મેટિની

ઉઘાડી ચેલેન્જ (પ્રકરણ-૧૮)

આ ગામમાં વિદેશી જાસૂસોએ રોકાયેલા ભાડૂતી માણસોની દેશદ્રોહભરી પ્રવૃત્તિ ચાલી રહી છે. એટલે અહીં મારી સ્પેશિયલ નિમણૂક થઈ છે, અને તેથી હું અહીં આ ગામમાં તપાસ કરવા આવ્યો છું… તમારું નામ શું છે? નાગપાલે પૂછયું. એનો અવાજ એકદમ સરળ તથા નિખાલસ થઈ ગયો છે

કનુ ભગદેવ

ઉપરાઉપરી બે ધડાકાઓથી રૂસ્તમ ચમકી ગયો હતો. દિલાવરખાનનું નામ તથા તે મુંબઈની કોર્ટમાંથી કેવી રીતે નાસી છૂટ્યો
હતો, એ વિષે તેણે અખબારોમાંથી વાંચ્યું હતું. બીજો ધડાકો એ કે તે પણ એની જેમ સિંહ ટોળીનો જ એક સભ્ય હતો.

‘ચાલ, એની સાથે દોસ્તીનો હાથ મિલાવ !’ સરદાર બરાડ્યો, ‘ પહેલા તે એને માર્યો હતો… પછી જ એણે તને માર્યો! એટલે બંનેનું નુકસાન વસૂલ થઈ ગયું. રૂસ્તમ ! દિલાવર આપણને ખૂબ જ ઉપયોગી માણસ છે.’

રૂસ્તમે ઊતરેલા ચહેરે અનિચ્છાએ દિલાવરખાન સાથે હાથ મિલાવ્યા. પછી એણે પોતાનાં બનાવટી દાઢી-મૂછ કાઢી નાખ્યાં. હેટ ઉતારીને એક તરફ ફેંકી. ત્યારબાદ એને ચહેરો ખુલ્લો થઈ ગયો.
‘ઓ… ભગવાન….!’ રૂસ્તમ બબડ્યો, ‘આ તો સાચે જ દિલાવરખાન છે… મેં અનેક વખત એના ફોટાઓ છાપામાં જોયા છે…’
‘દોસ્ત…’દિલાવરખાન હસ્યો, ‘ હવે મારાથી ડરવાની જરૂર નથી. આપણે સારા મિત્રો બની શકીએ તેમ છીએ પરંતુ નબળા અને અશક્ત લોકો પર જે દાદાગીરી ચલાવે છે, એ
તારા જેવા બહાદુર માણસને શોભતું નથી.’
પોતાને દિલાવરે બહાદુર કહ્યો તેથી રૂસ્તમ ફુલાયો. એ પ્રસન્ન અવાજે બોલ્યો,‘ઉસ્તાદ! હવે આજથી એ બધું બંધ…! આવો આજે મારા તરફથી ઉત્તમ શરાબ તમને પિવડાવું…’
ઘડી પહેલાનું તંગ વાતાવરણ હળવું થઈ ગયું. બંને એક ટેબલ પર બેઠા વાતાવરણ સામાન્ય બની ગયું . રૂસ્તમે વેઈટર પાસે બે સ્કોચની બોટલ મંગાવી. દિલાવરનું મોં દ્વાર સામે હતું
સહસા એનો ગ્લાસ હાથમાં જ રહી ગયો. એની આંખો દ્વાર પર જડાઈ ગઈ.

એક ઊંચો, મજબૂત બાંધાનો ખૂબસૂરત ગોરો ચીટ્ટી માનવી હોટલમાં દાખલ થયો. દિલાવરખાને એના પરથી પોતાની નજર પોતાના હાથમાં પકડેલો ગ્લાસ હોઠે લગાડી સહેજ આડું જોઈને એ પોતાનો ચહેરો આગંતુકથી છુપાવવાનો પ્રયાસ કરવા લાગ્યો. આ ફેરફાર રૂસ્તમથી છૂપો ન રહી શક્યો.

