વેર – વિખેર-પ્રકરણ-૨
મા, આ તારો ખોળો જ ગજબ છે. આખી દુનિયા ભલે ભગવાને બનાવી હોય, પણ આ ખોળાનું સર્જન તો મા જ કરી શકે… મા ઊભી થાય ત્યારે કંઈ જ ન હોય અને જેવી મા બેસે કે ખોળો નામની દુનિયા સર્જાઈ જાય!
કિરણ રાયવડેરા
જગમોહનને અચાનક વિચાર આવ્યો કે જેની મા જીવતી હશે એ કદાચ ક્યારેય આત્મહત્યાનો વિચાર નહીં કરતો હોય.
મા જીવતી હોય ત્યાં સુધી આપણું કોઈ
નથી એવો વિચાર સુધ્ધાં દિમાગમાં પ્રવેશે જ નહીં. જીવન ફૂલગુલાબી અને આશાસ્પદ લાગે.
જગમોહન ચાલીસનો હતો ત્યારે એની મા એને મૂકીને ચાલી ગઈ ત્યારે એને લાગતું હતું કે મા ખૂબ જલદી ગુજરી ગઈ.
જોકે, આજે સમજાય છે કે માની મરવાની કોઈ ઉંમર હોતી જ નથી. કોઈ પણ ઉંમરે મૃત્યુ પામતી મા વહેલી અવસાન પામી હોય એવું જ લાગે.
મોટો ઉદ્યોગપતિ થયા બાદ જગમોહન માના ખોળામાં થોડી વાર માટે સૂવાનો આગ્રહ રાખે. મા કૃત્રિમ ગુસ્સો કરે – ‘હવે આટલો મોટો થયો અને હજી માના ખોળામાં સૂતો છે. કોઈ જોશે તો શું કહેશે, શેઠ જગમોહન હજી માની આંગળીએ વળગેલા છે.’
ત્યારે જગમોહન આંખ બંધ કરીને જ ઉત્તર આપી દેતો – ‘મા, તારા આ રાજમહેલ જેવા ફલેટમાં કોઈ ચકલું પણ ફરકી શકે એમ નથી.’
‘હા, પણ ઘરમાં માણસો તો છે ને… તારી વહુ નથી?’
ત્યારે પ્રભા બોલી પડતી – ‘બા, માનો દીકરા પર પહેલો હક ગણાય. અને કોઈ ‘મા આ અધિકાર છીનવાઈ જાય એવું ન ઈચ્છે.’ પ્રભાના શબ્દોમાં છરીની તેજ ધાર જેવી ઠંડક જગમોહનને અડ્યા વગર ન રહેતી, પણ ભોળી મા એનો સવળો અર્થ જ કાઢતી અને હસી નાખતી.
જગમોહન વાત વાળી લેતો, ‘મા, આ તારો ખોળો જ ગજબ છે. આખી દુનિયા ભલે ભગવાને બનાવી હોય, પણ આ ખોળાનું સર્જન તો મા જ કરી શકે. કેવું અદ્ભુત સર્જન. મા ઊભી થાય ત્યારે કંઈ જ ન હોય, અને જેવી મા બેસે કે ખોળો નામની દુનિયા સર્જાઈ જાય.’
ત્યારે મા એના માથે હાથ પસરાવતી અને કહેતી, ‘દીકરા, આટલા ભાવુક થવું સારું નહીં, દુ:ખી થવાય.’
જગમોહનની આંખો ઊભરાઈ આવી. એ ભાવુક હતો એ માત્ર એની મા જ જાણતી હતી. બીજા કોઈએ જાણવાની દરકાર પણ નહોતી કરી કદાચ. હા, એક વાર પ્રભાએ કહ્યું હતું કે, ‘આજના જમાનામાં આ લાગણીવેડા, આ વેવલાઈ ન ચાલે.’
ડાયરીના પાના પર એક ભીનું ટીપું પડ્યું. જગમોહને ખિસ્સામાંથી રૂમાલ કાઢીને ધીરેથી આંસુને પોંછી નાખ્યું.
એની વિદાય બાદ કોઈ શોક નથી કરવાનું, એટલે શું એ પોતે જ પોતાના અંત પર રડે છે! જગમોહનને પોતાની રમૂજ ગમી નહીં, કવેળાની લાગી.
સવારના પ્રભાની કોમેન્ટ પણ એને ગમી જ નહોતી, કસમયની લાગી હતી.
