મેટિની

વેર-વિખેર – પ્રકરણ -૫૬

જતીનકુમાર, હું તને સારી રીતે ઓળખું છું. તમે જ કરણ ને કહ્યું કે…

કિરણ રાયવડેરા

‘નવી વહુનાં પગલાં નહીં લ્યો?’

જગમોહન અને કરણની સાથે ગાયત્રીને જોઈને જતીનકુમાર પ્રભાની પાસે આવીને ગણગણ્યા. પ્રભાને આખા શરીરે ઝાળ લાગી ગઈ.

‘પ્રભા, તારા ગુસ્સા પર કાબૂ રાખજે. જીભ પર અંકુશ મૂકજે. એક પણ શબ્દ આડોઅવળો બોલાઈ જશે તો બાજી બગડી જશે.’ પ્રભા પોતાની જાતને સમજાવતી રહી.

‘હાય મમ્મી, તું આપણા નવા મહેમાનનું સ્વાગત નહીં કરે?’ કરણ બોલ્યો.

‘બેટા, કોણ છે આ તારી ફ્રેન્ડ છે?’

પ્રભાએ કુતૂહલવશ પૂછ્યું. વિક્રમ કયારેક કરણની કોઈ ગર્લફ્રેન્ડનો ઉલ્લેખ કરતો હતો એ આ છોકરી હશે.

‘નો, મમ્મી, આ ગાયત્રી છે, પપ્પાની ફ્રેન્ડ!’

‘યસ પ્રભા, આ ગાયત્રી મહાજન છે, મારી ફ્રેન્ડ અને મારી ગાઈડ.’ જગમોહને પ્રભાને કહ્યું.

ગાયત્રીએ આગળ આવીને પ્રભાના ચરણસ્પર્શ કર્યા. જતીનકુમારે ફરી પાસે આવીને હોઠ ફફડાવ્યા :
‘વહુ તો આજ્ઞાકારી લાગે છે?’

પ્રભાએ જતીનકુમાર સામે લાલ આંખ કરી.

‘શું વાત છે, જમાઈબાબુ, આજે સાસુમા સાથે બહુ ગુસપુસ કરો છો? કંઈક અમને કહેવા જેવું ઇન્ટરેસ્ટિંગ હોય તો અમને પણ કહોને! ’ જગમોહને ચહેરા પર સ્મિત રાખીને પણ અવાજમાં થોડી કરડાકી ભેળવીને કહ્યું.

‘ના… ના… કંઈ નથી… આ તો…’ જતીનકુમાર ગેંગેફેંફેં કરવા લાગ્યા.

‘રહેવા દો, જૂઠું બોલવું એ પણ એક કળા છે. તમારું કામ નથી.’

જગમોહને અણગમાથી મોઢું ફેરવી લીધું.

‘કોણ છે તારા ઘરમાં? મા… બાપ…?’ પ્રભાએ સહેજ ગંભીર અવાજે ગાયત્રીને પૂછ્યું.

‘મમ્મી, ગાયત્રી બિલકુલ એકલી છે. એનાં માતા-પિતા બંને પાંચ વરસ પહેલાં વિમાન અકસ્માતમાં મૃત્યુ પામ્યાં છે.’ ગાયત્રીની વહારે આવ્યો કરણ..

ગાયત્રીએ રાહતનો શ્ર્વાસ લીધો. મા-બાપના અકસ્માતની વાત કરવી એને ન ગમત. આપણી અંગત ટ્રેજેડીની પણ એક ગરિમા હોય છે, એ જળવાવી જોઈએ. સહાનુભૂતિની યાચના માટે એનો ઉપયોગ થાય છે એવું ન લાગવું જોઈએ.

‘ઓહ, કરણ તો તું ગાયત્રીને પહેલેથી ઓળખે છે?’ પ્રભાએ પ્રશ્ર્ન કર્યો. કરણની દરમિયાનગીરી એને કદાચ પસંદ નહોતી પડી.

‘ના… મમ્મી, હું તો હમણાં જ એને મળ્યો. આ તો પપ્પાએ મારી મુલાકાત કરાવી.’

‘પ્રભા, તને યાદ છે હું તને અમારા મિત્ર અને મુરબ્બી શાસ્ત્રીજી વિશે કહ્યા કરતો હતો. છેલ્લાં વીસેક વરસથી શાસ્ત્રીજીનો પત્તો નહોતો લાગતો… મને ગઈ કાલે જ ખબર પડી કે શાસ્ત્રીજી અહીં જ રહેતા હતા… ગાયત્રી એમની દીકરી છે.’

જગમોહનને લાગ્યું કે જુઠ્ઠું બોલવું ખરેખર એક આર્ટ છે. જતીનકુમારની જેમ એનામાં પણ પકડાયા વગર ખોટું બોલવાની આવડત નથી.

