ઈન્દિરા ચટ્ટોપાધ્યાયથી બનેલી મૌસમી ચેટર્જીના ન સાંભળેલા કિસ્સાઓ
ફોકસ -કૈલાશ સિંહ
ગાયક અને સંગીતકાર હેમંત કુમાર ભારતીય સેનામાં ઓફિસર રહેલા પ્રણતોશ ચટ્ટોપાધ્યાયના ઘરે આવતા જતા હતા. પ્રણતોશના પિતા જજ હતા અને અવિભાજિત બંગાળના બિક્રમપુરના હતા. બાદમાં આ બંગાળી બ્રાહ્મણ પરિવાર કલકત્તા (હાલ કોલકાતા)માં સ્થાયી થયો. કલકત્તામાં જ ૨૬ એપ્રિલ ૧૯૫૫ના રોજ પ્રણતોશના ઘરે એક સુંદર દીકરીનો જન્મ થયો, જેનું નામ ઈન્દિરા ચટ્ટોપાધ્યાય રાખવામાં આવ્યું. જ્યારે ઈન્દિરા દસ વર્ષની હતી અને પાંચમા ધોરણમાં ભણતી હતી ત્યારે એક દિવસ હેમંત કુમાર તેમના ઘરે આવ્યા. હેમંત કુમારની નજર ઈન્દિરા પર પડતાં જ તેની સુંદરતા, ચંચળતા અને બુદ્ધિમત્તાથી ખૂબ જ પ્રભાવિત થયા અને તેણે તરત જ તેના પુત્ર જયંત મુખર્જી માટે પ્રણતોશ પાસે ઈન્દિરાનો હાથ માગ્યો. આ રીતે, માત્ર દસ વર્ષની ઉંમરે, ઇન્દિરાની સગાઈ થઈ અને નક્કી થયું કે જ્યારે તે યુવાન થશે ત્યારે લગ્નની વિધિઓ પૂરી કરવામાં આવશે.
પણ નસીબમાં કંઈક બીજું જ લખ્યું હતું. સગાઈના લગભગ ૫ વર્ષ પછી, એટલે કે જ્યારે ઈન્દિરા તેના જીવનના ૧૫ વર્ષ જીવી ચૂકી હતી, ત્યારે અચાનક તેની ફઈ એક અસાધ્ય રોગનો શિકાર થયા. તબીબોના મતે તેની પાસે જીવવા માટે માત્ર થોડા મહિના જ બાકી હતા. ફઈની છેલ્લી ઈચ્છા ઈન્દિરાને દુલ્હન તરીકે જોવાની હતી. પ્રણતોશ તેની બહેનને ખૂબ પ્રેમ કરતો હતો. મૃત્યુ પથારીએ પડેલી તેની બહેનની છેલ્લી ઈચ્છાને તે ટાળી ન શક્યો. પરિણામે, ૧૫ વર્ષની ઉંમરે ઈન્દિરાના જયંત સાથે લગ્ન થઈ ગયા અને બે વર્ષ પછી, જ્યારે ઇન્દિરા ૧૭ વર્ષની હતી, ત્યારે તેણે એક પુત્રીને જન્મ આપ્યો. આ પછી તેમને બીજી દીકરી પણ થઈ. ઈન્દિરા અને જયંતની એક પુત્રી પાયલને ટાઇપ ૧ ડાયાબિટીસ હતું, તે ૨૦૧૮માં કોમામાં સરી ગઈ અને ૧૩ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ તેનું અવસાન થયું હતું.
ભારતમાં સામાન્ય રીતે ફિલ્મી હિરોઇનો સ્ટારડમ ગુમાવવાના ડરથી મોડેથી લગ્ન કરે છે અથવા તો બિલકુલ લગ્ન કરતી નથી અથવા પોતાના લગ્નને ગુપ્ત રાખે છે, પરંતુ ઇન્દિરા અપવાદ સાબિત થઈ. લગ્ન કર્યા પછી અને બાળકને જન્મ આપ્યા પછી તેણે ફિલ્મોની ગ્લેમરસ દુનિયામાં પગ મૂક્યો અને તે માત્ર એક ટોચની સફળ અભિનેત્રી જ ન બની, પરંતુ એક સમય એવો પણ આવ્યો જ્યારે તે અભિનેત્રીઓમાં સૌથી વધુ ફી લેતી હતી. જો કે ઈન્દિરાએ ૧૨ વર્ષની ઉંમરે તરુણ મજમુદારની ફિલ્મ ‘બાલિકા વધૂ’ (૧૯૬૭)માં હિરોઈન તરીકે કામ કર્યું હતું, જેની સફળતાને કારણે તેને બંગાળી ફિલ્મોની ઑફર્સ મળવા લાગી હતી, પરંતુ તે ફિલ્મોમાં કામ કરવા માગતી ન હતી, તે પોતાનું શિક્ષણ પૂર્ણ કરવા ઇચ્છતી હતી.
