હસતા મન અને હસતા હૃદયની સંપત્તિ પર ઇન્કમટેક્સની રેડ ક્યાં પડી છે?
અરવિંદ વેકરિયા
“સુભાષજી તમને પેન આપે તો સમજીને લખજો એવા નરેશ કનોડિયાના વાક્ય ઉપર સૌ હસી પડ્યા.
“આજ રાત ખાનેકો આઓગે? સુભાષજીએ હસતા-હસતા પૂછ્યું. મેં પણ એમને હસતા-હસતા જ જવાબ આપ્યો, “રસના ચટકા જ રહે તો સારું. “કયું? મેરી ફિલોસોફીસે આપ બોર હો ગયે? એમણે કહ્યું. મેં તરત કહ્યું, “અરે! હોય સર… શબરીના બોર રામને મીઠા લાગેલા… તમે જેને ‘બોર’ કહો છો એ મારે માટે તો સંજીવની હતી. સુભાષજી બોલ્યા, “મતલબ મૈ હનુમાન બન ગયા? એમના એ સવાલે મને અસમંજસમા મૂકી દીધો. એમણે જ એનો જવાબ આપ્યો, “કયો? લક્ષ્મન જબ બેહોશ હો ગયે થે તબ હનુમાનજી હી સંજીવની લે કે આયે થે નાં? હું હસી પડ્યો. પછી કહ્યું, “કલ સિરિયસ સીન કરના હૈ તો આજ આરામ ભી કરલું. કલ રોના-ધોના કરના હૈ નાં? મને કહે, “દોપહર કો ડાન્સ દેખતે-દેખતે મૈ ભી થોડા થકા હું… સીધા સો જાઉંગા. બધા ‘ગુડ-નાઈટ’ કહેતા છુટા પડતા હતા ત્યાં સુભાષજીએ કહ્યું, “અરવિંદજી, કલ ૧૦ બજે તૈયાર રહેના, સીન થોડા લાંબા હૈ… વૈસે તો મૈ ૯ બજે શુરૂ કરને વાલા થા લેકિન રોમાજી ૧૦ બજે આયેગે તો મૈ આપકો ૧૦કા ટાઈમ દે રહા હું. બધા છુટા પડ્યા. કોમેડી સીનના શુટનો અનુભવ વાગોળતો હું મારી રૂમ તરફ વળ્યો.
રૂમમાં ચીનુભાઈ ફ્રેશ થઈને તૈયાર હતા. મને જમવા માટે પૂછ્યું પણ મેં ઇચ્છા ન હોવાથી ‘ના’ પાડી એમને જવા કહ્યું. ચીનુભાઈ ‘દરવાજો ખુલ્લો રાખજો’ કહી નીકળી ગયા. મેં કહ્યું, “તમે આવશો ત્યાં સુધી કદાચ હું જાગતો જ હોઈશ ચીનુભાઈ કહે, “ત્યાં જો જમ્યા પછી કંપની જામી ગઈ તો વહેલા-મોડું પણ થઇ શકે મેં કહ્યું, “કોઈ વાંધો નહિ, હું દરવાજો ખુલ્લો જ રાખીશ.
ઘડી-ઘડી સુભાષજીની વખાણ-સ્તુતિ ગાવી મને આમ તો પસંદ નથી. કદાચ વાચકોને પણ નહિ જ ગમતી હોય, પણ મારી સફરયાત્રામાં એમની વર્તણુક, એક દિગ્દર્શક તરીકેની, કલાકારને પોતાનું સર્વસ્વ આપી દઈ કલાકારને અભિનયમાં નીખારવાનું એમનું વલણ મને બહુ ગમ્યું એટલે… કદાચ મારી આ પહેલી ફિલ્મ હશે એટલે હશે? કોને ખબર! એક વાત છે કે તમે આપતા શીખી જાવ, જગત તમારું નામ લેતા શીખી જતું હોય છે. કદાચ સુભાષજીની આપી દઈ શીખવી દેવાની ભાવના મને વારંવાર એમના વખાણ કરવા પ્રેરિત કરતી રહે છે.
આવતી કાલનો સીન લાંબો અને પાછો સિરિયસ છે એવું સુભાષજીએ ચોખ્ખું કહી દીધું હતું. કેવો સીન હશે? રોમાજીએ મેં કરેલા સીનની વાત સાંભળી એ અનુસંધાનમાં મારા વખાણ કરેલા પણ હવે એમની સાથે ‘લાંબો’ સીન કરવામાં કોઈ તકલીફ તો નહિ પડે ને? કો-ઓપરેટ તો કરશે ને? આવા બધા વિચારે હું ચડી ગયો. સંભવ છે કે અત્યાર સુધી રુદ્ર સ્વભાવ ધરાવતા સુભાષજી, સીન ભજવતા કઈક ૧૯-૨૦ થયું તો રૌદ્ર સ્વરૂપ તો નહિ ધારણ કરી લે ને? જો કે વાંક લીમડાનો નથી કે એ કડવો છે, કારણ જીભને મીઠાશ જ ગમતી હોય છે. પછી મન મનાવ્યું કે સંબંધોની માયાજાળમા એક સંબંધ લીમડા જેવો પણ હોવો જોઈએ, શિખામણ કડવી આપે પણ તકલીફમાં છાંયડો પણ આપે. એવું જ, જો સુભાષજી રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તો પણ મારા લાભમાં જ હશે… આ માત્ર મારી અટકળ હતી, એવું નહિ થાય એમ મારું મન કહેતું હતું. પણ ભાઈ ભલું પૂછવું, રાજા, વાજા અને વાંદરા, બહુ ભરોસો ન થાય અને શેઠના કોઈ શેઠ ન હોય’. પછી મારી તો આ પહેલી ફિલ્મ હતી. એકવાર મને વિચાર આવી ગયો કે આગલા દિવસના એ સિરિયસ સીનના પાના સહાયક પાસે માગી જોઉં, પણ કદાચ એની ‘ના’ આવે તો? સોનાની જાળ પાણીમાં નાંખવા જેવું થાય. જેવો સીન હોય, હું મારું ૧૦૦% પરફોર્મ કરીશ આવા વિચારો કરીને દુ:ખી શા માટે થવું? મારી પ્રકૃતિ પ્રમાણે ‘હસતો’ જ રહું એ સારું. હસતા મન અને હસતા હૃદયની સંપત્તિ પર ઈન્કમટેક્ષની રેડ ક્યા પડે છે!
