વેર- વિખેર -પ્રકરણ -૫૦
ઓહ, ગોડ.. કુમાર, તેં આ શું કર્યું? તું ‘મરી’ ગયો છો એ કેમ વારંવાર ભૂલી જાય છે? મરેલા માણસો ફોન નથી ઊંચકતા!

કિરણ રાયવડેરા
‘તારા પપ્પા એટલે કે મારા સસરા જગમોહન દીવાન બે દિવસથી એક છોકરીને ત્યાં રહે છે એવું સાંભળ્યું છે! ’ .
કરણને એક વાર તો લાગ્યું કે એણે સાંભળવામાં ભૂલ કરી છે.
‘શું? શું બોલ્યા તમે?’
કરણનો અવાજ કંપતો હતો. પ્રશ્ન પૂછ્યા બાદ એણે ફરી ઉમેર્યું :
‘રહેવા દેજો જતીનકુમાર… હું જે સમજ્યો છું એ જો તમે બોલ્યા હો તો મહેરબાની કરીને દોહરાવતા નહીં. તમે એક નંબરના નાલાયક અને નગુણા માણસ છો, જે થાળીમાં જમો છો એમાં જ છિદ્ર કરતાં તમને શરમ નથી આવતી. હું તમારું ગળું દબાવી દઉં એ પહેલાં તમે અહીંથી રવાના થઈ જાઓ. પ્લીઝ…!’ કરણ ગુસ્સામાં ધ્રુજતો હતો .મારા બાપ વિશે જેમ તેમ બોલવાની હિંમત આ હલકટ માણસ કેવી રીતે કરી શકે?
જગમોહન દીવાન અને એક છોકરી…
કરણ આગળ વિચારી ન શક્યો. આ માણસને એક થપ્પડ તો કમથી કમ મારી દેવી જોઈએ, જેથી એ બીજી વાર આવી ભૂલ ન કરે.
‘જતીનકુમાર, તમે અહીંથી ઊપડો છો કે પછી એક લગાવું?
‘શાંત પડો, બાપલા. બાપની વાત આવે એટલે ગરમ લોહી વધુ ગરમ થઈ જાય એ સાચું, પણ એક વાર મને પૂછો તો ખરા કે મને આ ઇન્ફોર્મેશન ક્યાંથી મળી, અને જો આ વાત સાચી ન હોય તો હું તમને માર ખાવા માટે આવી વાત કહું? અરે ભાઈ, જગમોહન દીવાનની સમાજમાં બધા ઇજ્જત કરે છે.’
જતીનકુમાર થોડા આઘા ખસી ગયા પણ બોલવાનું ચાલુ રાખ્યું. કરણ ચૂપ રહ્યો. આ માણસ એટલો બેશરમ છે કે એકાદ અડબોથ લગાવીશ ને તો પણ જવાનું નામ નહીં લે.
‘સાળાબાબુ, હમણાં હું ડોક્ટર પટેલના ક્લિનિક પર ગયો હતો. આજ સવારથી જ ડોક્ટર સાબ દવાખાના પર નહોતા. હું પહોંચ્યો ત્યારે એમનાં પત્ની ડોક્ટર સાહેબને પૂછતાં હતાં ત્યારે એ બંનેની વાત સાંભળીને મને ખબર પડી કે મારા સસરા એક છોકરી સાથે બે દિવસથી રહે છે. એવું પણ સમજાયું કે બંને પાસેથી કોઈ ટોળકી પૈસા વસૂલવા માગે છે. હું પછી આવતો રહ્યો.
કરણ વિચારમાં પડી ગયો. ડોક્ટર પટેલની ઇન્ફોર્મેશનખોટી ન હોઈ શકે.
પણ પપ્પા કોની સાથે રહેતા હશે ? અને એ બંને પાછળકોણ પડ્યું હશે?
હમ્મ્મ્ એટલે જ કદાચ પપ્પા રિવોલ્વર મગાવતા હશે.
‘હવે વિશ્વાસ બેઠો, સાળાબાબુ? પૂરી વાત સાંભળ્યાવગર તમે તો મારપીટની ધમકી ઉચારવા લાગ્યા. અરે ભાઈ, પૂરી વાત તો સાંભળો… હવે જતીનકુમારમાં હિંમત આવી ગઈ હતી.
‘તમે ઊપડો.હું ડોક્ટર પટેલને ફોન કરું છું. મને તમારી વાત પર જરા પણ ભરોસો નથી.’
