મેટિની

સફેદ ચહેરો (પ્રકરણ-૧૫)

‘પેલો બંગલો પણ આગમાં સપડાઈ ગયો હોય એવું લાગે છે.’ શાંતારામે કહ્યું, ‘અને દિવાકર એમાં રહેતો હતો. આ આગ અકસ્માતથી નહિ, પણ ઈરાદાપૂર્વક ચાંપવામાં આવી હોય એવી મને શંકા છે. કદાચ કોઈક જબરદસ્ત પુરાવાઓનો નાશ થઈ રહ્યો છે’

કનુ ભગદેવ

(ગતાંકથી ચાલુ)
…રાક્ષસી ગર્જના કરતાં રેલવે એન્જિનનાં વિશાળ લોખંડી ચક્કરો પ્લેટફોર્મની નીચે પથરાયેલા લોખંડી પાટા પર સરકતાં સરકતાં છેવટે અટક્યાં.
ટ્રેન ઊભી રહી…
ફર્સ્ટ ક્લાસનાં કમ્પાર્ટમેન્ટમાંથી નવયુવાન ઈન્સ્પેક્ટર ધીરજ બહાર, નીચે પ્લેટફોર્મ પર ઊતર્યો. તે ઊંચી જાતના ગેબર્ડીનના સૂટમાં સજ્જ હતો.
એના હાથમાં એક ખૂબસૂરત હેન્ડબેગ હતી.

લોકોની બેસુમાર ભીડ અને ભીષણ કોલાહલથી ગાજતા વાતાવરણની વચ્ચે તે ઉતાવળા પગલે બહાર નીકળવાના ગેટ નજીક પહોંચ્યો.
ટિકિટ-કલેક્ટરને એણે ટિકિટ આપી.

એકાદ પળ આમતેમ નજર દોડાવીને તો ઝડપભેર આગળ વધ્યો.
સાંજ ઢળવાની તૈયારી હતી.
ધીરજે પોતાના આગમનના સમાચાર અગાઉથી જ કેબલ દ્વારા આપી દીધા હતા. એને લેવા માટે ઈન્સ્પેક્ટર શાંતારામ સ્ટેશન પર આવ્યો હતો.
‘સુનીલ ક્યાં છે?’ સ્ટેશનમાંથી બહાર નીકળતી વખતે ધીરજે ઈન્સ્પેક્ટર શાંતારામને પૂછ્યું.

‘એમનો ક્યાંય પત્તો જ નથી. કદાચ પોતાની શોધખોળ અંગે ક્યાંય ગયા હશે. ડેની ઉર્ફે કિરણનો હજુ પત્તો નથી મળ્યો. અમે લોકોએ નક્કી કર્યું છે કે જો એકાદ-બે દિવસમાં તેનો પત્તો ન મળે તો દેસાઈ સ્ટીમ કુાં.ની ઑફિસો, બ્રાન્ચો, ગોડાઉનો, તેમ જ તેના ભાગીદારોના નિવાસસ્થાને દરોડો પાડવો.’

‘હં…’ ધીરજ બોલ્યો, ‘બમનજીસાહેબ સાથે મારે ફોન પર વાત થઈ હતી. એ લોકો પર હજુ સુધી તેમની વિરુદ્ધમાં કોઈ જ મુદ્દો નથી મળ્યો.’
‘ઠીક છે…’ શાંતારામ માથું હલાવતાં બોલ્યો, ‘હવે આપણે ક્યાં જઈશું? જો કહો તો હેડ ક્વાર્ટસમાં જ જઈએ.’
‘ના, અહીંથી હું સીધો જ દિવાકર જોશીના બંગલે જવા માગું છું. તે વરલીમાં જ રહે છે ને?’
‘હા, મેં એનો બંગલો જોયો છે.’
‘તો ચાલો ત્યાં જ જઈએ.’
બહાર નીકળીને બંને પોલીસ જીપમાં બેઠા.

વળતી જ પળે જીપ ફોર્ટ વિસ્તારમાંથી પસાર થઈને વરલી તરફ જવા લાગી.

