મેટિની

`બહુ ભારે પડે છે આ ભારે શણગાર’

વિશેષ – અંતરા પટેલ

ટીવી શોઝ અને ફિલ્મોમાં મહિલા પાત્રોના મેકઅપના અતિરેકથી ઘણી વાર અચંબામાં પડી જવાય છે. આ અભિનેત્રીઓ સવારે ઊઠે ત્યારે પણ મશ્કરા લગાડેલો હોય છે અને હોઠ તો લિપસ્ટિકથી ભરપૂર લાલમ લાલ હોય છે. ઘરમાં ફરતી હોય કે બહાર, રાત હોય કે દિવસ મેકઅપનો થપેડો લાગેલો જ હોય.

કેટલીક કૌટુંબિક સિરિયલો જોઇને મનમાં એવા જ વિચાર આવે કે શું કોઇ મહિલા ઘરની અંદર, કે માર્કેટ જતી વખતે કે પછી બાળકોને સ્કુલ બસ સુધી છોડવા જાય ત્યારે આટલો બધો ઠઠારો કરતી હશે?

મોટા ભાગની મહિલાઓ અગર ઘરે હોય અને બહહાર ન નીકળવાની હોય તો વાળમાં કાંસકો ફેરવવાનું પણ ઓછુ થઇ જાય છે. હળવી લિપસ્ટિક અને આંખમાં કાજળ તેમના માટે પર્યાપ્ત હોય છે. મસ્કરા કે આઇલાઇનર કે ભડકીલી લિપસ્ટિક તો કોઇ વિવાહ સામારંભ કે મોટી પાર્ટી હોય ત્યારે જ કરે.

મારું પોતાનો મેકઅપ રુટિન એ વાત પર નિર્ભર કરે છે કે મારો દિવસ કેવી રીતે વિતવાનો છે. કેટલીક ચીજો તો હું મારી ઇચ્છાવશ કરી લઉં છું. જેમ કે સ્નાન કર્યા પછી સનબ્લોક લગાડી દેવો. પછી બહાર જવું હોય તે ઘરે બેસીને લખવું હોય તો પણ. કોઇ જુએ કે ન જુએ એની પરવા કર્યા વગર કાજલ પેન્સિલ આંખોમાં કાજળ લગાડી લઉં છું. બહાર નીકળું ત્યારે મારો મેકઅપનો પ્રયાસ એ વાત પર પણ આધાર રાખે છે કે હું કોની મુલાકાત લઇ રહ્યો છું.

લૉ-મેઇન્ટેન્સ મિત્રો સાથે લંચ કે ડિનર પર જાઉં તો મેકઅપની બહુ પરવા નથી કરતી. જિન્સ-શર્ટ પહેરી, હળવી લાલ લિપસ્ટિક લગાવી નીકળી પડું છું. ક્યારેક અધિક ગ્લેમરસ મિત્રોને મળવાનું થાય તો દેખાવ પર થોડું વધું ધ્યાન આપું છું, પરંતુ દિવસમાં મસ્કરા તો ક્યારેય લગાડતી નથી.
આ જ રીતે ડિનર પર પતિદેવના મિત્રોથી મુલાકાત થવાની હોય તો ડે્રસ-અપની ચિંતા નથી કરતી, પણ હા તેમના મિત્રો પત્ની સાથે આવવાના હોય તો સારા દેખાવ માટે વધુ પ્રયત્ન કરું છું. એ પણ એટલા માટે કે તેમની પત્નીઓ પણ આવું જ કરે છે. એ એક હળવા અપમાન જેવું લાગે છે કે તેમને મળતી વખતે હુ સરખો પ્રયાસ ન કરું.

ત્યારે હું સારી સાડી પહેરું છું. મેચિંગ ચાંદલો પણ કરું છું અને સપાટ ચંપલની ઇચ્છા હોવા છતાં ઉપરવટ થઇને ઊંચી હિલવાળા ચપ્પલ પહેરી લઉં છું. ભલા તેની ઊંચાઇ મારી ઊંચાઇ કરતા અધિક કેમ હોઇ શકે? હાલ મેં એક વાત નોંધી છે કે અલગ અલગ વર્તુળોમાં ભ્રમણ કરું છું તો મેકઅપ-શણગારના સ્તરમાં પરિવર્તન આવ્યું છે.

વહેલી સવારની ફ્લાઇટ પકડતી વખતે પણ મહિલાઓ ભારે મેકઅપ કરીને આવતી હોય છે. પરફેક્ટ મેનિક્યોર- પેડિક્યોર હોય છે. વાળ સંપૂર્ણ રીતે બ્લો-ડ્રાય કરેલા હોય છે. ડિનર વખતે એવી મહિલાઓ હોય છે જે બ્યુટિ પાર્લરમાંથી સીધી મેકઅપ કરાવીને આવી હોય છે.

લગ્ન સમારંભ તો પાગલપણાની હદ વટાવી ચૂક્યા છે. વરવધૂની કાકી-મામીઓ પણ આલિયા ભટ્ટ ને રેખા બની જાય છે. ભારે મેકઅપ, નકલી
લેશિઝ, નકલી વાળ- લગભગ દરેક ચીજ નકલી.
મને એ ખ્યાલ નથી આવતો કે હકીકતમાં શું થઇ રહ્યું છે.શું આપણે 1950ના એ દાયકામાં જઇ રહ્યા છીએ જ્યારે બધી મહિલાઓ ઘરની અંદર હોય કે બહાર ભારે શણગારની આશા-અપેક્ષાઓ રખાતી હતી. શું 21મી સદીની યુવતીઓ `ધ સ્ટેપ ફોર્ડ વાઇવ્ઝ’ના ડે્રસ-અપ મોડેલને ફરી જીવિત કરી રહી છે? એ વાતને કેવી રીતે સમજવી જ્યારે સ્ત્રી પોતાના દરેક ભટકતા-લટકતા વાળ પર દરેક શક્ય હથિયાર દ્વારા હુમલો કરી રહી છે, ભલે એના માટે દુ:ખ દર્દ પણ સહન કરવા પડે. એવું પ્રતીત થાય છે કે તેમની સુંદરતા મેકઅપના લપેડાઅને થપેડા પર જ ઊભી છે. એ લોકો પૂરી દુનિયાનો સામનો પૂર્ણ મેકઅપથી જ કરવા માગે છે, જાણે દરેક ક્ષણ તેમના માટે કેવળ સેલ્ફી કે ઇન્સ્ટાગ્રામ માટે જ ઘડાઇ હોય.

એ અકારણ નથી કે યૂ-ટ્યૂબ પર મેકઅપ વીડિયોઝને વધુમાં વધુ હિટ્સ મળે છે. ટીવી સિરિયલ્સ કે ફિલ્મી શૉમાં દેખાતી અભિનેત્રીઓ કદાચ પોતાના સમયથી વધુ આગળ છે અને હવે દરેક મહિલાઓ તેમના પગલે ચાલવાનો પ્રયત્ન કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button