સોનાની કલમ ભેટમાં મળે તોય ‘લખવું’ શું?
અરવિંદ વેકરિયા
૧૦૦ મા શોની ઉજવણીમાં કુમુદ બોલે અને અરવિંદ વેકરિયા
ગુજરાતના જે નાટક માટે ચિંતા હતી તો મુંબઈ માટે એ જ નાટક માટે હરખ હતો. આ વિચારોને ભૂલું ત્યાં ફોનની ઘંટડી રણકી. ફોન સામે છેડે કુમુદ બોલે, જે નાટકમાં મારી પત્નીની ભૂમિકા ભજવતી હતી. કુમુદ બોલેએ શરૂઆતમાં તો સહજ વાતો કરી, પછી પોતાની વાત કરી જે સાંભળી મને થયું : આ શું? ખેલ ચાલુ જ રહેશે? સમજાતું નહોતું કે જિંદગી મારી સાથે રમી રહી છે કે હું જિંદગી સાથે ? ફોન પર કુમુદે કહ્યું : ‘દાદુ, મને અભિનંદન આપો.. હું લગ્ન કરી રહી છું.’
મેં ‘કોન્ગ્રેટ્સ’ કહ્યાં. પછી એમણે મૂળ વાત કરી કે, હું પરણી રહી છું અને ૧૦ દિવસ પછી સબર્બ-વાંદરામાં હોલમાં મારું રિસેપ્શન છે. તમારે ખાસ આવવાનું છે. તમને જ કહું છું. લાઈનમાં બીજા કોઈને હું કહેવાની નથી.’
મેં આભાર માન્યો. સાચું કહું કે નાટક શરૂ કર્યું ત્યારથી એમણે મને હવે જયારે ૧૦૦મો પ્રયોગ ભજવવાનો છે ત્યાં સુધી કોઈ તકલીફ નહોતી આપી. મારાથી ઘણાં સિનિયર હોવા છતાં કોઈ દેખાડો નહી, કોઈ ખાસ ડિમાંડ નહીં, સમયસર શોમાં આવી જવું ને શો પૂરો થાય કે ‘આવજો’ કહી શાંતિથી નીકળી જવું. કોઈ ‘ગોસીપ’ નહિ કે કોઈ ખોટી પંચાત પણ નહિ, પછી એમણે જે કહ્યું એ સાંભળવું મારે માટે જરા કપરું હતું. ‘દાદુ લગ્ન પછી હું નાટકમાં કામ નહિ કરી શકું.’ એમનાં લગ્ન મોટી ઉંમરે ગોઠવાયાં હતાં. યુવક સિંધી હતો. થયું સનત સાથે હજી શો કરવાનો બાકી હતો ત્યાં એક-બે શો પછી કુમુદ બોલેનું પણ રિપ્લેસ્મેન્ટ કરવું પડશે? એક લખલખું પસાર થઇ ગયું. બધી રીતે સહકાર આપનાર આ કલાકારા, પણ જવાનો એ વાત સ્વીકારવી સહજ નહોતી મારા માટે. સોનાની કલમ ભેટમાં મળે પણ લખવું શું? એનું જ્ઞાન ન હોય તો બધું વ્યર્થ.
એમને પણ મારા અમદાવાદનાં પ્રોજેક્ટની અને કિશોર દવેના વ્યવહારની ખબર હતી. સનતનાં રિપ્લેસ્મેન્ટમાં પણ સહકાર આપી જ રહ્યાં હતાં. આવી સોનાની પેનને હું નાટક ચાલુ રાખવાનું જ્ઞાન હું આપી શકું એમ નહોતો. કુમુદ પોતાનું નવું જીવન શરૂ કરવા જઈ રહ્યાં હતાં. એમની કોઈ બીજી કૌટુંબિક વાતો વિષે મને કોઈ જાણ નહોતી. જે ઉંમરે લગ્ન થઈ જવા જોઈએ એ કરતાં ઘણાં વધુ વર્ષો એમણે પસાર કરી નાખ્યા હતા. એમણે કહ્યું, ૧૦ દિવસ પછી લગ્ન છે, પછી મારાં અંગત કારણોને લઇ હું નાટક નહિ કરી શકું પણ હું મારી રીતે તમને નામ સજેસ્ટ કરીશ અને એ મારાં કરતાં પણ વધુ સારી રીતે ભૂમિકા એ ભજવશે. હમણાં હું કઈ નથી જણાવતી. એની સાથે વાત કરી આપણા ૧૦૦ મા શોમાં સાથે લેતી આવીશ. આટલી ખેલદિલી એમણે ફોન ઉપર દાખવી.
