ક્લેપ એન્ડ કટ..! : ‘ઊડતા પંજાબ’ બીજી વખત ઊડશે પણ અલગ રીતે

-સિદ્ધાર્થ છાયા
વર્ષ 2016ની સહુથી ચર્ચાસ્પદ ફિલ્મ રહી હતી ‘ઊડતા પંજાબ’. આ ફિલ્મમાં પંજાબની ડ્રગ્સની સમસ્યા પર ફોકસ કરવામાં આવ્યું હતું. આને લઈને ભારે વિવાદ પણ થયો હતો. અમુક લોકોએ તો એને રાજકીય સ્ટંટ ધરાવતી ફિલ્મ પણ જાહેર કરી દીધી હતી. જે હોય તે, પણ હવે આ ‘ઊડતા પંજાબ’ની સિક્વલ આવે એવા સંજોગો ઊજળા થયા છે.
સામાન્યત: એવી ધારણા હોય છે કે કોઈ ફિલ્મની સિક્વલ બને તો એને બનાવનારી ટીમ પહેલો ભાગ બનાવનારી જ હોય, પરંતુ, અહીં સાવ ઊલટું છે. એવું જાણવા મળી રહ્યું છે કે એકતા કપૂર, જે સિક્વલ બનાવવામાં માસ્ટર છે (ઙવઉ પણ કહી શકાય, હોં!) તે ‘ઊડતા પંજાબ’નો બીજો ભાગ બનાવવામાં રસ લઈ રહી છે. જોકે, માર્કેટમાં એમ પણ કહેવાઈ રહ્યું છે કે આ બીજા ‘ઊડતા પંજાબ’ને તેના પહેલા ભાગ સાથે સ્નાન-સૂતકનો પણ સંબંધ નહીં હોય.
હા, મૂળ ફિલ્મના લીડ એક્ટર શાહિદ કપૂર સાથે જરૂર વાત ચાલી રહી છે કે તે જ આ ફિલ્મમાં પણ લીડ રોલ કરે. બીજું, પહેલા ભાગના ડાયરેક્ટર અભિષેક ચૌબે પણ આ પ્રોજેક્ટનો ભાગ નહીં હોય. એની બદલે ‘ભુલભુલૈયા-2’ અને ‘હાઉસફૂલ 4’ના લેખક આકાશ કૌશિક લખશે અને ‘ઊડતા પંજાબ- ટુ’ ડાયરેક્ટ પણ કરશે.
આ પણ વાંચો: શાહરૂખ ખાન મન્નત છોડે છે, પણ…
હવે રહી વાત આ પાર્ટ-ટુની હીરોઈનની… તમારી જાણ ખાતર – પાર્ટ-વનમાં કરિના ક્પૂરે હીરોઈન અને આલિયા ભટ્ટે એક અગત્યનો રોલ ભજ્વ્યો હતો. એક વખત સ્ક્રિપ્ટ નક્કી થઈ જાય પછી હીરોઈનની વરણી થશે..
આવી રહ્યું છે રિ-રિલીઝનું ઘોડાપૂર
એક વાત તો પાકે પાયે છે કે બોલિવૂડ સાવ એટલે સાવ આળસુ થઈ ગયું છે અને એટલે જ એ નવા પ્રકારની વાર્તા શોધવાની કે લખવાની તકલીફ નથી કરી રહ્યું. આવું સોય ઝાટકીને કહેવા પાછળ એક જ કારણ છે અને તે છે ઢગલાબંધ રિ-રિલીઝ. એકાદી-બે જૂની ફિલ્મો પુન: રિલીઝ થઈ અને જબરી ચાલી એટલે હવે દરેક એક્ટર અને પ્રોડ્યુસર/ડિરેક્ટર જાણેકે પોતાની રિલીઝ થઇ ચૂકેલી ફિલ્મોનું લિસ્ટ લઈને બેસી ગયા છે અને એમાંથી એક ફિલ્મ પસંદ કરીને એને રિ-રિલીઝ કરી રહ્યા છે.
આવનારા સમયમાં તો આવી ફિલ્મોનું ઘોડાપૂર આવી રહ્યું છે અને એ પણ ફક્ત આજના જમાનાના એક્ટર્સનું નહીં, પરંતુ વીતેલા જમાનાના એક્ટર્સનું પણ. શર્મિલા ટાગોરની બે ફિલ્મ ‘આરાધના’ અને ‘નાયક’ બહુ જલદીથી ફરી પરદા પર આવશે તો વિમેન્સ ડે નિમિત્તે રાજકુમાર રાવની ‘શાદી મેં ઝરૂર આના’, કંગનાની ‘ક્વીન’, આલિયા ભટ્ટની ‘હાઈવે’ અને પ્રિયંકા ચોપરાની ‘ફેશન’ ફરીથી સિનેમાઘરોમાં આવશે. હવે આવું થતું હોય ત્યારે દર ત્રણ બે-ત્રણ મહિને એક ફિલ્મ કરતો અક્ષય કુમાર કેમ પાછળ રહી જાય? એની ‘નમસ્તે લંડન’ પણ બહુ જલદીથી આપણે માથે… સૉરી રિ-રિલીઝ કરવામાં આવશે.
આ પણ વાંચો: ‘ભાઈ’ બનશે હોલિવૂડના મહેમાન?
….ઔર અભી તો રુકો… એવા વાવડ પણ છે કે અક્ષય, પરેશ રાવળ અને સુનિલ શેટ્ટીની કલ્ટ ક્લાસિક ‘હેરાફેરી’ પણ રિ-રિલીઝ માટે તૈયાર છે.
આ બધાને સહન કરવાની ઉપરવાળો આપણને બધાને પૂરતી સહનશક્તિ આપે!
‘સરકાર’ સાથે જોડાશે ‘બાદશાહ’?
ભાવનાત્મક તેમ જ કૌટુંબિક વિષયો સાથે જોડાયેલી ફિલ્મો બનાવવા માટે પ્રખ્યાત એવા શુજીત સરકાર હવે એક નવા વિષય સાથે આવી રહ્યા છે. અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન એમ બંનેને ડાયરેક્ટ કરી ચૂકેલા (શુજીત) સરકાર હવે બાદશાહ એટલે કે શાહરુખ ખાન સાથે મળીને એક ફિલ્મનું પ્લાનિંગ કરી રહ્યા છે.
આ ફિલ્મનો વિષય અને એમાં શાહરુખના રોલ વિશે શુજીત સરકાર મૌન છે, પણ હા, એમણે એટલું જરૂર કહ્યું છે કે
શાહરુખ સાથે કામ કરવાની ખૂબ મજા પડે છે. આ બંનેએ આ નામ વગરની ફિલ્મ માટે એકસાથે સતત આઠ કલાક શૂટિંગ કર્યું હતું એવી વાત સરકારે જરૂર જાહેર કરી છે. શુજીત સરકારે
એમ પણ ઉમેર્યું કે ‘શાહરુખે વગર થાકયે સતત આઠ કલાક કામ તો કર્યું એ દરમિયાન એ સેટ ઉપરથી એક સેકંડ પણ બહાર ગયો ન હતો!’
કટ એન્ડ ઓકે..
વિદ્યા બાલનને શું પસંદ છે અને શું નાપસંદ છે એ વિશે હાલમાં વાયરલ થયેલો ‘પોતાનો વીડિયો એ પોતાનો નથી, પરંતુ એ કોઈએ કરેલી અઈંની કમાલ છે’ એવો ખુલાસો વિદ્યાએ ‘ઇન્સ્ટા’ ઉપર કર્યો છે!