મેટિની

સફેદ ચહેરો (પ્રકરણ-૧૦)

‘નહીં સાહેબ, આ બંગલાવાળા દિવાકર ાહેબ ઉપરથી નીચે ઊતર્યાં હતા ત્યારે એકલા જ હતા. એમણે ગેરેજમાંથી કાર કાઢી અને પછી તેઓ એકલા જ એ કારમાં બેસીને બહાર નીકળી ગયા હતા

કનુ ભગદેવ

(ગતાંકથી ચાલુ)
સુનીલ બહાર નીકળી ગયો.
એની પાસેથી આમ કોઈ માહિતી ન મળી શકી. સિવાય કે ડેનીએ ફોનના વાતચીતમાં ‘દિવાકર’નો ઉલ્લેખ સાંભળ્યો હતા.
એની ફિયાટ દિવાકર જોશીની નિવાસસ્થાને લઈ જતી સડક પર દોડવા લાગી.

દિવાકર વરલીના સાગરકાંઠે એક આલીશાન બંગલામાં રહેતો હતો એની તેને ખબર હતી.

જે દિવસે દિવાકર સાંજના લગભગ સાડા સાત વાગ્યે પોતાના બંગલામાંથી બહાર નીકળ્યો હતો એ જ દિવસે એને ત્યાં કેટલુંક પરચૂરણ કામ પૂરું કરવા માટે રંગરોગાન માટે મિસ્ત્રીઓ તથા બંગલાના બગીચા માટે ખૂબ જ સારા છોડ રોપવા માટે દિવાકરે સવારથી જ બે માળીઓને બોલાવ્યા હતા…
સુનીલે મિસ્ત્રી તથા માળીઓને પૂછપરછ કરી અને તેમણે સૌએ એક જ જવાબ આપ્યો:
‘નહીં સાહેબ, આ બંગલાવાળા દિવાકર સાહેબ ઉપરથી નીચે ઊતર્યાં હતા ત્યારે એકલા જ હતા. એમણે ગેરેજમાંથી કાર કાઢી અને પછી તેઓ એકલા જ એ કારમાં બેસીને બહાર નીકળી ગયા હતા. અમારું અહીંનું કામ સાત દિવસનું છે અને તેઓએ અમને એડવાન્સમાં જ સાત દિવસની મજૂરીના પૈસા ચૂકવી આપ્યા છે, અને જતી વખતે તેઓએ અમારી સલામનો જવાબ હસીને આપ્યો હતો.’
સુનીલ નિરાશ થઈને પાછો ફર્યો.

પૂરી તપાસ કર્યા પછી જે એક ચોક્કસ વાત સામે આવી તે એ કે દિવાકર જ્યારે પોતાના બંગલામાંથી કાર લઈને નીકળ્યો ત્યારે તે એકલો જ હતો, અને એની સાથે કિરણ નહોતી જ!
મિસ્ત્રી-મજૂરો અને માળી ખરેખર જ સાચું કહેતા હતા કે દિવાકરસાહેબ કારમાં એકલા જ ગયા છે એ બિચારા ગરીબોને જૂઠું કહેવાનો કોઈ જ લાભ નહોતો. તેઓ ગરીબ, ભલા-ભોળા અને નેકદિલ ઈન્સાનો હતા.

‘-હવે?’ સુનીલે મનોમન વિચાર્યું.

  • કિરણની તપાસ એક જ સ્થળે થઈ શકે તેમ હતું.
  • રંગપુર…!
    એની ફિયાટ મુંબઈ-સુરતને જોડતા હાઈવે પર વહેતી થઈ. કારણ બમનજીએ આપેલી માહિતી પ્રમાણે દિવાકર જોશી રંગપુરની હોસ્પિટલમાં પડ્યો હતો.
    એ રંગપુર અઢી કલાકમાં જ પહોંચી ગયો.

કારને એણે રાક્ષસી ગતિએ દોડાવી હતી.

એ હોસ્પિટલમાં પહોંચ્યો.

બાપડો દિવાકર હજુ પણ બેહોશીના અથાગ ઊંડાણમાં પડ્યો હતો એની ચેતના પાછી નહોતી ફરી અને અત્યારે તે જિંદગી અને મોત વચ્ચેની કેડી પર જઈ પહોંચ્યો. એના પલંગ પાસે પોલીસનો પહેરો હતો.

પૂછપરછમાં ડોક્ટરે જણાવ્યું, ‘એ માણસ હજુ કેટલાયે દિવસ સુધી ભાનમાં નહીં આવે. ખૂબ જ મજબૂત હાડકાંનો માણસ છે. એનાં ફેફસાં બરાબર ચાલે છે. પોલીસ પોતે જ એના ભાનમાં આવવાની આતુરતાથી રાહ જોઈ છે, જેથી એનું સ્ટેટમેન્ટ લઈ શકાય. હાલ તુરત તો તમને આ બેહોશ માણસ પાસેથી કશુંયે જાણવા મળે તેમ નથી.’

સુનીલે ડોક્ટર સામે જોયું અને બોલ્યો, ‘ઠીક છે, બેહોશીની હાલતમાં તેણે કશો એ બડબડાટ કર્યો છે ખરો?’
‘હા, કેટલાક અસ્પષ્ટ જેનો અર્થ ન સમજાય એવા શબ્દો એ બબડ્યો છે, ખૂબ જ હળવા અવાજે તે કહેતો હતો-કોણ… કોણ…!’
‘કિરણ’નામનો કોઈ ઉલ્લેખ એના મોંમાંથી નીકળ્યો છે?’

