દુ:ખ વહેંચવાની હરીફાઈ ચાલતી હોય ત્યાં ખુદ વિધાતા સુખની લહાણી કરવા નીકળે..!
અરવિંદ વેકરિયા
બીજા દિવસે, એકાદ આંટો ભાનુભાઈની વર્કશોપ-સાયોનારામાં ચક્કર મારી સેટ વિશેના પ્રોગ્રેસ બાબત જાણી આવ્યા. સાંજે પહોંચી ગયા સુંદર સજાવટ અને બહાર વિશાળ જગ્યા ધરાવતાં, પ્રેમાબાઈથી રાઈટમાં સીધા, જયશંકર સુંદરી હોલમાં. મહાન કલાકાર જેમણે ‘સુંદરી’નું બિરુદ મેળવ્યું એ જયશંકર સુંદરી હોલ હાલ તો બંધ પડ્યો છે એ કલાકારો, ખાસ કરીને ૭૦-૮૦ નાં અદાકારો માટે આ વસમો ઘા.. અજીત વાચ્છાની સાથે ભજવેલું, જેમાં દર્શન જરીવાલા, નયન ભટ્ટ અને લાલન સારંગ વગેરેથી અભિનીત, ‘બહુરૂપી’- લાલુ શાહનું સર્જન કોઠાની ‘કબૂતરી’ની ટિકિટ નાં ૩૫ રૂપિયાના (ત્યારે ગુજરાતમાં વધુમાં વધુ ૩૫ રૂપિયાની જ ટિકિટ રાખી શકાતી) ૧૦૦ રૂપિયા ‘બ્લેક’માં વેંચાતી મેં નજરોનજર જોઈ છે. હોલમાં દાખલ થતા એ બધી યાદ તાજી થઈ ગઈ. આવા થિયેટરની હાલત આજે બિસ્માર છે.પ્રકાશિત રહેતો તખ્તો આજે અંધકાર ઓઢીને બેસી ગયો છે. આવા કામને પ્રકાશ આપવાનો હોય, આમાં સળગી જવાનો ભય ન ચાલે.સળગતાં રહે એ જ પ્રકાશ આપે, બળતા રહે એ ધુમાડા જ કાઢે.
અમે અંદર પહોંચ્યાં. મુંબઈનાં ‘પૃથ્વી’ થિયેટર જેવું તો નહિ, પણ એવું જ નાનું ‘મિની-થિયેટર’ નીચેનાં ભાગમાં હતું.
બધાં કલાકાર આવી જતા આગલે દિવસે સેટ કરેલું રિપીટ કર્યું. કોલગર્લ’ની શોધ ચાલુ હતી, પણ મેળ નહોતો પડતો. જેમિની ત્રિવેદી અભિનીત નાટક ‘રંગીલી રાધા’ ત્યાં ધૂમ ચાલતું હતું.અભયભાઈ ત્યાં પણ તપાસ કરી આવ્યા, પણ ‘નકાર’ સિવાય કહી ન મળ્યું.
આજે ફરી તૃપ્તિ ભટ્ટે ‘ડમી’ તરીકે મદદ કરી. કોલગર્લના મૃત્યુ પછીનાં બધા કલાકારો મારી પાસે હતા. મારાં સ્વભાવ મુજબ હું આ બાબત મારું મગજ ઠંડું રાખવાની જ કોશિશ કરતો, જે મારી પ્રકૃતિ વિરુદ્ધ હતું. એનું કારણ પણ હતું, અહીં સમયનો સદુપયોગ કરી લેવાને બદલે કામ થોડું ઢીલું થતું હતું. વચ્ચે પાછો ચા-નાસ્તો તો આવે જ! હું બરફની થેલી લઈને જ કામ કરતો કારણ વાતાવરણ જ જુદું હતું. આપણને સમજી શકે એ રીતે હું કામ આગળ વધારતો. ન સમજી શકે એટલા અઘરાં ન બનવું. અઘરાં દાખલાઓ હોશિયાર વિદ્યાર્થીઓ પણ વિકલ્પમાં છોડી દેતાં હોય છે. નાટકમાં આગળ વધતો જતો હતો. ચિંતા માત્ર કોલગર્લના પાત્રની હતી. અભયભાઈ કહ્યા કરતા ચિંતા ન કર, મળી જશે.’
એમના વાક્યને ઓક્સિજન માની આગળ વધતો જતો હતો. અહીંના કલાકારો ભલે કામની બાબતમાં થોડા સુસ્ત હશે, કદાચ એ બધા મુંબઈની ‘ગતિ’થી અજાણ પણ હોય, પરંતુ હતાં કો-ઓપરેટીવ. બે દિવસમાં તો સારા પરિવાર જેવું વાતાવરણ બનાવી દીધું હતું. અને જે પરિવારમાં દુ:ખ વહેંચવાની હરીફાઈ ચાલતી હોય ત્યાં ખુદ વિધાતા સુખની લ્હાણી કરવા નીકળે… મને એ લોકો કોલગર્લના પાત્ર માટે સધિયારો આપતાં રહેતા.