‘હા, હા તમને તો તમારા પપ્પા પર જ વિશ્વાસ હોય ને… તો એક કામ કરોને, તમે જાતે જ જોઈ આવોને કે તમારા પપ્પા ક્યાં છે. લેનિન સરણી માં મેગ્નમ’ નામનું મકાન આવ્યું છે. એના બીજા માળે ગાયત્રી મહાજન રહે છે. એના દરવાજા ખટખટાવશો તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે, સાળાબાબુ.’ જતીનકુમારે છટાથી વાત પૂરી કરી.
તમને કેવી રીતે સરનામાની ખબર પડી એ પૂછવાના હોશ કરણમાં નહોતા. જતીનકુમારની વાત સાંભળીને કરણ થોડી વાર માટે સૂનમૂન થઈ ગયો.
જતીનકુમારના ગયા પછી કરણ પોતાના રુમમાં પાછો ફર્યો ને પલંગ પર ફસડાઈ પડ્યો.
હવે શું કરવું?
પહેલાં ડાયરીમાં જાણવા મળ્યું કે પપ્પા આત્મહત્યા કરવા નીકળ્યા છે. હવે જતીનકુમાર કહે છે કે પપ્પા એક છોકરીના ઘરે રહે છે.
જતીનકુમારની વાત ખોટી હોઈ શકે, પણ ડોક્ટર પટેલ.?
જતીનકુમારે બારણાની બહાર ઊભા રહી ડોક્ટર પટેલ ને એમની પત્ની વચ્ચેની વાતચીત સાંભળી લીધી હતી.
ભાઈને વાત કરું? ના… ના, ભાઈ બિચારો સીધો છે, આવી વાત સાંભળીને મૂંઝાઈ જશે
મમ્મીને તો કહેવાય જ નહીં. એને ખબર પડે તો બધાંનું આવી બને.. રૂપાને પણ ન કહેવાય. પપ્પાની વાત રૂપાને શા માટે કહેવી જોઈએ? મારે જ કંઈ કરવું પડશે!
કરણ અચાનક ઊભો થયો અને રુમની બહાર નીકળી ગયો.
જાણે ખોવાયેલી ચાવીનો ઝૂડો શોધતી હોય એમ પ્રભા રિવોલ્વરને શોધી રહી હતી.
એણે કોઈ દિવસ કલ્પના પણ નહોતી કરી કે જિંદગીમાં એક વાર રિવોલ્વર શોધવાનો વારો આવશે.
જગમોહન જ્યારે જર્મન-મેકની ગન લઈને આવ્યો ત્યારે એણે મોઢું બગાડ્યું હતું :
‘જે વસ્તુનો ઉપયોગ ન કરવો હોય એવી વસ્તુને ઘરમાં સંઘરીને શું ફાયદો?’ પ્રભાએ જગમોહનને રોક્યો હતો.
‘ઘરમાં રહેલી બધી વસ્તુનો પ્રયોગ કરતાં રહેવું જરૂરી નથી હોતું. આમેય અમુક વસ્તુ અને વ્યક્તિ તો ઉપયોગી હોવા છતાંય બિનઉપયોગી થઈ ગયાં હોય છે.’ જગમોહનની ટકોર પ્રભાને નહોતી ગમી, એટલે એણે પણ રોકડું પરખાવ્યું હતું :
‘તમારી વાત સાંભળીને તો લાગે છે કે રિવોલ્વરનો પણ ઉપયોગ ભવિષ્યમાં વહેલો મોડો થશે જરૂર!’ છેલ્લો શબ્દ મારો જ રહેશે એવી જીદમાં પ્રભાએ સુણાવી દીધું હતું.
ત્યાર બાદ તો રિવોલ્વર ભુલાઈ ગઈ હતી.
પ્રભાને જાણ હતી કે જગમોહનને રિવોલ્વર બહુ જ ગમતી પણ જગમોહનની કોઈ પણ પસંદ નાપસંદથી અજાણ રહેવાનું એને ઉચિત લાગ્યું હતું.
કાલે સવારના પણ જગમોહનના હાથમાંથી રિવોલ્વર પડી ગઈ હતી ત્યારે એની ઊંઘ ઊડી ગઈ હતી.
આજે રિવોલ્વર જ ગાયબ હતી.જગમોહન લઈ ગયો હશે?
આજકાલ જગમોહન એટલી વિચિત્ર રીતે વર્તે છે કે એનું ભલું પૂછવું? લઈ પણ જાય. હવે તો કંઈ કહેતો પણ નથી. બે દિવસથી ઘરે આવ્યો નથી. મારી નહીં તો છોકરાઓની ચિંતા તો કરવી જોઈએ, પ્રભા કપડાં ફેંદતાં વિચારતી હતી. કપડાં અને વોર્ડરોબ ફંફોળ્યા બાદ એ જગમોહનના રાઇટિંગ ટેબલ પાસે આવી. બધાં ખાનાં ચેક કર્યાં. ઉપરનાં ડ્રોએર પણ ખોલીને ચેક કરી લેવાં જોઈએ. કદાચ જગમોહને પોતે જ ભૂલથી રાખી દીધી હોય એ શક્ય છે.
