મેટિની

ફિલ્મ સર્જક ઋષિદાની શું હતી વિશેષતા

ફિલ્મનામા -નરેશ શાહ

ઋષિકેશ મુખરજી – રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન

સિનેમાની નાડી-ધબકારા અને આત્માને સુંઘી લેનારા જાણતલોને લાગે છે કે નવી જનરેશનના સૌથી સફળ ગણાતા ડિરેકટર રાજકુમાર હિરાણીની બધી ફિલ્મોનો લય ઋષિકેશ મુખરજીની ફિલ્મો જેવો હોય છે. મતલબ રાજકુમાર હિરાણીને ઋષિદા જેવા સર્જક માનવામાં આવે છે. કંઈક અંશે એ વાત સાચી પણ છે. રાજકુમાર હિરાણીની ફિલ્મો હસતાં-હસતાં અથવા હળવાશ વચ્ચે પણ આંખોમાં ભીનાશ પાથરી દે તેવી ભાવુક અને તળિયેથી જોડાયેલી રહી છે, મુન્નાભાઈ સિરીઝ તો ખાસ. ઋષિકેશ મુખરજી પણ આવી જ ફિલ્મો બનાવતાં, જેમાં મધ્યમ વર્ગની લાઈફસ્ટાઈલ, નાની-નાની ખુશી અને સહજ એવા સંઘર્ષ્ા જોવા મળતાં. તેમની ફિલ્મો કદી લાર્જર ધેન લાઈફ નહોતી રહેતી. એ ખડખડાટ હસાવતી કોઈ ચોટદાર શીખ-પાઠ કે ઉપદેશ આપી જતી હતી.

ઋષિદાની ફિલ્મો એ રીતે મુઠ્ઠી ઊંચેરી જ રહેતી, તેનો ખ્યાલ તો તેમણે બનાવેલી ફિલ્મોના નામ વાંચીને જ આવી જશે: અનાડી, સત્યકામ, ગુડ્ડી, આનંદ, બાવર્ચી, અભિમાન, મિલી, નમકહરામ, ચુપકે-ચુપકે, ગોલમાલ, ખૂબસૂરત આ દરેક ફિલ્મમાં હાસ્યના કોટિંગ યા મનોરંજનના પેકિંગમાં ઋષિદાએ નાનોમોટો મેસેજ દર્શકોને આપ્યો હતો, પણ આ જ ઋષિદાએ ચારેક ફિલ્મો એવી બનાવી છે કે, જે તેમની જોનરની ન લાગે યા ઋષિદાના મિજાજની ન લાગે. કદાચ, એટલે જ એ ચારેય ફિલ્મો ખાસ ચાલી નહોતી. ઋષિદાએ બુઢ્ઢા મિલ ગયા (૧૯૭૧) ફિલ્મ નવિન નિશ્ર્ચલ સાથે બનાવેલી, જેમાં હાસ્યના પુટ સાથે મર્ડરની વાત હતી. આ ફિલ્મ ખાસ ચાલી નહોતી કારણકે મર્ડર મિસ્ટરી માટે લોકોએ કદાચ, ઋષિદાની ફિલ્મ જોવા જવાનું પસંદ ર્ક્યું નહોતું.

ઋષિકેશ મુખરજીએ ડિરેકટર તરીકે સુડતાલીસ ફિલ્મો આપી. તેમની મોટાભાગની ફિલ્મો ફેમિલી એન્ટરટેનર જ રહેતી પરંતુ ૧૯૭રમાં આવેલી તેમની ફિલ્મ સબ સે બડા સુખમાં વિજય અરોરા-રજની બાલા હીરો-હિરોઈન હતા પણ આ ફિલ્મ સુપર ફલોપ થઈ હતી કારણકે તેમાં સેક્સને સબ સે બડા સુખ તરીકે લેવામાં આવ્યું હતું. બેશક, સેક્સનો વિષ્ાય હોવા છતાં તેનું પ્રેઝન્ટેશન (બી. આર. ઈશારાની નહીં પણ) ઋષિદા સ્ટાઈલનું જ હતું. આ ફિલ્મ લખી પણ હતી મોસ્ટ ટેલેન્ટેડ ગુલઝારસાહેબે. સંગીત સલીલ ચૌધરીનું હતું અને ફિલ્મના નેરેટર હતા સંજીવ કુમાર.

