મેટિની

વેર- વિખેર -પ્રકરણ -૩૮

… પણ તારા આ ભાઈનું તો કંઈક કરવું પડશે. મારી પાસે રિવોલ્વર હોત તો હમણાં જઈને અને ગોળી મારી દેત…!

કિરણ રાયવડેરા

‘ડોક્ટર આચાર્યને હાર્ટઍટેક આવ્યો છે!’
ડોક્ટર ભાસ્કર આચાર્યની સેક્રેટરીના શબ્દો સાંભળીને વિક્રમ હબક ખાઈ ગયો. આ કેવી રીતે બને? હમણાં થોડી મિનિટો પહેલાં તો કેટલા સ્વસ્થ અને ફ્રેશ લાગતા હતા. આટલી વારમાં શું થઈ ગયું?

લિફ્ટમાં દાખલ થતાં વિક્રમને યાદ આવ્યું કે પૂજાએ ડોક્ટરની તબિયતના ખબર પૂછ્યા હતા. પૂજા આ ડોક્ટરને જિંદગીમાં પહેલી વાર મળતી હતી. કોઈ પણ પ્રકારના સંદર્ભ વિના વિદાય લેતી વખતે એણે અચાનક ડોક્ટર આચાર્યને વણમાગી સલાહ આપી દીધી હતી – ‘ડોક્ટર, તમારી તબિયત સંભાળજો.’
-તો શું આને જ એકસ્ટ્રા સેન્સરી પર્સેપ્શન કહેવાય! પૂજાને કેવી રીતે ખબર પડી કે ડોક્ટરને તબિયત બગડવાની છે?

‘પૂજા, તેં ડોક્ટરને તબિયત બાબત શા માટે પૂછ્યું હતું? તને કેવી રીતે અણસાર આવી ગયો કે ડોક્ટરને હાર્ટ ટ્રબલ થવાની છે?’ વિક્રમે લિફ્ટનું બટન દબાવતાં પ્રશ્ન કર્યો.

‘વિક્રમ, પ્લીઝ બીલીવ મી. મને પોતાને જ નથી ખબર કે મેં શા માટે આવો પ્રશ્ન કર્યો હતો. એ પળે મને લાગ્યું હતું કે મારે ડોક્ટરને તબિયતનું ધ્યાન રાખવા માટે કહેવું જોઈએ એટલે મેં કહ્યું ! અત્યારે તો મને પણ વિચિત્ર લાગે છે કે હું કેવી રીતે આવી અસંગત વાત કરી શકી.’ પછી અટકીને બોલી:
‘વિક્રમ, આપણે જ્યારે ક્લિનિકથી બહાર નીકળતાં હતાં ત્યારે એક સેક્નડ માટે મેં કોઈ અકળ કારણસર અસ્વસ્થતા અનુભવી હતી. પછી બીજી જ મિનિટે મેં એમને તબિયત વિશે પૂછી નાખ્યું. એવું લાગે છે જાણે શબ્દો પોતાની મેળે મોઢામાંથી સરી પડ્યા હતા.’
‘ડોન્ટ વરી, પૂજા કદાચ આમાં પણ કોઈ ઈશ્વરીય સંકેત હશે.’ કહીને બંને ડોક્ટર ભાસ્કર આચાર્યની કેબિનમાં દાખલ થયા.

ડોક્ટર સોફા પર લાંબા પડ્યા હતા. એક હાથ છાતી પર દબાવેલો હતો. ચહેરો પરસેવે રેબઝેબ હતો. એમની સેક્રેટરી વિક્રમ અને પૂજાને જોઈને ત્વરાથી એમની તરફ દોડી આવી.

‘સારું થયું, તમે આવી ગયા. ડોક્ટરને આપણે પાસેના નર્સિંગ હોમમાં શિફ્ટ કરવાના છે. એમ્બ્યુલન્સ આવતી જ હશે. લાગે છે માઇલ્ડ ઍટેક છે. મેં એમની જીભ નીચે ગોળી તો મૂકી દીધી છે. પણ ડોક્ટર જીદ લઈને બેઠા છે કે પહેલાં તમારી સાથે વાત કરશે.’
સાંભળીને વિક્રમ દોડતો ડોક્ટર આચાર્ય પાસે ગયો :
‘ડોક્ટર, આપણે પછી વાત કરશું. હમણાં તમે બોલશો તો તમને શ્રમ પડશે.’ વિક્રમે ડોક્ટરના કપાળ પર હાથ પસવારતાં કહ્યું.

