મેટિની

ચાહે દિલમાં બેસાડે કે પછી ધિક્કારે…! દર્શક તો રાજા છે…

વિવેચકે વધાવી હોય જ્યારે દર્શકે વખોડી હોય અને વિવેચકે વખોડી હોય એવી ફિલ્મના દર્શકે ઓવારણાં લે છે એવું સમીકરણ ફરી એક વાર સાચું પડ્યું છે..!

કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી

હિન્દી ફિલ્મજગત જ નહીં, હોલીવૂડ તેમજ અન્ય વિદેશી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવી ફિલ્મ રિલીઝ થઈ હોય ત્યારે વિવેચક એને પાસિંગ માર્ક પણ ન આપે, પણ દર્શકરાજા એને ડિસ્ટિંકશન આપી દે…
બીજી તરફ વિવેચક ‘વાહ.. વાહ’ કરે ને દર્શક બાપડો ‘આહ..ઓહ.. ઊફ્ફ્..!’ કરી મોં મચકોડતો હોય છે. આવા ઉદાહરણ જોવા મળે છે.

તાજેતરમાં રણબીર કપૂર અભિનીત ‘એનિમલ’ નિમિત્તે આ વાત ફરી એક વાર સાચી સાબિત થઈ છે. અનુપમા ચોપડા (ફિલ્મમેકર વિધુ વિનોદ ચોપડાનાં પત્ની અને નામી ફિલ્મ વિવેચક)એ ’એનિમલ’ના રિવ્યુમાં હિંસાનો અતિરેક અને નારીનું અપમાન જેવી બાબતનો ઉલ્લેખ કરી ફિલ્મને સખત શબ્દોમાં વખોડી કાઢી . અન્ય વિવેચકોએ પણ ફિલ્મની કડક ભાષામાં આલોચના કરી .
જો કે, દર્શકોએ ‘વિવેચક જાય તેલ લેવા’ જેવો અભિગમ અપનાવી ફિલ્મ જોવા માટે થિયેટર પર ધસારો કર્યો છે અને આ લખાય છે ત્યાં સુધીમાં ભારતમાં આ ફિલ્મનું કલેક્શન ૪૫૦ કરોડ રૂપિયાને આંબી ગયું છે અને દેશપારના વકરાને ઉમેરીએ તો એ આંક ૭૫૦ કરોડને આંબી ગયો છે. વિવેચકોના સ્ટાર રેટિંગની ઐસીતૈસી કરી ફિલ્મ રસિયાઓએ ફિલ્મને ચાર નહીં- ચોવીસ ચાંદ લગાવી દીધા છે. આ ફિલ્મ કમાણી અને અભિનયની દ્રષ્ટિએ રણબીર કપૂરની સર્વોત્તમ ફિલ્મ સાબિત થઈ છે. ’કબીર સિંહ ’ રિલીઝ થઈ ત્યારે દિગ્દર્શક સંદીપ વાંગાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘વિવેચકો મારી ફિલ્મમાં હિંસા છે એવું કહેતા ફરે છે. હિંસાવાળી ફિલ્મ કેવી હોય એ હું એમને બતાવી દઈશ..! .’

હવે લો, જોઈ લો કે ‘એનિમલ’માં ડિરેક્ટરે પોતાનું વચન કેવું પાળ્યું છે અને ફરી એક વાર સાબિત કરી દીધું છે કે દર્શકોનું દિલ લાગે તો વિવેચકનું કંઈ ન વળે.

કાયમ નારાજ રહેતા ફુવા…

વિવેચક કાયમ નારાજ રહેતા ફુવા જેવા હોય છે, જેને દરેક લગ્ન પ્રસંગમાં કે બીજી કોઈ ઉજવણીમાં કોઈ ને કોઈ ખોટ – દોષ દેખાતા હોય છે. મોટાભાગના વિવેચકો ફિલ્મમાં કોઈ મેસેજ નથી કે પછી ખોટો મેસેજ જાય છે જેવી ટિપ્પણીથી માંડી ઈન્ટરવલ પછી વાર્તા ઢીલી પડે છે કે પછી ડિરેક્ટર ગોથા ખાય છે અથવા ગીત – સંગીતમાં દમ નથી કે પછી ફિલ્મમાં હિંસાનો અતિરેક છે, વગેરે, વગેરે પ્રકારની દલીલોથી ફિલ્મનો નેગેટિવ રિવ્યૂ આપે છે.

