મેટિની

વેર- વિખેર -પ્રકરણ -૭૮

વિક્રમ, તને નહી છોડું, લોકો તો દુશ્મનને કહે કે તને મારી નાખીશ, જ્યારે હું કહું છું તને જીવતો રાખીશ, જેથી તારા બાપનું ખૂન તું જોઈ શકે!

કિરણ રાયવડેરા

કુમાર ડરી ગયો હતો.
વિક્રમ સાથે ચાકુની દુકાને અણધારી મુલાકાત બાદ એ ટેક્સી પકડીને સીધો પેરેડાઈઝ ગેસ્ટ હાઉસ’ આવી ગયો હતો. પહેલાં વિચાર્યું હતું કે છરી ખરીદ્યા પછી ધરમતલ્લામાં આંટા મારશે. ઇચ્છા થશે તો એકાદ ફિલ્મ જોઈ નાખશે, પણ વિક્રમ સાથે ભેટો થયા બાદ એ ધ્રૂજી ગયો હતો. ઇન્ટરકોમથી ફોન કરીને એણે સોડા અને બરફ રૂમમાં મગાવી લીધાં અને વ્હિસ્કીની બોટલ એણે બેગમાંથી કાઢી.

થોડી મિનિટ બાદ વ્હિસ્કીનો એક ઘૂંટ એના ગળામાંથી નીચે ઉતાર્યો ત્યારે એની ધ્રુજારી શમી. એ કંઈ પણ વિચારવા નહોતો માગતો. ઉતાવળે એણે બે-ત્રણ મોટા ઘૂંટડા ગળા નીચે ઠાલવી લીધા.

હાશ, હવે સારું લાગે છે.
એનો ભય ઓસરવા લાગ્યો અને હાથ-પગમાં ફરી ચેતનાનો સંચાર થયો.

વિક્રમ જેવો મોટો માણસ ચાંદનીની એક સામાન્ય દુકાનમાં શું કરતો હતો? એ પણ ચાકુની દુકાનમાં? ક્યાંક કંઈક ખૂટતું હતું!

વિક્રમ ધારે તો દસ માણસને દસે દિશામાં દોડાવીને ચાકુ મગાવી શકે. એ પોતે શા માટે આવ્યો હતો? બની શકે કે વિક્રમે એને દૂરથી જોઈ લીધો હોય અને એનો પીછો કરતો કરતો ત્યાં આવી પહોંચ્યો હોય, પણ જો પીછો કરતો હોત તો એ મને વચ્ચે ગમે ત્યાં આંતરી શક્યો હોત! અચાનક દુકાનમાં એના ખભા પર હાથ મૂકીને શા માટે પૂછે?

વળી પ્રશ્ન તો એવી રીતે કર્યો, જાણે વરસો જૂની મિત્રતા હોય. જરુર
વિક્રમ એને ફસાવવા માગતો હતો. અચાનક એના ખભા પર ધબ્બો મારીને વિક્રમ એને આઘાત પહોંચાડવા માગતો હતો જેથી કુમાર ગભરાઈને પોતાની ઓળખ છતી કરી દે.

| Also Read: વેર- વિખેર -પ્રકરણ -૭૭

સારું થયું એનાથી કોઈ ભૂલ ન થઈ. એ ડરી ગયો હતો પણ એ પળ તો એણે બાજી સંભાળી લીધી હતી. છેલ્લે એ બોલ્યો
હતો: ‘ઉપરવાળાની ઇચ્છા હશે તો જરૂર મળીશું.’ પછી એ તાબડતોબ બહાર નીકળી ગયો હતો.

એક વાર દુકાનની બહાર નીકળ્યા બાદ એનો ભય વધી ગયો હતો. કુમાર પોલીસ સ્ટેશને ફરિયાદ કરી દે તો? જોકે, એને ફરિયાદ કરવી હોત તો એ ક્યારની કરી ચૂક્યો હોત.

કુમારને એ વખતે શ્યામલી યાદ આવી ગઈ.

