મેટિની

વેર- વિખેર-પ્રકરણ -૨૦

શેઠ, તમારો વિશ્ર્વાસ ન કરાય એની ખબર છે, પણ સાચું પુછો તો અમે ત્રણેએ મનોમન દસવાર ત્રણ કરોડ રૂપિયા ગણી લીધા છે…!

કિરણ રાયવડેરા

‘તમે અમને રૂપિયા કેવી રીતે પહોંચાડો?’ બાબુને હજી વિશ્વાસ નહોતો બેસતો.

‘એની તું ફિકર નહીં કર. હું એક ફોન કરીશ કે કાલે સવારના તું કહીશ ત્યાં રૂપિયા મળી જશે. પેમેન્ટ મળ્યા બાદ જ અમને છોડજો.’
બાબુ હજુ આની પ્રતિક્રિયા આપે ત્યાં અચાનક્ મારુતિવાન એક જર્જરિત મકાન પાસે આવીને ઊભી રહી ગઇ..બેઠા ઘાટનું એ મકાન અંધકારમાં ભૂતિયા મહેલ જેવું ભાસતું હતું. કંપાઉન્ડમાં એક મોટક સાઇકલ પાર્ક કરી હતી. દૂર દૂર સુધી ઘટ્ટ અંધકાર પથરાયેલો હતો. તમરાંનો અવાજ વાતાવરણને વધુ ભયજનક બનાવતો હતો. વાનમાંથી ઊતરતી વખતે બાબુએ પાછળ મળીને જગમોહનને કહ્યું:
‘શેઠ , અમને તમારો પ્લાન મંજૂર છે પણ હા, એક વાતનું ધ્યાન રાખજો. જો તમે અમારી સાથે કોઇ ગેમ રમતા હશો તો હું તમને મારીશ નહીં કેમ કે તમને મોતનો ભય નથી, હું જાણું છું, પણ તમારી આંખ સામે છોકરીની એવી વલે કરીશ કે…’ એટલું કહીને બાબુ મકાન તરફ આગળ વધ્યો.

જગમોહન ધ્રૂજી ઊઠ્યો. ઉંદરે પિંજરામાં ટુકડા પર તરાપ મારીને ખુદને ફસાવી તો દીધો હતો, પણ જગમોહન ખુશીથી ચિચિયારી પાડી શકે એવી સ્થિતિમાં નહોતો. એના કાનમાં બાબુની ધમકી ગુંજતી હતી.
આ પારેવડાં જેવી છોકરીને એ
લોકો પીંખી નાખે તો જીવવાની જે અડધીપડધી ઇચ્છા હૃદયના ખૂણામાં સળવળી છે એ હંમેશ માટે મરી જશે. ઉંદર તો પકડાઇ ચૂકયો હતો, પણ પિંજરામાં પુરાતાં પહેલાં એણે સિંહની જેમ ત્રાડ નાખી હતી.
ગાયત્રી, ઇરફાન અને જગમોહન પણ વાનમાંથી ઊતરીને બાબુ પાછળ ચાલવા માંડ્યાં. આસપાસ ખુલ્લાં ખેતરોને કારણે હવામાં ઠંડીનો ચમકારો હતો. ગાયત્રીએ જગમોહનનો હાથ પકડી લીધો. બરફ જેવા ઠંડા સ્પર્શે જગમોહનના શરીરમાં કંપારી પ્રસરાવી દીધી. જગમોહને આજુબાજુ
જોયું, અહીં કોઇને મારીને લાશ ફેંકી દેવામાં આવે તો બે-પાંચ દિવસ સુધી પત્તો જ ના લાગે.

‘આલોક, તારું બાઇક પણ અંદર પાર્ક કરી લેજે.’ બાબુએ ડ્રાઇવરનું નામ પહેલી વાર ઉચ્ચાર્યું. જગમોહને આલોક તરફ હાથ લંબાવીને કહ્યું: ‘હલ્લો, ગ્લેડ ટુ મીટ યુ… મિસ્ટર આલોક! .’
આલોક તો ડઘાઈ ગયો .એ કોઈ પ્રતિભાવ આપે એ પહેલાં ઈરફાન ગણગણ્યો:
‘લાગે છે કે આપણે નહીં, આ માણસે આપણને કિડનેપ કર્યા છે.’