‘ડોન્ટ વરી, હું ડોક્ટર છું એટલે સમજું છું કે માઇલ્ડ હોય કે માસિવ, હાર્ટઍટેકમાં તાબડતોબ ટ્રિટમેન્ટ મળવી જોઈએ.’ બોલતાં બોલતાં ડોક્ટર હાંફી ગયા. એવું લાગતું હતું જાણે એમના શ્વાસ ટૂંકા અને ઝડપી થતા જતા હતા.

‘ડોક્ટર, પ્લીઝ… તમે હમણાં કંઈ ન બોલો.’
‘આ વોન્ટ ડાઈ, હું નહીં મરું. મારે તમને ફક્ત એક વાત કહેવી છે.’
‘હા બોલો.’ વિક્રમનો શ્વાસ અધ્ધર થઈ ગયો. ડોક્ટર શું કહેવા માગતા હશે!

‘તમારી પત્નીમાં જરૂર એવી કોઈ શક્તિ છે જેના કારણે એમને ક્યારેક ક્યારેક ભવિષ્યમાં બનનારી ઘટનાની આગોતરી જાણ થઈ જાય છે.’ થોડી ક્ષણો અટકીને ડોક્ટરે ફરી શરૂ કર્યું,
‘મિ. દીવાન, આઈ એમ સોરી, પણ આનો મારી પાસે કોઈ ઇલાજ નથી. યુ હેવ ટુ લર્ન ટુ લીવ વીથ ઇટ… તમારે આ સ્થિતિને સ્વીકારવી જ પડશે.’ ડોક્ટરનો શ્વાસ તૂટતો હતો.

વિક્રમ ડોક્ટરની સેક્રેટરી તરફ વળ્યો. ‘આપણે ડોક્ટરને મારી ગાડીમાં ખસેડીએ તો…’
‘ના, ડોક્ટરની ગાડી પણ નીચે જ છે, પણ એમ્બ્યુલન્સને આવવા દો…એ વધુ સેફ છે’
વિક્રમ ડોક્ટર તરફ ફરીને બોલ્યો:
‘શું ડોક્ટર, તમે મને પણ હમણાં કહ્યું કે આઈ વોન્ટ ડાઈ. તમને કેમ આટલો વિશ્વાસ છે કે તમને કંઈ નહીં થાય?’

ડોક્ટર આચાર્યના ચહેરા પર ક્ષીણ સ્મિત ફરી વળ્યું. ‘જો હું મરવાનો હોત તો તમારી પત્નીને ખબર પડી ગઈ હોત. એણે માત્ર એટલું કહ્યું છે કે તબિયત સંભાળજો.’
વિક્રમને લાગ્યું કે એને ચક્કર આવી જશે. આસપાસની દુનિયા જાણે ઝાંખી દેખાવા લાગી હતી. છેલ્લે એને એટલું જ યાદ હતું કે દૂરથી એમ્બ્યુલન્સની સાયરનનો અવાજ ધીમે ધીમે નજીક આવતો જતો હતો.


આટલાં વરસોથી ઘરે રિવોલ્વર હતી એ વિશે કરણને અત્યાર સુધી કોઈ ખબર નહોતી. પપ્પાએ કહ્યું કે રિવોલ્વર લઈને મને પહોંચાડ ત્યારે પહેલી વાર કરણને ખ્યાલ આવ્યો કે ઘરમાં ગન છે.

હવે જ્યારે એ રિવોલ્વરને શોધવા નીકળ્યો ત્યારે જ કોઈ એને ચોરી ગયું હતું. કોણ ચોરી શકે? મમ્મીના વોર્ડરોબમાં જઈને ડ્રોઅર ખોલીને પિસ્તોલ નીકળવાની હિંમત ઘરનો કોઈ માણસ – ઇન્સાઈડર જ કરી શકે.
એ પણ શક્ય છે કે મમ્મીએ સાફસૂફ કરતી વખતે રિવોલ્વરને આડીઅવળી મૂકી દીધી હોય. પપ્પાની સામે ભલે મમ્મીનો બચાવ કર્યો પણ મમ્મીને ઘર, કબાટ, રસોડું, ટેબલ સાફ કરતા રહેવાની જૂની ટેવ છે. એમાંય કોઈ પણ વસ્તુ મમ્મી ‘સાચવીને’ મૂકે ત્યારે બધાને ધ્રાસ્કો પડે કે હવે પત્યું, એ વસ્તુ જ નહીં મળે. એ ‘સાચવીને’ મુકાયેલી વસ્તુ ક્યાં મૂકી છે એ મમ્મી ખુદ ભૂલી જતી
જો કે રિવોલ્વર એવી વસ્તુ નથી જેને માણસ એક વાર જોયા પછી ક્યાં મૂકી છે એ ભૂલી જાય.

