વેર- વિખેર -પ્રકરણ ૩૨
ગાયત્રી, આ છે ડો. પટેલ, જે શિંદેને જિવાડવાની કોશિશ કરશે. અને હા, આ છે બબલુ… જે આપણને મારવાની કોશિશ કરશે!
કિરણ રાયવડેરા
‘મમ્મી, શું શોધે છે? હું મદદ કરું?’
વિક્રમ ક્યારે પાછળ આવીને ઊભો રહી ગયો એની પ્રજ્ઞાને ખબર જ ન પડી. એના હાથમાંથી ફોલ્ડર પડતાં પડતાં રહી ગયું.
વિક્રમ બપોરના શા માટે ઘરે આવી ગયો?
મમ્મી, તું પણ આખો દિવસ કામ જ કર્યા કરે છે. હવે પપ્પા નથી આવ્યા તો એમની ફાઈલો સાફ કરવા લાગી છો.’ વિક્રમ નિર્દોષભાવે બોલ્યો.
પ્રભાનો અધ્ધ શ્ર્વાસ હેઠો બેઠો.
‘ના… ના બેટા, આ તો થયું કે નવરી બેઠી છું તો તારા પપ્પાનું ટેલબ ઠીક કરી દઉં.’ કહીને પ્રભા ટેબલ પર કપડું ફેરવવા લાગી. ટેબલ પર જગમોહનની ખુલ્લી પડેલી ડાયરીને એણે ખસેડીને ખૂણામાં મૂકી દીધી.
‘હવે તને નવરાશ મળવાનો તો પ્રશ્ર્ન જ નથી થતો. તારા ગ્રેટ જમાઈબાબુની પધરામણી થઈ છે ઘરમાં.’ વિક્રમના અવાજમાં કડવાશ હતી અને એણે કટુતાને છુપાવવાની તસ્દી પણ ન લીધી.
‘ઓહ, તો તને ખબર પડી ગઈ કે જતીનકુમાર પધાર્યા છે. હા, પણ હું તને પૂછતાં તો ભૂલી ગઈ કે તું અત્યારના ઘરે ? તબિયત તો સારી છે ને? પ્રભાએ ચિંતિત સ્વરે પૂછયું. મારી તબિયત તો સારી છે પણ તમારી વહુની તબિયત ઠીક નથી લાગતી.’ વિક્રમનો અવાજ ગંભીર થઈ ગયો.
‘શું થયું મારી વહુને?’ પ્રભા આકુળવ્યાકુળ થઈ ગઈ
‘ખબર નથી, અત્યારે તો પોતાના રૂમમાં ઘસઘસાટ ઊંઘે છે , પણ મમ્મી, થોડી વાર પહેલાં મને પૂજાનો ફોન આવ્યો હતો.’
‘શું કહેતી હતી પૂજા? જરૂર તને જલદી બોલાવી લેવા પોતાની તબિયતનું બહાનું કાઢ્યું હશે!’
ના… મમ્મી, પૂજા કહેતી હતી કે તમે જલદી આવો.
‘પપ્પા કોઈ મુશ્કેલીમાં ફસાયા હોય એવું લાગે છે અને મમ્મી…’
‘શું… દીકરા બોલ… શું કહ્યું પૂજાએ… વાત પૂરી કર.’પ્રભાનો અવાજ ઉત્તેજનાથી તીણો થઈ ચૂક્યો હતો.
‘મમ્મી, પૂજાનો અવાજ બદલાયેલો લાગતો હતો. એવું લાગતું હતું કે એ પૂજા નહીં, કોઈ બીજું બોલી રહ્યું છે.’
પૂજાના શબ્દો કરણને હજુ પડઘાતા હતા :
‘પપ્પા મુશ્કેલીમાં છે.’
‘પપ્પા કોઈ આફતમાં આવી ગયા હશે! પણ પૂજાભાભીને કેવી રીતે ખબર પડી કે પપ્પા કોઈ મુશ્કેલીમાં સપડાઈ ગયા છે.’
આ કહેતી વખતે પૂજાભાભીનો ચહેરો પણ કેટલો અજીબ અને અજાણ્યો લાગતો હતો. જાણે એ પૂજાભાભી નહીં, કોઈ બીજી જ વ્યક્તિ હોય.