‘કોણ શાસ્ત્રીજી? જગમોહન, આપણે તો આ નામવાળી કોઈ પણ વ્યક્તિ વિશે વાતચીત નથી થઈ. વીસ વરસથી જેની ભાળ નહોતી મળતી એનો અચાનક પત્તો કેવી રીતે લાગ્યો?’ જગમોહન સામે પ્રભા શંકાશીલ નજરે જોવા લાગી.

‘શાસ્ત્રીજી એટલે ગુરુજી… આમ તો મારા કરતાં બે વરસ સિનિયર, પણ પછી શિક્ષણક્ષેત્ર અપનાવ્યું ત્યારથી બધા એમને શાસ્ત્રીજી’ના નામે ઓળખવા લાગ્યા. બહુ વિદ્વાન માણસ. ગાયત્રી એમની દીકરી. પિતાની જૂની ડાયરી જોતાં એને મારા અને શાસ્ત્રીજીના સંબંધ વિશે ખબર પડી એટલે મને મળવા આવી ગઈ.’ જગમોહનને આટલું બોલતાં હાંફ ચડી ગઈ હતી.

‘એ તમને મળવા આવી ગઈ અને તમે એને અહીં લઈ આવ્યા મારી સાથે મેળાપ કરાવવા.’ પ્રભાને હવે ધીરે ધીરે ગુસ્સો ચડી રહી હતો.

એક વાત તો સ્પષ્ટ હતી કે જગમોહન ખોટું બોલતો હતો, પ્રભા વિચારતી હતી. જતીનકુમારને એણે સાચા પાડ્યા એનો પ્રભાને અફસોસ હતો.

કેવું વિજયનું સ્મિત ફરકાવતા ઊભા છે જમાઈબાબુ, જાણે કહેતા હોય :
‘કેમ સાસુમા, હું સાચો પડ્યો ને? શ્ર્વસુરજીએની સ્ત્રી મિત્રને લઈને આવ્યા ને?’

‘મમ્મી, આ ગાયત્રીએ આપણને ઘણી મદદ કરી છે, એના ઘણા ઉપકાર છે આપણા પર…’ ગાયત્રીનું અપમાન થતાં જોઈ કરણ બોલી તો ગયો પણ પછી ખચકાઈ ગયો.

‘ઓહો… તો શાસ્ત્રીજીની દીકરીએ આપણા પર ઉપકાર કરવાના પણ શરૂ કરી દીધા… તને કેવી રીતે ખબર પડી, કરણ?’ પ્રભાએ ઉગ્ર સ્વરે કરણને પૂછ્યું.

‘મમ્મી, મને તો તું માફ જ કરજે. મારી ભૂલ થઈ ગઈ કે તને વાત કરી. હવે તું વાતનો કેડો નહીં મૂકે. હું જાઉં છું મારા રૂમમાં…’ કહેતાં કરણ ધમધમ કરતો પોતાના કમરા તરફ ચાલ્યો ગયો.

જગમોહન એને જોતો રહ્યો. દીકરો માને ગમે તે કહી દે તો મા સહન કરી લે, પણ એ જ મા પત્ની સ્વરૂપે પતિની કોઈ પણ વાત સાંભળવા તૈયાર ન થાય.

‘પ્રભા, મેં તને એક વાર કહી દીધું છે. ગાયત્રી મહાજન અમારા શાસ્ત્રીજીની પુત્રી છે. એની પાછળ એક ગેંગ પડી છે એટલે કે હાલના સંજોગોમાં એના ઘરે એકલી નહીં રહી શકે. એ જ કારણે હું એને અહીં લઈ આવ્યો છું. આજથી ગાયત્રી થોડા દિવસ આપણી સાથે રહેશે.’ જગમોહને ધીમા પણ મક્કમ સ્વરે પોતાનો નિર્ણય સુણાવી દીધો.

‘ઓહ, તો વાત અહીં સુધી આવી પહોંચી છે… ઠીક છે તમને લોકોને જે ઠીક લાગે એ કરો. મારું તો કોઈ અસ્તિત્વ જ નથી આ ઘરમાં… બધા પોતાનું ધાર્યું જ કરે છે, તો પછી મને અહીં રાખી છે શું કામ?’ કહેતી પ્રભા વળીને પોતાના રૂમમાં જવા ગઈ.

‘મમ્મીજી…’ ગાયત્રીએ પ્રભાને બોલાવી.

પ્રભા ઘૂમીને ગાયત્રી સામે જોવા લાગી.