આલોકને કંઈ ન સમજાતાં એ ફરી વાનમાં બેસીને ગાડીને પાર્ક કરવા લાગ્યો. બાબુએ જગમોહન તરફ ફરીને કહ્યું:
‘આપણે પહેલે માળે જવાનું છે. રાત તમારે અહીં જ ગાળવી પડશે. સવારના હું કેમેરાની વ્યવસ્થા કરી લઉં પછી આગળનો પ્લાન વિચારીશું, પણ કાલે બાર વાગ્યા પહેલાં તમારા રૂપિયા અમારા હાથમાં આવી જવા જોઈએ.’

જગમોહને હકારમાં માથું હલાવ્યું.

બાબુ એની સામે શંકાશીલ નજરે જોતો રહ્યો.

‘શેઠ, સાચું પૂછો તો હું તમારા પર વિશ્વાસ નથી કરતો, પણ પહેલાં કહ્યું તેમ તમારા બે કરોડ ગુમાવવા પણ નથી માગતો. હવે બાકીની જિંદગી શાંતિથી જીવવી હોય કે પછી શાંતિથી મરવું પણ હોય તો અમારી સાથે દગો નહીં કરતા.’ કહીને બાબુએ ગાયત્રી પર દૃષ્ટિ ટેકવી. ગાયત્રી નીચે જોઈ ગઈ.

ચારેય પહેલે માળે આવ્યાં. આલોક પણ સીડી કુદાવતો એમની સાથે આવી ગયો.

‘તેં બાઈક અંદર લીધી?’ બાબુએ
પૂછ્યું
‘થોડી વારમાં લઈ લઈશ. બિયરનો સ્ટોક ખલાશ થઈ ગયો છે એ લેવા
આટો મારી આવું પછી અંદર પાર્ક કરી દઈશ.’
બાબુના ચહેરા પર અણગમાના ભાવ ઊપસી આવ્યા પણ કંઈ બોલ્યો નહીં.

‘ઈરફાન, તમને લોકોને અમારો ફોટો આપવામાં આવ્યો હતો?’ એક રુમનું તાળું ખોલતાં ઈરફાનને આસ્તેથી જગમોહને પૂછ્યું.

‘હા, અમને એક ફાઈલ આપવામાં આવી હતી, જેમાં અમારા વિશે બધી માહિતી હતી. સાથે તમારી તસવીરો પણ હતી.’ બાબુ સાથે સોદો થયા બાદ ઈરફાન થોડો ખૂલ્યો હતો.
‘મારા વિશે કેવી માહિતી?’ જગમોહને વાતચીત ચાલુ રાખી. બાકીના કલાકોમાં આ લોકોનો વિશ્વાસ સંપાદન કરવાનો હતો.

‘એ જ કે તમે કેટલા વાગે ઑફિસ
જવા ઘરેથી નીકળો છો? ઑફિસે ક્યારે પહોંચો? આખા દિવસનું તમારું રૂટિન…. સાંજના કેટલા વાગે ઘેર પહોંચો… વગેરે વગેરે…’ ઈરફાન એક મોટા કમરામાં પ્રવેશતાં બોલ્યો. રૂમમાં થોડાં ખાલી
ખુરશી ટેબલ વગેરે અસ્તવ્યસ્ત રીતે
પડ્યાં હતાં.

‘ઓહ, તો તમે તો સવારથી ઑફિસ પાસે મારી રાહ જોતા હશો?’

‘અરે, પૂછો નહીં…. ફાઈલમાં લખ્યું હતું કે તમે રોજ સાડા નવ વાગ્યે ઘરેથી નીકળી સાડા દસ-પોણા અગિયાર સુધી ઑફિસે પહોંચી જાઓ છો. પણ તમે તો આજે ઑફિસે જ ન આવ્યા. તમારી ગાડી આવી. સાંજ સુધી તમારી વાટ જોયા
બાદ અમે પાછા ફરતા હતા કે બાબુએ
તમને ઈન્ડિયન મ્યુઝિયમ પાસે જોયા!

ક્યાં ગયા હતા સવારના?’ ઈરફાન હવે કોઈ પણ જાતના ભાર વિના વાતો કરતો હતો.

