પરિવારમાં જ્યારે નાની-નાની વાતોને મોટી કરશો તો તમારો પરિવાર નાનો થતો જશે
અરવિંદ વેકરિયા
-તો. એ વાત ‘મધરાત પછીની’ નાટકની રફતાર સરસ ચાલી રહી હતી. ‘ગેપ’ તો પડે જ… ‘હાઉસ ફૂલ’ ની હારમાળાનાં વિચારોમાં હું મીઠી નીંદરમાં પોઢું એ પહેલા તુષારભાઈનો ફોન આવ્યો, ‘દાદુ, આ જ નાટક આપણે અમદાવાદ-રાજકોટમાં ત્યાંના જ કલાકારોને લઈને કરીએ તો?’. વિચાર તો સારો હતો પણ રિહર્સલ કરાવવા મારે તો અમદાવાદ જવું જ પડે…બધા કલાકારોને અહીં બોલાવી રિહર્સલ કરવા એ તો ખર્ચાળ જ સાબિત થાય. આ પ્રેક્ટિકલ વાત મેં તુષારભાઈને ખૂબ સમજાવી, પણ સાચા માણસોની સ્થિતિ ટી.વી. નાં રીમોટ જેવી થઈ જાય, ભૂલ ‘સેલ’ની હોય અને માર રિમોટ ખાતો રહે… મેં સમજાવ્યું કે નિર્માણમાં ભટ્ટ સાહેબ સાથે રહે છે કે નહિ એ પૂછવું પડે. શક્ય છે નાં’ પણ પાડે…હા, અહીં ચાલતું આ પ્રોડક્શન, એમાં તો એ સંકળાયેલા રહે , કારણ કે આ અહીં કમાતું નાટક છે પણ નવું રિસ્ક’ લેવા એ તૈયાર ન પણ થાય. તુષારભાઈ કહે,’ ‘આપણે એમને વાત ચોક્કસ કરી જોઈએ અને જો તેઓ જોડવા ન માગતા હોય તો ફિનેન્સ તો હું કરી દઈશ. બાકી એમને વાત તો કરવી જ પડે. અંધારામાં થોડા રખાય? જિંદગીમાં સૌથી જોરદાર થપ્પડ આંધળો વિશ્ર્વાસ’ જ મારે, આપણે આવતા શોમાં વાત કરી જોઈએ અથવા આપણે બંને એમના ઘરે રૂબરૂ મળી આવીએ.’
મેં કહ્યું, ‘હું વિચારું છું. તમે પણ થોડું વધુ પાસા જોઈ લ્યો, આપણે કાલે વાત કરીએ’. કહીને મેં ફોન મુક્યો.
બીજે દિવસે મેં જ ભટ્ટસાહેબને ફોન કર્યો અને બધી વાત કરી. એમના રિએક્શનમાં એમણે તરતજ મને કહ્યું, ‘તુષારભાઈને અમદાવાદના કલાકારો સાથે આ નાટક ત્યાં કરવું હોય તો મને કોઈ વાંધો નથી. નવો ખર્ચ બધો એકડે એક થી કરવો પડે અને આનાટક ભવિષ્યમાં તમે ત્યાં કેમ કરી શકો? હું આ પ્રોજેક્ટમાં સામેલ નહિ થાઉં, હા, તુષારભાઈને કરવું હોય તો મને કોઈ વાંધો પણ નથી. છતાં શોમાં વાત કરીએ’ એમણે આટલું કહી પોદળામાં સાંઠીકડું તો ઊભું રાખી જ દીધું. આ આખી વાત મેં તુષારભાઈને ફોન કરી જણાવી પણ દીધી..