ત્યાં પહોંચતાં તેઓને લગભગ વીસેક મિનિટ લાગી,
પરંતુ અચાનક દિવાકરના બંગલાથી થોડે જ દૂર એમને જીપ ઊભી રાખવી પડી.

લોકોની એ વિસ્તારમાં બેસુમાર ભીડ જામી હતી,
દૂર આગની પ્રચંડ જ્વાળાઓ આસમાનને આંબવા મથતી હોય એમ લબકારા મારતી હતી. આગનું સ્વરૂપ ખૂબ જ વિકરાળ હતું.
આકાશ તરફનો વિસ્તાર લાલ લાલ દેખાતો હતો.
તેઓ જીપમાંથી ટપોટપ કરતા નીચે ઊતરી પડ્યા.

આગળ વધીને શાંતારામે ડ્યૂટી પરના એક સિપાઈને પૂછ્યું: ‘આ આગ ક્યાં અને કેવી રીતે લાગી છે?’
સિપાઈ ઈન્સ્પેક્ટર શાંતારામને ઓળખતો હતો.

‘દેશાઈ સ્ટીમ કંપનીનાં આ તરફ ગોડાઉનો છે સાહેબ!’
સિપાહી શાંતારામને સલામ ભરતો અદબભેર અવાજે બોલ્યો, ‘એ બધાં સળગી ઊઠ્યાં છે. પૂરું ફાયર બ્રિગેડ કલાકો થયા ધોધમાર પાણી વરસાવે છે, પરંતુ આગ કાબૂમાં નથી આવતી. લાખો રૂપિયાનું નુકસાન થઈ ગયું છે.’
‘પેલો બંગલો પણ આગમાં સપડાઈ ગયો હોય એવું લાગે છે.’ શાંતારામે કહ્યું, ‘અને દિવાકર એમાં રહેતો હતો. આ આગ અકસ્માતથી નહિ, પણ ઈરાદાપૂર્વક ચાંપવામાં આવી હોય એવી મને શંકા છે. કદાચ કોઈક જબરદસ્ત પુરાવાઓનો નાશ થઈ રહ્યો છે.’
‘એ બંગલાને બચાવી લેવામાં આવ્યો છે.’ સિપાઈએ જવાબ આપ્યો, ‘ફક્ત ગોડાઉનો જ સળગી ઊઠ્યાં છે.’
તેઓ કશુંએ ન બોલતાં ભીડને ચીરતા આગળ વધ્યા. થોડે દૂર જતાં જ તેમને બમનજી મળી ગયો. તે અત્યારે હારેલા જુગારીની જેમ એક તરફ ચૂપચાપ ઊભો હતો.

‘આનો કોઈ અર્થ જ નથી.’ બમનજી નિરાશાભર્યા અવાજે બોલ્યો, ‘ આ પ્રયત્નોથી આગ બુઝાઈ જશે પરંતુ હાથમાં કશું એ નથી આવવાનું. આગ ચારે તરફથી એક સાથે જ ભભૂકી ઊઠી છે.’
‘આટલી બધી નિરાશા શા માટે મિ. બમનજી?’
‘શત્રુઓ બેહદ ચાલાક અને ધૂર્ત છે. મિ. ધીરજ! અમે લોકોએ દિવાકરના ફ્લેટની તલાશી લીધી જ હતી કે તે સાવચેત બની ગયો અને આંખના પલકારામાં એણે લાખોનો માલ ભરેલાં ગોડાઉનોમાં આગ લગાડી દીધી. જરૂર એ ગોડાઉનોમાં જ તેને કાનૂનના પંજામાં આબાદ જકડી લે એવા પુરાવાઓ મોજૂદ હતા. આગ ચાંપવાનો હેતુ પણ એ જ છે. પુરાવાઓનો નાશ કરવાનો! હું એમ માનું છું કે કિરણનું ખૂન ગોડાઉનમાં કરવામાં આવ્યું હતું. કદાચ તેની લાશ પણ પહેલાં ત્યાં મોજૂદ હતી. અને એટલા ખાતર જ આ લોકોએ આગ ચાંપી, જેથી માલની સાથે સાથે લાશ પણ સળગીને રાખ બની જાય. પુરાવાઓનો નાનો સરખો એક કણ પણ તેઓ રહેવા દેવા નહોતા માગતા.’
ધીરજનાં જડબાં દૃઢતાથી બિડાયાં. એની આંખોમાં લોહી ઊતરી આવ્યું.

