સિદ્ધાર્થ છાયા
પહેલાં ‘ટ્વેલ્થ ફેલ’ અને હવે ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મોથી ચર્ચામાં આવનારા વિક્રાંત મેસ્સીએ હમણાં સોશિયલ મીડિયા પોસ્ટમાં પોતાની નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી, આ લખાય છે ત્યારે એણે પોતાની ‘નિવૃત્તિ’ પાછી ખેંચી લીધી છે ! એ હવે કહે છે કે લોકોએ મારી વાતનો ખોટો અર્થ લીધો છે! જોકે વિક્રાંતે બ્રેકની વાત કરી પછી ફિલ્મ રસિયાઓમાં એના મિશ્ર પ્રત્યાઘાત પડ્યા હતા. આમ તો વિક્રાંત વેબસિરીઝનો અદાકાર કહેવાય, પરંતુ ‘મિર્ઝાપુર’થી એ વધુ લાઇમલાઇટમાં આવ્યો અને ‘ટ્વેલ્થ ફેલ’ ફિલ્મ મળી એમાં છવાઈ ગયો.
વિક્રાંતની પોસ્ટમાં કરવામાં આવેલા નિવૃત્તિના દાવાના બે અર્થ લોકોએ કાઢ્યા હતા.. એક પક્ષ એવું માને છે કે વિક્રાંતની નિવૃત્તિ એણે લખ્યા મુજબ પરિવાર સાથે એ વધુ સમય વીતાવવા ઈચ્છે છે. તો બીજો પક્ષ એવું કહે છે કે ‘દયા, કુછ તો ગરબડ હૈ!’ ગરબડની વાત કરીએ તો એ શક્ય છે કે વિક્રાંતની આવનારી કોઈ ફિલ્મમાં નિવૃત્તિની વાત હોય.
આથી તે ફિલ્મનું શૂટ શરૂ થાય તે પહેલા જ તેના પ્રચારમાં લાગી પડ્યો હોય. આવતા વર્ષે વિક્રાંતની બે ફિલ્મ આવે છે ‘યાર ગુસ્તાખી’ અને ‘આંખો કી ગુસ્તાખીયાં’. હવે આ કોઈ એવી મોટી ફિલ્મો નથી કે વિક્રાંતને પોતાની સમગ્ર કારકિર્દી વિષે સંતોષ થઇ જાય અને એ નિવૃત્તિ લઇ લે…
ટીકાકારો તો એમ પણ કહે છે કે વિક્રાંત કોઈ એવો જબરદસ્ત અદાકાર પણ ન કહેવાય કે તેના જવાથી બોલિવૂડને કોઈ ફરક પડે. એ પણ શક્ય છે કે ‘ટ્વેલ્થ ફેલ’ પછી વિક્રાંતને કદાચ મોટી ફિલ્મો મળવાની આશા હશે જે પૂર્ણ ન થતા એણે નિરાશામાં ‘નિવૃત્તિ’ નું આ નાટક કર્યું! ‘દુઆ’ મેં પ્લીઝ હમેં ભી યાદ કરો!
અભિજિત ભટ્ટાચાર્ય ’ શાહરુખ ખાન અભિજિત, નામ તો સુના હોગા… અરે, અભિજિત ભટ્ટાચાર્ય જે એક સમયે શાહરૂખ ખાનનો અવાજ બની ગયો હતો. યાદ આવી ગયો ને? હાલમાં એ અને શાહરૂખ બંને ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા વિદેશી સિંગર દુઆ લીપાએ મુંબઈમાં પોતના શોમાં એક મેડલી રજૂ કરી હતી.
Also read: ‘એનિમલ’: ફરીથી જાવેદ અખ્તરનું નવું જ્ઞાન
આ મેડલીમાં એણે પોતાનાં ગીતો વચ્ચે શાહરૂખ ખાનની ફિલ્મ ‘બાદશાહનું’ અભિજિત દ્વારા ગાવામાં આવેલું ગીત ‘વો લડકી જો સબ સે અલગ હૈ’ની ઓરિજિનલ ધૂન વગાડીને મુંબઈગરાઓને મોજ કરાવી દીધી હતી. જોકે, પછી જેમ બને છે તેમ બીજા દિવસથી સોશિયલ અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં એ વીડિયો વાઇરલ થવા લાગ્યો અને ચાહકો બધે જ ‘શાહરૂખ… શાહરૂખની’ બૂમો પાડવા લાગ્યા. લોકોનું કહેવું હતું કે ‘બાદશાહ’ ફક્ત ભારતીયોમાં જ નહીં, વિદેશીઓમાં પણ એટલો જ પોપ્યુલર છે. જો એવું ન હોત તો દુઆ લીપાએ એનું જ ગીત કેમ ઉપાડ્યું?