પ્રભાએ રાઇટિંગ ટેબલનું ઉપરનું ડ્રોઅર ખોલ્યું. ક્યાંય રિવોલ્વરનો પત્તો નહોતો. ડ્રોઅર બંધ કરવા જતી હતી ત્યાં જ એની નજર સામે લાલ રંગના ફોલ્ડર પર પડી. આ લાલ ફાઈલમાં શું હશે?
પ્રભાએ કુતૂહલવશ ફોલ્ડર હાથમાં લઈને ઉઘાડ્યું. ફોલ્ડરમાં જગમોહન દીવાનનું વસિયતનામું હતું.
જાણે રિવોલ્વર મળી ગઈ હોય એટલો રોમાંચ પ્રભાને વિલ જોઈને થયો.બધાં જે વિલની વાત કરે છે એ વિલને જોઉં તો ખરી… આખરે જગમોહનના મનમાં શું છે એ તો ખબર પડે…
સામેના બેડ પર બેસીને જગમોહનનું વસિયતનામું પ્રભાએ વાંચવાનું શરૂ કર્યું.
‘કુમાર, તને ખબર છે ને તેં કેટલી મોટી બેવકૂફી કરી છે? ’
ડબલ બેડ પર ફોન ફંગોળીને શ્યામલી ફરીથી ચિલ્લાઈ ઊઠી.
કુમાર ચૂપ રહ્યો. એને ખબર હતી કે એનાથી ભૂલ થઈ ગઈ હતી. શ્યામલી રસોડામાં હતી અને ફોનની રિંગ વાગી કે આદતવશ એણે રિસીવર ઊંચકી લીધું. એક વાર ફોન ઉપાડ્યા બાદ નીચે રાખી દેવો યોગ્ય ન ગણાય અને એ વાત કરી શકે એમ પણ નહોતો.
સામે છેડેથી વિક્રમનું ‘હલ્લો ! ’ સાંભળીને તો એ વધુ મૂંઝાઈ ગયો હતો.
હવે શું કરવું? ત્યાં જ શ્યામલી દોડતી આવી હતી અને એના હાથમાંથી ફોન આંચકી લીધો હતો, પણ ત્યાર સુધી ખૂબ જ મોડું થઈ ચૂક્યું હતું.
વિક્રમ શું કહેવા માગતો હતો? ફોન પર એ સ્પષ્ટ બોલ્યો હતો :
‘શ્યામલી, મારે તને એક વાત કહેવી છે.; પણ પછી તરત જ ઉમેર્યું હતું :
‘નેવર માઇન્ડ, શ્યામલી, હું તને પછી ફોન કરીશ. ખાસ કંઈ અર્જન્ટ નથી ’ કહીને વિક્રામે ફોન કટ કરી દીધો હતો.
શ્યામલી વિચારતી રહી :
શું વિક્રમને શક પડી ગયો હશે કે રુમમાં શ્યામલી ઉપરાંત બીજું કોઈ પણ હતું? બની શકે, કુમારે રિસીવર ઊંચકીને ક્યાંય સુધી હાથમાં ઝાલી રાખ્યું હતું
‘કુમાર, હવે આપણા બધા પ્લાન્સ પર પાણી ફરી વળ્યું. વિક્રમ મને કંઈ કહેવા માગતો હતો પણ પછી એણે ઇરાદો બદલી નાખ્યો..ઓહ,ગોડ..
કુમાર, તેં આ શું કર્યું? તું ‘મરી’ ગયો છો એ કેમ વારંવાર ભૂલી જાય છે? મરલા માણસો ફોન નથી ઊંચકતા.’ પછી થોડી ક્ષણ બાદ ઝડપથી કંઈક વિચારીને શ્યામલી બોલી ઊઠી :
‘કુમાર, તું અહીંથી નીકળ… જલદી… ક્વીક.’
‘અરે પણ મને ભૂખ લાગી છે. હમણાં હું ક્યાં જાઉં? હું ભૂખ્યો મરી જઈશ.’ કુમારે જવા માટે આનાકાની કરી.
‘તું નક્કી કરી લે કે આજે રાતના ભૂખ્યા સૂવું છે કે આખી જિંદગી ભૂખ્યા મરવું છે? કુમાર, તું સમજતો કેમ નથી? જો વિક્રમને શક પડ્યો હશે તો એ અહીં આવી શકે. અહીં આવીને એ તને જોશે તો.બાકીની રક્મ ભૂલી જવી પડશે ને સથોસાથ આપણે બંનેએ જેલમાં!