‘સુનીલ મળ્યો હતો આજે?’

‘સાંજે ન મળ્યો હતો, એ પણ દિવાકરના ફ્લેટમાં આવ્યો હતો પરંતુ પછી તે ચાલ્યો ગયો હતો અને ત્યારબાદ ફરીથી નથી દેખાયો.’
બમનજી સાથેના એક પોલીસ ઓફિસરે કહ્યું, ‘અંધારું થઈ ગયા પછી મેં એમને ગેરેજની આસપાસ ચક્કર લગાવતા જોયા હતા. હું એમને ડિસ્ટર્બ કરવા નહોતો માગતો એટલે ત્યાંથી ચાલ્યો ગયો હતો.

કેટલીએ શક્યતાઓ ધીરજના દિમાગમાં ઘુમરીઓ ખાવા લાગી.

‘અને આગ ક્યારે લાગી?’

‘સુનીલસાહેબ ગેરેજ તરફ હતા. ત્યાર બાદ થોડી મિનિટો પછી…કદાચ અડધો એક કલાક પણ થયો હોય!’
‘મિ. બમનજી! ગેરેજની તલાશી તમે લીધી હતી.’

‘ના…’
‘મને લાગે છે કે આ આગમાં કદાચ ઘણું બધું સ્વાહા થઈ ગયું છે. હું એમ માનું છું કે સુનીલ પુરાવાઓની ઘણી નજીક પહોંચી ગયો હતો, પરંતુ તે બહાર આવીને એ વિષે કશું કરી શકે તે પહેલાં જ એ દુશ્મનોની ચૂંગાલમાં ફસાઈ પડ્યો છે…કદાચ…’ ધીરજનો કંઠ ભરાઈ આવ્યો, ‘ કદાચ એનું પણ ખૂન થયું હોય! અને એના જ અવશેષોને હંમેશને માટે નષ્ટ કરવાના હેતુસર જ આ ભયંકર આગને ચાંપવામાં આવી.’ અને પછી કોઈ કશું કહે એ પહેલાં જ તે એકદમ આગળ વધી ગયો.

ત્યાં ફાયરબ્રિગેડનો સ્ટાફ પૂરી મહેનતથી પ્રચંડ આગ બૂઝાવવાનો તનતોડ પ્રયાસ કરતો હતો. એમ લાગ્યું કે ઈરાદાપૂર્વક લગાડવામાં આવેલી આ આગમાં ચોક્કસ જ સુનીલ તથા ડેની ભરખાઈ ગયા છે. કાળઝાળ રોષથી તે થરથરી ઊઠ્યો. એના મોહક ચહેરા પર કરચલીઓ પડી હતી. ફાયર બ્રિગેડના સ્ટાફ સિવાય આગ સામે ઝઝૂમી રહેલા એક બીજા માનવી પર અચાનક જ તેની નજર પડી. એ માણસ પોતાના પ્રાણની દરકાર કર્યા વગર પૂરોપૂરો ઝનૂન અને બેહદ નીડરતાથી વારંવાર આગની જ્વાળાઓને કૂદીને બીજી તરફ જતો હતો અને એજ જ્વાળાઓની વચ્ચે થઈને પાછો ફરતો હતો.
પાછળ જેવો દેખાતો એ માનવી જાણે કે કંઈ બચી શકે એ બધું જ બચાવી લેવા માગતો હોય એવું લાગતું હતું. એણે પૂછપરછ કરી, ‘કોણ છે આ માણસ?’

‘દિવાકરનો પાર્ટનર!’ જવાબ મળ્યો, ‘નામ-દેશાઈભાઈ!’