‘છોકરી,’ પ્રભાએ તીણા સ્વરે ગાયત્રીને સંબોધીને કહ્યું:
‘આ ફિલ્મી તરીકો મારી સામે નહીં અજમાવતી, હું આવા ચાંપલાવેડાથી પીગળું તેમ નથી.’

‘નહીં, મમ્મી, આ કોઈ ફિલ્મ કે નાટકનો સીન નથી. મારી મમ્મી નથી એટલે તમને મમ્મીજી કહેવાની ઇચ્છા થઈ આવી. તમે જાણો છો કે આ ઉંમરે મમ્મીની જરૂર વધુ પડે. વાસ્તવમાં કાકુએ મને કહ્યું હતું કે તું મારા ઘરે આવીશ તો મારી વાઇફને નહીં ગમે. હું પણ જાણું છું મમ્મી, કે તમારી જગ્યાએ હું હોત તો મને પણ કોઈ છોકરીનું ઓચિંતાનું આગમન ન ગમત… પણ શું કરું? અમુક ગુંડાઓ મારી ઇજ્જત લૂંટવા માગે છે અને મારા ઘરે હું એકલી રહું છું એટલે મેં કાકુને વાત કરી. મેં જ જીદ કરીને કહ્યું કે મને મમ્મી પાસે લઈ જાઓ. હું એમને સમજાવી દઈશ.’ ગાયત્રીએ વાત પૂરી કરીને પ્રભા સામે જોયું.
પ્રભા પાછી ફરી અને ગાયત્રી પાસે ગઈ.

‘જો હું એમ તારી વાતમાં આવી જાઉં એવી ભોળી નથી, સમજી? પણ હમણાં તું બે-ત્રણ દિવસ માટે અહીં રહી શકે છે.’ કહીને પ્રભા પોતાના રૂમ તરફ જવા માંડી.

‘થેન્ક યુ, મમ્મીજી… હું થોડા દિવસમાં જ મારો રસ્તો કરી લઈશ.’ ગાયત્રી બોલી.

જગમોહન હસ્યો. પ્રભાનું રિએક્શન જોઈને એનું હાસ્ય ઊડી ગયું હતું. એણે ગાયત્રી સામે જોયું. ફરી એક વાર ગાયત્રીએ સમસ્યાનો હલ શોધી કાઢ્યો હતો.

‘ગાયત્રી, શું લાગે છે તને?’ જગમોહને ગાયત્રીને પ્રશ્ર્ન કર્યો.

‘કંઈ નહીં, પ્રભા આન્ટી એટલે કે મમ્મીજી એક નોર્મલ વ્યક્તિ છે. એમની સાથે કોઈ વાંધો નહીં આવે.’ ગાયત્રીએ હસીને પ્રત્યુત્તર વાળ્યો.

‘એટલે તું એમ કહેવા માગે છે કે હું એબ્નોર્મલ છું, ગાયત્રી?’ નારાજ થયો હોય એવી ઢબે જગમોહન બોલ્યો.

‘મેં એવું કહ્યું નથી, પણ કાકુ… આત્મહત્યા કરવાનો વિચાર કરનારી વ્યક્તિ નોર્મલ તો ન જ હોય, ખરું ને?’ ગાયત્રીએ આંખો ઉલાળીને કહ્યું.

જગમોહન નીચું જોઈ ગયો. ગાયત્રીની વાત નકારી શકાય તેમ નહોતી. આત્મહત્યા એ એક નોર્મલ માણસનું કામ તો નથી જ!

‘સોરી કાકુ, તમને ખરાબ લાગ્યું?’ ગાયત્રીથી રહેવાયું નહીં.

‘ના, મને સારું નથી લાગ્યું – સાચું લાગ્યું છે ! તારી વાત કડવી પણ સાચી છે.’

‘થેન્ક યૂ, કાકુ તમે હવે તમારી ભૂલો સ્વીકારતા થયા છો એ જોઈને આનંદ થાય છે.’

જગમોહન કંઈક બોલવા જતો હતો પણ ત્યાં જ એની નજર જતીનકુમાર પર પડી. જમાઈબાબુ દૂરથી ચૂપચાપ તાલ જોયા કરતા હતા. જતીનકુમારે એ લોકોની વાતચીત સાંભળી હશે? જગમોહનને પ્રશ્ર્ન થયો.

‘શું જમાઈબાબુ? તમારા શું ખબર છે? તમે ક્યારે અહીં આવ્યા?’ જગમોહને અણગમાના ભાવ સાથે જમાઈબાબુના ખબરઅંતર પૂછ્યા.

‘આજકાલ અમે અહીં જ રહેવાનું રાખ્યું છે. વારંવાર જવું આવવું એના કરતાં અહીં રહેવું સારું એવું અમે વિચાર્યું.’ જતીનકુમારે ખુલાસો કર્યો.