આવા વિચારો સાથે હું ફ્રેશ થઇ ગયો. જમવાની મેં ચીનુભાઈને ના પાડી કારણ, ત્યારે ઇચ્છા નહોતી પણ હવે થોડી-થોડી ભૂખ ઉઘડી હતી. મુંબઈથી બિસ્કીટ લાવેલ એ પેકેટ બેગમાંથી કાઢી, બે-ચાર બિસ્કીટ ખાઈ ઉપર પાણી પી ને સંતોષ માની લીધો. ને પથારીમા પડ્યો. મારી નવાઈ વચ્ચે તરત મારી આંખ મળી ગઈ.
ક્યારે ચીનુભાઈ આવ્યા, ક્યારે ફ્રેશ થઇ લુંગી પહેરી પથારીમાં ગોઠવાય ગયા એની ખબર જ ન પડી. અચાનક મેં બાજુના પલંગ પર એમને જોયા. મેં કહ્યું, “અરે! ચીનુભાઈ તમે ક્યારે આવ્યા? ચીનુભાઈ બોલ્યા, “થોડીવાર થઇ. મારા કોઈ અવાજથી મેં તમારી ઊંઘ તો નથી બગાડી ને? મેં હસતા કહ્યું, “જરા પણ નહિ… મેં તો કહ્યું હતું કે તમે આવશો ત્યારે હું જાગતો જ હોઈશ પણ ખબર નહિ કેમ… આંખ લાગી ગઈ… મને કહે “થાક લાગ્યો હશે! મેં કહ્યું, “ના રે ના, થાક આજનો નથી પણ કાલના સીનની ચિંતા જરૂર છે. “પરમાત્મા બધું સારું જ કરશે. અરવિંદભાઈ, ઘડિયાળ ઠીક કરવાવાળા ઘણા છે, પણ સમય તો પરમાત્મા જ ઠીક કરે છે, એ બધું સારું જ કરશે. ચાલો, ગુડ-નાઈટ. હવે મારી આંખો ઘેરાય છે.
મેં પણ એમને ‘ગુડ-નાઈટ’ કર્યું અને ભગવાનને પ્રાર્થના કરી કે એ નસકોરાં ન બોલાવે અને હું ફરીથી સારી રીતે સૂઈ શકું…
પરમાત્માની કૃપા કે પછી કોને ખબર, એમના નસકોરાનો અવાજ સંભળાય એ પહેલા મને ઊંઘ આવી ગઈ. સવારના સીધા ૫.૩૦ વાગે આંખ ઉઘડી. ખબર જ ન પડી કે ચીનુભાઈએ નસકોરાં બોલાવ્યા હતા કે નહિ! વાત એવી હતી કે પુછાય તો નહિ…?
સવારે ૫,૩૦ વાગે જ હું જાગી ગયો. ચીનુભાઈ તો હજુ સુતા હતા. મેં માર્ક કર્યું કે ત્યારે એમના નસકોરા નહોતા બોલતા… હા… હા… હા…
મેં નાહી ધોઈને સેવા આદી પતાવી મારા ઘરના ડ્રેસ સાથે બેસી ગયો ડ્રેસમેન સીન માટેનો ડ્રેસ લાવે એની રાહ જોતો…
મેં લાવેલું પુસ્તક કાઢ્યું અને વાંચવા લાગ્યો. એક સરસ વાક્ય વાંચ્યું, …‘અતિશય ભીના ન થવું કે લોકો નીચોવી દે, અતિશય કોરા પણ ન રહેવું કે લોકો ગડી વાળીને મૂકી દે. થોડા આળા-લીલા રહેવું કે લોકોને સમજ ન પડે કે આને તડકે રખાય કે છાયડે!’
મારી આ પહેલી ફિલ્મ… બધાના અત્યાર સુધી સારા જ અનુભવો થયા હતા. ઉપદેશ સારો હતો પણ મારે આવા ગહન વિચારોમાં ગરકવું નહોતું એટલે મેં એ પુસ્તકનું પાનું ફેરવ્યું…
****
હંમેશાં મજાકમાં થોડી સચ્ચાઈ હોય છે, ખાલી ખાલી પૂછવામાં પણ જાણવાની ઇચ્છા હોય છે.
બે-ખબરને પણ થોડી ખબર હોય છે, ને ‘મને પરવાહ નથી’માં પણ થોડી પરવાહ હોય છે!
ભૂરો કાનના ડૉક્ટરને બતાવીને ઘરે આવ્યો ત્યારે ખબર પડી કે વર્ષોથી ખોટું સંભળાતું હતું…
“વિસ્કી થોડી લો, ખીચખીચ દૂર કરો.