‘શું વાત છે.’ પ્રભા બોલી હતી, ‘આજકાલ દિનબદિન યંગ લાગો છો,
કોઈ મળી ગયું કે શું? કે પછી આજકાલ
લાંબી મસ્ત મજાની ઊંઘ ખેંચી કાઢો
છો એટલે ચહેરામાં ચમક આવી
ગઈ છે?…’
કોઈ મળી ગયું છે એવી ટકોરના જવાબમાં જગમોહનના હોઠ પર શબ્દ
આવી ગયા હતા – ‘મને તમારા જેવો સમજી બેઠાં છો.’ એ ગુસ્સામાં હોય ત્યારે
પ્રભાને તમે’ કહીને સંબોધન કરતો પણ પછી એ શબ્દો ગળી ગયો. પ્રભાની ટકોર એને જાણી જોઈને ઉશ્કેરવા માટે હતી. છેલ્લા બે-ત્રણ દિવસ એ સવારના મોડો ઊઠયો હતો કેમ કે રાતના સમયસર ઊંઘ નહોતી થતી.
ત્યારે જગમોહનને વિચાર આવ્યો હતો કે સાચે જ માણસ મિત્ર બદલી શકે, ધારે તો પોતાનો ઈશ્ર્વર પણ બદલી શકે, પણ ખાસ કરીને બાળકો થયા બાદ પત્ની બદલવી ખૂબ જ અઘરું છે.
અમુક વ્યક્તિઓથી મૃત્યુ બાદ જ છુટકારો થતો હોય છે. કાં તો એ વ્યક્તિ મરે અથવા આપણો અંત આવે તો..
હવે જગમોહનનો છુટકારો થવાનો હતો, પણ એ ખુશ નહોતો કેમ કે એની મુક્તિનો આનંદ અનુભવવા એ ખુદ જીવતો નહોતો રહેવાનો.
આવતીકાલે એ મરી જવાનો હતો.
દૂર દીવાલ પર લાગેલી ગ્રાન્ડફાધર ક્લોકમાં ત્રણના ટકોરા વાગ્યા, હંમેશ મુજબ. એણે આજે પણ ટકોરા ગણ્યા.
શેઠ વ્રજલાલને – જગમોહનના પિતાને આ ઘડિયાળ ખૂબ ગમતી. એ હંમેશાં કહેતા, ‘બેટા, તું આના ટકોરા હંમેશાં ગણજે. સમય સાથે કદમ મિલાવતો હોઈશ એવો સંતોષ મળશે.’ ત્યારથી જગમોહન અભાનપણે પણ ટકોરા ગણી લેતો, પણ આજે પહેલી વાર એને લાગ્યું કે એ સમયની દોડમાં ખૂબ પાછળ રહી ગયો છે.
એની આંખમાં ઊંઘ ઘેરાતી હતી, પણ… હવે તો કાયમ માટે સૂવાનું હતું તો થોડા કલાકો માટે નિદ્રાની લાલચ ક્યાં કરવી!…
હજી પ્લાનિંગ કરવાનું બાકી હતું! બે કાર્ય કરવાના હતાં – એક તો આપઘાત કેવી રીતે કરવો એ નક્કી કરવાનું હતું અને બીજું કામ?
જગમોહન દીવાનનું મર્યા પહેલાંનું બીજું કામ એણે તૈયાર કરેલા વસિયતનામા પર એક નજર દોડાવવાની હતી.
જગમોહને સામેના શેલ્ફમાંથી લાલ રંગનું એક ફોલ્ડર કાઢ્યું.
કાલે સવારના નવ વાગ્યે મરી જવું છે એવો એક વિચાર એના મગજમાં ઝબકી ગયો. એક સફળ બિઝનેસમેનની જેમ એણે યોજના બનાવવાનું શરૂ કરી દીધું હતું. એ વિચારથી એના ચહેરા પર હાસ્ય ફરકી ગયું.
સવારના નવ વાગ્યે! કેવી રીતે મરવું એ થોડી વાર પછી વિચારીશ. પહેલાં વિલની ફાઈલ એક વાર જોઈ લઉં. જગમોહને લાલ રંગની વસિયતનામાની ફાઈલ ઉઘાડીને વાંચવાની શરૂઆત કરી.
‘હું જગમોહન વ્રજલાલ દીવાન પૂરા હોશહવાસ સાથે જણાવું છે કે મારી સમસ્ત સ્થાવર અને અસ્થાવર મિલકત….’