એ પછીની ફિલ્મ હતી બચ્ચનસાહેબની જુર્માના. એ રી સખી, ઢુંઢે ક્સિે તેરા મન જેવા અત્યંત મધુર ગીતો ધરાવતી જુર્માનામાં બીગ બી, રાખી અને વિનોદ મહેરા મુખ્ય ભૂમિકામાં હતા પરંતુ આ ફિલ્મ પણ ચાલી નહોતી. કારણ ? ફિલ્મની વાર્તા. બે મિત્રો પૈકીનો અમીર, કાસાનોવા સ્ટાઈલનો મિત્ર (અમિતાભ બચ્ચન) બીજા મિત્ર સાથે છોકરીઓને પટાવી લેવાની શરતો લગાવતો રહે છે અને આવી જ એક શરતમાં સફળ થઈને પોતાના જ શિક્ષ્ાકની પુત્રી (રાખી) ને કફોડી હાલતમાં મૂકી દે છે. ઋષિદાએ એ જ દૃષ્ટિકોણથી જુર્માના બનાવવાનું બીડું ઝડપ્યું હોય તો તેમની હિંમતને દાદ આપવી પડે પરંતુ આવા સાહસને ટિકિટબારી પર દાદ નથી મળતી, તેના અનેક ઉદાહરણો મોજુદ છે. જુર્માના ઋષિકેશ મુખરજીની બદલે બીજા કોઈ મેકરે બનાવી હોત તો કદાચ, સુપરહિટ થઈ હોત એવું ધારી શકાય.

ખેર, ઋષિદાની જ આવી, જરા હટ કે વિષ્ાયને પેશ કરતી ચોથી ફિલ્મ હતી : નામુમકિન. જુર્માના તો કદાચ, અમિતાભ બચ્ચનને કારણે લોકોની સ્મૃતિમાં નોંધાયેલી પણ ૧૯૮૮માં આવેલી નામુમકિનમાં તો સંજીવકુમાર, રાજ બબ્બર, વિનોદ મહેરા, ઝિન્નત અમાન, ડો. શ્રીરામ લાગુ જેવા ધુરંધર એકટર હતા છતાં આ ફિલ્મ ચાલી નહોતી. નામુમકિન થિયેટરમાં રિલીઝ થઈ ત્યારે આ કોલમનો લેખક ટિનએજમાં હતો અને નામુમકિન એડલ્ટ ફિલ્મ પણ નહોતી છતાં લેખકને તેના પેરેન્ટસે આ ફિલ્મ જોવા દીધી નહોતી. કારણ? ફિલ્મની વાર્તા સમયથી આગળની હતી અને સર્જકની ઈમેજથી વિપરીત હતી. નામુમકિનમાં એક પ્રૌઢ વ્યક્તિ યુવાન યુવતી સાથે લગ્ન કરે છે પણ લગ્નની રાતે જ એ વ્યક્તિ રહસ્યમય શૈલીથી આપઘાત કરી લે છે. બુઢાપાની એકલતા દૂર કરવા એ પ્રૌઢ જેને પરણી લાવ્યો છે, એ બીજું કોઈ નહીં પણ તેની જ પુત્રી છે.

નામુમકિનનું આ વનલાઈનર તો ર૦ર૪માં પણ ઝાટકો આપી જવાને સમર્થ છે. તો પાંત્રીસ વરસ પહેલાંના કંપનો સમજી શકાય તેવા છે. બેશક, નામુમકિનની વાર્તામાં એ પછી અનેક વળવળાંકો આવે છે પણ હકીકત એ છે કે ઋષિકેશ મુખરજીના પોર્ટફોલિયામાં (હિટ-ફલોપને નજરઅંદાઝ કરો તો) આ ચાર ફિલ્મ એવી છે, જે એમની તાસીરની હરગીઝ નહોતી. દર્શકોએ તો તેને અવગણીને સાબિત પણ કરી દીધું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button