હેં..રાજ કપૂરનેય લાફા પડ્યા હતા?!
મહેશ નાણાવટી
જેમની ૧૦૦મી જન્મજયંતી થોડા દિવસ પહેલાં જ ગઈ એ ભારતીય ફિલ્મ ઉદ્યોગના ગ્રેટેસ્ટ ‘શો -મેન’ તરીકે ઓળખાતા રાજ કપૂરની જિંદગીના અમુક કિસ્સા જાણવા- માણવા જેવા છે.
સૌ જાણે છે તેમ પૃથ્વીરાજ કપૂરને ત્રણ પુત્ર: રાજ કપૂર, શમ્મી કપૂર અને શશી કપૂર. આમાંથી શશી કપૂરે પોતાની ઢળતી ઉંમરે આપેલા એક ઈન્ટરવ્યુમાં રાજ કપૂર વિશે એક મજેદાર વાત કરી હતી.
શશી કપૂર એ યાદ કરીને કહે છે કે અમારા ત્રણ ભાઈમાં રાજ સૌથી વધુ નટખટ અને તોફાની હતા અને એ જ કારણસર પિતાજી પૃથ્વીરાજના હાથનો માર પણ એમણે જ સૌથી વધુ ખાધો હતો, પરંતુ રાજની એક વિચિત્ર ખાસિયત હતી. એ શું હતી?
તો વાત એમ હતી કે જ્યારે જ્યારે પૃથ્વીજી ગુસ્સે થઈને રાજને થપ્પડ મારે (એ જમાનામાં પેરેન્ટિંગનું કાઉન્સેલિંગ નહોતું થતું ને) ત્યારે રાજ અચૂક ઘરમાં કોઈ મોટા અરીસા પાસે જઈને પોતાનું મોં જોતાં જોતાં રડ્યા કરતા! આવું શેના માટે કરતા તે કોઈને સમજાતુંનહોતું, પરંતુ શશી કપૂર બાળપણના દિવસો યાદ કરતાં કહે છે કે અમે રીતસર રાહ જોતા કે ક્યારે રાજ કોઈ વાંકમાં આવે, ક્યારે પિતાજી એમને એકાદ થપ્પડ મારે અને પછી એ કેવી રીતે ક્યાંય સુધી અરીસામાં જોઈને રડતા રહે…
શશી કપૂર ત્યાં સુધી કહે છે કે ‘એ વખતે રાજ રડવાની એક્ટિંગ કરતા કે પોતે રડે છે ત્યારે કેવા લાગે છે? એ હજી સમજાયું નથી !’
આમેય રાજ કપૂરને એક્ટિંગનો કીડો બહુ નાની ઉંમરથી લાગી ગયો હતો, પણ પિતાજીની ઈચ્છા હતી કે ફિલ્મોમાં એક્ટિંગ શરૂ કરતાં પહેલાં ફિલ્મ-મેકિંગ, યાને કે ફિલ્મો શી રીતે બને છે તે શીખવું જોઈએ. આ કારણસર એમણે રાજ કપૂરને કિશોરવયમાં જ તે સમયના બહુ જાણીતા અને અનુભવી દિગ્દર્શક કેદાર શર્માના આસિસ્ટન્ટ તરીકે ટ્રેનિંગ માટે રખાવ્યા હતા.
કેદાર શર્માની ફિલ્મોના શૂટિંગમાં રાજ પોતાની મીઠડી જુબાન અને રમૂજી હરકતોને કારણે યુનિટમાં સૌનો વ્હાલો બની ગયો હતો. આસિસ્ટન્ટ તરીકેની બીજી બધી જવાબદારીઓ તો ઠીક, પણ રાજને દરેક શોટ વખતે જાતે જ કેમેરા સામે આવીને ‘ક્લેપ’ આપવાનું બહું ગમતું.
એનું કારણ શું? તો એમ કરવાથી રાજને કેમેરામાં આવવાનું બહું જ ગમતું. આથી દરેક વખતે ક્લેપ આપતાં પહેલાં, (કેમેરા ચાલુ થાય કે તરત જ) તે કેમેરામાં જોઈને સ્માઈલ આપે, કંઈ અદામાં પોઝ આપે, પછી જીભથી આંગળીઓ ભીની કરીને પોતાના વાળ સરખા કરે, ફરી પોઝ આપે… અને પછી જ પેલું લાકડાનું ક્લેપ-બોર્ડ બગલમાંથી કાઢીને સીન નંબર, શોટ નંબર વગેરે બોલીને ‘ક્લેપ’ આપે!
Also read: ૭૫ વર્ષ પહેલાં મ્યુઝિકના કોપીરાઈટ માટે હતા ૩૫ હજાર!