હોટલમાં બેઠેલા બીજા બદમાશોનું ધ્યાન પણ નવાંગતુક તરફ ખેંચાયું હતું આવનારે હોટલમાં ચારે તરફ નજર દોડાવી. પછી કાઉન્ટર પર બેઠેલા સરદારને પૂછ્યું.
‘વીપટો-શરબત મળશે એક ગ્લાસ?’

‘જરૂર સાહેબ…!’ સરદારે એનું અવલોકન કરતાં કહ્યું આગંતુક ખાખી વસ્ત્રોમાં સજ્જ હતો. એના કમરપટ્ટામાં સ્થિત ચામડાની કેસમાં રિવોલ્વર ભરેલી પડી હતી. દેખાવ પરથી એ કોઈક પોલીસ ઓફિસર જેવો લાગતો હતો.

‘શું… છે… !’ રૂસ્તમે અત્યંત ધીમા અવાજે દિલાવરખાનને પૂછયું, ‘તમે આ માણસથી ગભરાયેલા લાગો છો! શું વાત છે?’
‘ચૂપ…’ દિલાવરગ્લાસ પરથી એક આંગળી મુક્ત કરી, તેને નાક પર મૂકીને ખૂબ ધીમા અવાજે બોલ્યા, ‘આ કમબખ્ત અહીં ચંદ્રનગરમાં ક્યાંથી?’
‘કોણ છે એ… ?’

‘આપણા બધાનો બાપ …! સેન્ટ્રલ ઈન્ટેલીજન્સ ડિપાર્ટમેન્ટનો ચીફ ઇન્સ્પેકટર નાગપાલ! એ અહીં શા માટે આવ્યો હશે?’
‘હાઈવે પરથી પકડેલી બોમ્બવાળી મોટરની કદાચ તે તપાસ…’

‘જે હોય તે…’ મહેરબાની કરીને ચૂપ રહે…રૂસ્તમ…! અહીં પાછળથી કયાંય નાસી જવાનો રસ્તો છે? હું એની નજરે પડવા નથી માગતો…!’
‘ગભરાવાની જરૂર નથી.’ રૂસ્તમ મગરૂરીથી બબડ્યો: ‘ એના બાપની પણ તાકાત નથી કે એ તને…’
‘શીશ…ચુપ…’દિલાવરનો અવાજ બેહદ ભયભીત હતો.

એ જ પળે વેઈટર આવીને કાઉન્ટર પર વીપટો શરબતનો ગ્લાસ મૂક્યો. નાગપાલે કાઉન્ટર પર પૈસા મૂક્યા. પછી ગ્લાસને હાથમાં ઊંચકીને તેમાંથી ઘૂંટડો ભરવા લાગ્યો. વચ્ચે વચ્ચે તે અંદર નજર દોડાવતો હતો.

‘તમે કોક પોલીસ ઓફિસર લાગો છો સાહેબ? સરદારે ભોળા-ભટાક અવાજે પૂછયું.’

‘હા..’ નાગપાલે જવાબ આપ્યો, ‘આ ગામમાં વિદેશી જાસૂસોએ રોકાયેલા ભાડૂતી માણસોની દેશદ્રોહભરી પ્રવૃત્તિ ચાલી રહી છે. એટલે અહીં મારી સ્પેશિયલ નિમણૂક થઈ છે, અને તેથી હું અહીં આ ગામમાં તપાસ કરવા આવ્યો છું… તમારું નામ શું છે? નાગપાલે પૂછયું. એનો અવાજ એકદમ સરળ તથા નિખાલસ થઈ ગયો છે.
‘જ્ઞાનસિંહ…!’ સરદારે કહ્યું.

‘તમારું નામ ખૂબ જ સુંદર છે. મારું નામ નાગપાલ છે. કદાચ તમે સાંભળ્યું હશે… દિલ્હીનો વતની છું અને ત્યાં જ નોકરી કરું છું.’
‘આપનું નામ કોણે નહિ સાંભળ્યું હોય… નાગપાલસાહેબ…! સરદાર મીઠા અવાજે બોલ્યો. બાકી મનોમન નાગપાલનું નામ સાંભળતાં જ એને ધ્રુજારી છૂટી હતી. એણે પહેરેલું પાટલૂન ભયના કારણે કમ્મર પરથી બે ત્રણઇંચ નીચે સરકી આવ્યું હતું.