પૂજાભાભીને શું કોઈ બીમારી વળગી હતી? ઊંઘમાં ચાલે છે એ તો ચોક્કસ પણ આવી ગેબી ભવિષ્યવાણી ?
કરણે ક્યાંક વાંચ્યું હતું કે અમુક વ્યક્તિને કુદરતી બક્ષિસ હોય કે આવનારી ઘટનાની આગોતરી જાણકારી થઈ જાય. બીજે ક્યાંય બનતી ઘટના- દુર્ઘટનાની જાણ પણ એમને આંતરસ્ફુરણાથી થઈ જાય.. એણે વાંચ્યું હતું કે આ શક્તિને ‘ઈ.એસ.પી. ’ એટલે કે એકસ્ટ્રા સેન્સરી પર્સેપ્શન કહેવાય.
શું પૂજાભાભી પણ કોઈ ઈ.એસ.પી’ .ના આધારે ભવિષ્યમાં ડોકિયું કરી શકતાં હશે?
કરણ મૂંઝાઈ ગયો. એને પપ્પાની ચિંતા થવા માંડી. એણે પોતાના મોબાઈલ પરથી પપ્પાને ફોન જોડ્યો.
સામે છેડે સેલ રણકતો રહ્યો. પપ્પા ફોન કેમ નથી ઉપાડતા? શું થયું હશે પપ્પાને મમ્મીને પૂછું?
ના, મમ્મીને નાહકની ફિકર થશે.
કરણ એક બીજો નંબર જોડ્યો.
‘હાઈ…’ એણે કહ્યું.
‘હાઈ…’ રૂપાએ મોહક અદાથી કહ્યું. કરણના રોમેરોમમાં
એક ઠંડી લહરખી પ્રસરી ગઈ.
રૂપામાં એવી તાકાત હતી કે એ એના પપ્પાને પણ ભુલાવી શકતી હતી.
‘ડાર્લિંગ, આઈ એમ વેરી અપસેટ ટુડે… મારા પપ્પા હજી ઘરે પાછા ફર્યા નથી. હી ઈઝ મિસિંગ.’
કરણ વાત પૂરી કરે એ પહેલાં કોઈએ એના ખભા પર હાથ મૂક્યો. કરણ ચોંકીને પાછળ જોયું. પાછળ જતીનકુમાર મરક મરક હસતા ઊભા હતા.
આ માણસ મારા કમરામાં પરવાનગી વગર કેવી રીતે ઘૂસી ગયો એવો વિચાર કરણને આવી ગયો. પછી તરત જ એને યાદ આવી ગયું કે એનો બેડરૂમ તો જમાઈરાજે ક્યારનો પડાવી લીધો છે.
‘તને થોડી વાર બાદ ફોન કરું છું. અત્યારે મારી સામે એક ફિલ્મના પ્રોડયુસર ઊભા છે એમની સાથે પહેલાં વાત કરી લઉં.’ કહીને કરણે લાઈન કાપી નાખી.
કરણે ધાર્યું હતું કે જીજાજી શરમના માર્યા નીચું જોવા લાગશે, પણ એની ધારણા ખોટી પડી.
જોકે આ માણસમાં થોડી પણ શરમ બાકી હોત તો સાસરે ધામા નાખવા શા માટે ચાલ્યો આવત!
બીજી તરફ, જતીનકુમાર તો એટલી જ નફ્ફટાઈથી તમાકુનો ગલોફો મોઢામાં એક તરફથી બીજે તરફ ફેરવીને સ્વાદ માણતાં માણતાં હસી રહ્યા હતા.
‘તો તમને મારા ફિલ્મ પ્રોજેક્ટની ખબર પડી ગઈ, ખરું ને?’ જતીનકુમાર બોલ્યા ત્યારે કરણના મોઢા પર થૂંક ઊડયું.
ખિસ્સામાંથી રૂમાલ કાઢીને ચહેરો પોંછતા કરણ બોલ્યો : જતીનકુમાર, મારી મમ્મી અને પપ્પા સીધા માણસ છે કે તમારી મનમાની ચલાવી લે છે, પણ મહેરબાની કરીને મારી ‘અડફેટે તો ચડતા જ નહીં અને હા, મારા મિત્રો પાસે તો મહેરબાની કરીને જતા નહીં નહીંતર મારાથી ખરાબ કોઈ નહીં થાય.’