-અને ત્યારે જ જગમોહન વ્રજલાલ દીવાનના બેડરૂમનો રાતના ત્રણ વાગે ફોન રણકી ઊઠ્યો.
મૃત્યુનો વિચાર કરવો અને ખરેખર મરી જવું એ બંને વચ્ચે ઘણું અંતર છે. જગમોહન વ્રજલાલ દીવાનને આપઘાતનો નિર્ણય લીધા બાદ પહેલી વાર અમુક સત્ય સમજાતાં હતાં. એણે ક્યાંક વાંચ્યું હોવાનું યાદ આવ્યું: જીવન સુખી હોઈ શકે, મૃત્યુ પણ શાંતિ આપી શકે… માત્ર બંને વચ્ચેની યાત્રા જ કષ્ટદાયક હોય છે.’
આત્મહત્યાનો નિર્ણય લીધા બાદ જગમોહને એક નજર વસિયતનામા પર ફેરવી લેવાનો વિચાર કર્યો. વિલ વાંચવાની શરૂઆત કરી કે રાતના ત્રણ વાગે એના બેડરૂમનો ફોન રણકી ઊઠ્યો હતો
અત્યારે કોણ હોઈ શકે? શા માટે રાતના કોઈ મને ફોન કરે? ફોન રિસિવ કરવો એ જગમોહનને સૌથી વધુ કંટાળાજનક કામ લાગતું… પણ અત્યારે ઇમરજન્સી હશે એટલે જ કોઈએ ફોન કર્યો હશે. રિસીવર ઊંચકતા પહેલાં જગમોહનના દિમાગમાં એક વિચાર દોડી ગયો: મારા મોતથી વધુ કઈ ઇમરજન્સી હોઈ શકે!
‘હલ્લો!’ જગમોહને ફોનમાં જાણે ફૂંફાડો માર્યો.
સામે છેડેથી લાઈન કપાઈ ગઈ. બેવકૂફ… લાઈન કાપી નાખવી હતી તો ફોન જોડ્યો શા માટે? જગમોહને બબડતાં બબડતાં પડેલા લાલ ફોલ્ડર પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ફોન આવ્યા પહેલાં એ શું વિચારતો હતો? હા, જીવન અને મૃત્યુ વચ્ચેનું અંતર જ વધુ પીડાદાયક હોય છે.
એવું ન બને કે આંખો બંધ કરીએ અને મૃત્યુ આવી જાય?
એવા ઇચ્છામૃત્યુના આશીર્વાદ તો કોઈ વીરલાને જ સાંપડે. જગમોહન કોઈ વીરલો નહોતો. આંતરરાષ્ટ્રીય કક્ષાએ વ્યવસાયને ફેલાવવાની ગજબનાક કુનેહ અને કોઠાસૂઝ ધરાવતો જગમોહન આજે એક દરિદ્ર જેવી પરવશતા અનુભવતો હતો.
જગમોહને પોતાના અસ્થિર મનને ટપાર્યું: હાલના તબક્કે એવા કોઈ વિચાર ન કરવા જોઈએ જે એના નિર્ણયને નબળો પાડી દે
ફર્સ્ટ થિંગ ફર્સ્ટ!
પહેલાં વસિયતનામા પર નજર કરી લઉં પછી આત્મહત્યાની પદ્ધતિ પર વિચાર કરીશ. એક વાર મરવાની મેથડ નક્કી કરી લીધા બાદ તુરત જ પ્લાનને અમલમાં મૂકી દઈશ, જેથી મગજમાં ભય ન પ્રવેશે.
એક બાળકને ફોસલાવતો હોય એવી રીતે એણે પોતાના મનને સમજાવ્યું અને ફરી વસિયતનામું વાંચવાની શરૂઆત કરી:
‘હું જગમોહન વ્રજલાલ દીવાન પૂરા હોશહવાશ સાથે જણાવું છું કે મારી સમસ્ત સ્થાવર અને અસ્થાવર મિલકતનો ચોથો હિસ્સો જે. ડી. ચેરિટી ફાઉન્ડેશન’ને આપ્યા બાદ બાકીનો ૭૫ ટકા હિસ્સો મારી પત્ની અને ત્રણ સંતાન વચ્ચે સરખે ભાગે વહેંચી દેવામાં આવે ’
જગમોહન વાંચતાં અટકી ગયો. એને ખબર હતી બીજા ફકરામાં લક્ષ્મણકાકા માટે ફાળવવામાં આવેલી રકમનો ઉલ્લેખ હતો,
પણ જગમોહન આગળ વાંચવાના મૂડમાં નહોતો.