‘કિરણ…? જી નહીં! એવો કોઈ જ શબ્દ કે નામ તે નથી બબડ્યો.’
સુનીલ પાછો ફર્યો..!
નિરાશા…! ઘોર નિરાશા…! ચારે તરફથી નિરાશા..!
ડેની ઉર્ફે કિરણ ક્યાં ચાલી ગઈ? ખૂબ જ બેચેનીભર્યો માનસિક પરિતાપ અનુભવતો તે રંગપુર પોલીસસ્ટેશન પર પહોંચ્યો ત્યાં એણે ઈન્સ્પેક્ટર કદમને પોતાનો સાચો પરિચય આપ્યો. સ્પેશિયલસિક્રેટ સર્વિસનું આઈડેન્ટિ-ફિકેશનનું કાર્ડ એની પાસે પરિચય મળતાં જ કદમ તેની સાથે વાતો કરવા માટે સહર્ષ તૈયાર થઈ ગયો.

એણે સુનીલને પૂછ્યું, ‘સાહેબ, કોના રિપોર્ટથી તમે અહીંથી આવ્યા છો? દેશાઈભાઈના કે પછી તેના કાકાના સુપુત્ર શ્રી રમણદેશાઈના?’
‘હું કોઈના રિપોર્ટ પર અહીં નથી આવ્યો ઈન્સ્પેક્ટર! વાસ્તવમાં એક યુવતી કે જેનું નામ કિરણ મલહોત્રા છે એની શોધ માટે અહીં આવ્યો છું.’
‘ઓહ હા! મુંબઈ પોલીસે પણ એના વિષે અહીંયાં પૂછપરછ કરાવી છે. ત્યાંની પોલીસના કહેવા પ્રમાણે એ છોકરી અહીં હોસ્પિટલમાં બેહોશ પડેલા દિવાકર નામના માનવીની પ્રેમિકા છે, પરંતુ જનાબ હું તમને ખાતરીથી કહું છું કે મારા ઈલાકામાં આ છોકરીએ હજુ સુધી પગ નથી મૂક્યો જો મૂક્યો હોત તો ચોક્કસ એની માહિતી મને મળી જ જાત…’
કદાચ તે દિવાકર સાથે અહીં આવી હોય!’
‘ના, મેં પૂરી તપાસ કરી લીધી છે. તે અહીં એકલો જ આવ્યો હતો. ઉપરાંત જે માણસો ખૂન કરવા માટે ઘરેથી નીકળે છે ત્યારે તેઓ પોતાની ગર્લફ્રેન્ડને ક્યારેય સાથે નથી લઈ જતા…’
‘તો આ ખૂનો દિવાકરે જ કર્યાં છે, એમ તમે માનો છો?’
‘હા, મને પૂરી ખાતરી છે સાહેબ!’ એનાં વસ્ત્રોમાં લોહીનાં જ ધાબાં હતાં તે કેટલાય માણસોનાં હતાં. એનું પોતાનું લોહી, છનાભાઈનું લોહી અને વિદ્યાનું લોહી ! જે કમરામાં ખૂનો થયાં ત્યાંથી એક રિવોલ્વર મળી આવી છે. હથિયારોના રજિસ્ટરમાંથી જાણવા મળ્યું છે કે તે રિવોલ્વર દિવાકરની જ છે. મરનારનાં શરીર પર દિવાકરની આંગળીઓની છાપ છે. હવે પ્રશ્ર્ન એક જ છે-હેતુનો…? કિરણનો ? ક્યાં કારણોસર ખૂનો કરવામાં આવ્યાં ?
‘સવાલ તમે જ કર્યો છે ઈન્સ્પેક્ટર બંધુ !’ સુનીલ હસ્યો, ‘તો જવાબ પણ તમે જ આપો ! તમારી પોતાની પણ કોઈક ધારણા તો હશે જ ને ?’
‘જુઓ સુનીલ સાહેબ !’ ઇન્સ્પેક્ટરનો અવાજ ગંભીર હતો. ‘આ સવાલને આપણે બે અલગ અલગ દૃષ્ટિકોણથી તપાસવો પડશે. બે વ્યક્તિ વિશેષને વચ્ચે રાખીને જોવો પડશે. પહેલો દૃષ્ટિકોણ અને વ્યક્તિ છે દિવાકર જોશી ! અને બીજો દેશાઈભાઈ ! તે દેશાઈ જમીનદારોનો વારસદાર છે. કરવામાં આવેલી તપાસ એમ સૂચવે છે દેશાઈભાઈ સાથે જોડાયા પહેલાં દિવાકર સાવ ફકીર અને કડકો માણસ હતો એ અનાથ હતો અને નોકરી માટે દર-બેદરની ઠોકરો ખાતો હતો. પછી જોતજોતામાં જ તે લખપતિ બની ગયો.’
‘ઈન્સ્પેક્ટર / એ દેશાઈ સ્ટીમ કુાં.ની હિસાબકિતાબની વાર્ષિક આવક-જાવકના રીટર્નસ તપાસવામાં આવ્યાં છે. એ કુાં. છેલ્લા કેટલાંએ વર્ષોથી વેપાર ધંધામાં ખોટ-નુકસાન દર્શાવી રહી છે અને ગયે વર્ષે તો તેને પૂરા બે લાખ રૂપિયાની ખોટ ગઈ હતી. આથી બે વાતો પુરવાર થાય છે. પહેલી વાત-દિવાકર તથા અન્ય પાર્ટનર દેશઈભાઈ પોતાની સ્ટીમ કુાં. ના ઓઠા નીચે કોઈક બીજો જ બિઝનેસ કરે છે. બીજી વાત એ કે હાલમાં એ લોકોને રૂપિયાની ખૂબ જ જરૂર છે અથવા તો જરૂર આવી પડી હતી.’
‘આગળ કહો…’
‘હવે આ દેશાઈ વંશને જોઈએ. જો કે આ ફક્ત મારું અનુમાન છે અને તેને સમર્થન મળે એવો કોઈ જ મુદ્દો પ્રાપ્ત નથી થયો છતાં પણ હું એમ માનું છું કે આ જૂના જમાનામાં રજવાડાંને જમીનદારોને એટલે કે આવા જૂના વંશોને કેટલીક ખાસ પ્રકારની ટેવ હોય છે. જે ચીજ અને વસ્તુઓ સાથે એમના વંશનું ગૌરવ લપેટાયેલું હોય છે, તેને તે લોકો જીવ કરતાં યે વધારે જતન કરે છે. પોતાનો પ્રાણ ત્યાગી દેશે પણ આવી વસ્તુઓને પોતાના હાથમાંથી નહિ જવા દે. હવે એ ચીજ વસ્તુ ગમે તે હોઈ શકે છે. પછી તે મહેલ હોય, ખંડિયેર હોય, તસ્વીર હોય, જમીન હોય કે ઝવેરાત, હીરા-માણેક અને મોતી પણ હોય ! મારી પોતાની માન્યતા એવી છે કે રંગપુરના આ જૂના શાસક પરિવારે…પોતાની હયાતીમાં ખરાબ, કપરા અને ભૂખમરાનાં દિવસો જોયા છે. એમની એકએક ઈંટો જમીનદોસ્ત થઈ ગઈ છે. એકએક વસ્તુઓ એમના હાથમાંથી નીકળી થઈ છે. કીંમતી ફરનિચર, સંગીતનાં સાધનો, રજવાડી પલંગો, તસ્વીરો, ઝુમ્મરો પરંતુ તેમ છતાં પણ કંઈક બાકી છે… કોઈક એવી વસ્તુ કે જેની સાથે એમના વંશનું ગૌરવ ઈજ્જત લપેટાયેલાં છે. થોડાંક કીંમતી રત્નો, હીરાઓ… એમણે ભૂખમરો વેઠીને પણ બચાવ્યાં છે અને છાતીએ વળગાડી રાખ્યાં છે. આ વસ્તુઓને તેઓએ હાથમાંથી ન જવા દીધી. અને…અને… આ હીરાઓ વિશે-તેના અસ્તિત્વ વિશે ચોક્કસ જ દેશાઈભાઈ જાણતો હતો. પોતાના મોટાભાઈ છનાભાઈ પાસે એવા કીમતી હીરા હોવાની એને ખબર હતી. અને હાલમાં જ્યારે તેને રૂપિયાની અનહદ જરૂર પડી ત્યારે તેને થયું કે એ હીરાઓ હાથમાં આવી જાય તો પોતાને થયેલું નુકસાન ભરપાઈ કરી શકાય, તે લાલચે એના દિમાગ પર કબજો જમાવી દીધો તે પાંચ-સાત દિવસ પહેલાં રંગપુરમાં આવ્યો હતો. તે પોતાના ભાઈ પાસે હીરાઓની માગણી કરવા માટે જ નહિ આવ્યો હોય એની શી ખાતરી છે ? અને… અને કદાચ આ હીરાઓ ખાતર જ બન્ને ભાઈ વચ્ચે ઝઘડો જામી ગયો.