અલબત્ત,અહીં વિવેચકને કશી ભાન નથી પડતી અને એ લોકો ફીફાં ખાંડે છે એવું ઠસાવવાનો લગીરે પ્રયાસ નથી. વાત માત્ર એટલી જ છે કે વિવેચક જેવા ચશ્મા પહેરી ફિલ્મ જોતા દર્શકોની સંખ્યા અત્યંત પાતળી હોય છે. વિવેચક એટલે એમ. ફિલ. – પીએચ.ડી. ડિગ્રીના ધારક અને મોટા ભાગના દર્શકો એટલે દસમું – બારમું પાસ કે બહુ બહુ તો ગ્રેજ્યુએશનની ડિગ્રી. પછી ‘શિયાળ તાણે સીમ ભણી’ અને ‘શ્ર્વાન તાણે ગામ ભણી’ જેવો સિનારિયો સર્જાય..

હકીકત એ છે કે મોટા ભાગના દર્શકો તણાવપૂર્ણ જીવનમાંથી કેટલાંક કલાક દૂર થવા એન્ટરટેઇન્મેન્ટ-મનોરંજન માટે- સમય આનંદથી પસાર કરવા ફિલ્મ જોવા આવે છે.

ફિલ્મમાંથી શું અને કેવો મેસેજ મળે છે એની એમને પરવા નથી હોતી. વાર્તા ઢીલી પડે છે કે દિગ્દર્શકે પકડ ગુમાવી દીધી છે જેવી બાબતો સાથે એને બહુ નિસ્બત નથી હોતી. ફિલ્મ જોવા માટે વ્યક્તિદીઠ ૫૦૦ – ૫૦૦ની બે નોટ ખર્ચ્યા પછી એ પૈસા કેટલી હદે વસૂલ થયા એવું એ વિચારતા હોય છે. ફિલ્મમાં મજા આવી કે ન આવી એ એમનો ઓપિનિયન હોય છે.

આલ્ફા મેલ-મિસોગાયનિસ્ટ (સ્ત્રી દ્વેષી)- સેક્સયુલ એબ્યુઝ- હાઇપરટોક્સિક મેસ્ક્યૂલિનિટી (વિષાક્ત પૌરુષત્વ) ,વગેરે વિવેચકો દ્વારા આપવામાં આવતાં વિશેષણોથી મોટા ભાગના દર્શકો અજાણ હોય છે. ફિલ્મનું કયું તત્ત્વ દર્શકને આકર્ષિત કરી દે એ સમજવું મુશ્કેલ જ નહીં નામુમકીન છે.

તાપસી પન્નુની ’થપ્પડ’માં પણ અન્યાયના બદલાની જ વાત હતી, કથા – અભિનય – દિગ્દર્શનની દ્રષ્ટિએ ફિલ્મ સુંદર હતી, પણ દર્શકોએ એને દરવાજો દેખાડી દીધો.
‘દબંગ’ રિલીઝ થઈ ત્યારે સલમાન ખાને એક સવાલના જવાબમાં કહ્યું હતું કે ‘મારી ફિલ્મમાં કોઈ મેસેજ નથી હોતો. મેસેજ આપવો હશે તો હું જખજ કરી દઈશ… મારી ફિલ્મ જોવા આવેલો દર્શક ફિલ્મ પૂરી થયા પછી થિયેટરની બહાર નીકળે ત્યારે એનો ચહેરો હસતો હોવો જોઈએ.’