‘અરે, સવારના તો આ ભાઈ મારી સાથે હતા. એ મેટ્રો સ્ટેશને ગયા હતા મરવા!’ ગાયત્રીએ સૂર પુરાવ્યો.

‘પર ઈતના બડા આદમી મેટ્રો સ્ટેશન કયું જાયેગા?’ ઈરફાન બાઘાની જેમ બંનેને જોતો રહ્યો.

‘છોડો ઈરફાન મિયાં, યહ બાત તુમ નહીં સમજોગે. હા, મેટ્રોમાં મોત તો ન મળ્યું પણ જિંદગી મળી ગઈ. આ ગાયત્રી મને ત્યાં જ મળી ગઈ.’ જગમોહનના ચહેરા પર પ્રસન્નતા હતી.

‘ઓહ તો યહ લડકી તુમકો આજ હી મીલી… ઓર તમ ઈસકે લિયે દો કરોડ રૂપિયા ખર્ચ કર રહે હો… યાર, તુમ મુજસે દોસ્તી કરોગે?’ ઈરફાન હાથ જોડીને નાટકીય રીતે બોલ્યો.

‘અરે, તારો દોસ્ત તો પેલો બબલુ છે, જે લોકો પાસે કામ કરાવીને પોતે મીઠી નીંદર ખેંચી રહ્યો છે.’
જગમોહને અંધારામાં તીર ચલાવ્યું.

‘ના એવું નથી,’ આ વખતે બાબુ ઘૂરક્યો:
‘તમારી સુપારી જેણે આપી છે એને મળવા બબલુ ગયો છે. અમે એ માણસને જોયો નથી, પણ એનો અવાજ ફોન પર સાંભળ્યો છે.’
‘ઓહ , તો તમે મારી શરત પૂરી નહીં કરો, ખરું ને? તો પછી શું આપણે સોદો ફોક સમજીએ?’

‘ના શેઠ, મેં બીજો વિચાર કરી રાખ્યો છે. માન્યું કે અમે એ વ્યકિતનો ચહેરો જોયો નથી, પણ એનો અવાજ તો સાંભળ્યો છે. બબલુનો હમણાં ફોન આવશે જ. ત્યારે હું પેલા માણસ સાથે વાત કરાવવાનો આગ્રહ કરીશ. તમે એક વાર એનો અવાજ સાંભળી લો, બની શકે કે તમને એની ઓળખ અંગે કડી મળી જાય.’

નિરાશ થયેલા જગમોહનના મનમાં આશાનો સંચાર થયો, પણ એ વ્યક્તિનું નામ મળી ગયું હોત તો બાકીનું જીવન જીવવાની મજા પડત.

જોકે હમણાં બાબુ સાથે સોદાને ફોક કરવાની વાત કરીને એને ઉશ્કેરવો નથી. માથાફરેલ લોકો છે આ… એમનું ભલું પૂછવું!

અચાનક આલોકે એન્ટ્રી કરી. એ ક્યારે બિયર લેવા ઊપડી ગયો હતો એનો કોઈને ખ્યાલ જ ન આવ્યો.

‘આવ આલોક, કાલે ત્રણ કરોડ મળવાની ખુશીમાં આજે પાર્ટી કરી નાખીએ.’ ઈરફાન મૂડમાં આવી ગયો હતો.

‘ઈરફાન, તું દારૂ અને રૂપિયા બંનેને જોઈને મગજ પરનું બેલેન્સ ખોઈ બેસે છે. આ નબળાઈ તને ભારે પડશે.’ બાબુએ ભવિષ્યવાણી ઉચ્ચારીને ઈરફાનને ચેતવ્યો.
‘બાબુભાઈ, સાચું બોલજો. તમને પણ આ બંને વસ્તુ નથી ગમતી? શરાબ અને પૈસો?’

બાબુ મૌન રહ્યો.

‘બાબુભાઈ, ફરક બસ ઈતના હી હૈ કી મેં બોલ દેતા હૂં ઔર તુમ ચૂપ રહેતે હો. બાકી બાત એક હી હૈ!’ બોલીને એ જગમોહન તરફ વળ્યો:
‘શેઠ, તુમકો ચલેગા?’ ઈરફાને ગ્લાસ જગમોહન તરફ ઊંચો કર્યો.