બપોરના બિરલા ક્રીડામાં શો હતો. શો પૂરો થયા બાદ હું, તુષારભાઈ અને ભટ્ટસાહેબ. ત્યાં આવેલા ઠાકર’સ માં બેઠા. જુઓ, આ ચાલતા પ્રોજેક્ટમાં હું તો હતો જ નહિ. મેં સામેથી ફોન કરીને જોડાયો. મારે તો અડધો-અડધ ભાગીદારી કરી જોડાવું હતું પણ પછી ૨૫% સાથે હું સહમત પણ થયો. એ પણ આખું નાટક શું છે એ જાણવાની કોઈ પણ ઇચ્છા રાખ્યા વગર..’ ભટ્ટ સાહેબે વાતનું મંડાણ કર્યું. મેં હળવું સ્મિત કર્યું. ક્યારેક અમુક સમયે યોગ્ય શબ્દ ન મળે તો ફક્ત સ્મિત કરી દો, શબ્દ અસ્પષ્ટ હોઈ શકે, સ્મિત ક્યારેય નહિ. મેં પણ શબ્દનું કામ હળવા મલકાટથી લીધું. તુષારભાઈ તો વેપારી માણસ એમણે કહ્યું, ‘આ નાટક અહીં આટલું સારું ચાલે છે તો અમદાવાદમાં નવા યુનિટ સાથે કરવામાં શું વાંધો છે?’ ભટ્ટ સાહેબ હસ્યા અને કહે, ‘આ બહુ નાની વાત છે. પરિવારમાં પણ જયારે નાની-નાની વાતોને જો મોટી કરશો તો તમારો પરિવાર નાનો થતો જશે.તમને મારા તરફથી પૂરતી છૂટ છે અને એ અંગે કોઈ મદદ પણ મારી જોઈતી હશે તો એ પણ હું હસતા-હસતા કરીશ. હું જયારે ધ્યાન આપું છું ત્યારે માત્ર એક પ્રોજેક્ટ ઉપર જ ફોકસ કરતો હોઉં છું, જે મારો સ્વભાવ છે. તમે પ્રયત્ન કરો એમાં મને લેશમાત્ર વાંધો કે વિરોધ નથી. અને એ કરવાથી અહીં ચાલી રહેલા આપણા આ નાટક પ્રત્યે હું તમારી સાથે જ છું. મારો એપ્રોચ એવો જ રહેશે. એમાં રતીભારનો ફરક તમને નહિ લાગે.’
ટૂંકમાં, ભટ્ટસાહેબે પોતાનો નિર્ણય જણાવી દીધો.હું અને તુષારભાઈ તો વિચારમાં પડી ગયા. તુષારભાઈએ ફરી પૂછ્યું ‘તમને વાંધો શું છે?’ ‘મૂળ વાંધો મારી નરમ-ગરમ રહેતી તબિયત. મારી હવે અવસ્થા થઇ. મને જિંદગીના અનુભવે સમજાયું છે કે સંબંધના બે છેડા થોડા ટૂંકા રાખવા, ગાંઠની શક્યતા ઓછી રહે. બાકી મારે તો અમદાવાદમાં પણ ઘર છે. તમને અમિત દિવેટિયા પણ મદદ કરી શકશે. અહીંથી બનતી મદદ હું કરીશ જ પણ ધંધાકીય જોડાણ નહિ કરી શકું. અહીંનો આપણો વ્યવહાર સરસ અને સરળ ચાલે છે એમ જ ચાલતો રહેશે એ બાબત મને કોઈ ફરિયાદ પણ નથી અને કદાચ તમને પણ નહિ
હોય.’ કહી ભટ્ટ્સાહેબ થોડું હસ્યા.
મેં કહ્યું, તમે આકસ્મિક રીતે આ પ્રોજેક્ટમાં જોડાયા એ અમારા જેવા માટે તો ‘પ્રભુના પાડ’ જેવું જ છે. થિયેટરોની મોટી ઝંઝટમાંથી અમને મુક્તિ મળી ગઈ. મારું તો માનવું છે કે ક્યારેક ખોટા થિયેટરમાં નાટક રજૂ થાય પછી એક-બે રવિવારે થિયેટર ન પણ મળે, ત્યારે સારાં સારાં નાટકો ‘મરી’ જતા હોય છે. અને મેં એ પણ જોયું છે કે આપણા ગુજરાતી પ્રેક્ષકોની યાદદાસ્ત થોડી નબળી હોય છે. રોજિંદા અખબારોમાં બુધવારે ખુલતા બુકિંગનાં દિવસે જા.ખ. ન જુવે તો માની જ લેતા હોય છે કે ‘નાટકમાં દમ નહિ હોય એટલે બંધ થઇ ગયું લાગે છે’ ;.
ભટ્ટસાહેબ કહે, ‘અમુક ટકા તું સાચો છે. પણ નાટકની માઉથ પબ્લિસિટી પણ અમુક ટકા ભાગ ભજવી જતી હોય છે. શક્ય છે જેમણે નાટકના વખાણ સાંભળ્યા હોય છે અને જેમને જોવું હોય છે એવો પ્રેક્ષક એ નાટકની જ જા.ખ. પહેલા શોધતો હોય છે, તે વાત કરી યાદદાસ્તની તો તને કહું. યાદ એ શ્ર્વાસ જેવી હોય છે, હંમેશાં સાથે હોય પણ ક્યારેય દેખાતી નથી.’
મને લાગ્યું કે ગુજરાતી પ્રેક્ષકોની યાદશક્તિ -વાળી વાત ભટ્ટસાહેબને કદાચ ગમી નહિ. ભટ્ટસાહેબે કહ્યું, તમે જ રૂર નવા યુનિટ સાથે નાટક શરૂ કરો. મારી તમને શુભેચ્છા છે, બાકી અહીં તો આપણું નાટક હીટ’ થઇ જ ગયું છે અને એમાં તો આપણે સાથે જ છીએ. આ નાટક ત્યાં પણ હીટ જાય. અહીંના જેવી જ લોકપ્રિયતા તમને મળે એવા તમને મારા આશીર્વાદ છે. એક વાત યાદ રાખજે દાદુ, ‘લોકપ્રિયતા આમંત્રણ વિના આવે છે અને રજા લીધા વિના વિદાય પણ લઇ લે છે.’