‘દેશાઈભાઈ! તાજેતરમાં એના ભાઈબહેનોનાં ખૂનો થયા છે. ધીરજે ખૂબ જ બારીકાઈથી એના ચહેરા-હાવભાવને માનસશાસ્ત્રીના પ્રખર અભ્યાસીની દૃષ્ટિએ નિહાળ્યો. દુ:ખ, ગમ કે શોકની આછી રેખા પણ એની આંખોમાં નહોતી. ઊલટું એક જાતનો છૂપો આનંદ હતો.

પરંતુ આ વાત તો માનસશાસ્ત્રી જ પારખી શકે તેમ હતું. ઉપર ઉપરથી એનો ચહેરો બેહદ આકુળવ્યાકુળ, પરેશાન અને ગમગીન હતો, પરંતુ એ વ્યાકુળતાની નીચે છુપાયેલા ભયંકર શયતાનિયતને ધીરજ પારખી શક્યો. આગ સાથે ખેલાઈ રહેલો સંગ્રામ એને મનોમન આનંદ આપતો હોય એવું લાગતું હતું.

ધીરજ પણ આગ બુઝાવવાના પ્રયાસમાં સેંકડો માણસોની સાથે કામે લાગી ગયો. અને આ દરમિયાન કેટલીએ વાર તે દેશાઈભાઈ એકબીજાની સામે આવ્યા. બંનેએ પરસ્પરને જોયા, નિહાળ્યા અને પારખ્યા અને પછી પોતાના કામે વળગી ગયા.

અને પછી આગ છેવટે કાબૂમાં આવી ગઈ. તે બુઝાઈ ગઈ… કાળી ડિબાંગ ધુમાડા અને સળગી ગયેલા કાટમાળ સિવાય હવે ત્યાં કશુંએ બાકી નહોતું રહ્યું. આગ બુઝાઈ ગઈ કે તરત જ દેશાઈભાઈ એકાએક ત્યાંથી અદૃશ્ય થઈ ગયો.

ધીરજ એની સાથે વાતો કરવા માગતો હતો પરંતુ તે ચાલ્યો ગયો હતો. પૂછપરછમાં એક સિપાહીએ કહ્યું, ‘હા, મેં તેઓને એક…હોડીમાં બેસીને સાગરમાં તરતા એમને જહાજ તરફ જતાં જોયા છે. તેઓ કહેતા હતા, ‘પોતાના જિગરજાન દોસ્તની વધુ બરબાદી હવે નથી જોવાતી.’

ધીરજ સામે સવાલ હતો. હવે? સુનીલ તથા ડેની તો ગયાં જ…! અને જે માણસ પર શંકા છે એના પર કોઈ જ આરોપ નથી. અલબત્ત ષડયંત્રકારી તરીકે એના પર જરૂર શંકા લાવીને ધરપકડ કરી શકાય, પરંતુ એ તો ખૂબ જ ઝિંદાદિલીથી સૌની આંખો સામે પસાર ગઈ ગયો છે. સુનીલને શોધવાનો એક જ માર્ગ હતો. એ જ્યાં જ્યાં ગયો હોય તે સ્થળની મુલાકાત લેવાનો…
રંગપુર…? સૌથી પહેલાં ત્યાં જ જવું પડશે.

બમનજીએ એને માહિતી આપી- ‘આ ગોડાઉનોનો પાંચ લાખ રૂપિયાનો વીમો ઉતરાવવામાં આવ્યો હતો. અમારી માન્યતા સાચી હોય એવું હવે લાગે છે.’
‘કેવી માન્યતા?’ ધીરજે પૂછ્યું.

‘એ જ કે દેશાઈ સ્ટીમ કુાં.ને હાલમાં નાણાંની ખૂબ જ જરૂર આવી પડી હતી. કોઈક છૂપા હીરાઓ કે કિંમતી ખાનદાની, કિંમતી વેશ, કિંમતી પથ્થરોની તલાશ માટે અથવા ચોરી લાવવા માટે દેશાઈભાઈએ દિવાકરને રંગપુર મોકલ્યો હતો, પરંતુ ત્યાં કદાચ દેશાઈભાઈના ભાઈ સાથે તેને અથડામણમાં ઊતરવું પડ્યું અને પછી એને હાથે જ છનાભાઈ માર્યો ગયો એ જ વખતે તેની બહેન વિદ્યા પણ દિવાકરની ક્રૂરતાનો શિકાર બનીને મોતને ઘાટ ઊતરી ગઈ.