કુમાર ધ્રૂજી ઊઠ્યો.એ સમજી ગયો.
કુમાર દરાવાજા તરફ આગળ વધ્યો.
‘ડોન્ટ વરી, શ્યામલી, હું બહાર જમી લઈશ. યુ ડોન્ટ વરી…’
‘સોરી, કુમાર…’ શ્યામલીએ ગળગળા થઈને ધણીને વિદાય આપવા હાથ ઊંચો કર્યો.
ત્યાં જ ડોરબેલ રણકી ઊઠી.
‘હવે એક એક પળ તમને મૃત્યુનો ભય સતાવશે..’ ટેલિફોન બૂથથી અજાણ્યા માણસે ફોન કર્યા બાદ જગમોહનને ન જાણે કેમ ઉત્તેજના થઈ દુશ્મન વિશે તો બહુ જ સાંભળ્યું હતું પણ આજે પહેલી વાર એ અજાણ્યા માણસ-દુશ્મન સાથે વાત થઈ હતી.
ત્યારે ગાયત્રી બોલી હતી – ‘તમને તો ભાવતું’તું ને વૈદે કહ્યું. હવે રણશિંગું ફૂંકો અને યુદ્ધની તૈયારી કરો.’
ત્યારે મનોમન જગમોહને પણ નક્કી કરી નાખ્યું હતું કે કાં હું નહીં અથવા આ દુશ્મન નહીં.
ટેલિફોન બૂથ પરની વાતચીતથી કબીરને વાકેફ કર્યા બાદ જગમોહને કહ્યું હતું :
‘ચાલ ગાયત્રી, કબીર પણ કહેતો હતો કે આપણે અહીંથી તાબડતોબ નીકળી જવું જોઈએ.’
કબીર કહેતો હતો : ‘ગાયત્રીનું ઘર હવે કુરુક્ષેત્ર બની ચૂક્યું છે. બે મોત, એક ઇન્જર્ડ.!’
ગાયત્રીની બેગ લેવા જગમોહન આગળ વધ્યો હતો કે ગાયત્રીના ઘરની બેલ રણકી હતી.
‘અત્યારે કોણ હશે? ’ જગમોહને પ્રશ્નાર્થ નજરે ગાયત્રીને પૂછ્યું.
‘કેમ ખબર પડે? છેલ્લાં પાંચ વરસમાં કોલબેલ નથી રણકી એટલી ગઈ કાલ રાતથી વાગ્યા કરે છે ! ’.
જગમોહન દરવાજા તરફ આગળ વધ્યો.
‘સંભાળજો કાકુ, આપણને ખબર નથી આવનાર ફૂલ લઈને આવે છે કે બંદૂક…’ ગાયત્રીના અવાજમાં આછો ભય હતો..
‘તારી હિન્દી ફિલ્મનું નામ શું હોય ગાયત્રી, ફૂલ ઓર બંદૂક…?! ’ કહીને જગમોહને બારણું ખોલ્યું.
બહાર એક ૮-૧૦ વર્ષનો છોકરો ઊભો હતો. એ એક કવર જગમોહનના હાથમાં મૂકીને ભાગ્યો.
‘ગાયત્રી, આ તો ફૂલ પણ નથી અને બંદૂક પણ નથી. કોઈ છોકરો પત્ર આપીને ભાગી ગયો.’
ગાયત્રીએ આગળ આવીને જગમોહનના હાથમાંથી કવર લઈ લીધું-ખોલીને એક કાગળ બહાર કાઢ્યો પછી વાંચવાનું શરૂ કર્યું.
‘પપ્પા, જતીનકુમાર એવા ખબર લઈને આવ્યા છે કે તમે આ મકાનના એક ફ્લેટમાં બે દિવસથી રહો છે. તમારી સાથે કોઈ છે એવું પણ જતીનકુમાર કહેતા હતા. એટલે ઉપર આવીને તમને મૂંઝવણમાં નાખવા નથી માગતો, હું નીચે તમારી રાહ જોઉં છું.’
‘પપ્પા, હું ઇચ્છું છું કે તમે ઉપર ન હો પણ જો તમે ત્યાં છો અને પત્ર તમારા હાથમાં આવે તો તરત જ નીચે આવી જજો. હું પંદર મિનિટ તમારી રાહ જોઈશ. હા, પંદર મિનિટમાં તમે નહીં આવો તો સમજીશ કે કાં તમે ઉપર નથી અથવા તમે નીચે આવીને મને મળવા માગતા નથી.’
- કરણ દીવાન
(ક્રમશ : )