બધી આફતનું જડ આ જમાઈ જ લાગે છે.

મને તો મારા જ ઘરમાં નિરાશ્રિત બનાવી દીધો છે… કરણ મનોમન દાઝ કાઢતો હતો.

જતીનકુમારે રિવોલ્વર ચોરી હશે તો એને સસ્તા ભાવે વેચીને રોકડા કરી નાખશે. રૂપિયાની જરૂરત પડે કે એ માણસ ઘાંઘો થઈ જાય છે. કોઈ પણ વસ્તુ જુએ ત્યારે બજારમાં એનું કેટલું ઊપજશે એના જ સરવાળા-બાદબાકી કરતો હોય છે.

એક વાર ફરીથી મમ્મીના વોર્ડરોબમાં નજર નાખી જોઉં તો… બની શકે પહેલી વાર એની ચૂક થઈ ગઈ હોય. કરણને ચેન નહોતું પડતું. એ ફરી મમ્મીના બેડરૂમમાં આવ્યો.

‘મમ્મી, પપ્પાની ટાઈ લેવી છે. આજે કોલેજનું ફંકશન છે.’ કરણ મમ્મીને કહ્યું.

‘હા, લઈ લે. વોર્ડરોબમાં પડી હશે. ડ્રોઅરમાં જો તો ધ્યાન રાખજે, ત્યાં તારા પપ્પાની ફેવરિટ રિવોલ્વર પડી છે.’ પ્રભાએ જવાબ આપ્યો.

કરણ સડક થઈ ગયો. મમ્મી આજે પહેલી વાર રિવોલ્વરનો ઉલ્લેખ કરતી હતી.

‘મમ્મી આપણા ઘરે ગન છે? યુ મીન, સાચી રિવોલ્વર? તેં પહેલાં તો ક્યારેય નથી કહ્યું?’ જાણે ઉત્તેજિત થઈ ગયો હોય એ ઢબે કરણ બોલ્યો.

‘બેટા, આ તો કાલે વહેલી સવારના તારા પપ્પા ભગવાન જાણે શું ખાંખાંખોળા કરતા હતા. એમના હાથમાંથી રિવોલ્વર પડી ગઈ હતી એટલે મને હમણાં યાદ આવ્યું. તારા પપ્પાને તો એટલી વહાલી છે કે જ્યારે સમય મળે ત્યારે હાથમાં લઈને એનાથી રમ્યા કરે. મને તો ઘણી વાર ડર લાગે કે રમત રમતમાં એ કોઈના પર ગોળી ચલાવી ન દે…’ પ્રભાએ મોઢું બગાડ્યું.

‘મમ્મી, રહેવા દે તો. પપ્પા મચ્છરને પણ મારે એવા નથી… એ ગોળીથી કોઈને શું મારવાના!’ કરણ પપ્પાનો બચાવ કરવા લાગ્યો.

‘તું તારા પપ્પાનો દીકરો છે એટલે હંમેશાં એમના પક્ષમાં જઈને બેસી જાય છે.’ પ્રભાએ નારાજ થઈ ગઈ હોય એમ કૃત્રિમ ગુસ્સો કર્યો.

કરણ વિચારતો હતો. પપ્પા સમજે છે કે એ મમ્મીનો પક્ષ તાણે છે જ્યારે મમ્મી સમજે છે એ પપ્પાનો બચાવ કરે છે. જીવન જીવવું મુશ્કેલ કરી નાખ્યું છે આ બંનેએ.

‘મમ્મી, અહીં રિવોલ્વર તો નથી. ક્યાં ગઈ?’ કરણને આશા હતી કે હમણાં મમ્મી કહેશે કે મેં એને સાચવીને બીજી જગ્યાએ મૂકી દીધી છે.

