શાહરૂખ ખાનની ડંકી ફિલ્મ શેના પર છે ?

ફોકસ – એન. શાહ
ર૦ર૩નું વર્ષ્ા શાહરૂખ ખાનના નામે લખી આપવું રહ્યું, કારણકે તેની ફિલ્મો (પઠાન અને જવાન) એ બોક્સ ઓફિસ પર હડકંપ મચાવી દીધો છે. કલેકશનની દૃષ્ટિએ ના સહી, આવી જ ધમાલ ભૂતકાળમાં રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનના નામે બોલી ચૂક્યાનો ઈતિહાસ છે. ૧૭૩ ફિલ્મોમાં અભિનય કરનારા રાજેશ ખન્નાએ ૧૯૭૦માં (ધ ટ્રેન, સચ્ચા જુઠ્ઠા, સફર, કટી પતંગ, ખામોશી) અને ૧૯૭૧માં (આનંદ, અંદાઝ, હાથી મેરે સાથી, દુશ્મન) જેવી લાગઠ હિટ ફિલ્મો આપેલી તો અમિતાભ બચ્ચને ૧૯૭પ માં (દિવાર, ઝમીર, ચુપકે-ચુપકે, મીલી, શોલે, ફરાર) અને ૧૯૭૬માં (કભી કભી, હેરાફેરી, દો અન્જાને, અદાલત) જેવી સુપર હિટ ફિલ્મોની લંગાર લગાવી દીધી હતી. સતત મળતી રહેલી સફળતાના લિસ્ટમાં સલમાન ખાન, આમિર ખાન અને અક્ષ્ાયકુમારને પણ મૂકી શકાય, પરંતુ તેમણે વરસે એકાદ (વધીને બે) હિટ ફિલ્મો આપી છે. ર૦ર૩માં શાહરૂખ ખાન આ બધાથી ચડિયાતો અને વિશિષ્ટ એ રીતે પુરવાર થયો કે એક જ વરસમાં તેની બે ફિલ્મોએ બે હજાર કરોડ રૂપિયાની ટંકશાળ પાડી હતી અને (એપ્રિલથી માર્ચનું વરસ ગણએ તો) તેની ત્રીજી ફિલ્મ ‘ડંકી’ પણ બોક્સ ઓફિસ અને લોકોના હૃદયમાં ઝંડા ગાળશે, એ નક્કી છે. તેનું સૌથી મોટું કારણ ડંકીના ડિરેકટર રાજકુમાર હિરાણી છે.
ડિરેકટર તરીકે રાજકુમાર હિરાણીએ વીસ વરસમાં (ર૦૦૩થી ર૦રર સુધીમાં) માત્ર પાંચ જ ફિલ્મ (મુન્નાભાઈ એમબીબીએસ, લગે રહો મુન્નાભાઈ, થ્રી ઈડિયટસ, પીકે અને સંજુ) આપી છે પણ તેમનો ગ્રાફ સતત ઊંચો થતો ગયો છે એટલે આપણે સુપરડુપર સ્ટાર સાબિત થયેલા શાહરૂખ ખાન અને દિગ્દર્શક રાજકુમાર હિરાણીની રરમી ડિસેમ્બર, ર૦ર૩ના રિલીઝ થનારી ડંકી ફિલ્મની વાત કરવી છે. પઠાન અને જવાન બાદ હવે બાદશાહખાનની ડંકી સ્ક્રીન પર ત્રાટક્વાની છે પણ બધાને ડંકીના વિષ્ાય બાબતે ભારે કુતૂહલ છે, કારણકે આપણે ત્યાં ડંકીનો અર્થ અલગ થાય છે.
ભૂતળમાંથી પાણીને હાથથી ખેંચવાના સાધનને આપણે ગુજરાતીઓ ડંકી કહીએ છીએ. કેટલાક ડંકીનો અર્થ ડોન્કી (ગધેડો) કરે છે પણ ખરેખર શાહરૂખ ખાનની આ ફિલ્મ ગેરકાયદે તરીકાથી બીજા દેશમાં ઘૂસવા માગતા યુવકની કથા છે.
જરૂરી પેપર અને આવશ્યક લાયકાત ન હોય તેવી વ્યક્તિ અલગ-અલગ તરીકાથી અમેરિકા- કેનેડા જેવા દેશમાં પ્રવેશવા માટેના માર્ગ અપનાવતા હોય છે અને આવા દેશમાં ભારતનો નંબર પાંચમા સ્થાન પર છે.
આ રીતે ગેરકાયદે બીજા દેશમાં પ્રવેશવાની પ્રેક્ટિશને અંગે્રજીમાં ડોન્કી ફલાઈટ કહેવામાં આવે છે. ભારતમાં આ ડોન્કી ફલાઈટનો ઉચ્ચાર અપભ્રંશ થઈને (ખાસ કરીને પંજાબમાં) ડંકી ફલાઈટ બોલાય છે.
અન્ય દેશમાં રોડ યા પાણીના રસ્તે યા વિમાન માર્ગે ઘૂસવાની ડંકી ફલાઈટ પકડનારા પંજાબ, બિહાર, યુ.પી.માં સૌથી વધુ હોવાનું કહેવાય છે. અનેક બાંગ્લાદેશીઓ દરિયા માર્ગે તો પાકિસ્તાનીઓ રણ રસ્તે ભારતમાં પ્રવેશે છે, એ ડંકી પ્રેક્ટિશ જ છે. પોતાના દેશમાં પ્રવેશ બાબતે કડક (બ્રિટન જેવા) દેશોમાં ગેરકાયદે જવા માટે નજીકના અન્ય દેશોમાં વિમાન માર્ગે જઈને પછી જે તે દેશની સરહદ પાર કરવાને પણ ડંકી ફલાઈટ કહે છે. એ રીતે જોઈએ તો અભિજાત જોષ્ાી-રાજકુમાર હિરાણી લિખિત શાહરૂખ ખાન સ્ટારર ડંકીની સ્ટોરી પણ આ જ વાત કરે છે અને એ ડંકી ફિલ્મના પોસ્ટરમાં પણ હાઈલાઈટ થાય છે. એક વાત એવી પણ છે કે આ ફિલ્મમાં વાત અલગ રીતે કહેવામાં આવી છે.
સામાન્ય રીતે પોતાના દેશમાંથી અન્ય દેશમાં ડંકી ફલાઈટ થકી ગેરકાયદે ધૂસવામાં આવે છે પણ ડંકીફિલ્મમાં શાહરૂખ ખાન અન્ય દેશમાંથી ભારત દેશમાં પ્રવેશે છે. ડંકી ફિલ્મની કહાણી શી છે, એ તો ફિલ્મ રિલીઝ થશે ત્યારે જ ખબર પડશે.