આ વિશ્ર્વ, મારું ઘર
ટૂંકી વાર્તા -બકુલ દવે
નિયતિ આમ્રવૃક્ષ હેઠળ આવી. વૃક્ષની નાનીશી ઘટાની છાયામાં એ ઊભી રહી ગઇ ને ઊંચે જોયું આંબાં પર મંજરી છે ક્યાંક -કાંઇક જગ્યાએ નાની કેરીઓ પણ ઝુલે છે, કાચી – લીલી ઝાંયવાળી. નિયતિને એનાં જન્મદિવસે મૃગાંકે ભેટ આપેલી સાડી તરફ નજર જતાં આદતવશ એ સભાન થઇ, ભોંય પર બેસવાની ઇચ્છા એણે રોકી રાખી, પણ બીજી જ ક્ષણે એને આ આશ્રમનાં સંચાલિકા આનંદમૈયાના શબ્દોનું સ્મરણ થઇ આવ્યું, એમણે એકવાર કહ્યું હતું. “આપણે સૌ કેટલાં ભ્રામકતામાં હોઇએ છીએ! આ ક્ષણે જે સત્ય જણાય છે તે ખરેખર કેટલું જુઠ્ઠું અને પોકળ હોય છે! મોહને કારણે આપણને બધું પોતાનું અને સાચું લાગતું હોય છે પણ ખરેખર હોય છે એનાથી ઊલટું જ.
નિયતિને થયું, પોતે ધૂળથી ડરે છે! ક્યાંક આ વસ્ત્રો મેલાં થઇ જશે તો? પણ એ સાડી ભેટ આપનાર પતિનો પ્રેમ જ ફટકિયાં મોતી જેવો પુરવાર થયો. એ જ ખોટો નીકળ્યો. કટોકટીની એક ક્ષણ આવી ને એ એનો સાથ છોડી જતો રહ્યો, એને સાવ રેઢી મૂકીને.
ભોંય પર, ધૂળમાં જ બેસી જતાં નિયતિની ભીતર ઘૂંટાવા લાગી: મૃગાંકે આપેલી આ સાડી અને કિંમતી વસ્ત્રો જેવો આ રૂપાળો દેહ હવે કેટલો સમય એની સાથે રહેવાનાં છે? આ વસ્ત્રોની જેમ રોગથી મેલું થયેલું શરીર એક દિવસ નાશ પામશે. માટીમાંથી ઘડાયેલો, પંચમહાભૂતથી બનેલો દેહ ફરી એકવાર માટીમાં ભળી જશે. એ જ તો માનવજીવનની અંતિમ પરિણતી હોય છે.
વિચારોની દિશા બદલવા નિયતિએ દૂર ક્ષિતિજ તરફ જોયું. ત્યાં પૃથ્વી અને આકાશ એકમેકને મળે છે. ના, એ પણ છલના છે, એણે માથું ધુણાવ્યું. આકાશ અને પૃથ્વી ક્ષિતિજ પાસે મળે છે એવું લાગે છે પણ ખરેખર ક્યાં એવું છે? એ દષ્ટિનો ભ્રમ છે માત્ર.
મૃગાંકે એકવાર કહ્યું હતું: “નિયતિ, હું ઘણીવાર આશંકાથી ફફડી ઊઠું છું.
“કેમ? તને એવી કંઇ આશંકા પજવે છે?
“મને થાય છે કે હું તારાથી વિખૂટો પડી જઇશ તો?
“એવું શક્ય જ નથી. સિવાય કે હું મૃત્યુ પામું… નિયતિએ કહ્યું ને મૃગાંકનું મોં લેવાઇ ગયું હતું.
મૃગાંકની આંખોમાં ભીનાશ તગતગવા લાગી હતી.
“કેમ શું થયું? નિયતિ એના સામે જોઇ રહી હતી.
“તું મને મૃત્યુની વાત ન કરીશ.
“મૃત્યુનો ડર લાગે છે?
“ના.
“તો?
“તારાથી અલગ થઇ એકલા પડી જવાનો ડર લાગે છે. તું મારી પાસે ન હોય તો મારા માટે મારું આ જીવન શા કામનું?
મૃગાંકને વ્યથિત થયેલો જોઇ નિયતિ પણ ઉદાસ થઇ ગઇ હતી પણ એ ઉદાસીની પડખોપડખ સુખનો સ્પર્શ પણ હતો: મૃગાંક એને કેટલું ચાહે છે! એના સાથ વગર જીવવાની વાત સાંભળીને એની આંખો સજળ બની જાય છે.
પોતાને મૃગાંક જેવો પ્રેમાળ પતિ અને પિયર ઘરની યાદ પણ ન આવે એવું આત્મીયતાથી ભરચક સાસરું હશે એવું નિયતિએ સ્વપ્નમાં પણ કલ્પ્યું નહોતું. ગરીબ બાપની સાત દીકરીઓમાં તે ઉપરથી ચોથી ને નીચેથી પણ ચોથી. રોંગ નંબર. નહીં મોટી, નહીં નાની. મોટી ત્રણ દીકરીઓના લગ્ન કરી નિયતિના પિતા હેમંતભાઇ હાંફી ગયા હતા. પણ હજી તો- દીકરીઓ પરણાવવાનું એમનું કામ અડધે રસ્તે માંડ પહોંચ્યું હતું. ઘાઘરિયો વસ્તાર, ગાંઠે પૈસા નહીં ને સગાંવ્હાલાંનો એટલો સાથ પણ નહોતો તો પણ એક બાબત એમના બિલકુલ પક્ષમાં હતી. ચોથા નંબરની નિયતિ અને પાંચમી દીપ્તિ અત્યંત સુંદર હતી. ને છોકરી દેખાવમાં સુંદર હોય એ એનું મોટું જમાપાસું બની જતું હોય છે, કોઇ માને કે ન માને.
ને બન્યું પણ એવું જ. મૃગાંકે નિયતિને માત્ર એક નજર ભરીને જોઇને તરત જ એણે હા પાડી દીધી. બીજી બે-ત્રણ છોકરીઓને જોવાનું નક્કી કરીને ગામમાં આવેલા મૃગાંકને બીજી કોઇ છોકરી જોવાની ઇચ્છા જ રહી નહોતી, નિયતિને જોયા પછી. નિયતિ અને મૃગાંક પરણી ગયાં હતાં. નિયતિને આજે પણ એ દિવસો યાદ છે. એની જિંદગીનો એ સુવર્ણકાળ હતો. ચોમેર સુખ જ સુખ હતું. અચાનક એક દિવસ એને તાવ આવ્યો ને બીમાર પડી ગઇ હતી.
ડૉકટર આવ્યા, “ઝેરી મલેરિયા છે…
ઇંજેકશન્સ, દવાઓ અને સારવાર માટે સૌ ખડેપગે પણ નિયતિનો તાવ ઊતરતો નહોતો. એને હૉસ્પિટલમાં દાખલ કરી. પણ તાવ ઊતરવાનું નામ લેતો ન હતો. યુરિન, ટુલ્સ અને બ્લડની તપાસ નવેસરથી થઇ ને ડૉકટરને આશ્ર્ચર્ય થયું. એમણે મૃગાંકને કહ્યું: “તમારા પત્નીનો બ્લડ રિપોર્ટ-
ક્ષણવાર માટે ડૉકટર અટકી ગયા, હાથમાં રહેલા રહેલા બ્લડ એક્ઝામિનેશનના રિપોર્ટ સામે જોતાં.
“ડૉકટર, શું છે નિયતિને? મૃગાંકે અધીર થઇને પૂછ્યું.
“એમનો બ્લડ રિપોર્ટ એચ.આઇ.વી. પોઝિટીવ છે…
“એ કેવી રીતે બને?!
“એ તો હું કેવી રીતે કહુ’ પણ આપણી સામે ફેકટ છે તે આ છે…
ને તે જ દિવસથી નિયતિનું જીવન સાવ બદલાઇ ગયું. જ્યાં એને સુખ જ સુખ જણાતું હતું ત્યાં હવે એને સૌની આંખોમાં ઉપેક્ષા દેખાતી હતી. સાસરે એ પૂજાતી હતી. સાસુ હથેળીમાં રાખતાં હતાં, સસરા સતત પ્રશંસા કરતા રહેતા અને નણંદોના હોઠ ‘ભાભી’ કહેતા સુકાતાં નહોતાં એ સૌ જાણે પથ્થરનાં નગરમાં હોય એમ ખામોશ થઇ ગયા હતાં. નિયતિની ગેરહાજરીમાં અથવા તો એનાથી છાનાં સૌ કાનાફૂસી કરી લેતાં હતાં. એનાં વાસણો, રૂમાલ અને કપડાંને કોઇ અડતું નહીં. જે દિવસે ડૉકટરે બ્લડનો રિપોર્ટ આપી, નિયતિને એચ.આઇ.વી. છે તે જણાવ્યું ત્યારથી જ મૃગાંક પણ એનાથી દૂર રહેવા લાગ્યો હતો. રાત્રે એણે નિયતિને કહ્યું હતું: “તું બેડરૂમમાં સૂઇ જા, હું બહાર ઓસરીમાં જાઉં છું…
“કેમ?
“મને બેડરૂમમાં બફારો થાય છે…
નિયતિને આશ્ર્ચર્ય થયું હતું. મૃગાંક મેડિકલ રિપ્રેઝન્ટેટિવ હતો. અઠવાડિયા સુધી બહાર રહ્યા પછી એ ગઇકાલે જ ઘેર આવ્યો હતો. એ અગાઉ પણ એ એક અઠવાડિયું બહાર હતો. આટલો સમય નિયતિથી દૂર થતા પછી એ પત્ની સાથે એકાંતમાં એના સહવાસ માટે અધીર બની જતો, પણ એકાએક જ એ સાવ બદલાઇ ગયો હતો. પત્નીથી નજીક આવવા તરસતો એ હવે પત્નીથી દૂર રહેવાના બહાનાં શોધવા લાગ્યો હતો.
ઘરમાં ભૂત ફરતું હોય તેમ નિયતિથી સૌ ડરવા લાગ્યાં હતાં. કોઇ એને કશું કામ સોંપતું નહોતું. રસોડામાં જવાની એને મનાઇ જ હતી.
મૃગાંકે જ નિયતિને કહી દીધું હતું: “તું હવે રસોઇ ન બનાવતી…
“કેમ?
“તું હજી બીમાર છે, પૂરી સ્વસ્થ થઇ નથી.
“પણ હું સાવ ખાલી બેઠી શું કરું?
“શુ?
“તારા પપ્પાને ઘેર જતી રહે….
નિયતિને માઠું લાગ્યું હતું. એને થયું હતું કે મૃગાંક જાણે એને આ ઘરમાં ઇચ્છતો નથી. એ એને પોતાની પાસેથી ચાલ્યા જવાનું કહે છે. નિયતિએ મનમાં નિર્ધાર કર્યો કે પોતાનું આ ઘર છે તો પોતે શા માટે, પોતાની ઇચ્છા વગર પિતાના ઘરે જાય? અગાઉ એ પિયર જવા માટે આજીજી કરતી તો પણ મૃગાંક એને જવા દેતો નહોતો ને હવે એ જ એને જાણે ધક્કા મારી જવાનું કહેતો હોય એવો આગ્રહ કરે છે. આવું શા માટે? ના, પોતે નહીં જાય, પોતાના પિયર.
પણ નિયતિનો પોતાના પિયર નહીં જવાનો નિર્ણય અફર રહી શક્યો નહોતો. ઘરમાં ઉપેક્ષાનો માર અસહ્ય બનતો જતો હતો. હવે સૌ એના સાથે જરૂર પૂરતું જ બોલતા હતા. નિયતિને એકવાર એની નાની નણંદે જણાવી દીધું હતું કે તને ક્યો રોગ થયો છે. નિયતિ આંચકો ખાઇ ગઇ હતી: પોતાને એઇડ્સ છે? પણ એ કેવી રીતે બને? પોતાને એઇડ્સ થાય એવું કૈં તો બન્યું નથી. તો પછી આવું કેવી રીતે બન્યું? નિયતિને હવે પોતાની તરફ કુટુંબીજનોની દુર્વ્યવહાર સમજાવા લાગ્યો. એણે હવે સૌ જેમ કહે તેમ કરવાનું નક્કી કર્યું. અમસ્તુય એ હવે આ ઘરમાં જ નહીં, પણ આ દુનિયામાં જ રહેવાની નથી તો પછી એણે કોઇની સાથે સંઘર્ષમાં શા માટે ઊતરવું જોઇએ? પોતાની નિયતિ સ્વીકારીને, સૌની સાથે સ્નેહભર્યા સંબંધ અકબંધ રાખી એણે શા માટે વિદાય ન લેવી? હવે અલ્પજીવન શેષ રહ્યું છે ત્યારે દ્વેષ, અણગમો અને પૂર્વગ્રહથી મુક્ત થઇ શકાય તો તે પછીના જન્મમાં સાથે ન આવે. જતાં જતાં અમસ્તું જ ગાંઠો શા માટે બાંધવી? હવે તો એણે જેટલું છૂટે એટલું છોડતાં જવાનું છે. મૃગાંક બેચેન હતો. નિયતિને આવો રોગ કેવી રીતે થયો? મૃગાંકના સ્મરણમાં, એને ઇચ્છા નહોતી તો પણ કેટલાક સમય પહેલા એ સુરત અને વડોદરા ગયો ત્યારે એક મિત્ર એને એક ઘરઘરાઉ છોકરીની પાસે લઇ ગયો હતો તે યાદ આવી ગયું. એ છોકરી નશો ચડાવે એવી હતી. પછી પણ એકાદવાર એ છોકરી પાસે જઇ આવ્યો હતો.
મૃગાંકે પોતાના બ્લડને લેબોરેટરીમાં એક્ઝામાઇન કરાર્વ્યુ હતું. એને ડર હતો કે પેલી છોકરી દ્વારા રોગ એના શરીરમાં ગયો હશે ને તે પછી એનું સંક્રમણ નિયતિના શરીરમાં….
પણ એનો બ્લડ રિપોર્ટ નોર્મલ હતો. બેચેન બની ગયેલા મૃગાંકના શરીરમાં જોર આવી ગયું હતું. હવે એને નિયતિ પર શંકા જાગી હતી. કદાચ, નિયતિને કોઇની સાથે સંબંધ હશે? તો જ આવું બને ને? એને-એ જેમ વિચારતો ગયો તેમ નિયતિ માટે અણગમો વધતો ગયો હતો. હવે તો ઘરમાં પણ સૌ અંદરથી એવું ઇચ્છતા હતા કે નિયતિ ઘરમાં ન રહે, ને એ પોતે પણ…. મૃગાંકે તક જોઇને, ઘણા સમયથી કહેવા ઇચ્છતો હતો તે છેવટે કહી દીધું હતું: “નિયતિ, હવે આપણે સાથે નહીં રહી શકીએ… નિયતિએ મૃગાંક સામે- પોતે માની ન શક્તી હોય તેમ અપલક જોયા કર્યું હતું ને પછી બોલી હતી, “મને… મને સમજાયું નહીં…. “તને ભયંકર ચેપી રોગ થયો છે તે ખબર છે ને? હું ઇચ્છું છું કે…
મૃગાંકે અધૂરા રાખેલા વાક્યમાં- એ જે કંઇ નહોતો કહી શક્યો તે બધું જ નિયતિને સમજાઇ ગયું હતું. અગાઉ ક્યારેક પોતાની પત્નીથી અલગ થઇ જવાની ફક્ત વાત સાંભળીને જેની આંખો ભીની થઇ જતી હતી તે જ મૃગાંક સાવ કોરીકટ આંખે એનાથી અલગ થઇ જવાની વાત કરતો હતો.
ઘોર અવગણના અસહ્ય બને ત્યારે પ્રતિભાવરૂપે ચિતરાય તેવું સ્મિત નિયતિના સુંદર ચહેરા પર આવી ગયું હતું. આ પણ જીવન છે, પોતાનો સ્વાર્થ જોખમાય તે ભીતિ- પોતાનું અસ્થિત્વ લોપાઇ જવાનો જરા જેટલો અંદેશો માણસને આટલી હદે કોરી આંખનો બનાવી દેતો હશે? કોર્ટમાં જઇ એક દિવસ લગ્ન કર્યાં હતાં તે જ રીતે ત્યાં જઇ મૃગાંક અને નિયતિ કાયદેસર રીતે અલગ થઇ ગયાં હતાં. સુખદુ:ખ અને ચડતીપડતીમાં સાથે રહેવાનું મહત્ત્વ જણાવતા કોલ પોકળ અને અર્થહીન સાબિત થયા હતા. નિયતિ એકલી થઇ ગઇ હતી. એને પોતાના પિયર જવાનો વિચાર મનમાં પરપોટા જેમ આવીને તરત જ ફૂટી ગયો હતો. હવે એ પિયરમાં જશે તો કોની પાસે જશે? માનું મૃત્યુ વર્ષો અગાઉ થઇ ગયેલું હતું ને એના પિતા પણ હવે નહોતા રહ્યાં. ઘરમાં બે બહેનો હતી પણ એમની પાસે જઇ એ એમને ભારરૂપ બનવા માગતી નહોતી. થોડા દિવસ ભિખારીની જેમ આશરો શોધવા નિયતિ ભટકતી રહી હતી. પાસે પૈસા હતા તે વપરાઇ ગયા પછી શરીર કેમ ટકાવવું એ પ્રશ્ર્ન ઊભો થયો હતો. એકવાર એક રાત્રે એક વૃક્ષ નીચે પડી હતી ત્યારે કેટલાક વાસનાભૂખ્યા વરુઓએ એને ઘેરી લીધી હતી પણ તે જ સમયે ત્યાંથી કોઇક કાર્યક્રમમાંથી મોટરમાં પાછા ફરી રહેલાં ‘આપણુંઘર’ આશ્રમના સંચાલિકા આનંદમૈયા પસાર થઇ રહ્યાં હતાં. એમણે નિયતિને બચાવી લીધી ને પોતાના આશ્રમમાં લઇ ગયાં હતાં. નિયતિને ભયંકર રોગ છે તે જાણ્યા પછી પણ એમણે એને પોતાના આશ્રમમાં આશરો આપ્યો હતો. એટલું જ નહીં, પણ એ એને સતત હૂંફ અને પ્રેમ આપતાં રહ્યાં હતાં. એક દિવસ આનંદમૈયાના આગ્રહ સામે ઝૂકી જઇ નિયતિ ફરીવાર પોતાના લોહીની પરીક્ષા કરાવવા તૈયાર થઇ હતી. એને થયું હતું: વારંવાર ટેસ્ટ કરાવવાથી પરિણામ થોડું જ બદલાઇ જવાનું છે?
પણ ઘણીવાર સાવ અણધાર્યુ ને ન સાચું માની શકાય તેનું બની જતું હોય છે. આશ્રમમાં નાની હૉસ્પિટલ હતી એના પેથોલોજિસ્ટે નિયતિનું રક્ત પરીક્ષણ કર્યા પછી જણાવ્યું કે એ તંદુરસ્ત છે, એને નખમાંય રોગ નથી.
નિયતિ સ્તબ્ધ થઇ ગઇ હતી. આનંદસાગરમાં એ હિલ્લોળાવા લાગી હતી: આ કેવી રીતે બન્યું?
પેથોલોજિસ્ટે કહ્યું: “કોઇકવાર લોહીના સેમ્પલ બદલાઇ જવાથી સરતચૂકથી આવું થઇ જાય તે સાવ અશક્ય નથી. અલબત્ત, આવું ભાગ્યે જ બની શકે, પણ લાખોમાં એકાદ કિસ્સામાં આવું થઇ શકે ખરું…
નિયતિનો કિસ્સો લાખોમાં એક જેવો હતો. એના જીવનમાં એ મોટો ચમત્કાર હતો. એને થયું, સુખ આટલું અસહ્ય હોય શકે? એ આનંદમૈયાના પગમાં લાકડાની જેમ પડી હતી.
“બેટા, હવે તું તારા ઘરે જા… માએ કહ્યું હતું, એને ઊભી કરી એમણે છાતીએ ચાપી હતી.
ઘર? કયું ઘર? નિયતિને પૂછવાનું મન થયું હતું પણ એ બોલી શકી નહોતી. એણે કહ્યું હતું: “ના, મા. હવે મારે ક્યાંય નથી જવું. અહીં જ તમારી સાથે રહીશ. લાચાર, પીડિત અને નિરાધાર લોકોની સાથે રહેવું
મને ગમશે. હવે એ જ મારાં સ્વજનો. આ આશ્રમ મારું ઘર… ના, હવે આ વિશ્ર્વ આખું મારું ઘર…