મેટિની

લો, `નામ’માં તે વળી શું રાખ્યું છે?

ફટા પોસ્ટર, નિકલા… – મહેશ નાણાવટી

કોઈ ગુજરાતીને પૂછો કે `ભાઈ, કેશ આપું કે ક્રેડિટમાં લખાવી દઉં?’ તો તરત જવાબ મળશે : `કેશ જ હોય ને?’ જોકે, મનોરંજનની દુનિયામાં ક્રેડિટ’નો બહુ મોટો મહિમા છે. એ જ કારણસર ક્રેડિટને લગતા કિસ્સા અનેક છે.સલીમ-જાવેદ દ્વારા લખાયેલી ફિલ્મજંજીર’ જયારે રિલીઝ થઈ ત્યારે મુંબઈના અમુક વિસ્તારોમાં કંઈક વિચિત્ર ટાઈપનાં પોસ્ટરો દેખાઈ રહ્યાં હતાં. ક્યાંક અમિતાભ બચ્ચનના ચહેરા ઉપર મોટા અક્ષરે લખ્યું છે: Written by SALIM JAVED તો ક્યાંક પ્રાણના ચહેરા ઉપર પણ એવું લખાણ છે! અમુક પોસ્ટરોમાં તો જંજીર’ નામની ઉપર જ સલીમ-જાવેદનાં નામો છે! એ તો ઠીક, અમુક દીવાલો ઉપર લાગેલાં પોસ્ટરોમાંથી સલીમ-જાવેદનાં નામ બહાર નીકળીને દીવાલ ઉપર ધસી આવ્યાં છે!આખો મામલો એમ હતો કે જ્યારે પ્રોડ્યુસર – ડિરેકટર પ્રકાશ મહેરાએ સલીમ-જાવેદની સ્ક્રીપ્ટ પસંદ કરી ત્યારે મહેનતાણું આપવા ઉપરાંત એવી વાત થઈ હતી કે ફિલ્મનાં પોસ્ટરોમાં સલીમ-જાવેદનાં નામ પ્રોમિનેન્ટલી-આગવી રીતે -બધાનું ધ્યાન ખેંચાય એમ મૂકવાનાં રહેશે. પ્રકાશ મહેરાએ હા પણ પડી હતી, પણ રિલીઝ વખતે આખી વાત ભૂલાઈ ગઈ એટલે દાઝે ભરાયેલા સલીમ-જાવેદે પોતાના પૈસે પોતાનાં નામનીસ્ટેન્સિલ’ બનાવીને પેઈન્ટરોને મોકલી આપ્યા હતા કે રાતોરાત જઈને જેટલાં પોસ્ટર દેખાય એની ઉપર અમારાં નામચીતરી આવો!’

જોકે પ્રકાશ મહેરાએ ત્યાર બાદ સલીમ-જાવેદ સાથે હાથ કી સફાઈ’ બનાવી હતી. આમ જુવો તો સલીમ-જાવેદે તો પોતાની ક્રેડિટ માટે આવો ખેલ કરીને મુંબઈમાં પબ્લિસિટી મેળવી લીધી હતી, પરંતુ ચેતન ભગત સાથે કંઈ જુદી જ રમત રમાઈ ગઈ હતી.થ્રી ઈડિયટ્સ’ જે મૂળ ચેતન ભગતની ખુબ જ લોકપ્રિય થયેલા પુસ્તક ફાઈવ પોઈન્ટ સમવન’ ઉપર આધારિત હતી અને જે સુપરહિટ પણ નીવડી હતી, તે રિલીઝ થતાંની સાથે જ ચેતન ભગતે પ્રેસ કોન્ફરન્સ કરીને આરોપ મુકયો હતો કે ફિલ્મમાં મને સરખી રીતે ક્રેડિટ આપવામાં આવી નથી. ચેતન ભગતે તો કોર્ટમાં કેસ કરવાની પણ ધમકી આપી દીધી હતી! વાત એમ હતી કે ફિલ્મની શરૂઆતમાં પટકથા – સંવાદ માટે અભિજીત જોશી, રાજકુમાર હિરાની અને વિધુ વિનોદ ચોપરાનાં નામો મોટા અક્ષરે સ્પષ્ટ રીતે વંચાય તેમ મૂકવામાં આવ્યાં હતાં, જ્યારે ચેતન ભગતનું નામ છેક છેલ્લે, ફિલ્મ પૂરી થાય ત્યારે જેસરકતાં જતાં’ સેંકડો નામો હોય તેમાં ક્યાંક લખેલું: બેઝ્ડ ઓન ધ બુક બાય ચેતન ભગત'!આનો ખુલાસો આપતાં પ્રોડ્યુસર વિધુ વિનોદ ચોપરાએ કોન્ટ્રાકટમાં લખેલી લાઈન્સ બતાડી હતી, જેમાં લેખકનેયોગ્ય ક્રેડિટ’ આપવાની વાત હતી, પરંતુ ક્યાંય એવું નહોતું લખ્યું કે ફિલ્મની `શરૂઆતમાં’ એનું નામ હશે!