હીરા મારફત રૂપિયા મેળવવાનો આ પ્લાન નિષ્ફળ નીવડ્યો ત્યારે એ લોકોએ ધંધામાં થયેલું નુકસાન ભરપાઈ કરવા માટે વીમો ઉતરાવેલાં ગોડાઉનોને સળગાવી માર્યાં. આથી વીમા કંપની પાસેથી વીમાની રકમ મેળવી શકાય.’

‘ઠીક છે.’ ધીરજ બોલ્યો, ‘આ આગમાં બહારની પાર્ટીઓનો માલ પણ હશે જ, એ માલનું વળતર દેસાઈ સ્ટીમ કુાં.ને કેટલું ભરવું પડશે, એની તપાસ પણ તમે કરાવી લેજો. હું રંગપુર જઉં છું અને ત્યાંથી આવતી કાલે પાછો આવીશ.’
‘ભલે…’
ધીરજ પોલીસ જીપમાં બેઠો અને પછી જીપ સુરત લઈ જનારા હાઈવે પર વહેતી થઈ.

પરાંઓ-સબર્બો પાછળ છૂટતાં ગયાં. અંધારી રાતમાં જીપ શોર મચાવતી ભયંકર સ્પીડમાં આગળ વધતી હતી.

લગભગ બે-અઢી કલાક પછી તે રંગપુર પહોંચ્યો.
‘હૉસ્પિટલ…!’
ડૉક્ટરે નિરાશાથી માથું ધુણાવ્યું, ‘ના સાહેબ, દર્દી હજુ ભાનમાં નથી આવ્યો. એના દિમાગમાં ભયંકર ઈજાઓ થઈ છે. એને બચાવવાના તમામ પ્રયાસો ચાલુ છે.’

સુનીલ પાછો જીપમાં બેઠો. અને જીપ દેસાઈવાડામાં એટલે કે દેસાઈ એસ્ટેટ તરફ આગળ વધી. તે વિચારતો હતો, લગાતાર વિચારતો હતો. રહી રહીને એના દિમાગમાં એક જ વાત હથોડાની જેમ ટકરાતી હતી.-આ ખૂનો પરિસ્થિતિને કે જોગાનુજોગનો વશમાં થઈને કરવામાં નથી આવ્યાં. પણ ઈરાદાપૂર્વક પૂર્વયોજિત પ્લાન પ્રમાણે જ કરવામાં આવ્યા છે, અને તેની પાછળ દેસાઈભાઈનો હાથ છે. દિવાકરને અહીં ખૂન કરવા માટે જ મોકલવામાં આવ્યો હોય એવું તેને લાગતું નહોતું. એક એક શક્યતા એવી હતી કે તેના માથે-દિવાકરને માથે આ ખૂનનો આરોપ આવે એ ખાતર જ તેને અહીં મોકલવામાં આવ્યો હતો. આ શક્યતા પર પોલીસે કેમ નહિ વિચાર્યું હોય! ખૂન દિવાકરે નહિ પણ કોઈક બીજાએ જ કર્યાં છે. ઊલટું મૃત્યુને ભેટનારાઓને બચાવવા જતાં ખુબ દિવાકર ઘાયલ નહિ થયો હોય એની શી ખાતરી! જે માણસે ખૂનો કર્યા છે, એણે જ દિવાકરને ઘાયલ કર્યો હોવો જોઈએ.

‘એ…સા’બ..સા’બ ઊભા…રહો…’

અચાનક એક ભરવાડ જેવો લાગતો માણસ દૂરથી જીપને ઊભી રાખવા માટે હાથ ઊંચો કરતાં બોલ્યો.
ધીરજે જીપ ઊભી રાખી. ભરવાડ તેની નજીક આવ્યો.
‘કેમ…શું છે?’