કેદાર શર્મા રાજની આ બધી હરકતો ચલાવી લેતા હતા. એટલું જ નહીં, શૂટિંગ થયા પછી તેની રશ-પ્રિન્ટો જોવાઈ રહી હોય ત્યારે રાજને સાથે હાજર રાખતા, પરંતુ ‘મુમતાઝ મહલ’ નામની એક ઐતિહાસિક પ્રકારની ફિલ્મના શૂટિંગ વખતે કંઈક એવું બન્યું કે કેદાર શર્માએ રાજ કપૂરને લાફો મારી દીધો હતો!
વાત એમ હતી કે એક દૃશ્ય બહુ: મહત્ત્વનું હતું. સાંજનો સૂરજ ડૂબી રહ્યો હોય એ જ વખતે એક સિનિયર અભિનેતાનો દાઢી વગેરેના મેકપ સાથે અન્ય અભિનેતાઓ સાથે શોટ લેવાનો હતો. વળી, એ કંઈ સાવ દસ પંદર સેક્ન્ડનો નહીં, પરંતુ સંવાદો સાથેનો ચાર-પાંચ મિનિટનો શોટ હતો. આ શોટ પૂરી ચોક્કસાઈથી લેવાય માટે આખું યુનિટ બે દિવસથી એક ચોક્કસ ટેકરી ઉપર પહોંચતું હતું, પરંતુ આકાશમાં વાદળોને લીધે એ શોટ શક્ય જ નહોતો બનતો.
આખરે ત્રીજા દિવસે બપોરથી આકાશ સ્વચ્છ હતું ત્યારે તમામ તૈયારી સાથે યુનિટ ત્યાં પહોંચ્યું. કલાકારનો મેકઅપ કરવામાં આવ્યો, નકલી દાઢી લગાડવામાં આવી. મુગલ ઠાઠનાં વસ્ત્રો પહેરાવવામાં આવ્યાં… વગેરે.
જ્યારે સૂર્યાસ્તની છેલ્લી પાંચ મિનિટ બાકી હતી ત્યારે કેદાર શર્માએ રાજ કપૂરને કહ્યું કે ‘જો બેટા, આ શોટ બહું અગત્યનો છે. કમ સે કમ આજે તું તારું વાળ સરખા કરવાનું અને પોઝ આપવાનું રહેવા દેજે.’
આમ છતાં કેમેરા ચાલુ થયો ત્યારે રાજ કપૂરે બગલમાં ક્લેપ બોર્ડ રાખીને ધરાર પોતાનું બધુ જ કર્યું! કેદાર શર્મા શાંત બેઠા હતા, પરંતુ જ્યારે રાજ કપૂરે સીન નંબર, શોટ નંબર વગેરે બોલીને ક્લેપ માર્યો ત્યારે એ ક્લેપ બોર્ડમાં પેલા કલાકારની નકલી દાઢી ફસાઈ ગઈ! અને રાજ કપૂર એ દાઢીને ક્લેપ-બોર્ડમાં ખેંચીને ફ્રેમની બહાર નીકળી ગયા!
એક રેડિયો પ્રોગામમાં (મોટે ભાગે ફૌજી ભાઈઓ માટેની ‘જયમાલા’માં) કેદાર શર્માએ આ ઘટના યાદ કરતાં કહે છે કે ‘એ ક્ષણે મને એટલો બધો ગુસ્સો આવ્યો કે મેં જઈને રાજને જોરથી એક લાફો ચોડી દીધો!’
કેદારજી ઉમેરે છે કે ‘રાજ એ પછી ક્યાંય લગી રડતો રહ્યો… છેવટે મોડી રાત્રે મને પસ્તાવો થયો કે બિચારા છોકરાને મેં ક્યાં આ રીતે માર્યો?
આખરે એનો શું વાંક? એને કેમેરામાં દેખાવાની કેટલી તીવ્ર ઈચ્છા છે!’ છેવટે મોડેથી કેદારજીએ રાજ પાસે જઈને વચન આપ્યું હતું કે ‘એક દિવસ તને હીરો તરીકે લઈને હું તારા માટે એક ફિલ્મ બનાવીશ, બસ?’ -અને ખરેખર એવું જ બન્યું.
રાજ કપૂરની અભિનેતા તરીકેની પહેલી ફિલ્મ હતી: ‘નીલકમલ’ જે કેદાર શર્માએ ડિરેક્ટ કરી હતી. (૧૯૪૭) ત્યાર બાદ ૧૯૫૦માં રિલિઝ થયેલી ‘બાવરે નૈન’માં પણ કેદાર શર્માએ રાજ કપૂર પાસે મેન રોલ કરાવ્યો હતો.
સવાલ એ થાય કે શું રાજ કપૂરે કોઈને લાફો માર્યો હતો? તો જવાબ છે, હા! રિષી કપૂર એ ઘટના યાદ કરતાં કહે છે કે એકવાર રાજ કપૂરના મેકઅપમેન પાસેથી માગીને હું સિગારેટ પી રહ્યો હતો એ જોઈને મને પાપાએ લાફો ફટકાર્યો હતો. જોયું? પેરેન્ટ કાઉન્સેલિંગ તો બહુ પછીથી આવ્યું!