‘તમારી થિયરી તો સાચે જ કાબિલે-તારીફ છે.’
ઝઘડાના કારણે તેને એ હીરાઓ ન મળી શક્યા. કદાચ છનાભાઈએ સ્પષ્ટ ઇન્કાર કર્યો પછી દેશાઈભાઈ મુંબઈ પાછો ફર્યો. ત્યાં જઈને એણે પોતાના પાર્ટનર દિવાકર સાથે મજકૂર હીરાઓની ઉઠાંતરી કરવાનો પ્લાન બનાવ્યો અને તેને અહીં એ હીરાઓની ચોરી કરવા માટે રંગપુર મોકલ્યો, પરંતુ દિવાકર હીરાઓની તફડંચી કરવામાં સફળ થાય એ પહેલાં જ છનાભાઈને ખબર પડી ગઈ અને પછી બન્ને વચ્ચે લડાઈ જામી અને લડાઈમાં છેવટે દિવાકરના હાથે છનાભાઈ માર્યો ગયો. કદાચ ધમાધમી વચ્ચે દેશાઈભાઈની બહેન વિદ્યા અચાનક જ આવી તે પણ હત્યારાનો શિકાર બની ગઈ.’
સુનીલને લાગ્યું કે આ ઈન્સ્પેક્ટર ગામડામાં નહિ, શહેરને લાયક છે. એના દરેક તર્કો વજનદાર હતા.