આ તો થયા સરખી’ ક્રેડિટ ન આપવાના કિસ્સા, પણ જ્યાં સર્જકનું ક્યાંય નામ જ ના હોય તો? નહીં ફિલ્મમાં, નહીં પોસ્ટરોમાં, નહીં પબ્લિસિટીમાં, નહીં પ્રેસ-રીલિઝમાં… ક્યાંય ન હોય તો? વળી એ નામ કોઈ લેખક, ગીતકાર કે એકટરનું નહીં, આખી ફિલ્મના ડિરેકટરનું હોય તો?વેલ, આવો કિસ્સો બન્યો હતો 1981માં. ફિલ્મ હતી રાજેન્દ્ર કુમારના દીકરાને પહેલીવાર પરદા ઉપર ચમકાવતીલવ સ્ટોરી’. આના ડિરેકટર હતા રાહુલ રવૈલ, પરંતુ એમનું ક્યાંય નામ જ નહીં! હા, એવું પણ નહોતું કે રાહુલ રવૈલને બદલે કોઈ બીજાનું નામ હોય… બસ, દિગ્દર્શકનું નામ જ બધેથી ગાયબ?! ઈન્ડસ્ટ્રીની વાયકા એવી છે કે ફિલ્મ બની રહી હતી ત્યાં લગી પ્રોડયુસર રાજેન્દ્ર કુમાર અને રાહુલ રવૈલ વચ્ચે બધું બરોબર હતું, પરંતુ શૂટિગ પછીના તબક્કામાં બન્ને વચ્ચે કંઈ મોટી તકરાર થઈ ગયેલી, જેનો `ખાર ખાઈને’ રાજેન્દ્ર કુમારે રાહુલ રવૈલનું નામ જ રદ કરી નાખ્યું હતું!ખેર, મુંબઈની ફિલ્મ લાઈન આ વાતની સૌને ખબર હતી એટલે રાહુલ રવૈલની કરિયરને કોઈ જ ફરક પડ્યો નહોતો. સારી વાત એ પણ હતી કે રાજેન્દ્ર કુમારે પોતાને નામે ફિલ્મ ચડાવી મારી નહોતી. બાકી, એ. આર. રહેમાન એકવાર સાવ અજાણતામાં આવી ભૂલ કરી બેઠા હતા.

મામલો છે 2009માં આવેલી ફિલ્મ દિલ્હી-6’નો. એમાં એક ઠેકાણે ટિપિકલ યુપીના લોકગીતની જરૂર હતી. રહેમાન સાહેબને શોધખોળ કરતાં એક ગીત ગમી ગયું. એમણે એ સીધું ઉઠાવીને એમાં પોતાની વેસ્ટર્ન બિટ્સનો વઘાર કરીને રેકોર્ડ પણ કરી લીધું! પછી જ્યારે ગીત રિલીઝ થયું ત્યારે ખબર પડી કે આ કોઈ બેનામી પરંપરાગત વરસો જુનું લોકગીત નથી, પરંતુ હાલમાં જ કોઈ ગાયિકાએ રચેલું ઓરિજનલ લોકગીત છે! એ ગીત હતું:સૈંયા છેડ દેવે, નનદ ચૂટકી લેવે, સાસ ગારી દેવે, દેવરજી સમઝા લેવે… સસુરાલ ગેંદા ફૂલ…’! જે રીતે ગુજરાતીમાં આજે વિક્રમ ઠાકોર, જિજ્ઞેશ કવિરાજ તથા કિજલ દવે જેવાં લોકગાયકો ઓરીજિનલ લોકગીતો બનાવીને બજારમાં મુકે છે એ જ રીતે ઉત્તર પ્રદેશની `એન્જલ અણા’ નામની ગાયિકાનું આ પોતાનું સર્જન હતું, જેમાં રહેમાનભાઈ ભૂલભૂલમાં ભરાઈ પડયા! જોકે પાછળથી પતાવટ રૂપે રૂપિયા પણ ચૂકવાયા હતા.

આ તો થઈ ગફલતમાં ક્રેડિટ લઈ લેવાની વાત, પણ શું તમે માનશો, અંગ્રેજી સાહિત્યના મશહુર નાટયકાર, શેકસપિયરે અજાણતા' અનેયોગાનુયોગે’ રામાયણના પ્લોટ ઉપરથી નાટક લખ્યું છે!?જીહા, રામાયણના ઉત્તરકાંડમાં જે વાત છે, કે રામ સીતાનો ત્યાગ કરે છે ત્યારે એમને ખબર નથી કે તે ગર્ભવતી છે અને જ્યારે લવ-કુશ રામના જ અશ્વમેઘ લઈને જઈ રહેલા સૈન્યને હરાવે છે ત્યારે ખબર પડે છે કે આ તો મારાં જ સંતાનો છે…બસ, એવી જ કંઈક વાર્તા શેક્સપિયરના એક નાટકમાં છે! જેમાં કોઈની કાનભંભેરણીથી રાણીને જંગલમાં મોકલી આપે છે. પછી આગળ જતાં ખુદ રાજાના સૈન્ય સામે રાજાનો જ પુત્ર યુદ્ધ લડવા માટે સામે ઉતરે છે! છેવટે રહસ્ય ખુલે છે અને હેપ્પી એન્ડિંગ!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button