મેટિની

સિનેમામાં સૌથી વધુ શું વેંચાય?

ફિલ્મમાં સેક્સનાં દ્રશ્યો લોકપ્રિયતા માટે કેટલાં કારણભૂત તેની રસપ્રદ ચર્ચા

શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા

ફિલ્મ ‘એનિમલ’

‘એનિમલ’ (૨૦૨૩) ફિલ્મના અંતમાં થોડીક મિનિટ્સ માટે દેખાતું ઝોયાનું પાત્ર દર્શકોને ખૂબ સારી રીતે યાદ છે. ફિલ્મ જોયા પછી ફિલ્મની મુખ્ય નાયિકા ગીતાંજલિ કરતાં વધુ ચર્ચા ઝોયાની થઈ છે. જોકે, સૌને કંઈ આ ઝોયા અને ગીતાંજલિ નામો યાદ નહીં હોય, પણ એટલું તો સમજાઈ જ ગયું હશે કે વાત શું છે. વાત એટલી પ્રચલિત છે કે જેમણે ફિલ્મ નથી જોઈ એવા લોકોને પણ ખબર છે.

ઝોયાનું પાત્ર ફિલ્મમાં થોડીક મિનિટ્સ માટે જ આવે છે, પણ એના હિસ્સામાં બોલ્ડ સેક્સ સીન છે, જેની ફિલ્મની રિલીઝ પછી ખાસ્સી ચર્ચા થઈ ચૂકી છે. ઝોયાનું પાત્ર ભજવનાર તૃપ્તિ ડિમરીનું નામ સિનેમા જગત અને સોશ્યલ મીડિયામાં ખૂબ જ જાણીતું બની ચૂક્યું છે. સોશ્યલ મીડિયાના પ્રતાપે જ નેશનલ ક્રશનો ક્ધસેપ્ટ આવ્યો છે. ફિલ્મ્સ કે અન્ય મનોરંજનનાં માધ્યમોમાં કોઈ સુંદર સ્ત્રી દેખાય અને તે લોકપ્રિય થાય કે સામૂહિક રીતે એને ‘નેશનલ ક્રશ’ ઘોષિત કરી દેવામાં
આવે છે.

આ નેશનલ ક્રશ કે પછી ફક્ત થોડી મિનિટ્સના જ બોલ્ડ સીનથી મળતી પ્રસિદ્ધિ કે એ પાછળ રહેલા લોકોના આકર્ષણની વાતનો મુદ્દો અહીં એટલા માટે ચર્ચાલાયક છે,કારણ કે હમણાં જ તૃપ્તિની ફિલ્મ ‘બેડ ન્યુઝ’ રિલીઝ થઈ
છે. અને એમાં પણ એણે બોલ્ડ દ્રશ્યો
આપ્યાં છે અને લોકોના મનમાં એની છાપ એ જ છે. સેક્સ અને એનાં દ્રશ્યોના કારણે
પડતી એ છાપ અને એની સામે અન્ય અર્થસભર પાત્રોના કારણે મળતી વાહવાહીમાંથી સિને- જગતમાં વધુ મહત્ત્વ શાનું ને દર્શકોને શામાં વધુ રસ પડે એ વિશે ચર્ચા કરવી જરૂરી છે.

સિનેમામાં શું સાચે જ સૌથી વધુ સેક્સ વેચાય છે? ‘એનિમલ’ કે તૃપ્તિ ડિમરી તો આ વિષયને સમજવા માટે એક દ્રષ્ટાંત માત્ર છે. આ જ વાત અન્ય ફિલ્મ્સ અને એક્ટર્સ માટે પણ લાગુ પડે છે, પણ મુદ્દો સમજવા માટે આપણે તૃપ્તિની જ વાત આગળ વધારીએ.