હંમેશની જેમ એને મુશ્કેલીમાં જ શ્યામલી યાદ આવતી હતી. આજે એ હોત તો પળવારમાં રસ્તો સૂઝાડી દીધો હોત. શ્યામલીને કુદરતી બક્ષિસ હતી. કોઈ પણ સ્થિતિમાં એ ઠંડા દિમાગથી સ્પષ્ટપણે વિચારી શકતી. કુમારના હૃદયમાં પીડાની ટીસ ઊઠી. દારૂના નશાએ વેદનાના અહેસાસને વધુ ગહેરો બનાવ્યો. શ્યામલી વગર જિંદગી ખાલીખમ લાગતી હતી, આ રૂમ જેવી.એની જિંદગીમાં પણ કંઈ નહોતું બચ્યું.

કુમારે બીજો પેગ બનાવ્યો.. ગ્લાસમાં સોડા અને બરફનો ટુકડો નાખતાં એની આંખમાં ખુન્નસ ઊતરી આવ્યું:
‘વિક્રમ, તને નહીં છોડું. લોકો તો દુશ્મનને કહે કે તને મારી નાખીશ, જ્યારે હું કહું છું તને જીવતો રાખીશ, જેથી તારા બાપનું ખૂન તું જોઈ શકે.’ કુમાર ગ્લાસ મોઢે માંડતાં ગણગણ્યો.
જોકે, હવે વિક્રમ એને ચાકુ ખરીદતાં જોઈ ગયો છે. આવતીકાલે એ જગમોહનનું રામપુરીથી ખૂન કરે તો વિક્રમ પોલીસને કહી શકે કે એણે કુમારને ચાકુ ખરીદતા જોયો હતો. પોલીસ બે વત્તા બે કરશે.
ઓહ નો, હવે ફરી હથિયાર બદલાવવું પડશે?

શું ફરક પડે છે? પોલીસ એને શોધવાનું શરૂ કરે એ પહેલાં તો એ અહીંથી ઘણો દૂર ચાલ્યો જશે. આમેય વિક્રમને ખબર તો પડી ગઈ છે કે એ શ્યામલીનો વર છે.પોલીસ એને વહેલી મોડી શોધતી આવશે જ.
કાલે બપોરના એ કામ પતાવીને જે પણ ટ્રેન મળશે એમાં બેસી જશે અને કોલકાતાને હંમેશને માટે છોડી દેશે….વિક્મની આંખ ઘેરાવા લાગી હતી.

જગમોહન દીવાનનું ખૂન કરીને એ શ્યામલીની યાદને હૃદયમાં ધરબીને હંમેશને માટે આ શહેર છોડી દેશે… કુમારની આંખ ઘેરાતી હોવાથી એને બધું અસ્પષ્ટ દેખાતું હતું. કુમારને ખબર નહોતી કે એનું ભવિષ્ય પણ એટલું જ અસ્પષ્ટ હતું.

થોડીવારમાં તો એ નસકોરા બોલવવા માંડ્યો હતો.

એ સમયે સામે ચાની દુકાનમાં એક માણસ એના મોબાઈલમાં કહેતો હતો :
‘સાહેબ, એ રામપુરી લઈને સીધો હોટલની રૂમમાં પાછો આવ્યો છે.’


‘કેમ છો જીજાજી?’ વિક્રમ રૂમમાં દાખલ થતાં જ એના સાળા જયએ એના ખબર પૂછ્યા.

‘મઝામાં, તમારા શું ખબર છે, સાળાસાહેબ?’ વિક્રમે શિષ્ટાચાર દાખવ્યો પણ પછી એણે વિચાર્યું કે શેરબજારમાં હારેલો માણસ મઝામાં કેવી રીતે હોઈ શકે!

| Also Read: વેર- વિખેર -પ્રકરણ -૭૦

જય પણ માંદલું હસીને નીચું જોઈ રહ્યો.

વિક્રમ એના સાળાને જોઈ રહ્યો. સોહામણો ચહેરો, કસાયેલું શરીર, છ ફૂટની હાઈટ, કોઈ એક ફિલ્મના મોડલ જેવો લાગતો હતો.છ ફૂટની હાઈટવાળો માણસ રૂપિયા માગવા કેવી રીતે આવી શકે એવા વિચાર પર વિક્રમને હસવું આવી ગયું.ત્યાં જ પૂજા રૂમમાં પ્રવેશી:
‘અરે, તમે આવી ગયા? જય તમને મળવા કાગડોળે રાહ જોઈ રહ્યો હતો.’

‘મને મળવા નહીં, રૂપિયા મેળવવા…’ એવા શબ્દો વિક્રમના મોઢા સુધી આવ્યા, પણ વિક્રમે હોઠ ભીડી રાખ્યા.