‘નહીં, થેન્ક યૂ… મેં નહીં પીતા.’ જગમોહને ઉડાઉ જવાબ આપ્યો. એને કહેવાની ઈચ્છા થઈ આવી, ‘મેં સબકે સાથ નહીં પીતા.’ હકીકતમાં એવું જ હતું. જગમોહન કાં તો કબીર જવા અંતરંગ મિત્રો સાથે પીતો અથવા પીવાનું પસંદ કરતો.

‘નહીં પીતા? તો ફીર ઈતના પૈસા
કયોં કમાયા?’ સાચે જ આશ્ચર્ય થયું
હોય એમ જગમોહન તરફ ઈરફાન તાકી રહ્યો.

ડ્રાઈવર આલોકે ઈરફાનની પીઠ પર ધબ્બો માર્યો, ‘છોડ ઈરફાન, આ મોટા માણસોની વાત પણ નિરાળી. આપણી સાથે પીવામાં એમને નાનપ લાગે. ચલો , યાર પીવા ભેગા થઈએ.’ કહીને આલોક ઊભો થયો.

બાબુ ધીરેથી જગમોહનની નજીક આવ્યો:
‘શેઠ, હવે તો મને પણ મજા પડવા લાગી છે. તમારો વિશ્વાસ ન કરાય એની ખબર છે, પણ સાચું પૂછ, તો અમે ત્રણેએ મનોમન દસવાર ત્રણ કરોડ રૂપિયા ગણી લીધા છે.’
‘વાહ, બાબુભાઈ કયા બાત બોલા હૈ. સચ્ચી, મેં તો એક એક બંડલ કો બાર બાર ગીનતા હું…. કંઈ ગલતી ન હો જાય…’ ઈરફાન હરખાઈને બોલ્યો.

બાબુએ ઈરફાનના વિક્ષેપને અવગણીને વાત ચાલુ રાખી :
‘શેઠ, તમને ભલે મોત ગમતું હોય, પણ આ છોકરીને એ નહીં ગમે એ સમજી શકાય છે અને છોકરીને કોઈ તકલીફ પડશે તો તને નહીં ગમે એટલે જ કહું છું કે સમજદારીથી કામ લેજોભાગવાનું વિચારતા નહીં, નહીંતર હું આને ગોળી મારી દઈશ. અહીં રહેશો તો જીવવા પણ મળશે અને તમારા દુશ્મનની પહેચાન પણ થઈ જશે.’

‘બાબુ, આ ઓફર મારી જ છે એટલે મારા પાછા ફરવાનો પ્રશ્ન જ નથી ઊઠતો. હું અહીંથી મારા દુશ્મનનું નામ લીધા વિના નથી જવાનો.’ જગમોહને ધરપત આપી.

બાબુ થોડી ક્ષણ જગમોહનની આંખોમાં તાકતો રહ્યો. બાબુની આંખ પથરાળી હતી. સૂકી ભય લાગી જાય એવી.

‘ચલો, ઈરફાન, આપણે પાસેના રૂમમાં બેસીએ.’ બાબુ છેવટે બોલ્યો.

‘અરે, આ લોકોને બાંધવા નથી?’ આલોકે પૂછયું.

‘હા, રાઈટ, હિન્દી ફિલ્મોમાં કેવા જાડા દોરડાથી હીરો – હીરોઈનને બાંધે છે નહીં, ઈરફાભાઈ?’

‘અરે આ હીરોઈન…. હિન્દી ફિલ્મોમાં તો બંદૂક પર લડકી કો છમીયા બોલકે નચાતા હૈ… તુમકો નાચના હૈ કયા?’ ઈરફાન ચીડાઈ ગયો.
જગમોહન તરફ ફરીને બાબુ બોલ્યો:
‘શેઠ, અમે તમારી દોસ્તી સ્વીકારી છે. તમે અમારી દુશ્મનાવટને આમંત્રણ નહીં આપતા.’ કહીને ત્રણેય પોતપોતાનો સરસામાન લઈને બહાર નીકળી ગયા.
જગમોહન અને ગાયત્રી ક્યાંય સુધી એકમેકને તાકતાં રહ્યાં.

હવે કોણે રમત શરૂ કરી હતી?
કુદરતે કે જગમોહન દીવાનના દુશ્મને?
(ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button