કરણને લાગ્યું કે બેશરમ અને નિર્લજ્જ વ્યક્તિ સામે નમ્રતાનો ઢોંગ કરીને કોઈ અર્થ સરવાનો નથી.
‘અરે, તારા મિત્રો નસીબદાર છે કે મારી ફિલ્મમાં પૈસા લગાડવાની તક મળે છે. પેલો કૈલાશનો બાપ તો મને કહેતો હતો કે ઓર ચાહીએ તો લે જાના.’ જતીનકુમારે શર્ટની બાંયની હોઠના ખૂણામાંથી નીકળતા પાનના રસને લૂછતાં કહ્યું.
‘એ તમારી ફિલ્મને લીધે નહીં પણ મારા પપ્પાની ઈજ્જતને કારણે, સમજ્યા? તમે આ ખાનદાનના જમાઈ ન હોત તો તમને કોઈ ફૂટી કોડી પણ ન પરખાવત.’
કરણનો પિત્તો ગયો. આજે તો જે થાય તે પણ આ માણસને એક વાર તો પાઠ ભણાવી જ દઉં, ‘અરે ગામમાં શું તારું જ ખાનદાન છે? અરે, અમે પણ કંઈ જેવા તેવા નથી. અને હા, તારો મિત્ર કહેતો હતો કે તારી કોલેજમાં કોઈ રૂપા નામની હીરોઈન જેવી છોકરી છે. એને પૂછી જોજે. હું એને સારો બ્રેક આપીને એને ચમકાવી દઈશ.’
જતીનકુમારે બહુ નફ્ફટાઈથી જવાબ આપ્યો.
‘રૂપાનું નામ પડતાં જ કરણના અંગેઅંગમાં ઝાળ લાગી ગઈ. આ માણસ શું સમજે છે એના મનમાં?’
‘જમાઈરાજ, મારો હાથો ઊપડી જાય એ પહેલાં વિદાય થઈ જાવ અને ખબરદાર, જો બીજી વાર રૂપાનું નામ બોલ્યા છો તો…’ ગુસ્સાથી કરણનો ચહેરો લાલ થઈ ગયો હતો.
‘ઓહ, હા, હું તો ભૂલી જ ગયો કે રૂપારાણી તો દીવાન ખાનદાનની રાજરાણી થવાનાં સપનાં જોવા લાગી છે… ઓહ નો, હવે મારે નવી હીરોઈન શોધવી પડશે.’ ખૂબ જ અફસોસ થતો હોય એમ ડચકારો બોલાવતાં જતીનકુમાર બોલ્યા.
આ માણસને કેવી રીતે ખબર પડી ગઈ રુપા સાથેની એની ઘનિષ્ટ મિત્રતાની?
‘કરણ બેટા, રૂપારાણીને પરણીને લાવ એમાં મને વાંધો નથી પણ એને ખવડાવીશ શું? તારા બાપે તો એના વસિયતનામામાં તારા માટે પણ કોઈ જોગવાઈ નથી કરી.’
કરણ ચોંકીને જમાઈ તરફ જોવા લાગ્યો. રૂપા વિશે આ માણસની માહિતી સાચી નીકળી, તો શું પપ્પાના વસિયતનામા વિશે પણ એની ઈન્ફોર્મેશન સાચી હશે?!
‘કાકુ હજી કેમ આવ્યા નહીં?’ ગાયત્રી બારી પાસે ઊભી ઊભી બબડતી હતી.
‘ડોન્ટ વરી, મિસ મહાજન, જગમોહન દીવાન બહાદુર માણસ છે. એ જરૂર આવી જશે.’ પથારીમાં પડેલા ઈન્સ્પેકટર શિંદેએ એક હાથ કમર પર દબાવીને કહ્યું.
‘શુ ખાક બહાદુર છે! આ માણસને ખબર પડે કે કાલે જ જગમોહન દીવાન આત્મહત્યા કરવા નીકળી પડ્યા હતા તો શું થાય.’