‘સાબ! મારી હારે હાલો!’
‘કેમ? ક્યાં લઈ જવો છે તારે મને…?’

ઓલા મકાનમાં…! ત્યાં એક બાઈને કોઈક ડાકુએ પૂરી દીધી છે. મારાથી તાળાં ઊઘડે તેમ નથી… ત્યાં દરિયાકાંઠે મકાન છે… એમાં એ બિચારી રાડ્યું પાડે છે.’

ધીરજ ચમક્યો. એ નીચે ઊતર્યો.

‘ચાલ, જલ્દી ચાલ…હા, તો એ તો કહે એ છોકરી કોણ છે?’

‘મને ખબર નથી સા’બ! મેં તો એને જોઈ પણ નથી. ખાલી બહારથી અવાજ સાંભળ્યો છે. મારું નામ કાનો છે. અહીં ઢોર ચરાવવા આવ્યો હતો. સાંજના ખૂબ મોડું થઈ ગયું અને પછી હું ગાયોનું ધણ પાછું વાળતો હતો. નિરાંવ ખંભર જેવા મકાનમાંથી મેં બચાવો…બચાવોની રાઈડુ સાંભળી.’
અને પછી કાનો તેને ઝાડીઝાંખરાથી છવાયેલી પગદંડી પર લઈ જવા લાગ્યો.

થોડે દૂર ટોર્ચના પ્રકાશનો ઝબકારો થયો. અને પછી એ પ્રકાશ ફરતો ફરતો ધીરજ તથા કાના પર રેલાયો.

‘આ કોણ છે?’ ધીરજે પૂછ્યું.

‘ખબર નથી! સા’બ!’

અચાનક અંધકારમાંથી ભૂતના ઓળાની જેમ એક માનવી ત્યાં ફૂટી નીકળ્યો. તે નજીક આવ્યો કે તરત જ ધીરજ તેને ઓળખી ગયો.

-એ દેસાઈભાઈ હતો.

‘તમે…તમે અહીંયા ક્યાંથી?’ ધીરજ બોલ્યો, ‘હજુ થોડા કલાકો પહેલાં જ મેં તમને મુંબઈમાં ભયંકર આગ સામે ઝઝૂમતા જોયા હતા, એટલીવારમાં તમે અહીં ક્યાંથી પહોંચી આવ્યા?’
‘હું અહીં મારા જહાજમાં બેસીને આવ્યો છું હજુર! મેં પણ તમને ત્યાં જોયા હતા! તમે અહીં કેવી રીતે આવ્યા?’
‘જીપ…’
‘હું એમ કહેવા માગુ છું કે જનાબનું આગમન અહીં શા માટે થયું છે?’

‘હું દેસાઈ એસ્ટેટમાં જવા માગું છું. તે કદાચ હવે સામે જ દેખાય છે ત્યાં થઈ ગયેલાં ખૂન અંગે તપાસ કરવા માંગુ છું.’

‘તો તમે પોલીસ ઓફિસર છો? તમારા લોકોની કાર્યપ્રણાલી મને તો બેહદ હેરત પમાડી રહી છે સાહેબ! રોજે રોજ કોઈક ને કોઈ પોલીસ અધિકારી આવ્યે જ જાય છે. મને લાગે છે કે હવે મારે એસ્ટેટમાં જ રહેવું પડશે. તમારા લોકોના સ્વાગત માટે મારે અહીં રહેવું હવે બેહદ જરૂરી છે. અરે…હા ભાઈ કાના તું આ સાહેબની સાથે ક્યાં જાય છે? એસ્ટેટનો રસ્તો તો બાજુમાં થઈને જાય છે!’
આ તરફ કોઈક ખંડિયેર જેવા મકાનમાં એક છોકરી કેદ છે, એવું કહે છે…’ ધીરજ બોલ્યો, ‘જરા એ વિષે તપાસ કરવા જઉં છું.’