શું તમને ખબર છે કે ‘એનિમલ’ એ કંઈ એની પહેલી ફિલ્મ નહોતી? અને ‘એનિમલ’માં તો એણે ફક્ત સહાયક ભૂમિકા ભજવી છે, પણ અન્ય ફિલ્મ્સમાં એ મુખ્ય ભૂમિકા પણ કરી ભજવી ચૂકી છે? ફિલ્મ્સ પ્રત્યે વધુ રુચિ ધરાવનારા સિનેમા ચાહકોને તો આ બંને સવાલના જવાબ ખબર હશે જ. તૃપ્તિ ડિમરીની પહેલી ફિલ્મ હતી શ્રીદેવી અભિનીત ‘મોમ’ (૨૦૧૭). તેમાં એક નાનું પાત્ર ભજવ્યા પછી ૨૦૧૮ની સની દેઓલ, બોબી દેઓલ અને શ્રેયસ તલપડે અભિનીત ‘પોસ્ટર બોય્ઝ’માં એણે સહાયક ભૂમિકા ભજવી. એ પછી સમય આવ્યો ખરેખર તૃપ્તિ જેના કારણે વધુ જાણીતી થવી જોઈતી હતી તેવી ફિલ્મ્સનો.

ઈમ્તિયાઝ અલી અને સાજીદ અલી લિખિત અને સાજીદ અલી દિગ્દર્શિત ફિલ્મ ‘લૈલા મજનુ’ (૨૦૧૮) એટલે તૃપ્તિની લીડ રોલમાં પહેલી ફિલ્મ. હા, ‘એનિમલ’ના પાંચ વર્ષ પહેલાં તૃપ્તિની મુખ્ય ભૂમિકામાં પ્રથમ
ફિલ્મ આવી ચૂકી હતી. લૈલા મજનુ’ એક અત્યંત ગુણવત્તાસભર ફિલ્મ હતી. એ પછી આવેલી તેની અન્ય બે ફિલ્મ્સ એટલે અનુષ્કા શર્મા નિર્મિત અને અન્વિતા દત્ત દિગ્દર્શિત ‘બુલબુલ’ અને ‘કલા’માં પણ તૃપ્તિ મુખ્ય ભૂમિકામાં હતી. અને આ બંને ફિલ્મ્સ પણ ઉમદા હતી.

આ ત્રણ ફિલ્મ્સ કે તેમાં તૃપ્તિના કામની નોંધ નહોતી લેવાઈ એવું નથી. દર્શકો અને વિવેચકોએ એ ફિલ્મ્સ અને તૃપ્તિના કામના ખૂબ વખાણ કર્યા જ છે. અને એટલે જ સવાલ એ આવે છે કે સિનેમા જગતમાં કલાસભર ઉત્તમ કામની ગણના વધુ કે સેક્સ સીનની? જે કામ તૃપ્તિ માટે પાંચ વર્ષોમાં ત્રણ ફિલ્મ્સથી ન થયું, એ કામ થોડીક સેક્ધડ્સનાં એક-બે દ્રશ્યોએ કરી બતાવ્યું. કારકિર્દીમાં લોકપ્રિયતામાં વધારો થાય એ માનવામાં આવે, પણ અચાનક એક અલગ કક્ષાની જ લોકપ્રિયતા લોકો આપી દે ત્યારે તેની પાછળ રહેલાં કારણો આપણને આપણા સવાલનો જવાબ આપી દે છે. આ દ્રષ્ટાંત પરથી તો એમ જ લાગે કે બહોળા દર્શકવર્ગને ગુણવત્તાવાળી ફિલ્મ્સ કે ભૂમિકા કરતાં બેડરૂમ દ્રશ્યો જ વધુ લલચાવે છે. અહીં વાત સેક્સની ફિલ્મમાં હાજરી ન હોવી
જોઈએ એ બિલકુલ નથી. વાત એ છે કે અન્ય ભૂમિકા કે
કામ કરતાં સેક્સ પ્રત્યેનું દર્શકોનું આકર્ષણ અભિનેત્રીઓની લોકપ્રિયતા માટેનો માપદંડ વધુ છે. આ જ કારણસર પાંચ
વર્ષમાં ચાર ફિલ્મ્સ કરનાર તૃપ્તિ પાસે ૨૦૨૪ના જ વર્ષમાં ચાર ફિલ્મ છે.