આ બાજુ, આપણા અભિજિતદા અને એના દીકરાને આ જરા વધુ પડતું લાગ્યું. એ બન્નેએ વળતા જવાબ તરીકે શાહરુખના ફેન્સ અને મીડિયાની ટીકા કરી છે કે ફક્ત શાહરૂખને ક્રેડિટ આપવાથી અમને અન્યાય થયો છે. જય ભટ્ટાચાર્યનું કહેવું છે કે સોશિયલ મીડિયા તો સમજ્યા, પણ મેન સ્ટ્રીમ મીડિયાએ પણ પોતાના ન્યૂઝમાં ફક્ત શાહરૂખને ક્રેડિટ આપી છે અને આ ગીતનો અવાજ એટલે કે પોતાના ‘બાબા’ ( પપ્પા)ને’ અંગૂઠો દેખાડી દેવામાં આવ્યો છે, એઈ ચોલબે ના! બાકી, શાહરૂખ-અભિજિતના અણબનાવ વિષે તો ઘણું ઘણું લખી શકાય છે, પણ ફરી કયારેક … ‘પુષ્પા- ટુ’એ બધાનું ટાઈમટેબલ ખોરવી નાખ્યું …
‘પુષ્પા’નો બીજો ભાગ આવી ગયો છે. પહેલા ભાગના એક સંવાદને જાણે કે ચરિતાર્થ કરવામાં આવી રહ્યો હોય એમ આ પુષ્પાનો બીજો ભાગ પણ રિલીઝ થવા પહેલા જ ફ્લાવર નહીં, પણ ‘ફાયર’ સાબિત થઇ રહ્યો છે. વિકી કૌશલ અને ‘પુષ્પા- ટુ’ની જ હીરોઈન રશ્મિકા મંધાનાની ‘છાવા’ જે આ મહિનાના અંતે રિલીઝ થવાની હતી તેણે પોતાની રિલીઝ ડેટ આવતા વર્ષે ફેબ્રુઆરી સુધી ધકેલી દીધી છે. કારણ?
‘પુષ્પા- ટુ’નો જે ક્રેઝ જે રાતે સમગ્ર દેશમાં ફેલાઈ રહ્યો છે એ જોતાં નવી ફિલ્મોને દૂરથી પણ કોઈ સુંઘશે નહીં! જોકે ‘પુષ્પા -ટુ’ ને પણ એક ટેકનિકલ વાત નડી રહી છે. આમ તો એના નોર્મલ વર્ઝન સાથે ૩ઉ વર્ઝન પણ રિલીઝ થવાનું હતું ,
પણ અમુક કારણોસર હવે તે ૧૦ ડિસેમ્બરે રજૂ થશે એટલે ટેકનિકલી ‘પુષ્પા’ને પોતાનો ફાયર પણ નડી રહ્યો છે… બીજી તરફ એવું પણ નથી કે ‘પુષ્પા- ટુ’ ને કારણે બધા જ ફફડી ગયા છે. શાહીદ કપૂર અને પૂજા હેગડેની ‘દેવા’ હવે ફેબ્રુઆરીમાં નહીં, પરંતુ જાન્યુઆરીમાં રિલીઝ થશે એટલે કે ‘દેવા’ના નિર્માતા માને છે કે ‘પુષ્પા’એ મહિનામાં જેટલી કમાણી કરવી હોય કરી લે પછી અમે અમારા ‘દેવા’નું દેવું વસૂલ કરી લઈશું !
Also read: રીલ ને રિયલ લાઈફના દેવદાસ
‘કટ’ એન્ડ ‘ઓકે’
ફિલ્મ નિર્માતા-નિર્દેશક હંસલ મહેતા પણ વિક્રાંત મેસ્સીની જેમ ૨૦૦૬માં ફિલ્મો બનાવવામાંથી બ્રેક લઈને લોનાવલા પાસે આવેલા મલવલી ગામમાં પરિવાર સહિત લાંબો સમય રહેવા જતા રહ્યા હતા…