વિવેચકોએ ‘દબંગ’ને ઉતારી પાડ્યા
પછી પણ એ હિટ સાબિત થઈ હતી…
વખોડે તો સુપરહિટ,
વખાણે તો ટેન્શન…
ફિલ્મ પત્રકારત્વની કારકિર્દી દરમિયાન ફિલ્મ મેકિંગ સાથે સંકળાયેલા અનેક લોકો સાથે થયેલી વિવિધ ચર્ચામાં એક સૂર એવો નીકળતો હતો કે ‘વિવેચકોએ ફિલ્મને વખોડી હોય તો સારી ચાલે અને વિવેચકે વખાણી છે તો મેકરને ટેન્શન થાય.’ આ વિધાન પાછળનો એકમાત્ર હેતુ વિવેચક ને દર્શક વચ્ચે રહેલું અંતર દર્શાવવાનો જ છે. કોઈના સ્તરનું માપ કાઢવાનો નથી. ઉદાહરણ પરથી વાત સ્પષ્ટ થશે. માધુરી દીક્ષિત – સલમાન ખાનની સૂરજ બડજાત્યા દિગ્દર્શિત ‘હમ આપકે હૈં કૌન’ યાદ છે? ચાર લીટીની વાર્તા, ન કોઈ લડાઈ – ઝઘડા, ન કોઈ વિખવાદ કે ન કોઈ વિલન અને ત્રણ કલાકથી વધુ લાંબી ફિલ્મ. કોઈ વિવેચકે ‘આ ફિલ્મ નથી, મેરેજનો લાંબો વીડિયો છે’ એવી ટિપ્પણી કરી તો કોઈએ વળી ‘૧૪ ગીત, બે લગ્ન અને એક અંતિમયાત્રા’ એવું વર્ણન કર્યું. ટૂંકમાં, ફિલ્મને વખોડી કાઢી. પણ પરિણામ શું આવ્યું?

દેશભરમાં દર્શકોએ પારિવારિક મૂલ્યોને પ્રાધાન્ય આપતી આ ફિલ્મને માથે ચડાવી એમાં ‘રાજશ્રી પ્રોડક્શન’ની તિજોરી છલકાઈ ગઈ.

ટૂંકમાં ફિલ્મમેકિંગના પ્રખર અભ્યાસુ એવા વિવેચકો અને પ્રેક્ષકોની અનુભૂતિ અને સમજણ વચ્ચે બહુ મોટું અંતર છે એ સિદ્ધ થાય છે. વાત આટલેથી નથી અટકતી. લગ્નનો ભપકો – શાન પછીની અનેક હિન્દી ફિલ્મોમાં જોવા મળ્યા. આદિત્ય ચોપડા, કરણ જોહર અને સંજય લીલા ભણસાલી જેવા ફિલ્મમેકરોએ સૂરજ બડજાત્યાની ટેક્નિક અપનાવી અને એને આધુનિક સ્વરૂપમાં રજૂ કરી સફળતા મેળવી. મેરેજ વીડિયોવાળી ફિલ્મ માપદંડ બની ગઈ. આ સિવાય ‘ગદર: એક પ્રેમકથા’ (૨૦૦૧), ‘દબંગ’ (૨૦૧૦), ‘શેરશાહ’ (૨૦૨૧) સહિત અન્ય ઉદાહરણ પણ છે જ્યારે વિવેચકો હાસ્યાસ્પદ સાબિત થયા છે.

હવે એક વિપરીત ઉદાહરણ જોઈએ. મેઘના ગુલઝાર દિગ્દર્શિત દીપિકા પાદુકોણની ‘છપાક’ (૨૦૨૦)માં એસિડ એટેકમાંથી ઉગરી ગયેલી એક યુવતીની કથા હતી. સંવેદનશીલ વિષય, આલા દરજ્જાનો અભિનય, કાબેલ દિગ્દર્શનનો ત્રિવેણી સંગમ. બેહદ પસંદ પડતા વિવેચકોએ એના પર પ્રશંસાનો વરસાદ વરસાવ્યો, પણ દર્શકોએ ‘છપાક’ સાથે કટ્ટી કરી. ફિલ્મ ફ્લોપ થઈ અને ફરી એ જ સિનારિયો : ‘શિયાળ તાણે સીમ…’ સર્જાયો.