પિતા વ્રજલાલ અને પોતાની વરસોની કાળી મજૂરી બાદ કમાયેલી દોલતને આ રીતે પરિવારજનોમાં વહેંચી નાખવી છે? એવો એક પ્રશ્ર્ન એના મન્- મસ્તિષ્કમાં ઝબકી ગયો. પત્ની કે સંતાનો કદાચ લાયક ન પણ હોય. પણ જો એમને નામે મિલકત નહીં કરે તો લોકો એના મોત બાદ શંકા- કુશંકા નહીં કરે?
–અને મર્યા બાદ કડવાશ કઈ વાતની? આટલાં વરસોના જીવન બાદ એણે કોઈની સાથે વેર નથી રાખ્યું તો હવે મરતાં મરતાં ક્યાં દુશ્મનાવટ ઊભી કરવી? શા માટે કોઈ કટુતા રાખવી?
વગર મહેનતે જગમોહનની સંપત્તિ મળી જવી એ એના કુટુંબીજનોનું નસીબ હતું. આકરો પરિશ્રમ કર્યા બાદ પણ અકાળે મોતને ભેટવું એ એનું પ્રારબ્ધ હતું.
હવે હરખ-અફસોસ શીદનો કરવો?
જગમોહને લાલ ફોલ્ડરને બંધ કર્યું અને ફરી શેલ્ફમાં એના સ્થાને મૂકી દીધું. લાલ ફોલ્ડરની સાથે મનમાં અચાનક ઊગી નીકળેલી કટુતાની લાગણીને પણ એણે એક ખૂણે ધકેલવાનો વ્યર્થ પ્રયાસ કર્યો.
ઘણી વાર એની પત્નીએ, સંતનોએ
એની સાથે એવો નિર્લજ્જ વ્યવહાર કર્યો
હતો કે એને ઇચ્છા થઈ આવતી કે વોર્ડરોબના ડ્રોઅરમાંથી એની પ્રિય જર્મન-મેકની રિવોલ્વર કાઢીને બધાંને શૂટ કરી નાખું!
એ જ્યારે તાવમાં સબડતો હતો ત્યારે પ્રભા ડ્રેસિંગ ટેબલ પાસે બેસીને વાળ ઓળતાં ઓળતાં રુક્ષતાથી કહેતી હતી – ‘આ કોઈ તાવ-બાવ નથી. શરીરમાં કળતર હશે, થોડી વાર છાનામાના પડ્યા રહેશો કે ઠીક થઈ જશે. જરૂર પડે તો એકાદ પેઈન કિલર લઈ લેજો. એટલે ફરી ઘોડા જેવા થઈ જશો. ભૂખ લાગે તો લખુકાકાને કહેજો. મને આવતાં મોડું થશે અને હા, કબાટમાંથી થોડા રૂપિયા લીધા છે.’
જગમોહનની ગરમ આંખો ખુલ્લી નહોતી રહી શકતી. એણે સેન્ડલનો ટક… ટક… અવાજ દૂર જતાં સાંભળ્યો. જાણે જીવનની બધી આશાઓ દૂર થતી હોય એવું એને લાગતું હતું. શરીરમાં શક્તિ હોત તો પ્રભાના લમણા પર ગન ધરીને કહ્યું હોત – ‘પૈસા જુગારમાં ઉડાડવા હોય તો પહેલાં કમાતાં શીખ.’
જોકે આવું તો અગાઉ પણ બન્યું છે. ત્યારે જગમોહનના શરીરમાં તાકાત હોય તો પણ એણે ક્યારેય રિવોલ્વર પ્રભાના લમણે નથી મૂકી. પ્રભા જેને જગમોહનની નબળાઈ સમજતી હતી એ જગમોહનની ધીરજ હતી, એને ઊંડે ઊંડે એક આશા હતી કે બધું ધીરે ધીરે થાળે પડી જશે.
એની મા ઘણી વાર કહેતી કે, આપણી સહનશીલતા આપણી ખાનદાની અને સંસ્કારની નિશાની ગણાય, પણ લોકો એને આપણી કાયરતા સમજી લે છે.
માની વાણી સાચી પડી….(ક્રશમ:)