‘ત્યાં નથી તો ક્યાં ગઈ? આ તારા પપ્પા કાલ સવારના ગાયબ છે, સાથે રિવોલ્વર પણ લેતા ગયા છે. આ બધું શું થવા બેઠું છે?’

‘મમ્મી, તું એમ કેમ માની લે છે કે પપ્પા જ રિવોલ્વર લઈને ગયા હશે? શક્ય છે કે કોઈએ ચોરી લીધી હોય.’ કરણે મમ્મીના ચહેરાના ભાવને વાંચવાની કોશિશ કરી.

‘તારું માથું પણ તારા પપ્પાની જેમ ખરાબ થઈ ગયું છે. અરે, મારા વોર્ડરોબમાંથી કોણ રિવોલ્વર ચોરી જાય? સવારથી વિક્રમ સિવાય કોઈ એને અડ્યું પણ નથી.’
ઓહ! તો ભાઈ અહીં આવ્યો હતો અને વોર્ડરોબને અડ્યો પણ હતો. કંઈ સમજાતું નથી.

‘મમ્મી, આ રાઈટિંગ ટેબલના ડ્રોઅરમાં તો રિવોલ્વર નહીં હોય ને?’ કહીને કરણ ફરી ડ્રોઅર ચેક કરવા લાગ્યો. અચાનક એનું ધ્યાન રાઈટીંગ ટેબલ પર જતાં થોડી વાર પહેલાં પપ્પાની ડાયરી ખિસ્સામાં સરકાવી દીધી હતી એ યાદ આવ્યું.

એનો હાથ સ્વાભાવિક રીતે ખિસ્સામાં ગયો, ડાયરી તો છે ને?

એના પેટમાં ફાળ પડી. ડાયરી ખિસ્સામાં નહોતી. ક્યાં ગઈ? એણે તો પોકેટમાં જ રાખેલી.

કદાચ પોતાના બેડરૂમમાં પડી ગઈ હશે. એને અચાનક જમાઈબાબુનો ચહેરો યાદ આવ્યો. આ ખંધા માણસના હાથમાં પપ્પાની ડાયરી આવે તો એ એને પણ વેચી નાખશે.કરણ દોડ્યો.

‘અરે, શું થયું? તું ક્યાં જાય છે?’ પ્રભાએ બૂમ પાડી.

‘હું આવું છું. મમ્મી!’ બોલતો કરણ પોતાના બેડરૂમમાં આવ્યો. બારણા પર ટકોરા મારવાની ઔપચારિકતા દાખવ્યા વગર એ ઘરમાં ઘૂસી ગયો. જતીનકુમાર પગ પહોળા કરીને ડાયરીનાં પાનાં ઉથલાવી રહ્યા હતા.
‘અરે, સાળાબાબુ, આવો આવો આ તમારા પિતાશ્રીની ડાયરી અહીં નીચે પડી હતી. મને એમ કે તમારી છે. પણ અહીં તો રૂપાને બદલે કબીરનું નામ વંચાય છે. મને નજીકનું વાંચવામાં તકલીફ પડે છે અને આ તમારી બહેન કહે છે કે કોઈની ડાયરી આમ વંચાય નહીં.’
જતીનકુમારના હાથમાંથી કરણે ડાયરી ઝૂંટવી લીધી.

‘બનેવીબાબુ, ભગવાને એટલે જ તમારી નજીકની દૃષ્ટિ ખરાબ કરી છે જેથી તમે આવાં પાપ ન કરી શકો. મારી બહેને તમને સાચું જ કહ્યું છે કે કોઈની ડાયરી વંચાય નહીં. પણ તમારા ચશ્માના કાચની જેમ તમારી બુદ્ધિ પણ જાડી છે.’
‘કરણ, તું મારું અપમાન કરી રહ્યો છો.’ જતીનકુમાર સાદ ઊંચો કર્યો.

‘જતીનકુમાર, આ બધાં નાટક મારી સામે નહીં કરતા. હું કોઈ ભૂલ કરીશ તો નાનામાં ખપી જઈશ. ખરાબ તમારું જ દેખાશે. છેવટે તમારે જ આ ઘર છોડવું પડશે અને તમે સારી પેઠે જાણો છો કે તમને બીજું કોઈ સંઘરે તેમ નથી. બધાં મારી બહેન જેટલાં ઉદાર નથી.’ બોલતો કરણ બેડરૂમની બહાર નીકળી ગયો.