‘હું તમારી માન્યતાને મળતો થઉં છું ઈન્સ્પેક્ટર !’ એ બોલ્યો, ‘તમે તમારી થિયરી પ્રમાણે તપાસ ચાલુ રાખજો અને જરૂર તેમાં તમને સફળતા મળશે. જો કે આ કેસ સાથે હું સંકળાયેલો નથી. છતાં એ મારી મદદની જરૂર હોય તો કહેજો. વાસ્તવમાં મારું કામ અત્યારે ફક્ત કિરણને જ શોધી કાઢવાનું છે. તમે જે થિયરી રજૂ કરી, એ જોતાં તો કિરણ અહીં આવી હોય એવું લાગતું જ નથી અને આ સ્થિતિમાં મારી મૂંઝવણ તો ફરી ફરીને ત્યાંની ત્યાં જ આવી અટકે છે.

-કિરણ ક્યાં છે ?

-એના પર શું વીત્યું છે અથવા વીતે છે ?

ઈન્સ્પેક્ટર કદમ એની સામે તાકી રહ્યો. એ પણ વિચારતો હતો, ક્યાં છે આ કિરણ નામની યુવતી ?


-અને…કિરણને પોતાને પણ એ જ પ્રશ્ર્ન અકળાવતો હતો. -પોતે ક્યાં છે ?

-એની ચારે તરફ કાળો અંધકાર ફેલાયેલો હતો, ઘટાટોપ અંધકાર ! એની આંખો થોડીવાર પહેલાં જ ઊઘડી હતી અને તે અંધારામાં નજરને જમાવતી, તથા દિમાગ પર ભાર મૂકીને પોતે ક્યાં છે અને શું બન્યું છે એ સમજવાનો પ્રયાસ કરતી હતી. એના હાથપગ ફ્રી હતા.

પરંતુ સારાયે શરીરમાં બેહદ પીડા થઈ ગઈ હતી. તે માંડ માંડ ઊભી થઈ અને અંધકારમાં જ હાથને ચારે તરફ ફંફોળીને પોતે ક્યાં છે એ જાણવાનો પ્રયાસ કરવા લાગી. એના પગ નીચે ઊંચીનીચી ઊબડખાબડ જમીનની ધૂળ હાથપગ ફંફોળ્યા બાદ તે એટલું જાણી શકી કે પોતે કોઈ લાકડાંના કોટેજમાં છે.

પછી અચાનક એના કાન ચમક્યા. ઘણીવારથી ગુંજતો અને ક્યારેય સમાપ્ત ન થઈ શકે એવો અવાજ પહેલી જ વાર એની શ્રવણશક્તિએ પારખ્યો. અવાજ એની ચેતના સાથે ટકરાયો…ઘૂં ઉં…ઉં…મ… પાણીના લહેરાતા-ચડતા-ઊતરતા અને પાછા વળતા પાણીનાં પ્રચંડ મોજાંઓની ગર્જનાનો અવાજ !

એ અંધકારમાં જ આગળ વધી ચારે તરફ પડતી-આખડતી લાકડાંની દીવાલો પર હાથ ફંફોળી ફંફોળીને છેવટે એણે પ્રવેશદ્વાર શોધી કાઢ્યું.

પરંતુ એ બહારથી બંધ હતું. એણે હતી એટલી સમગ્ર તાકાતથી દ્વારને ધક્કો માર્યો પરંતુ તે ન જ ઊઘડ્યું. આંખો સામે અંધકાર ફેલાવા લાગ્યો અને તે ત્યાં જ ફસડાઈ પડી. થોડી પળો બાદ અચાનક એના હોઠ પર સ્મિત ફરક્યું અને તે ફરીથી ‘ડેની’ બની ગઈ. તો પોતે છેવટે દુશ્મનોના હાથમાં ફસાઈ જ પડી !

પોતે આ જ ઘડીની રાહ જોતી હતી. એકેએક કાર્યો એટલી બધી શાંતિથી થતાં હતાં કે અપરાધનું ક્યાંય નામોનિશાન જ ન હોય એવું લાગતું હતું.

આ બધા ખૂબ જ ભલા અને શાંતિ તથા કાનૂનિ૫્રય માણસો છે. પોતે નાહક જ સમય બરબાદ કર્યો.
દિવાકરને તે પોતે અપરાધી માનતી હતી.

-દિવાકર ! એ વિચારવા લાગી.

આ માનવી તેને ખૂબ જ ભલોભાલો અને નિર્દોષ લાગ્યો હતો. પોતે એની સાથે પ્રેમનું નાટક ભજવી રહી હતી. કદાચ હજુ ભજવશે પણ ખરી, પરંતુ એ માટે લાચારી છે એ માણસની કમજોરી અને લાચારી પર તેમ છતાં પણ પોતાને માન છે.

એ માણસનો ધંધો ભલે ગમે તે હોય પરંતુ એનામાં રાક્ષસપણું નથી… ક્રૂરતા નથી.

દિવાકર પાસેથી જ પોતે જાણ્યું છે કે માનવીની પોતાની મૂળ જરૂરિયાતો અને નાની-નાની માસૂમ ઈચ્છાઓ તો ખૂબ જ થોડી છે.

-પણ…
-પણ એ નાની નાની માસૂમ ઈચ્છા અને જરૂરિયાતો પૂરી કરવા માટે માણસજાતને કેટલા બધા મોટા ભીષણ પ્રયાસો કરવા પડે છે, અને તેમ છતાં પણ એની ઈચ્છાઓ, આકાંક્ષાઓ અને જરૂરિયાતો તો અધૂરી રહી જાય છે.