મને પહેલા તો એમના પ્રત્યે અભાવની ગ્રંથિ બંધાઈ ગયેલી, પણ ગ્રંથ પકડવાથી જે નથી મળતું તે કદાચ મનમાં બાંદેલી ગ્રંથિઓ છોડવાથી મળે છે. કુમુદ બોલેની વાત સાંભળી મને એવું જ થયું. થોડીવારમાં અભાવનાં વાદળો એમની વાત સાંભળીને દૂર થઈ ગયાં. મારી અને નાટકની ચિંતા એમની વાતો પરથી હું કળી શક્યો. ‘માથું નમે તો આશીર્વાદ મળે પણ મન નમે તો આશીર્વાદ ફળે.’ મને એમની વાતમાં છુપા આશીર્વાદ દેખાયા. મારે મન હળવાશની વાત એ હતી કે કુમુદ બોલે ખુદ મને કલાકારા સજેસ્ટ કરવાનાં હતાં. આવી સિનિયર કલાકાર ચોક્કસ પોતાના જેવી જ કાબેલ કલાકારા આપશે એવા વિશ્ર્વાસે મારું મન જીતી લીધું. હા,,, રિહર્સલ પ્રોસેસ પાછો નાટકની ‘હાર’ ન બને એ દ્વિધા હતી. પહેલા કિશોર દવે અને હવે કુમુદ બોલે. આ ક થી શરૂ થતી બારાખડી મને નડી રહી છે કે શું? હાર અને જીતમાં એક જ ફરક છે, કોઈ વિચારીને અટકી જાય છે અને કોઈ જીતીને અટકી જાય છે. હું ભલે વિચારીને અટકી ગયો, પણ કુમુદ બોલે જવાબદારી પોતે લીધી અને જાણે જીતીને અટકી ગયા ન હોય? વધુ વાત પછી કરીશું, કોઈ ટેન્સન ન લેતા. કહી એમણે ફોન મુક્યો.
હું જાણે ત્રિભેટે ઊભો હતો. એક તો સનત સાથે ૧૦૦ મો પ્રયોગ સાંગોપાંગ પાર પડે, ગુજરાત માટે શરૂ કરેલ નાટકનો શો સારો જાય અને રવિવારે કુમુદ બોલે એવી કલાકારા લાવે જે મારા આ ચાલતા નાટકને એની જેમ જ આગળ લઈ જાય. ‘એમણે તો કહી દીધું ..કોઈ ટેન્સન ન લેતા’…પણ દિગ્દર્શકની જવાબદારી જ એવી છે કે ‘ટેન્સન’ લેવું ન હોય તો પણ લેવાય જાય. ક્યારેક હું થાકી પણ જાવ છું, શારીરિક અને માનસિક, બંને રીતે. થાય કે આ નાટકની જિંદગી કાચી પેન્સિલ જેવી છે, રોજ નાની થતી રહે છે કે શું?
વધુ વિચારવાને બદલે, બધી વાત કાલે ભટ્ટ સાહેબને કરી જોઇશ. બીજા દિવસે ભટ્ટસાહેબને વિગતે વાત કરી. મારા અવાજ પરથી એ જાણી ગયા કે મને ઉપરા-ઉપરી ફટકા પડી રહ્યાં છે. મને શાંત રહેવાનું કહી- વધુ વિચારવાનું બંધ કરવાનું કહ્યું. સાથે ફિલોસોફી પણ ટાંકી કે જિંદગી જીવવા માટે સમય મળ્યો છે, લોકો વિચારવામાં વિતાવી દે છે. ચિંતા છોડ. તને અગાઉ પણ કહ્યું છે કે નિર્વિવાદ સત્ય સમજી લે, જે થશે એ સારુંં જ થશે અને કોઈના વગર કઈ અટકતું નથી.
શનિવાર આવી ગયો. અમદાવાદ ફોન કરી જાણ્યું કે ત્યાની ‘હાઉસ’ ની પરિસ્થિતિ ઉત્સાહજનક નહોતી. અને અહીં ભટ્ટસાહેબની પહેલેથી ઈચ્છા હતી કે ૧૦૦ મા શોની ઉજવણી માત્ર મીઠું મોઢું કરીને જ કરવાની હતી. રવિવારનો શો ‘હાઉસ ફૂલ’ હતો. રંગદેવતાની પૂજા કરી એકબીજાને શુભેચ્છાનાં આદાન-પ્રદાન કર્યા. કુમુદ બોલેએ કહ્યું મને કે હમણાં એક કલાકારા આવશે. બધા ૧૦૦ મા શો માટે ઉત્સાહિત હતા. ત્યાં અમારા જેન્ટ્સ-ગ્રીન રૂમનાં દરવાજે ટકોરા પડ્યા. કુમુદ બોલે એક કલાકારા સાથે પ્રવેશ્યાં અને મને કહે, ‘દાદુ, આમને મળો…’
આજે અહીં જુઓ છો, જે પથ્થર નવા નવા, કાલે બની જવાના એ ઈશ્ર્વર નવા નવા.
શાહ સાહેબ, કેમ છે શેર-બજાર?
૧૦ વર્ષ પહેલાં આમાં આવ્યો ત્યારે ‘શ્ર્વેતાંબર’ હતો, આજે ‘દિગંબર’ છું.