‘અરે એ તરફ તો ભાંગ્યાતૂટ્યા બેએક ખંડિયેર જેવા મકાજ સિવાય બીજું કઈ જ નથી. અને તે ઉજ્જડ પડ્યા છે. એમાં કોઈ જ રહેતું નથી. આ કાનીઆને હું બરાબર ઓળખું છું. ખૂબ જ ધૂની માણસ છે. હંમેશાં કોઈક ને કોઈક તરંગોમાં રાચતો હોય છે તે તમને નાહકનો જ પરેશાન કરતો હોય એવું મને લાગે છે. ભલા માણસ, તમે એની વાતોમાં ક્યાંથી ફસાઈ પડ્યા?’
‘ના…’ કાનો જોરથી બોલ્યો, ‘મેં એની હાથે વાત પણ કરી છે. મારે શી હારૂને ખોટું કે’વું જોવે…? બિચારી ખૂબ જ રોતી હતી.’

‘ચાલ ભાગવા માંડ અહીંથી…’ દેસાઈભાઈએ તેને ધમકાવ્યો.

પરંતુ કાનો તેનાથી ગભરાઈને ચાલ્યો જાય એ પહેલા જ ધીરજે તેનું કાંડું પકડી લીધું. દેશાઈભાઈની દરમિયાનગીરીથી તેને હવે રોષ ચડતો હતો. એની આંખોના ખૂણા રોષના કારણે લાલ થઈ ગયા. ચહેરા પર પણ ક્રોધ છવાયો હતો.

‘તું ચાલ મારી સાથે!’ એ કઠોર અવાજે બોલ્યો. પછી તે દેશાઈભાઈ તરફ ફર્યો, ‘અને તમે મિસ્ટર દેશાઈભાઈ, હું સરકારી માણસ છું. મારા કામમાં રુકાવટ કરશો તો પરિણામ સારું નહિ આવે.’
‘અરે સાહેબ…! મારે શા માટે રુકાવટ કરવી જોઈએ? વાસ્તવમાં મને આ રબારી પર ભરોસો નથી. તેને ગપગોળા મારવાની ટેવ પડી ગઈ છે. છતાં પણ તમારી ઈચ્છા છે તો ચાલો. કહો તો હું પણ સાથે આવું?’
‘ચાલો…’
ત્રણેય પેલા અંડિયેર જેવા કોટેજ પાસે પહોંચ્યા.

ધીરજે ગજવામાંથી નાનીમોટી થઈ શકે એવી બે-ત્રણ સાઈઝ તથા આકારની માસ્ટર-કી કાઢી. પાંચેક મિનિટના પ્રયાસ પછી તે બંને તાળાંને ઉઘાડી શક્યો. ધબકતા હૃદયે એણે આગળીઓ ખસેડ્યો.
અને ત્યારબાદ તેની તથા દેશાઈભાઈની ટોર્ચના પ્રકાશ એ કોટડીમાં ફેલાઈ ગયો.

કોટડી ખાલી હતી. અંદર કોઈ જ નહોતું.

‘જોયુંને પોલીસ ઓફિસર સાહેબ! મેં પહેલાં જ તમને કહ્યું હતું કે આ કાનો તરંગી માણસ છે. બીજાને પરેશાન કરવામાં જ એને મજા આવે છે.’
‘ના…ના…સા’બ!’ કાનો કરગતા અવાજે બોલ્યો, ‘હું હાચું જ કઉં શું…! એ છોકરીએ મને બે ભગરી લઈ દેવાનું પણ વસન આપિયું હતું.’
ધીરજ મનોમન ક્રોધથી ઊકળતો હતો–નહિ, આટલો નજીક આવીને પોતે ડેનીને નહિ જવા દે. ટોર્ચના પ્રકાશમાં એણે ત્યાંની જમીનનું બરાબર નિરીક્ષણ કર્યું.