-પોતાને દિવાકર પ્રત્યે લાગણી છે. એ એકલી જ હસી પડી. એ ભોળો-ભલો ઈન્સાન પોતાની સાથે લગ્ન કરવાનું સ્વપ્ન જુએ છે. જિંદગીની આ કેટલી બધી મોટી કરુણતા છે ? એના રોમાન્સથી પણ પોતાને ખૂબ ડરવું પડે છે. એના વરંવાર આગળ વધતા હાથને પોતાનાથી દૂર રાખવા મટે ખૂબ તકલીફ ભોગવવી પડે છે. પોતે એને કોઈ રીતે સમજાવી શકે તેમ નથી. એ તેની પ્રેમિકા નહીં પણ જાસૂસ છે, એ એને કેમ કહી શકીશ ? અને અદૃશ્ય થઈ જશે ત્યારે ?

એ એમ માનશે-કિરણ મને છોડીને ચાલી ગઈ. એનો પ્રેમ, પ્રેમ નહિ ફરેબ હતો, દગાબાજી હતી, બેઈમાની હતી. પોતાની દોલતને ખાતર જ તે પ્રેમનું નાટક કરતી હતી અને આવી વિકટ સ્થિતિમાં પણ પોતે એ માસૂમ ઈન્સાનને કેવી રીતે સમજાવી શકશે કે દિવાકર, હું બેવફા હતી.

વાસ્તવમાં હું તને ચાહતી જ નહોતી કોઈ પણ સંજોગોમાં પોતે ક્યારે આ ખુલાસો કદાપિ કરી શકવાની નથી… એ તો એમ જ માનશે કે કિરણ ફરેબી, મક્કાર અને સ્વાર્થી હતી…!
અને ત્યારે એ કમભાગી ઈન્સાનનું કાચ જેવું હૃદય ભાંગીને ભુક્કો થઈ જશે. એને થયું કે પોતે દિવાકર વિશે વધુ વિચારશે તો બેહોશ થઈ જશે. વિચારોને એણે બીજી દિશામાં દોર્યા.
હા, બધુ જ શાંતિથી-ખામોશીથી ચુપચાપ ચાલતું હતું ત્યાં સુધી કે પોતે કંટાળી ગઈ હતી અને પાછી ફરવા માગતી હતી અને પછી એ સાંજે દિવાકરનો ફોન આવ્યો. એ વખતે જ પોતાને એમ થયું હતું કે હવે ફરી એકવાર હમેશની જેમ કામકાજનું બહાનું કાઢીને થોડા દિવસો માટે ક્યાંક ગુમ થઈ જશે અને જ્યારે પાછો ફરશે ત્યારે પોતે તેને કશી એ પૂછપરછ ન કરે એટલા ખાતર ખૂબ જોરજોરથી બેહદ રોમેન્ટિક વાતો શરૂ કરી દેશે.

-ધીમે ધીમે એક એક કરીને તેને બધી વાતો યાદ આવવા લાગી.

દિવાકરના ફોન પછી એ એક પણ પળ ગુમાવ્યા વગર ચૂપચાપ કમરાને તાળું લગાવીને હોસ્ટેલમાં કોઈકને ખબર ન પડે એ રીતે બહાર નીકળી ગઈ અને વીશ જ મિનિટમાં ટેક્સી મારફતે તે દિવાકરના બંગલે-વરલી પહોંચી ગઈ. એ ત્યાં બગીચામાં કામ કરનાર માળી તથા મિસ્ત્રીઓની નજર ચૂકવી તે ચૂપચાપ ઉઘાડા ગેરેજમાં ઘૂસી ગઈ અને ત્યારબાદ દિવાકરની કારમાં પાછલી સીટની નીચે છુપાઈ ગઈ. ત્યાર બાદના પ્રસંગો પણ તેને યાદ આવ્યા.

દિવાકર તથા દેશાઈભાઈની વાતચીત ખૂબ જ સ્પષ્ટતાથી એણે કારની સીટ નીચે છુપાયેલી સ્થિતિમાં સાંભળી હતી. પળભર તો તેને આ બધું સ્વપ્ન જેવું જ લાગ્યું. એણે પોતાના માથા પર હાથ ફેરવ્યો. સુકાઈ ગયેલા લોહીનો આભાસ તેને થયો.

ના, આ સ્વપ્ન નહિ સત્ય છે, પછી…? પછી રેલિંગ પાસે એને એકલી મૂકીને દિવાકર દેશાઈભાઈની બહેન વિદ્યાને મળવા માટે એના મકાન તરફ ગયો હતો એ અમસ્તી જ ખાડીમાં નજર કરવા માટે રેલિંગ પર સહેજ નમી ગઈ હતી અને બરાબર એ જ પળે ઘટાટોપ અંધકારમાંથી એક પડછાયાએ તેના પર હુમલો કર્યો હતો અને એ એકલી ખાડીમાં ઊથલી પડવા જેવી વિકટ સ્થિતિમાં આવી પડી હતી…
પરંતુ બરાબર એ જ ઘડીએ હુમલો કરનાર વ્યક્તિએ પોતાને તેના ખભા પર ઊંચકી લીધી અને પછી તે વ્યક્તિ એકદમ ગાઢ અંધકારમાં પણ સડસડાટ દોડવા લાગી. પોતે બેહોશ થવાની તૈયારીમા જ હતી.

ડેની ઉર્ફે કિરણના દિમાગમાં વિચારોની પરંપરા ચાલુ જ હતી.

