોલ દોસ્ત…’
‘તમારી ડેનીએ કિરણ બનીને મારા દોસ્તને છેતર્યો છે. કિરણ વાસ્તવમાં એક જાસૂસ હતી અને તે પ્રેમનું નાટક કરતી હતી. એ વાતની ખબર જ્યારે મારા દોસ્તને પડશે ત્યારે એનું માસૂમ કાચ જેવું હૃદય ભાંગીને ચૂરેચૂરા થઈ જશે…’
‘ફિકર ન કર દોસ્ત! મેં ડેનીને પૂછી લીધું છે…દિવાકર સાથે લગ્ન કરવા એ તૈયાર છે…’
‘ઓહ…યુ આર…ગ્રેટ…! થેંક યુ… થેંક યુ…વેરી મચ…!’
દિવાકર તથા ડેનીના લગ્ન થઈ ગયાં. એના પર પોલીસને શંકા હોવા છતાં પણ કોઈ જ આરોપ પુરવાર નહોતી કરી શકી. દેસાઈભાઈને દાણચોરીના આરોપસર એક વર્ષની સજા થઈ રમણદેસાઈ…? એને ફાંસીની સજા કુદરતનો ન્યાય સર્વ માટે એક હોય! (સમાપ્ત)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button