ગાયત્રીને પોતાના વિચાર પર હસવું આવી ગયું. પણ પછી કાકુ હજી પાછા ફર્યા કેમ નહીં એ યાદ આવતાં એ હસવુ અટકી ગયું .
‘પણ કાકુને એવી બહાદુરી દેખાડવાની શી જરૂર હતી? તમે જેમ કહ્યું ને એમ બબલું વાત કરવાને બદલે ગોળી ચલાવે છે તો એવા ખતરનાક માણસ સાથે પંગો લેવાય? ગાયત્રીની આંખમાં આંસુ ઊભરાઈ આવ્યાં.
‘અરે, તમે તો રડવા લાગ્યાં. આ કાકુ તમારા શું થાય?’ શિંદેએ પૂછયું.
‘મારા ૩૬ કલાક જૂના ૪૭ વરસના દોસ્ત.’ બોલતાં બોલતાં ગાયત્રી ખુદ હસી પડી.
‘અરે વાહ! તો તો કમાલ કહેવાય.’ બોલતાં બોલતાં શિંદેને લાગ્યું કે એનું દર્દ વધતું જતું હતું.
‘ઘરમાં કોઈ પેઈનક્લિર છે?’ શિંદેએ પૂછયું.
‘પેઈન મારા ઘરમાં છે અને ક્લિર નીચે ઊભો છે.’ પછી શિંદેના ચહેરા પર પીડાના ભાવ જોઈને ગાયત્રી એની પાસે દોડીને બોલી:
‘સોરી અંકલ, મારા ઘરમાં કોઈ એવી ગોળી નથી. તમે થોડી વાર રાહ જુઓ. કાકુ આવતા જ હશે.’
‘ગાયત્રી, મારો દુખાવો વધતો જાય છે. બની શકે કે હું બેશુદ્ધ પણ થઈ જાઉં. તું ગભરાતી નહીં. બની શકે તો મારી સાથે વાત કરીને મને બેહોશ થતાં રોકજે.’ શિંદેનો અવાજ ક્ષીણ થતો જતો હતો. એની આંખો મીંચાઈ જતી હતી.
‘અરે, તમારી એવી કઈ મજાલ કે તમે બેહોશ થઈ જાઓ. હું તમને મારા જીવનની કથની કહીશ. સાંભળીને તમારા હોશહવાશ ઊડી જશે.’
પછી પોતે શું બોલી ગઈ એનું ભાન થતાં ગાયત્રીએ ઉમેર્યું :
‘આઈ મીન, તમારા હોશહવાશ પાછા આવી જશે.
‘અંકલ, મારા પપ્પા શિક્ષક હતા. પ્રખર ગાંધાવાદી. મા ગૃહિણી. પણ એટલી સારી ગૃહિણી કે પોતાના વ્યક્તિત્વને, પોતાની જાત ઘસીને પતિના વ્યક્તિત્વને ઓપ આપે. એક વાર બંને સાથે મરી ગયાં.’
શિંદે વિસ્ફારિત નયને આ અદ્ભુત છોકરીને જોઈ રહ્યો.મા-બાપ વિના એકલી રહેતી છોકરી જો જીવતી રહી શકે છે તો શું એ થોડા કલાક હોશ નહીં જાળવી શકે? એણે વિચાર્યું.
‘અંકલ, હજી વાર્તા પૂરી નથી થઈ, છેલ્લાં પાંચ વરસથી હું એકલી રહું છું. તમને તો બૂલેટ અડીને નીકળી ગઈ છે. જ્યારે મારા પેટમાં તો ભૂખ નામની ગોળી રોજ વાગતી… છતાંય હું હંમેશાં શુદ્ધિમાં રહી…’
‘બસ, ગાયત્રી… બસ… હું તને પ્રોમિસ આપું છું કે હું બેહોશ નહીં થાઉં.’ શિંદેની આંખમાં ઝળઝળિયાં સ્પષ્ટ દેખાતાં હતાં.
‘મમ્મી, પપ્પાએ વસિયતનામું બનાવ્યું છે?’
પ્રભાના રૂમમાં પ્રવેશતાં કરણે પૂછયું.