અને અચાનક તેને યાદ આવ્યું કે પોતે સમગ્ર તાકાતથી મદદ માટે ચીસ પાડી હતી. દિવાકરે જરૂર એ ચીસ સાંભળી જ હશે. તો પછી…? એનું શું થયું ? એ પોતાને છોડીને થોડો જ ચાલ્યો ગયો હશે ? એ મદદ માટે કેમ ન આવ્યો ? કદાચ…કદાચ એના પર પણ હુમલો થયો હોવો જોઈએ. અત્યારે તે ક્યાં હશે ? એ જીવતો તો હશે જ ને ?

આ બધું શા માટે થયું છે તે પોતે બરાબર જાણે છે. દિવાકર તો ભોળો છે…ભોળો ! એ કહેતો હતો કે એ દેશાઈભાઈને હંમેશને માટે છોડી દેશે. આજનું તેનું કામ છેલ્લું જ છે. બિચારો દિવાકર ! આટલા દિવસો પછી પણ એટલું એ નથી સમજતો કે દાણચોરો કે બદમાશોની ટોળીમાં એક સભ્ય તરીકે દાખલ થયા બાદ ક્યારેય નથી છૂટી શકાતું. એકવાર જે ઈન્સાન આવી ટોળીમાં ફસાયા છે તે પછી લાખ પ્રયાસ કર્યા બાદ પણ નથી નીકળી શકતો. દિવાકર પોતાનાથી છૂટો પડવા માગે છે. હંમેશને માટે એ વાતનો સ્પષ્ટ આભાસ ચોક્કસ જ દેશાઈભાઈને થઈ ગયો હતો. એટલે જ એણે એક ખોટી વાત, ખોટું બહાનું કાઢીને તેને રંગપુર મોકલ્યો. આ એનું જ કાવતરું છે. એ કદાચ પોતાના માર્ગમાંથી દિવાકરનો કાંટો હંમેશને માટે જ કાઢી નાખવા માગતો હતો અને એ એણે કાઢી જ નાખ્યો લાગે છે. પેલી હુમલાખોર કાળી આકૃતિ પોતાને ઉઠાવીને ક્યાં ગઈ છે અને ક્યારે શું બન્યું છે એ વિશે કંઈ જ યાદ નથી આવતી. પોતે ચીસ પાડ્યા પછી તરત જ બેહોશીના ઝુલા પર ઝૂલતી હતી. ચીસ પાડવાની શક્તિ પણ પોતાનામાં નહોતી રહી. માથા પર પડેલા ફટકાના કારણે વેદનાની તીખી ઝણઝણાટી થતી હતી.

પછી એવું લાગ્યું હતું કે એ કોઈક સાગરનાં ઊછળતાં મોજાં પણ વહેતા વહાણ કે હોડીમાં પડી છે. એ ભાન ગુમાવવાની તૈયારીમાં જ હતી અને પ્રયાસ કરવા છતાં પણ અવાજ મોંમાંથી નહોતો નીકળી શકતો.

થોડીવાર માટે તો તે ચેતનાશૂન્ય બની ગઈ હતી અને સમયનો બરાબર ખ્યાલ નહોતો આવ્યો, પરંતુ પછી એવું લાગ્યું કે એ જમીન પર ધૂળમાં પડી છે અને એની આસપાસ કેટલાયે માણસોના ચાલવાનો અવાજ સંભળાય છે, પછી કોઈનો અવાજ કાને ટકરાયો હતો, ‘કોણ છે આ ?’ ‘ઉપાધિ’. બીજો અવાજ, ‘આ એની સાથે હતી.’ પહેલો અવાજ ‘તો એને નહીં શા માટે લાવ્યો ? ભારે કરી…’ બીજો અવાજ, ‘કહો તો એ લોકોની સાથે આને પણ મોકલી આપીએ.’ અને ફરીથી પહેલો અવાજ, ‘ના…હવે ઘણું થઈ ચૂક્યું છે, વધુ નહિ.’ બીજો અવાજ, ‘તો હવે આનું શું કરવું છે ?’ પહેલો સ્વર, ‘રહેવા દે, હું પોતે એની વ્યવસ્થા કરી લઈશ…’
ત્યાર પછી વાતચીત બંધ પડી ગઈ હતી અને ફરી એકવાર એ બેહોશીના અથાગ ઊંડાણમાં ઊતરી ગઈ હતી. અને હવે…? હવે અહીંયા એ કેદી છે. વિચારવાનું પડતું મૂકીને એણે ફરીથી દરવાજાને જોરથી ધક્કો માર્યો. એ વાતચીતનો અર્થ શું હતો ?

એફરીથી વિચારવા લાગી. ‘આ એની સાથે જ હતી.’ ચોક્કસ જ એ લોકો દિવાકર અંગે જ કહેતા હતા. દિવાકર કદાચ એના કરતાં પણ વધું તકલીફમાં છે… અને એને બીજું શું કહેતા હતા એ લોકો ?…કોની સાથે એને મોકલવાની વાત એ લોકો કરતા હતા ? શું થઈ ગયું છે ?

સાહસા એ ધ્રુજી ઊઠી. એ ભારે ભરખમ અવાજ…! તો એને અહીં શા માટે લાવ્યો: ઉપાધિ…ઉપાધિ…! ભારે કરી…! અને પછી સાહસા એની યાદદાસ્તને જોરદાર આંચકો લાગ્યો એ દેશાઈભાઈને બેત્રણ વખત જ મળી છે.