હોલીવૂડના કેવા છે હાલ…
હોલિવૂડમાં પણ આપણા જેવી જ વિવેચક્-દર્શકની હાલત છે . આપણે જૂજ વિશ્વ પ્રસિદ્ધ ફિલ્મોની વાત કરીએ. ‘ટાઈટેનિક’ (૧૯૯૭) એવી ફિલ્મ છે જે તમે કદાચ જોઈ ન હોય તો પણ એના વિશે જાણતા જરૂર હશો. ૧૯૧૩માં જળસમાધિ લેનારા જહાજની રોમાંચક કથામાં રોઝ (કેટ વિન્સલેટ) અને જેક ડોસન (લિયોનાર્ડો દી કેપ્રિયો)ની લવ સ્ટોરી વણી લેવામાં આવી છે. સવા ત્રણ કલાક લાંબી આ ફિલ્મના રિવ્યૂમાં ‘ટાઈટેનિક ફરી ડૂબી ગઈ’ એમ લખી એને ઉતારી પાડવામાં આવી હતી. જોકે, દર્શકોએ ‘ટાઈટેનિક’ને ખભે ઊંચકી લીધી અને હિટ બનાવી દીધી. રિવ્યૂયર ડૂબી ગયો ને ફિલ્મ તરી ગઈ.

‘ધ ગોડફાધર – પાર્ટ ૨’: વિશ્ર્વવિખ્યાત ફિલ્મ ‘ધ ગોડફાધર’ ની સિક્વલ અને અલ પચીનો – રોબર્ટ ડી નીરો જેવા મહાન કલાકાર જેવા લેબલ હોય ત્યારે ફિલ્મ માટે કેવી ઉત્સુકતા હોય. જોકે,
‘થીગડાં સાંધીને આ ફિલ્મ બનાવવામાં આવી છે. લખલૂટ ખર્ચે બનેલી આ ફિલ્મ દેખાવમાં ભવ્ય લાગે છે, પણ એમાં આત્મા જ નથી’ એમ કહી વખોડી કાઢવામાં આવેલી આ ફિલ્મને બોક્સ ઓફિસ પર તો ધૂંઆધાર સફળતા મળી, છોગામાં શ્રેષ્ઠ ફિલ્મ સહિત છ ઓસ્કર એવૉર્ડ પણ મળ્યા. વિવેચકને નાના-નાની સાગમટે યાદ આવી ગયા હશે.

આ જ રીતે, આલ્ફ્રેડ હિચકોકની ‘સાયકો’, ટોમ હેન્કસની ‘ફોરેસ્ટ ગમ્પ’, પીટર ઓટુલ અને ઓમર શરીફની યાદગાર ફિલ્મ ‘લોરેન્સ ઓફ અરેબિયા’ સહિત અન્ય કેટલીક અવિસ્મરણીય ફિલ્મો વિવેચકોએ વખોડ્યા પછી દર્શકોએ બહુ પ્રેમથી વધાવી હતી. વિવેચકોએ વરમાળા પહેરાવી હોય પણ દર્શકોએ જાકારો આપ્યો હોય એનું સૌથી પ્રખ્યાત ઉદાહરણ છે ઓર્સન વેલ્સ નિર્મિત – લિખિત – દિગ્દર્શિત – અભિનીત ‘સિટીઝન કેન’ (૧૯૪૧). ફિલ્મ બનાવવા પાછળ ખર્ચેલા પૈસાનું પણ વળતર નહીં મેળવી શકનારી આ ફિલ્મ ૧૯૫૬માં ફરી રિલીઝ કરવામાં આવી ત્યારે બજેટના બમણા પૈસા રળવામાં સફળ રહી હતી. મજાની વાત તો એ છે કે દર્શકોએ જાકારો આપ્યો હતો એ ફિલ્મને દર્શકો-વિવેચકો અત્યાર સુધીની સર્વોત્તમ ફિલ્મ માને છે….!

ફોટો – ઇંઊં, ઉઙ, ઝઅઝ
આશરે શબ્દ ૧૧૬૫

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…