‘સરસ… સરસ, ગાયત્રી, આ છે અમારા જમાઈબાબુ અને જમાઈબાબુ, તમે તો આ છોકરીને પહેલેથી જ ઓળખો છો, ખરું ને?’ જગમોહને ઓચિંતાનો હુમલો કર્યો.

‘હા… હા… ના… શ્ર્વસુરજી, હું ક્યાંથી ઓળખું? આજે પહેલી વાર ગાયત્રીબેનને જોયાં… વાહ! શું સરસ નામ છે ગાયત્રી!’ જતીનકુમાર ડઘાઈ ગયા હતા.

‘હા, બહુ જ સરસ નામ છે, જતીનકુમાર અજાણ્યા ન બનો, હું તમને સારી રીતે ઓળખું છું. તમે જ કરણને કહ્યું કે તારો બાપ બે દિવસથી એક છોકરી સાથે રહે છે.’
જગમોહન એના અસ્સલ લડાયક મિજાજમાં આવી ગયો હતો.

‘કાકુ, પ્લીઝ… જતીનબાબુ આપણા જમાઈ છે અને જમાઈનું માન-સન્માન સાચવવાની આપણી ફરજ છે. કાકુ, પ્લીઝ… તમે જમાઈબાબુ સાથે આ રીતે વાત ન કરો.’ ગાયત્રી વચ્ચે પડી.

જગમોહન આશ્ર્ચર્યથી ગાયત્રી સામે જોવા લાગ્યો. ગાયત્રી વચ્ચે પડીને જમાઈનો બચાવ કરશે એવું એણે નહોતું ધાર્યું. ગાયત્રીના આદેશ’નું જાણે પાલન કરતા હોય એમ એણે હથિયાર હેઠાં મૂકી દીધાં.

‘થેંક્યુ ગાયત્રી, મારો બચાવ કરવા બદલ તારો આભાર. તું મને ઓળખતી નથી છતાં તેં મારો પક્ષ લીધો એ મને ગમ્યું. હું યાદ રાખીશ.’ જતીનકુમાર કમરાની બહાર નીકળી ગયા.

જમાઈની વિદાય બાદ ગાયત્રી અને જગમોહન બંને હસી પડ્યાં.

‘સોરી કાકુ, મારે તમારા ઘરમાં દૂધમાં સાકર ઓગળે એમ ઓગળી જવું હોય તો બધાનો વિશ્ર્વાસ જીતવો પડશે… એટલે તમારી વિરુદ્ધ જવું પડશે, કેમ કે આખા ઘરમાં જો કોઈ ખલનાયક હોય તો બધાની નજરે તમે જ વિલન છો. કરણને તમારા પ્રત્યે અનહદ પ્રેમ છે પણ એને પણ જ્યારે વાંકું પડશે ત્યારે તમારી સામે થઈ જશે…’

‘યસ, હું જાણું છું. હવે તારે મારા ઘરના એબ્નોર્મલ માણસોને નોર્મલ બનાવવાના છે. આ ઘરમાં જાદુઈ ફૂંક મારીને અહીંના વાતાવરણમાં સુખ અને ખુશી ભરી દેવાનાં છે. જેમ તેં મને બદલી નાખ્યો તેમ બધાંને બદલી નાખવાનાં છે. એન્ડ આઈ એમ શ્યોર યુ કેન ડુ ઈટ!’

‘કાકુ, હું આ કામ માટે બહુ જ નાની છું. તમારી ચેલેન્જ હું ઉપાડીશ પણ કેટલી સફળ થઈશ એ હું નથી જાણતી. તમને હું બદલાવી શકી, કારણ કે તમે બદલવા ઇચ્છતા હતા.’

‘ગાયત્રી, દરેક જણ પરિવર્તન ઇચ્છતું હોય છે. દરેક વ્યક્તિ જાતમાં અને વાતાવરણમાં બદલાવ ઇચ્છતું હોય છે. યોગ્ય વ્યક્તિની સલાહ મળે તો એ જરૂર સહકાર આપે…’
‘ઓ.કે. કાકુ , પણ એક શરતે. હું જે પણ કરું કે કહું એમાં મને રોકટોક નહીં કરવાની. કબૂલ? અને હા, તમારે મારી બધી વાત માનવાની, રાઈટ?’ ગાયત્રીએ હાથ લંબાવ્યો.

જગમોહને ગાયત્રીનો હાથ પકડી લીધો.

‘રાઈટ… એબ્સોલ્યુટલી રાઈટ… તું જેમ કહીશ તેમ હું કરીશ.’ કહીને જગમોહને ઉષ્માથી ગાયત્રીનો હાથ દબાવ્યો.

એ જ પળે પ્રભા કમરામાં દાખલ થઈ.
      (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button