પરંતુ એનો ભારે-ભરખમ અવાજ એને બરાબર યાદ છે. એ જ અવાજ એ જ તીખો તરવરાટ ! અને વાતની પૂર્ણાહુતિમાં એના બે પેટન્ટ શબ્દો-ઉપાધિ…ભારે કરી…
-તો એ દેશાઈભાઈ જ હતો.

  • દેશાઈભાઈ ! જે દિવાકરને પોતાનો જિગરજાન દોસ્ત… હૈયાનો હાર અને કલેજાનો ટુકડો કહેતો હતો. એનાં વખાણ કરતાં એની જીભ થાકતી નહોતી એ જ અને દેશાઈભાઈ ! અને આ તેનું સાચું, વાસ્તવિક રૂપ !

હવે કેટલીયે શક્યતાઓ એના દિમાગમાં ઊપસતી હતી. એ દેશાઈભાઈ જ હતો અને એ અત્યારે તેના કબજામાં છે-તેની કેદમાં છે. બીજા અર્થમાં હવે બહુ જલદીથી એનો અંત પણ નજીકમાં જ છે. એને ફૂલોની સેજ પર બેસાડવા માટે તો કેદી બનાવવામાં નહિ જ આવી હોય !

એની પાછળ દિવાકર કેટલો બધો પાગલ છે એ વાત દેશાઈભાઈ જાણતો જ હતો. એણે કદાચ વિચાર્યું હશે કે દિવાકરે એના બિઝનેસ અંગેની વાતચીત અને બિઝનેસમાં રહસ્યો લાગણીના આવેશમાં આ છોકરી પાસે બકી નાખ્યાં હશે. માટે તેને પણ મોતને ઘાટ ઉતારી દેવી પડશે.

વિચારતાં વિચારતાં એ થાકી. એણે એક લાંબો શ્ર્વાસ લીધો અને પછી ચૂપચાપ પડી રહી.

સહસા બહાર કોઈકનો પગરવ સંભળાયો. શ્ર્વાસ રોકીને તે ઊભી થઈ અને દ્વાર નજીક પહોંચી કાન સરવા કરીને સાંભળવા લાગી. બહાર કોઈકનો ચાલવાનો અવાજ સંભળાયો. કોઈક દ્વાર પાસે આવ્યું અને પછી અવારનવાર વ્યક્તિ ફરીથી દૂર જવા લાગી.

એક ચીસ એના કંઠમાં આવીને અટકી ગઈ. પસાર થનાર વ્યક્તિ ધીમે ધીમે દૂર થતો ગયો. લગભગ બે મિનિટ પછીથી ફરથી એ જ પગરવ નજીક આવ્યો અને પછી વળતી જ પળે કિરણને આભાસ થયો કે એ વ્યક્તિ બહારથી દ્વારનો આંગળીઓ ઉઘાડી રહી છે. એ પાછળ ખસીને દીવાલ સરસી ઊભી રહી ગઈ. એ ભારે વજનદાર લાકડાંનો દરવાજો ચી…ઈ…ઈ…અવાજ સાથે ધીમે ધીમે ઊઘડ્યો.
સવારના સૂરજનાં ઝળહળતાં તાજાં કિરણો ઉઘાડા દ્વારમાં તાજગી સાથે અંદર ધસી આવ્યાં. અને પછી વળતી જ પળે એક ભારે-ભરખમ છ હાથ ઊંચો દેખાવમાં તગડો અને માતેલા આખલા જેવો બળવાન ભીમકાય દેહ ધરાવતો માનવી અંદર આવ્યો, એના વાળ અસ્તવ્યસ્ત અને ચહેરો બેહદ કઠોર-નઠોર નિર્દયી ભાસતો હતો. કિરણે એને ઓળખ્યો.
-એ દેશાઈભાઈ હતો.

શ્ર્વાસ રોકીને તે દીવાલ સરસી જ ઊભી રહી ગઈ. દેશાઈભાઈના હાથમાં સળગતી ટોર્ચ હતી. અને ટોર્ચના પ્રકાશ ફરતો ફરતો તેની સામે આવતો હતો. એ ધીમે ધીમે દ્વાર તરફ સરકવા લાગી. પછી અચાનક એ પ્રકાશ એના પર પથરાયો. એ ઊછળીને દરવાજા સમીપ પહોંચવા જતી હતી કે તરત જ દેશાઈભાઈ તેની સામે હરણફાળ કરતો એકદમ કૂદ્યો. એણે તેનું બાવડું પકડ્યું અને તેને ઢસડીને પ્રકાશમાં ખેંચી લાવ્યો.

‘કોણ…કિરણ…? ઉપાધિ…ભારે કરી…! તું અહીં શું કરે છે ?’

કિરણ એકદમ નીડરતાથી એની સામે ટટ્ટાર ઊભી રહી ગઈ…એની આંખોમાંથી દેશાઈભાઈ તરફ જાણે કે રોષનાં ધગધગતા અંગારા છૂટતા હતા.

‘એ જ તો હું તમને પૂછવા માંગું છું કે હું અહીં ક્યાંથી ?’ એ ક્રોધથી થરથરતા અવાજે બોલી, ‘મને અહીં લાવીને શા માટે બંદી બનાવવામાં આવી છે? શા માટે મારા પર હુમલો કરીને મને બેહોશ કરવામાં આવી ? અને… દિવાકરનું શું કર્યું છે તમે તથા તમારા ચમચાઓએ…?’