‘અહીં કોઈક છોકરી હતી એ વાત ચોક્કસ!’ તે બોલ્યો, ‘આ ઊંચી એડીનાં સેન્ડલના નિશાન છે એ છોકરીને હમણાં જ અહીંથી બીજા કોઈક સ્થળે ખસેડવામાં આવી હોય એવું મને લાગે છે, અને પછી ટોર્ચના પ્રકાશમાં એક સોનાની વીંટીને જોતાં જ તે ઓળખી ગયો. ‘હોંગકોંગમાં ધમાધમી’નો કેસ પૂરો થયા બાદ સારજન્ટ દિલીપે એ વીંટી એક પાર્ટી વખતે ડેનીને કેટલાએ માણસોની વચ્ચે ભેટ આપી હતી. એણે વીંટી ઉઠાવી લીધી તો ડેની અહીં જ હતી!’ એણે દેશાઈભાઈને પૂછ્યું, ‘આ વીંટીને તમે ઓળખો છો?’
‘ના!’ દેશાઈભાઈનો અવાજ કડવા ઝેર જેવો હતો, ‘સ્ત્રીઓમાં કે તેમના ઘરેણા-દાગીનામાં મને બિલકુલ રસ નથી.’
‘આ કોટડીમાંથી બહાર નીકળવાનો બીજો કોઈ જ માર્ગ નથી દેખાતો’ ધીરજ બોલ્યો, ‘અને મિસ્ટર દેશાઈભાઈ! તમે આ રીતે આંટા ન મારો. એથી સેન્ડલનાં નિશાનો ભૂંસાઈ જશે.’

‘હું પણ ફરી ફરીને અહીંથી બહાર જવાનો બીજો કોઈ રસ્તો છે કે કેમ એની તપાસ કરતો હતો. દેશાઈભાઈના અવાજમાં ભરપૂર સાદગી હતી અને તેમાં ગભરાટ કે થડકારાનું નામોનિશાન પણ નહોતું.
‘અરે…હા…’અચાનક ધીરજને કશુંક યાદ આવ્યું હોય એ રીતે મશીનની જેમ દેશાઈભાઈ તરફ ફર્યો અને પછી એક પ્રશ્ર્ન તોપમાંથી છૂટેલા ગોળા જેટલી સ્પીડથી એના મોંમાંથી નીકળ્યો ‘તમે મુંબઈથી આમ અચાનક કેવી રીતે અહીં આવી પહોંચ્યાં?’

‘અહીં મારું ઘર છે, મારા વહાલા મિત્ર…!’ દેશાઈભાઈ કટાક્ષમાં બોલ્યો, ‘અને કોઈ પોતાના ઘરે આવે તેમાં અચાનક જેવું કશું એ નથી હોતું.’
તમે જહાજમાં આવ્યા છો એટલે તમારું એ જહાજ પણ આસપાસમાં જ ક્યાંક હશે.’
‘તમે જુઓ છોને? ખાડીમાં ભરતી શરૂ થઈ ગઈ છે, દરિયો તોફાને ચડ્યો છે. જહાજને અહીં રોકી રાખું તો કિનારા પર ફેલાયેલા પથરાળ તટ સાથે ટકરાઈ ટકરાઈને તે નષ્ટ પામી જાય. મેં મારા માણસોને જહાજને પાછું વાળવાની સૂચના આપી દીધી છે.’
‘આઈ સી.’ ધીરજે આટલું કહીને ગજવામાંથી સિગારેટ કાઢી તેને ઉઘાડીને દેશાઈભાઈ સામે લંબાવ્યું: ‘સિગારેટ…?’

‘હું તમને પોલીસભાઈને બરાબર ઓળખું છું. તમે કેટલી બધી માસૂમિયતનું પ્રદર્શન કરીને સિગારેટ કેસ પર મારા આંગળાની છાપ લેવા માગો છો બંધુ? મને મૂર્ખ નહિ સમજતા પરંતુ હું નિર્દોષ છું. કહો તો સ્ટેમ્પ પેડ પર હાથનો પંજો પાડીને કોરા કાગળ પર બંને હાથની છાપ પાડી દઉં. બાકી હવે આ નાટક બંધ કરો તો સારું…!’ અને તે શરારતથી હો…હો કરતાં હસી પડ્યો.
ધીરજ અવાક બનીને તેને તાકી રહ્યો.
*

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button