પૂજાને ન છંછેડવાનું એણે નક્કી કરી રાખ્યું હતું. એમાંય જય માટે કંઈ પણ આડું અવળું બોલાઈ જશે તો મામલો બીચકી જશે.

આમેય ભાઈની વાત આવે ત્યારે દુનિયાની દરેક પત્ની તલવાર લઈને નીકળી પડે
‘તું ચા મૂક ત્યાં સુધી હું જય સાથે વાત કરું છું.’ પૂજાની હાજરીમાં સાળા સાથે વાત કરવી નહીં ફાવે એવું વિક્રમને લાગ્યું.

‘હા, હમણાં લઈ આવું.’ વિક્રમને લાગ્યું કે પૂજાના અવાજમાં વધુ આત્મીયતા હતી. વધુ પ્રેમ હતો. સ્ત્રીને છેતરવી કેટલું સરળ છે. એના પિયરિયાં સાથે બે ઘડી પ્રેમથી વાતો કરો કે પત્ની ખુશ.

‘હા, જય, બોલો! શું પ્રોબ્લેમ છે?’ પૂર્વભૂમિકા બાંધ્યા વિના વિક્રમે વાત શરૂ કરી. હમણાં પૂજા આવશે તો વાત ડહોળાઈ જશે એવો એને ભય હતો.

‘ખાસ કંઈ નહીં, શેરબજારમાં ઊંચ-નીચ તો આવ્યા કરે, તમે જાણો છો. આ વખતે થોડો વધુ ફટકો પડ્યો.’ જય ખૂબ સ્વાભાવિકતાથી વાત કરતો હતો. જાણે કંઈ બન્યું જ ન હોય.

વિક્રમ ચૂપ રહ્યો. ફટકો કેટલો મોટો
હતો એ જાણવાની એણે આતુરતા દેખાડી નહીં.

‘આમ તો આ માર્કેટમાં ખોયેલા પૈસા તમને અહીં જ પાછા મળી રહે, જીજાજી…’ જય એને સમજાવતો હતો.

કેટલા ગુમાવ્યા તમે આ ઊંચા-નીચાં થતાં શેરબજારમાં.’

‘જીજાજી, કુલ મળીને પંચાવન લાખનું નુકસાન થયું છે. દસ લાખની મેં ગોઠવણ કરી રાખી છે. પિસ્તાલીસ લાખની તાત્કાલિક જરૂર છે.’ જય બોલતો હતો:
‘ડોન્ટ વરી જીજાજી, મહિના દિવસમાં જ રૂપિયા કમાઈને તુરત જ તમને પરત કરી દઈશ.’
પિસ્તાલીસ લાખ…!

વિક્રમનું હૃદય ધબકાર ચૂકી ગયું. ઇચ્છા તો એવી થઈ કે એક તમાચો જયના ગાલ પર ઝીંકી દે. એટલા માટે નહીં કે એ રૂપિયા શેરબજારમાં હાર્યો છે. એ એનો નિર્ણય છે- એનો ફેંસલો છે. પોતાના પૈસાનું એને જે કરવું હોય એ કરે. એને ગુસ્સો એ વાતનો આવતો હતો કે બનેવી મદદ કરશે એવી ખાતરી સાથે સાળાબાબુ ફ્લાઇટમાં એને મળવા દોડી આવ્યા હતા. જો એ હા પાડે તો એણે મોટું કામ કર્યું ન ગણાય. કેમકે સાળાબાબુ તો એ અપેક્ષા સાથે આવ્યા છે. એ જો ના પાડે તો ચિત્ર બદલાઈ જાય. પળવારમાં સંબંધોના બધાં સમીકરણો બદલાઈ જાય. રાતોરાત બનેવી દુશ્મન લાગવા માંડે….એણે ક્યાંક વાંચ્યું હતું કે જેને ના પાડતાં આવડે એ માણસ જ
સફળ થઈ શકે, પણ આ કેસ એટલો સરળ નથી. કોઈ બહારનો માણસ ઉધાર માગવા આવ્યો હોત તો મોઢું તોડીને બહાર કાઢી મૂક્યો હોત, પણ આ પૂજાનો સગો ભાઈ હતો.
એ જ સમયે પૂજા ચાની ટ્રે લઈને રૂમમાં પ્રવેશી.