‘તારા પર હુમલો થયો હતો ?’

‘અભિનયની જરૂર નથી.’ એ કડવા અવાજે બોલી, ‘દુનિયાભરની તમામ કળાઓ ભલે તમને આવડતી હોય, પણ મારે કહેવું જોઈએ દેશાઈભાઈ કે અભિનયકલામાં તમે એકદમ નબળા માણસ છો. અભિનય તમારા વશની વાત નથી. મેં તમારો અવાજ સાંભળીને જ તમને ઓળખી લીધા હતા. જે બહાના હેઠળ ભયંકર ષડ્યંત્રના ચક્કરમાં ફસાવીને તમે મુંબઈથી અહીં દિવાકરને મોકલ્યો હતો એ પણ હું બરાબર જાણું છું. તમારું સ્વરૂપ હું ઓળખી ગઈ છું…’
‘એક..? લે કર વાત…!’ દેશાઈભાઈનો અવાજ નર્યોનીતર્યો ઠાવકો હતો, કહે તો ખરી…! મારા ષડ્યંત્રની જાણ તને કેવી રીતે થઈ ગઈ…? ઉપાધિ…થઈ આ તો…! ભારે કરી…!’
‘દેશાઈભાઈ, જ્યારે તમે એ સીધા-સાદા માણસને રંગપુર મોકલવાની વાત કરતા હતા ત્યારે હું કારના પાછલા ભાગમાં છુપાઈ તમારી વાતો સાંભળતી હતી.’
‘તો તું અમારી પાછળ જાસૂસી કરતી હતી એમ ?’ દેશાઈભાઈનો અવાજ બેહદ ઝેરી અને કઠોર બની ગયો, ‘તો તું દિવાકર સાથે રંગપુર આવી હતી એમ…?’
‘હા…’
‘અને પછી ત્યાં શું થયું ?’

દેશાઈભાઈના આ સવાલમાં એટલી બધી સાદગી હતી કે જેણે કિરણને ઘડીભર આશ્ર્ચર્યચકિત બનાવી દીધી, એણે આંચકો મારીને દેશાઈભાઈની પકડમાંથી પોતાનો હાથ છોડાવી લીધો અને તીખા અવાજે બોલી, ‘તમે ફરીથી અભિનય ચાલુ કર્યો એમને? જનાબ, આ કળા તમને હાંસિલ નથી. રંગપુરમાં શું બન્યું છે એની માહિતી તો મારી કરતાં તમને હોવી જોઈએ. સાચે જ તમારો પ્લાન તો બેહદ જડબેસલાક અને ફૂલપ્રૂફ હતો. રંગપુરમાં ન તો તમારી બહેન હતી કે ન તો તમારા ભાઈ ! અને દિવાકર જ્યારે મને રેલિંગ પાસે એકલી મૂકીને એ ઊંચાઈ પર આવેલા મકાન તરફ આગળ વધ્યો-તમારી સૂચના પ્રમાણે-કે તરત જ મારા પર અંધારામાં જ હુમલો કરવામાં આવ્યો અને બેહોશ બનાવીને મને અહીં લાવી, કેદ કરવામાં આવી. આ બધું કદાચ કોઈક બીજાના કહેવાથી જ થયું હશે કેમ ?’
‘બીજું કંઈ ?’

‘હવે શું બાકી રહી ગયું છે ?’
‘દિવાકર ગધેડો છે, ગધેડો…! યુવતીઓની પાછળ પાછળ રખડવાથી આવાં જ પરિણામો આવે છે. ખેર, રંગપુરમાં શું હતું ? તે શું શું જોયું ત્યાં ?’
‘દેશાઈભાઈ…!’ ડેની હસી પડતાં ‘આ દશ મિનિટમાં તમે ત્રીજીવાર નિષ્ફળ અભિનયનો મારી પાસે પ્રયાસ કર્યો છે. ખેર, સાંભળો જો હું ભાનમાં હોત તો ચોક્કસ જ તમારા સવાલોનો જવાબ આપી શકત.’
‘ઠીક છે.’ દેશાઈભાઈએ પીઠ ફેરવી. અને પછી તે જવા લાગ્યો.

‘દેશાઈભાઈ…!’એ બરાડી ઊઠી, ‘તમે મને આ રીતે અહીં મૂકીને નહિ જઈ શકો.’
દેશાઈભાઈ એકદમ મશીનની જેમ એની સામે ફર્યો.

એના હાથમાં કાળના દૂત જેવી એક રિવોલ્વર ચમકતી હતી.

‘બેવકૂફ છોકરી…!’ દેશાઈભાઈના ગળામાંથી ઝેરી સર્પના સુસવાટા જેવો નીકળ્યો, ‘જો તે આ મામલામાં માથું ન માર્યુ હોત તો સ્થિતિ આટલી બધી ન વણસી હોત ! હવે જે કંઈ તેં કર્યું છે, એનું પરિણામ ભોગવ. આ જ તારો ઈલાજ છે સમજી?’

રિવોલ્વર જોઈને ડેની ત્યાં જ ઊભી રહી.

એની પાસે કોઈ જ હથિયાર નહોતું, તેમ એનામાં સામનો કરવાની શક્તિ પણ નહોતી.

દેશાઈભાઈ બહાર નીકળી ગયો અને એની પાછળ દરવાજો ચીં ઈ…ઈ…કરતો બંધ થઈ ગયો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button