આ દરમિયાન, તેના લગ્ન થઈ ગયા અને તે તેના ગૃહસ્થ જીવનમાં વ્યસ્ત થઈ ગઈ. આમ છતાં ફિલ્મોની ઑફર્સ આવવાનું બંધ ન થયું. ઈન્દિરા પોતાની દીકરીઓની જવાબદારી છોડવા માગતી ન હતી, પરંતુ તેમના સસરા હેમંત અને જયંતે તેને ફિલ્મોમાં કામ કરવા માટે પ્રોત્સાહિત કર્યા. પરિણામે, ઈન્દિરા શક્તિ સામંત દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘અનુરાગ (૧૯૭૨)માં કામ કરવા માટે સંમત થઈ અને તેણે તેનું સ્ક્રીન નામ બદલીને મૌસમી ચેટર્જી રાખ્યું. આ ફિલ્મ જબરદસ્ત હિટ બની હતી અને ફિલ્મફેર શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ પણ મળ્યો. આ ફિલ્મમાં મૌસમી ચેટર્જીની ભૂમિકા એક અંધ છોકરીની હતી જે પ્રેમમાં પડે છે. મૌસમી ચેટર્જીને તેના શાનદાર અભિનય માટે ફિલ્મફેરમાં શ્રેષ્ઠ અભિનેત્રીની શ્રેણીમાં નામાંકિત પણ કરવામાં આવી હતી. જે તેની કારકિર્દીનું એકમાત્ર નોમિનેશન હતું.
ફિલ્મોમાં તેની એન્ટ્રી વિશે વાત કરતાં મૌસમી ચેટર્જી કહે છે, ‘મારા સસરા એક સ્થાપિત સંગીતકાર હોવાથી ઘણી ફિલ્મી હસ્તીઓ અમારા ઘરે આવતી હતી. તેમાં ફિલ્મ નિર્માતા શક્તિ સામંત પણ હતા, જે મને ફિલ્મોમાં કામ કરવા માટે આગ્રહ કરતા હતા. મેં તેમની ઓફર ફગાવી દીધી હતી, પરંતુ મારા સસરા અને પતિએ મને પ્રોત્સાહિત કરી અને હું ‘અનુરાગ’ કરવા રાજી થઈ ગઈ, પરંતુ જ્યારે શક્તિદાએ મને કહ્યું કે મારે એક અંધ છોકરીની ભૂમિકા ભજવવાની છે, ત્યારે મેં કહ્યું કે હું આ ભૂમિકા સાથે ન્યાય કરી શકીશ નહીં કારણ કે મેં ક્યારેય કોઈ અંધ છોકરીનો અભ્યાસ કર્યો નથી. શક્તિ-દાએ મને કહ્યું કે તેઓ મને અંધ શાળામાં લઈ જશે અને મને તાલીમ આપશે, પરંતુ તે પહેલાં એક મુહૂર્ત શોટ કરીએ. જેવું શક્તિ-દાએ એક્શન કહ્યું, મેં એવા આત્મવિશ્ર્વાસ સાથે મુહૂર્ત શોટ આપ્યો કે બધા તાળીઓ પાડવા લાગ્યા. શક્તિદાએ કહ્યું કે હવે અંધ શાળામાં જવાની જરૂર નથી.
આ પછી તો, મૌસમી ચેટર્જીએ સફળ ફિલ્મોની લાઈન લગાવી દીધી. ‘રોટી કપડા ઔર મકાન’ માં બળાત્કાર પીડિતા તરીકેની તેની ભૂમિકાએ તેને ફિલ્મફેર એવોર્ડ્સમાં શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીની શ્રેણીમાં નામાંકન મેળવ્યું હતું. આ પણ તેમની કારકિર્દીનું એકમાત્ર નોમિનેશન રહ્યું. જો કે, ૨૦૧૪ માં, તેને બંગાળી ફિલ્મ ‘ગોયનાર બક્ષો’ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. ૧૯૮૫ સુધીમાં, ‘સ્વર્ગ નર્ક’, ‘માંંગ ભરો સજના’, ‘પ્યાસા સાવન’, ‘અંગૂર’ જેવી સફળ ફિલ્મોમાં મુખ્ય નાયિકાની ભૂમિકા ભજવ્યા પછી, મૌસમી ચેટર્જીએ સહાયક ભૂમિકાઓ ભજવવાનું શરૂ કર્યું અને આમાં પણ તેણે પોતાની અભિનય ક્ષમતા સાબિત કરી. ૨૦૧૫માં, ફિલ્મફેરે તેમને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા.
મૌસમી ચેટર્જીએ પણ રાજકારણમાં પોતાનું નસીબ અજમાવ્યું છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં તે કૉંગ્રેસના ઉમેદવાર હતાં, પરંતુ હારી ગયાં હતાં. ૨૦૧૯માં તેઓ ભાજપમાં જોડાયાં હતાં. રાજનીતિમાં તેઓ હજુ સુધી ફિલ્મો જેવી સફળતા મેળવી
શક્યાં નથી.