આ મર્માળુ વાક્યનો
ગુઢાર્થ મને સમજાયો નહિ. એમની શુભેચ્છા સ્વીકારી અંતિમ નિર્ણય મેં તુષારભાઈ પર છોડ્યો.
અહમ ઘવાશે,ક્યારેક ઈગો પણ ટકરાશે,
સ્વમાન સાચવજો, સહુ કોઈ સંયમવાળા નથી હોતા…
ડબ્બલ રીચાર્જ *
સ્મૃતિ – વિશેષ: – શિરીષ પટેલ
થોડું અંગત
સાચા સંબંધો ઘણીવાર છાના ખૂણે જીવતા હોય છે. મારો અને શિરીષ પટેલનો સંબંધ એ અમેરિકા સેટલ થઈ ગયા પછી પણ હૃદયના છાને ખૂણે ધબકતો હતો. ન ભૂલતો હોઉં તો ‘સવિતા દામોદર પરાંજપે’ ડિરેક્ટ કરવાનું પ્રોત્સાહન સિદ્ધાર્થ રાંદેરિયાને એમણે આપેલું. મારું નાટક ‘અભિષેક’ બંધ થવાની તૈયારીમાં હતું. લાલુ શાહનું ત્યારે નિધન થઈ ચુક્યું હતું. નિખિલેશ ઠાકોર (બહરૂપી’ સંસ્થાના કાર્યકારી નિર્માતા) એ એ ‘બંધ’ ની કોઈ સત્તાવાર જાહેરાત કરી નહોતી. એ વખતે પપ્પાની સેક્રેટરી’ નાટકમાં મને એક ‘કેમિયો’ રોલ કરવાની ઓફર શિરીષ પટેલે કરેલી. મારો અભિષેક’ નાટકનો પ્રોબ્લેમ મેં એમને કહ્યો. એ કહે: જે દિવસે તારો અભિષેક’ નો શો આવશે ત્યારે હું મારા પપ્પાની સેક્રેટરી’ માં તારો રોલ કોઈ બીજા પાસે કરાવી લઈશ.’ આવી હૈયાધારણ ત્યારે તો ઠીક, આજે પણ કોણ આપે છે? એ પછી તો જરૂર પડી એમ ‘પપ્પાની સેક્રેટરી’નાં બધા જ પુરુષપાત્રો મારી પાસે કરાવ્યા.‘બેગમ શબાબ’ નાટક પહેલા શૈલેશ દવેએ ડિરેક્ટ કરેલું. એ પછી કાર્યવાહી ડિરેક્ટર- મહેશ દેસાઈ સાથે એમણે રિવાઈવ કર્યું. (જે ખાસ ન ચાલ્યું.) ત્યારે એમની જીદ હતી કે જયંત વ્યાસની ભૂમિકા, જે અગત્યની હતી. એ દાદુ જ કરશે.
એ વખતે આ પ્રોસેસ દરમિયાન અમારી ઘણી બોલાચાલી પણ થયેલી. પછી તો બધું પાટે પણ ચડી ગયું મારી નાટકની બીજી અમેરિકાની ટુર વખતે હું અમેરિકા-ન્યુ જર્સીમાં ‘તાજ કેસિનો’ -માં મળેલો. આ મેળાપ માટે સંપર્ક એમણે સામેથી કરેલો. એ પછી જયારે પણ શિરીષ મુંબઈ આવતા ત્યારે અચૂક અમે મળતાં અને ઘણી ઘણી જૂની યાદોને તાજી કરતાં આ ૭ મે ના દિવસે ઈશ્ર્વરે એમને પોતાની પાસે બોલાવી લીધા. કદાચ ઈશ્ર્વરને પણ કોઈ જંગી નિર્માણ માટે શિરીષ જેવા કુનેહદાર ને એક અચ્છા આદમીની જરૂર પડી હશે વાત મન હજી સ્વીકારતું નથી કેટલું સરળ છે ઈશ્ર્વરને માનવું, પરંતુ કેટલું કઠણ છે ઈશ્ર્વરનું માનવું! ઈશ્ર્વર એમના આત્માને ચીર:શાંતિ ને પરિવારને આ અચાનક આવી પડેલા ખાલીપાને સહન કરવાની શક્તિ આપે.
સાસુ: તને રસોઈ બનાવતા નથી આવડતું તો લગ્ન પહેલા કેમ કીધું નહિ?
વહુ: મારે બધાને સરપ્રાઈઝ આપવી હતી.