‘ જુઓ … એક સારા અને શરીફ નાગરિકો તરીકેની તમારી ફરજ છે કે આ ગામમાં એવા કોઈ દેશદ્રોહી હોય તો તેની માહિતી પોલીસને આપવી જોઈએ. હું અહીંના સરકારી ગેસ્ટ હાઉસમાં ઊતર્યો છું તમારી હોટેલથી માત્ર પાંચ જ મિનિટનો રસ્તો છે. જો આવા કોઈ માણસો તમારા ધ્યાનમાં આવે તો મને સમાચાર મોકલજો. હું તમને સરકારની પાસેથી ઈનામ પણ અપાવીશ.’
‘જરૂર…જરૂર… એ તો મારી પહેલી ફરજ છે!’ સરદારે કહ્યું. બાકી મનમાં ને મનમાં તો એ નાગપાલનું સાંભળ્યા બાદ આ ગામ રાતોરાત છોડાવાની યોજના ઘડતો બેઠો હતો.

‘અરે…’ અચાનક નાગપાલ આગળ વધીને દિલાવરખાનના ટેબલ નજીક પહોંચ્યો.

‘ઓહો જનાબ દિલાવરખાન…! તમે અહીં તશરીફ રાખો છો…? વાહ વાહ… મુંબઈ પોલીસ હજુ પણ તમને શોધી રહી છે અને…’

‘નાગપાલ…!’ દિલાવર છંછેડાયેલા સર્પની જેમ ફૂંફાડો મારતા બોલ્યો, ‘તમે ચૂપચાપ અહીંથી ચાલ્યા જાઓ . મને પકડવાનો પ્રયાસ કરશો તો…પછી…’

‘ધમકીઓ ઉચ્ચારવાની તારી જૂની આદત છે!’ નાગપાલ કરડા અવાજે બોલ્યો, ‘ખેર, જવા દે એ વાત! તને પકડવાનું કામ પોલીસનું છે, મારું નથી. તારા તરફ ધ્યાન આપવાનો મને અત્યારે સમય પણ નથી. પરંતુ હું અત્યારે તને જવા દઉં છું. એથી પોલીસ તને છોડાશે એવું માનીશ નહિ, એ તને પાતાળમાંથી પણ ગમે ત્યારે શોધી કાઢશે. કારણ હું જાણું છું કે તું ડાકુ છે, અપરાધી છે, ફાંસીની સજા પામેલો ભાગેડું છે. પણ દેશદ્રોહી નથી… અને અત્યારે હું માત્ર દેશદ્રોહીઓને જ શોધવા માટે અહીં આવ્યો છું પણ ભગવાનને ખાતર ચૂપચાપ તારી જાતને પોલીસને શરણે સોંપી દે…યાદ રાખ નહિ તો આ રીતે નાસભાગમાં જ તારું જીવન પૂરું થઈ જશે. મારા હાથ અત્યારે પરવશ છ… મને એકમાત્ર દેશદ્રોહીઓને પકડવા માટે જ હુકમ મળ્યો છે. એ સિવાય બીજું કોઈ પણ કામ કરવાની મને સખ્ત મનાઈ છે. નહિ તો તારી મજાલ નથી કે અત્યારે મારી હાજરીમાં તું અહીંથી જઈ શકે! મુંબઈની કોર્ટમાં તે મારા પર ગોળી ચલાવી હતી એટલા પૂરતું મારે તારી સાથે વેર છે… પરંતુ એ હું એકને એક દિવસ વ્યાજ સાથે વસૂલ કરીશ તે બરાબર યાદ રાખજે. મારું નામ નાગપાલ છે, અને નાગપાલ નામધારી નાગનો દંશ ખાધેલો માણસ પાણી માગવા પણ નથી રોકાતો. અત્યારે તારા જેવા મચ્છર માટે મારી પાસે સમય નથી પણ એક દિવસ એવો પણ આવશે દિલાવરખાન કે જ્યારે તું મારા પગમાં પડી મોતની ભીખ માગતો કરગરતો હોઈશ.’
અને એ પછી એક પણ શબ્દ બોલ્યા વગર નાગપાલ ત્યાંથી ચાલ્યો ગયો. (વધુ આવતી કાલે)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…