‘તમે સાંભળ્યું ને? બિચારાને ફક્ત ૪૫ લાખની જ જરૂર છે, એ પણ મહિના દિવસ માટે. મેં કહ્યું છે કે તારા બનેવીનું દિલ બહુ જ મોટું છે.’ પૂજાએ ચાનો કપ એના હાથમાં મૂકતાં કહ્યું.
પૂજા દાઢમાં બોલી હતી? તારા બનેવીનું દિલ એવું મોટું છે કે પૂજા ઉપરાંત શ્યામલી પણ સ્થાન જમાવી શકે.

વિક્રમે ધારીધારીને પૂજા સામે જોયું. ચહેરા પર ક્યાંય કટાક્ષની રેખા જોવા ન મળી.

‘પૂજા, આ ફકત’ ૪૫ લાખ નાનીસૂની રકમ નથી.’ વિક્રમ બોલ્યો.

‘આપણા માટે તો નાની જ રકમ ને…! તમે ધારો એ કરી શકો.’ પૂજા એને પાનો ચઢાવતી હતી.

‘પૂજા, ડોન્ટ બી સીલી, મારે પપ્પાને વાત કરવી પડે. તું જાણે છે આજકાલ એ કેવી ચિંતામાં રહે છે.’ વિક્રમે વાત ટાળવાનો પ્રયાસ કર્યો, પણ પૂજા કેડો મૂકવાની નહોતી એ એને ખબર હતી.

હા, તો કરોને વાત! મારા ભાઈની વાત પપ્પા ટાળી નહીં દે. તમે ન કરી શકતા હો તો હું કરું…’ પૂજા બોલી.

‘ના મારા બાપ, હું જ વાત કરીશ.’ વિક્રમે નમતું જોખ્યું.

‘ઠીક છે આજે જ વાત કરજો.’ પૂજાએ આગ્રહ કર્યો.

‘કેમ આજે જ? કાલે કરશું ને નિરાંતે…’ વિક્રમે પીછો છોડાવવાનો એક વધુ પ્રયાસ કર્યો.

‘કાલ કોણે દીઠી છે, વિક્રમ…’ પૂજા બોલી.

પૂજા સ્વાભાવિકપણે જ બોલી હતી, પણ એની વાતમાં રહેલા ગંભીરતાનો વિક્રમને પણ અંદેશો નહોતો….

દીવાન પરિવારનો એક સભ્ય તો આવતીકાલ ન પણ જોઈ શકે….કદાચ!


જગમોહન પલંગમાં પડઘા ઘસતો હતો.
સાંજના એ કોઈ દિવસ સૂતો નથી એટલે નીંદર ન આવે એ સ્વાભાવિક હતું, પણ એને ક્યાંય ચેન નહોતું પડતું. જીવ બળ્યા કરતો હતો. વારંવાર હાથ-પગ ઠંડા પડી જતા હતા.

આત્મહત્યા કરવા જતી વખતે પણ આવો અનુભવ નહોતો થયો. ત્યારે પણ ડર નહોતો લાગ્યો.

આજે એને સમજાતું નહોતું કે એને શું થઈ રહ્યું છે.

શું આને જ મૃત્યુનો ભય કહેવાય? શું આને જ પોતાનાથી છૂટા પડવાની પીડા કહેવાય?

શા માટે એ એમ માની બેઠો છે કે હત્યારો એના મનસૂબામાં કામયાબ થઈ જશે? એણે પોતાની જાતને શાંત પાડવા પ્રયત્ન કર્યો, પણ બહુ ફાવ્યો નહીં.
એ વધુ અસ્વસ્થ થઈ ગયો.

થોડી વાર પહેલાં જ એના શત્રુનો ફોન હતો :
‘હવે તમારે સૂતા રહેવાનું. અલવિદા, મિસ્ટર દીવાન આવતા જન્મે મળીશું….!’

એક તરફ એક હત્યારો એને બિન્ધાસ્તપણે મારી નાખવાની ધમકી આપતો હતો. બીજી તરફ એના જેવો ધનાઢ્ય સફળ ઉદ્યોગપતિ ડરીને એના ઘરમાં સંતાઈને બેઠો હતો….આ પણ વિધિની કેવી વક્રતા છે..!
(ક્મશ:)

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત