ફિલ્મનામા: હિન્દી સિનેમાની ચકિત કરતી કેટલીક અજાણી વાત…
-નરેશ શાહ
હિન્દી ફિલ્મ ઉદ્યોગની કેટલીક અજાણી વાત કે ધ્યાન બહાર રહી ગયેલી અમુક હકીકત ઘણી વાર ગોસિપથી પણ વધુ રસપ્રદ હોય છે. હિન્દી સિનેમાનાં લોકપ્રિય અભિનેતા-અભિનેત્રીની આવી જ ઈન્ટરેસ્ટિંગ અને શોકિંગ વાતને અહીં આપણે જાણીએ, જેમ કે….
આ પણ વાંચો : ફિલ્મનામાઃ હમ ન્યૂઝ નહીં કહાનિયાં દીખાતે હૈ! ન્યૂઝ પાછળના બિહામણાં વ્યૂઝ..
તમે હાથી મેરે સાથી, ધર્મવીર, તેરી મહેરબાનિયાં, મર્દ, કૂલી, મૈને પ્યાર કિયા, પરિવાર, મા, યતીમ જેવી ફિલ્મો જોઈ છે. નથી જોઈ તો જાણી લો કે આ ફિલ્મમાં પશુ, પ્રાણી સાથેની દોસ્તી, વફાદારી અને આત્મીયતાની વાત હતી.
કૂતરા, ઘોડા, સાપ, કબૂતર, પોપટ, વાંદરા અને બાજ પક્ષી (‘કૂલી’ ફિલ્મ)ને હિન્દી સિનેમાએ મિત્ર કે શુભચિંતક તરીકે બતાવ્યાં છે, પણ એક ફિલ્મમાં સાપશત્રુ ગણાતાં નોળિયાને પણ હીરોના ફેવરિટ દોસ્ત તરીકે દેખાડવામાં આવ્યો હતો. મજા એ છે કે આ ફિલ્મના હીરો દિલીપકુમાર હતા અને ફિલ્મ હતી ‘કોહિનૂર’.
એમાં એવી સિચ્યુએશન હતી કે દિલીપકુમારને સાપ કરડવા આવે છે, પણ (સ્ક્રીપ્ટ મુજબ) એમણે બચી જવાનું હતું. આ સ્ટોરી ડેવલપ થતી હતી ત્યારે જ લેખક-દિગ્દર્શકને વિચાર આવ્યો કે હીરોનો એક નોળિયો ફેવરિટ હોય તેવું બતાવવું. બધાને બહુ વિચિત્ર લાગ્યું કે એક નોળિયો માણસનો મિત્ર-શુભેચ્છક હોય તે જલદીથી ગળે ઊતરે તેવું નથી, છતાં ડિરેક્ટર (એસ. યુ. સુન્ની) એ ધાર્યું કર્યું. ‘કોહિનૂર’ ફિલ્મ હિટ ગઈ હતી,
પણ 1960માં બનેલી ફિલ્મને 2024માં છ દાયકા પૂરા થઈ ગયા છે, છતાં એ પછી એકેય ફિલ્મમાં ‘નોળિયો’ મિત્ર બનીને આવ્યો નથી!
દેવ આનંદ-વિજય આનંદ, બન્નેની કેરિયરનું મોરપિચ્છ ગણાતી ‘ગાઈડ’ ફિલ્મ અપનેઆપમાં માઈલસ્ટોન મૂવી ગણાય છે, આજે પણ જેનાં સતત ગીત ગવાય છે એ હિન્દી ‘ગાઈડ’ છે.
અંગ્રેજી ‘ગાઈડ’ તો નામશેષ અને સ્મૃતિશેષ થઈ ગઈ છે તેમ છતાં ‘ગાઈડ’ ફિલ્મ અનેક રીતે ઐતિહાસિક ફિલ્મ એટલા માટે ગણાય છે કે એક જ નોવેલ (લેખક- આર. કે. નારાયણ) પરથી બે ભાષામાં ફિલ્મ હોવા છતાં બન્નેની વાર્તા, તેનો ઉઘાડ અને ગૂંથણી અલગ અલગ હતી.
હિન્દી ‘ગાઈડ’ની સ્ક્રીપ્ટ વિજય આનંદે લખેલી, જ્યારે અંગ્રેજી ‘ગાઈડ’ શક્ય એટલી મૂળ કૃતિને વફાદાર રહીને બની હતી, છતાં સત્ય એ છે કે હિન્દી ‘ગાઈડ’ સફળ ફિલ્મ હતી. મજા એ છે કે એ રિલીઝ થયા પછી લેખક આર. કે. નારાયણે થોડા ઘણા બળાપા પણ કાઢેલા.
આ પણ વાંચો : ફિલ્મનામા : અમિતાભ-શત્રુઘ્ન સિંહા લગ્ન ને રિસેપ્શન
કદાચ તેમને અંગ્રેજી ‘ગાઈડ’ વધુ રિઝનેબલ લાગી હશે, પણ તેમાં (નેચરલી) એક પણ ગીત નહોતું છતાં ધ્યાને લેવા જેવી વાત એ છે કે અંગ્રેજી ‘ગાઇડ’નું પાર્શ્ર્વસંગીત એસ. ડી. બર્મને આપેલું! એમણે હિન્દી ‘ગાઈડ’નાં તમામ ગીત સ્વરબદ્ધ કર્યાં, જે જબરાં હીટ નીવડ્યાં હતાં.
આ બે ગીત તમે ન સાંભળ્યાં હોય તેવું બનવાની શક્યતા નહીંવત છે: પહેલું ગીત છે: ‘કોઈ હમદમ ના રહા, કોઈ સહારા ના રહા’ (ઝુમરુ, 1961) અને બીજું ગીત એટલે: ‘એક ચતુર નાર બડી હોંશિયાર’ (પડોસન, 1968).
આ બન્ને ગીત એવરગ્રીન ગાયક કિશોરકુમારે ગાયાં છે અને આપણને એ અલ્ટિમેટ લાગે છે અને એ છે પણ ખરાં. જોકે પડદા પાછળની અજાણી વાત એ છે કે આ બંને ગીત અગાઉ હિન્દી ફિલ્મમાં આવી ગયાં છે. રસપ્રદ વાત તો એ છે કે બન્ને ગીત ગાયાં છે સ્વયં કિશોરકુમારના જ બડે ભાઈ અભિનેતા અશોક કુમારે.
‘કોઈ હમદમ ન રહા’ ગીત 1936માં આવેલી ‘જીવનનૈયા’ ફિલ્મમાં હીરો અશોક કુમારે જ ગાયું હતું. બીજું ગીત – ‘એક ચતુર નાર’ 1941માં આવેલી ‘ઝૂલા’ ફિલ્મમાં હતું. બન્નેના ગીતકાર જુદા હતા.
કિશોરકુમારે ગાયા એ ગીતના ગીતકાર પણ અલગ હતા. ‘પડોશન’નું ગીત મજરૂહ સુલતાનપુરીએ લખેલું, જ્યારે ‘ઝુમરું’નું ગીત (ની પંક્તિઓ) ખુદ કિશોરકુમારે નવેસરથી લખ્યું હતું. ‘કોઈ હમદમ ન રહા’ ગીત અશોકકુમારે ગાયું ત્યારે જ કિશોરકુમારે કહેલું કે, ‘આ ગીત હું તમારા કરતાં વધારે સારી રીતે ગાઈ દેખાડીશ.’ અને કિશોરદા’એ એ સાબિત પણ કરી બતાવ્યું!
1983માં એક લો બજેટ ફિલ્મ આવેલી: ‘ફિલ્મ હી ફિલ્મ. એમાં અભિનેતા પ્રાણ એક નિર્માતાના પાત્રમાં હતા, જે માત્ર પચાસ હજાર રૂપિયામાં આખી ફિલ્મ બનાવવા માગે છે. ફિલ્મ તો બકવાશ હતી, પરંતુ આ ફિલ્મમાં એવી ફિલ્મોનાં ફૂટેજ દેખાડવામાં આવ્યાં હતાં, જે કદી આખી બની જ ન શકી.
આવી ફિલ્મોમાં રાજ કપૂર, અમિતાભ બચ્ચન, ગુરુદત્ત, મનોજકુમાર, માલા સિંહા, મહેમૂદ, દિલીપકુમાર, નૂતન, દેવ આનંદ, સાધના, હેલન, બલરાજ સાહની, રાજેન્દ્ર કુમાર, પ્રાણની ફિલ્મોનાં ફૂટેજ વાપરવામાં આવ્યાં હતાં.
આ પણ વાંચો : ફિલ્મનામાઃ મુંબઈ માફિયા: પોલીસ ટ/ત ધ અન્ડરવર્લ્ડ
આવા ફૂટેજમાં કે. આસિફ (મોગલ-એ-આઝમ)ની ‘સસ્તા ખૂન, મહેંગા પાની’ અને અમિતાભ બચ્ચનની ‘એકથી સુધા, એક થા ચંદર’ જેવી ફિલ્મના ફૂટેજ જોવાં એ પણ દુર્લભ અનુભવ છે. આ અનુભવ તમે પણ લઈ શકો છો. ‘ફિલ્મ હી ફિલ્મ’ યુટ્યુબ પર છે.