પ્રભા ચોંકી ઊઠી.આજે શું વાત છે! જેને જુઓ, એ બધા વસિયતનામાની વાત કરે છે. આ પેલા શેતાન જમાઈનાં કારસ્તાન છે.
‘મને ખબર નથી, દીકરા. અમારે આ વિશે ક્યારેય વાત નથી થઈ.’ પ્રભાએ સ્વાભાવિકપણે પ્રત્યુત્તર વાળતાં કહ્યું.
‘ના મમ્મી, મને ઈન્ફોર્મેશન મળી છે કે પપ્પાએ વસિયતનામું બનાવ્યું છે અને એમાં આપણાં કોઈનાં નામ નથી.’
પ્રભા ચમકી ગઈ. શું વાત કરે છે! જો આપણાં નામ ન હોય તો કોનાં નામ હોય, દીકરા? તારા પપ્પાને ભલે હું દીઠી ન ગમતી હોઉં પણ એમણે હજી સુધી બીજી સ્ત્રી સાથે સંબંધ બાંધ્યો હોય એ શક્ય નથી જ એ તો હું પણ ખાતરીપૂર્વક કહી શકું છું.
‘મારા ખ્યાલથી કોઈએ તારા કાન ભંભેર્યા છે.’
માએ દીકરાને સમજાવવા કોશિશ કરી.
કરણ ચૂપ રહ્યો. બની શકે કે જમાઈએ ઘરમાં મતભેદ ઊભા કરવા ખોટી માહિતી ફેલાવી હોય.
‘મમ્મી, આ જતીનકુમારે…’ અટકી ગયો.
‘હા, બેટા, હા જાણું છું. આ કારસ્તાન એનાં જ છે. એણે મને પણ આ જ વાત કરી છે. . પ્રભાએ સ્પષ્ટતા કરી.
‘મમ્મી, એક વાત કહું? જ્યાર આપણા જિનિયસ જમાઈબાબુએ શંકાનું બીજ રોપી દીધું છે તો એક વાર એ શંકાનું સમાધાન શા માટે ન કરી લઈએ?’
પ્રભા દીકરા સામે જોતી રહી. દીકરાની વાતને સમર્થન આપવું કે હસીને કાઢી નાખની એ એને સમજાયું નહીં.
શિંદેનો દુખાવો વધતો જતો હતો પણ ગાયત્રીની વાત સાંભળીને એણે બેહોશો ન થવાનો જાણે નિશ્ર્ચય કર્યો હતો.
મનોમન એ પોતાની જાતને કહેતો હતો કે જો આ નિર્દોષ છોકરી કોઈના પણ સહારા વિના એકલી પાંચ વરસ ટકી ગઈ તો એ થોડા કલાકો કાઢી નહીં શકે?
એ જ પળે ઘરની કોબબેલ રણકી ઊઠી. ગાયત્રી દોડીને બારણું ખોલવા ગઈ.
‘સંભાળજે.’ શિંદેએ પાછળથી બૂમ મારી.
ગાયત્રીએ આસ્તેથી દરવાજો ખોલ્યો. સામે જગમોહન દીવાન અને એક ડોક્ટર જેવા લાગતા સજ્જન હતા. એમની પાછળ એક ખરબચડા ચહેરાવાળો માણસ ઊભો હતો.
‘ગાયત્રી, હું તમારી ઓળખાણ કરાવું, આ છે ડો. પટેલ, જે શિંદેને જિવાડવાની કોશિશ કરશે. અને હા, આ છે બબલુ… જે આપણને મારવાની કોશિશ કરશે!’
એ ત્રણેય અંદર આવ્યા. બબલુ એના હાથમાં રિવોલ્વર રમાડતો હતી.
દૂર પડેલી ખુરશીને તાણીને એના પર બેસતાં એ બોલ્યો :
‘ડોક્ટર, તુમ તુમારા કામ શરૂ કર દો. અને જગમોહન દીવાન, હવે હું અહીં બેસીશ અને તમે જઈને ઈરફાન અને બાબુને છોડાવી લાવશો, પણ યાદ રહે… થોડી ગફલત થઈ છે કે કોઈ ચાલાકી દેખાડી છે તો…’
બબલુએ એની ગન ગાયત્રી તરફ ફેરવી…
(ક્રમશ:)