રિહર્સલ ચાલતાં રહ્યાં. મુંબઈમાં હવે જે શો આવતો હતો
એ લગભગ ૮૯-૯૦ મો હતો. એ શતકે પહોંચે એ પહેલાં
મારે આ અમદાવાદ યુનિટ સાથે રિહર્સલ પૂરા કરી તખ્તે રમતું કરી દેવું હતું.
પહેલો અંક લગભગ પૂરો થઇ ગયો. હવે મારે ગુરુ-શુક્ર અને શનિ, આ ત્રણ દિવસમાં નાટક સેટ કરી દઈ આગળની કપ્તાની મહેશ વૈદ્યને સોંપી દેવાની હતી. મહેશે કહ્યું પણ ખરું, દાદુ, તમે જરા પણ ચિંતા ન કરતાં. અમે રોજ મળી પૂરી નિષ્ઠાથી રિહર્સલ કરીશું, બસ કોલગર્લની રાહ જોઈશું. હા, વચ્ચે નાસ્તો તો કરીશું જ કારણ કે ‘આ પ્રથા અમારે ત્યાં…આગે સે ચલી આતી હૈ…’
પહેલો અંક બે વાર કરી હું અને તુષારભાઈ હોટલ પર જવા નીકળ્યાં. હજી નીકળતાં જ હતા ત્યાં નલીન દવે મને ખૂણામાં લઇ ગયા. મને કહે, ‘દાદુ વાંધો ન હોય તો હું સવારે હોટલ પર આવું? મારા ડાયલોગ્સ માટે..અત્યાર સુધી ફિલ્મોની ટેવ પડી ગઈ છે અને ત્યાં ભૂલો તો રિ-ટેક થાય પણ અહીંયા..જો વાંધો ન હોય તો સવારે એક-બે કલાક આવી શકું?’
હવે આટલો અદનો અદાકાર માત્ર નાટક માટે આવી રજા માગે તો ના કેમ પડાય? આ ખેલદિલ કલાકારને હું મનોમન નમન કરી રહ્યો.માણસનું મહાન બનવું એ તો સામાન્ય છે પણ મહાન થયા પછી સામાન્ય બની રહેવું એ ખરેખર મહાન છે. મેં પ્રેમથી એમને હા પાડી. સવારે જરા વહેલો આવું તો વાંધો નથી ને?’ એમણે પૂછ્યું. કોઈ કલાકાર નાટક માટે આવો ભેખ ધરતો હોય તો હું ના કહી રીતે પાડું? મેં કહ્યું. એમણે આભાર માન્યો.. અમે છુટા પડ્યા. કાલે પણ રિહર્સલ અહીં જ છે. પરમ દિવસે નોકરિયાતોએ રજા લીધી છે એટલે સવારે ૧૧ થી રાત્રે ૧૧ સુધી..’ અભયભાઈ એ કહ્યું. બધા હા..હા..’ કહી વિદાય થયા. હું અને તુષારભાઈ પણ અમારા ઘરે એટલે કે હોટલ પર પહોંચ્યાં.
તુષારભાઈ કહે, સાલું, મુંબઈમાં લોકો સમયસર આવતા નથી અને આ નામી કલાકાર ડાયલોગ્સ માટે સમય માગી રહ્યો છે, ખરેખર, નવાઈની વાત છે ને? મેં કહ્યું, ‘એ એમના સંસ્કાર અને કામ પ્રત્યેની નિષ્ઠા. મુંબઈમાં તો ક્યારેક ખાવા કશું બચતું ન હોય તો સંસ્કાર પણ ખાઈ જતા હશે એવું લાગે.’ આ વાત પર અમે બંને હસ્યાં. આડી અવળી વાતો કરતાં સૂતા દોઢ-બે વાગ્યાં. સવારે છ વાગે રિશેપ્સન કાઉન્ટપરથી ઇન્ટર-કોમ આવ્યો, ‘કોઈ નલીન દવે આપને મળવા આવ્યા છે, ઉપર મોકલું?’
સાથ અને હાથ ખભા પર કદી બોજ નથી બનતાં,
પણ એવાં માણસો જિંદગીમાં રોજ નથી મળતાં!
સિંહ, સિંહણ સિવાય કોઈનાથી ડરતો નથી.
જો તમે તમારી પત્નીથી ડરતા હો તો તમે સિંહ છો.