સ્ત્રી કેન્દ્રમાં હોય તેવી ફિલ્મ્સનો સમય તો ક્યારનો આવી ગયો છે. તેને જોનાર વર્ગ તેની પ્રશંસા પણ કરે જ છે, પણ એ છતાં આવાં ઉદાહરણ એ વાતની સાબિતી છે કે અભિનેત્રીઓની કારકિર્દી માટે હજુ એનું સુંદર અને જુવાન દેખાવું અને બેડરૂમ દ્રશ્યો આપવા એ જ દર્શકોની દ્રષ્ટિએ પ્રાથમિકતા છે એટલે જ અભિનેતાઓ ૫૦-૬૦ કે એથી પણ વધુની વયે પરાંપરાગત હીરોની ભૂમિકાઓમાં જોવા મળે છે, જયારે અભિનેત્રીઓની ‘હીરોઈન’ તરીકેની શેલ્ફ ‘લાઈફ’ અમુક વર્ષોની જ હોય છે. હા, અત્યારનો સમય થોડો બદલાયો છે. લગ્ન કરી ચૂકેલી અભિનેત્રીઓને પણ મહત્ત્વની કે મુખ્ય ભૂમિકાઓમાં લોકો
સ્વીકારે જ છે તેની ના નહીં, પણ વાત જ્યાં એક સામાન્ય બહોળા દર્શકવર્ગની છે, ત્યાં ઉપરોકત સવાલની માનસિકતા સ્પષ્ટ છે.

અક્ષય કુમાર આજે પણ હીરો ઈમેજવાળી ભૂમિકાઓ કરી શકે છે (હા, એની હમણાંની કેટલીય ફિલ્મ્સ એટલી નથી ચાલી એ અલગ મુદ્દો છે.) પણ એની જ સાથે હિરોઈનની ભૂમિકામાં ૨૦૦૦ના દશકમાં કામ કરી ચૂકેલી લારા દત્તાને તે અક્ષયની સાથે જ ફિલ્મમાં હોય તો પણ સહાયક ભૂમિકા મળે છે. જયારે સરખામણીમાં જુવાન અભિનેત્રી એમી જેક્સન હિરોઈનની મુખ્ય ભૂમિકામાં હોય તેવા ‘સિંઘ ઇઝ બ્લિંગ’ (૨૦૧૫) જેવા ઉદાહરણ આપણી સમક્ષ છે.

સલમાન ખાન, શાહરુખ ખાન, આમિર ખાન, રજનીકાંત, કમલ હસન, ચિરંજીવીની ફિલ્મ્સ લઈ લો અને સામે રાની
મુખર્જી, પ્રીતિ ઝિન્ટા, માધુરી દીક્ષિત કે કાજોલની ફિલ્મ્સ લઇ લો, હીરો અને હિરોઇન તરીકેની ભૂમિકાની વાત તરત જ
સમજાઈ જશે. જ્યાં સુધી ખરીદનાર એક જ ચીજ માંગશે ત્યાં સુધી વેચનાર એને એ જ આપશે અને જ્યાં સુધી વેચનાર ચીજ નહીં બદલે ત્યાં સુધી ખરીદનાર પણ બીજી ચીજ નહીં
ખરીદી શકે એ સાદો નિયમ છે. નિર્માતાઓ અને દર્શકો બંનેને સિનેમામાં સૌથી વધુ સેક્સ વેચાય કે નહીં એ મુદ્દો લાગુ પડે છે. ક્યાંક ‘એનિમલ’ જેવી ફિલ્મ્સ સેક્સના (અને વાયોલન્સ પણ) કારણે વેચાય, તો ક્યાંક મહારાજ’ પણ સેક્સના કારણે વેચાઈ ન જાય એ બીકમાં તેનો વિરોધ થાય, પણ મુદ્દો તો એનો એ જ
રહે છે!

લાસ્ટ શોટ
તૃપ્તિ ડિમરીને ‘એનિમલ’ માટે ફિલ્મફેર એવોર્ડ્સમાં બેસ્ટ સપોર્ટિંગ એક્ટર તરીકે નોમિનેટ કરવામાં આવી એ પહેલાં તો એ બેસ્ટ એક્ટ્રેસ; તરીકેનો ફિલ્મફેર ઓટીટી એવોર્ડ ‘બુલબુલ’ માટે જીતી ચૂકી છે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button