‘આ તારા લાડકા ભાઈનું કંઈ કરવું પડશે.’ જતીનકુમારે તરત જ રેવતી પર ગુસ્સો ઉતાર્યો.

‘એમણે શું ખોટું કહ્યું છે? તમે હાથે કરીને તમારું માન ગુમાવો છો. બોલ બોલ કર્યા જ કરો છો. હવે થોડી વાર બહાર આંટો મારી આવો.’ રેવતીને ખુદને આશ્ચર્ય થતું હતું કે એનામાં આટલી હિંમત ક્યાંથી આવી ગઈ હતી. એ એનાં મા-બાપને ત્યાં છે એટલે કદાચ એ ડર્યા વિના બોલી શકે છે.

રેવતીને ખાતરી હતી કે એના પર હાથ ઉપાડીને એનો વર આ ઘરને છોડવું પડે એવી સ્થિતિ નહીં નોતરે.

‘હમણાં ક્યાં બહાર આંટો મારું! હું સોનાની ખાણમાં બેઠો છું અને એક તું છો જે મને બહાર આંટા મારવાનું કીધા કરે છે.’
રેવતી એના પતિને જોઈ રહી. હવે એણે પોતાના નસીબને ધિક્કારવાનું છોડી દીધું હતું. આ જ એનું નસીબ છે, આ જ એની નિયતિ છે એ એણે સ્વીકારી લીધું હતું. એટલે રડવાથી કોઈ અર્થ નહીં સરે એ તો એને સમજાઈ ચૂક્યું હતું.

‘પણ તારા આ ભાઈનું તો કંઈક કરવું પડશે. મારી પાસે રિવોલ્વર હોત તો હમણાં જઈને એને ગોળી મારી દેત.’ .
‘અને મારી પાસે રિવોલ્વર હોત તો કોને ગોળી મારત એ ખબર છે?’ રેવતીથી બોલાઈ ગયું.

‘કોને… બોલ… કોને મારત તું ગોળી? બોલ ને… હવે કેમ મોઢું બંધ થઈ ગયું? ડરી ગઈ?’

રેવતી ચૂપ રહી. ફક્ત એની ચહેરા પર એક આછું સ્મિત રમી રહ્યું. એને ખબર હતી કે એના વરને જવાબ દેવાની જરૂર નથી.
જતીનકુમારને પણ ખબર હતી કે રેવતીને જવાબ શું હશે.


‘ઇરફાન, ભાગ…’
બાબુની ચીસ સાંભળીને ઇરફાન પહેલાં તો ગૂંચવાઈ ગયો. સામે ખુરશી પર બબલુનો દેહ એક તરફ ઝૂલી ગયો હતો. પાછળ બાબુ કંઈ બોલતો હતો.

આમેય ઇરફાનને જીભ વાપરવાની આદત હતી, દિમાગ નહીં. થોડી સેક્નડો બાદ એને સમજાયું કે બબલુ મરી ગયો છે અને આ લોકોએ ભેગા મળીને કોઈ કાવતરું ગોઠવ્યું હોઈ શકે છે.
ઇરફાને પાછળ જોયું. બાબુ ભાગ્યો નહોતો. એ હજી ઇરફાનની રાહ જોતો હતો. બાબુની પાછળ એને એક જાણીતો આકાર ઊભરતો દેખાયો. કોઈ માણસ બીજા કમરામાંથી બહાર નીકળી રહ્યો હતો.
ઇન્સ્પેક્ટર પરમાર.!

બાબુને ખબર નહોતી કે પરમાર એમની પાછળ આવીને ઊભા રહી ગયા છે. હવે એ લોકો ધારે તો પણ છટકી શકે તેમ નથી.

ઇરફાને સામે નજર ફેરવી. ગાયત્રી બારી પાસે ઊભી હતી. શિંદે પથારીમાં પડ્યો હતો અને ડોક્ટર પટેલ દૂર ઊભા હતા.

ઇરફાન ચીલઝડપે ગાયત્રી તરફ ધસ્યો અને ખિસ્સામાંથી ચાકુ કાઢીને ગાયત્રીના ગળા પર ધરીને એને પાછળથી પકડી રાખી.
(ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button