મેટિની

તૂ તૂ મૈં મૈં, હમ દોનો માર્વેલસ

પરફેક્ટ કાસ્ટિંગ: ઈમાન જ મિસ માર્વેલ, મિસ માર્વેલ જ ઈમાન

શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા

(ભાગ – ૨)
પરફેક્ટ કાસ્ટિંગના એક ઉત્કૃષ્ટ ઉદાહરણની આપણે ગયા સપ્તાહે વાત કરી કરી રહ્યા હતા. માર્વેલ સ્ટુડિયોઝના ‘મિસ માર્વેલ’ વેબ શો અને હમણાં આવેલી ‘ધ માર્વેલ્સ’ ફિલ્મમાં કમાલા ખાન એટલે કે મિસ માર્વેલના પાત્રમાં ઈમાન વેલાનીનું કાસ્ટિંગ એટલે પરફેક્ટ કાસ્ટિંગ પણ પાત્ર જેવું જ વાસ્તવિક જીવન ધરાવતી ઈમાનનું મિસ માર્વેલ માટે આ પરફેક્ટ કાસ્ટિંગ થયું કઈ રીતે?

માર્વેલ સુપરફેન ઈમાનની કોમિક બુક્સ અને એમસીયુ ફિલ્મ્સ પ્રત્યેના પ્રેમ અને તેમાં કામ કરવાના સપનાંની બધી જ વાત સાચી, પણ એ હકીકત બનવાની શક્યતા વળી કેટલી? ખૂબ જ ઓછી પણ એ ઓછી શક્યતાની પ્રથમ ઘટના બની ફેબ્રુઆરી ૨૦૨૦માં. ઈમાનની એક આન્ટીએ તેને એક વોટ્સએપ મેસેજ કર્યો મિસ માર્વેલ’ શોના કાસ્ટિંગ બાબતે. સ્વપ્નના પથની કમનસીબી એ હોય છે કે એ પૂરું થતું હોય છે ત્યારે વિશ્ર્વાસ નથી બેસતો. ઈમાનને પણ લાગ્યું કે જે પાત્ર, જે કોમિક બુક્સ, જે યુનિવર્સને તે આટલું ચાહે છે તેનો હિસ્સો કંઈ એક વોટ્સએપ મેસેજ થકી થોડો જ બનવા મળે. તેણે આ કાસ્ટિંગની વિગત એક સ્કેમ ગણીને અવગણી પણ પછી જયારે તેને સેલ્ફટેપ ઓડિશન માટે સ્ક્રીપ્ટ મળી ત્યારે તેના મનમાં ઝબકારો થયો કે આ તો તેણે વાંચેલી ‘મિસ માર્વેલ’ કોમિકના ફલાણા ઈશ્યુની વાર્તા છે. તેને સમજાયું કે આ તો સાચુકલું ઓડિશન છે.

માર્વેલના ડિઝની પ્લસ શૉ માટે ઓડિશન છે એ સાચું લાગ્યા પછી પણ જોકે તેના મને તેને આગળ વધતા રોક્યું. સ્વપ્નના પથની બીજી કમનસીબી એ હોય છે કે તેને હકીકત બનાવવા મથનારને એ હકીકત બનવા પર શંકા પણ જન્મતી હોય છે. ઈમાનના મને તેને કહ્યું કે તું આ ઓડિશનમાં નિષ્ફ્ળ જઈશ તો ખૂબ જ દુ:ખી થઈશ. એટલે ઈમાને ઓડિશન ટેપ બનાવવાનું જ માંડી વાળ્યું. પણ એ મોકલવાની છેલ્લી તારીખે રાતના ત્રણ વાગે એ જાગતી બેઠી હતી અને તેને એમ થયું કે તેનો આ નિર્ણય ખોટો તો નથી ને? ઈમાનને થયું કે આ તક માટે હું જો પ્રયાસ પણ નહીં કરુ તો કોમિક બુક્સના પાનાંઓના પ્રેમમાં પડેલી દસ વર્ષની ઈમાન મને નફરત કરશે. મને થયું કે હું આ કરી શકીશ. હું આ પાત્રને ઓળખું છું. તે હું જ છું. હું આ પાત્ર જીવું છું. કોમિક્સ જાણે મારા પર જ લખાયેલી છે.’ અને ઈમાને રાતે ત્રણ વાગે ઓડિશન શૂટ કરીને મોકલી દીધું. તેના આશ્ર્ચર્ય વચ્ચે બે જ દિવસમાં માર્વેલ સ્ટુડિયોઝ તરફથી કોલ આવ્યો. એ પછી તો તેને કાસ્ટિંગ ડિરેક્ટર સારાહ ફિન સાથે મુલાકાત કરવા લોસ એન્જેલસ બોલાવવામાં આવી અને કોરોનાકાળમાં ઝૂમ વીડિયો મિટિંગમાં જ તેની સ્ક્રીન ટેસ્ટ પણ યોજાઈ. આખી કાસ્ટિંગ પ્રક્રિયા પૂરી થયા પછી એક દિવસ વીડિયો કોલમાં જ એમસીયુના કર્તાહર્તા કેવિન ફાઇગી અને તેની ટીમે ઈમાનને જણાવ્યું કે તેને કમાલા ખાન ઉર્ફ મિસ માર્વેલના પાત્ર માટે પસંદ કરવામાં આવી છે. ઈમાનને રોલ તો છોડો, પહેલા તો તે કેવિન ફાઇગી સાથે વાત કરી રહી છે એ જ માનવામાં ન આવ્યું, પણ પછી તે એ અવર્ણનીય અનુભૂતિમાં ડૂબી ગઈ કે તેના ફેવરિટ આયર્ન મેન એટલે કે રોબર્ટ ડાઉની જુનિયરને કાસ્ટ કરનાર અને સૌથી સફળ ફિલ્મ યુનિવર્સના સર્જક કેવિન ફાઇગીએ તેને પોતાના ડ્રિમ રોલ માટે પસંદ કરી છે.

ઈમાન વેલાનીની સાથે આ કાસ્ટિંગ માર્વેલ માટે પણ એક જેકપોટ રહ્યું છે. ‘મિસ માર્વેલ’ શોના એક્ઝેક્યુટીવ પ્રોડ્યુસર, કો-ક્રિયેટર અને રાઇટર સના અમાનતનું કહેવું છે કે કમાલા ખાન માટે કાસ્ટિંગ કરવું આસાન નહોતું. એક ટીનેજ છોકરી જે કલ્ચરલ બેકગ્રાઉન્ડ ધરાવતી હોય, એવેન્જર્સ ફેન હોય અને પછી સુપરહીરો બને એવી એક્ટ્રેસ ક્યાં મળે? કોમિક બુક્સમાં જેવી ધારેલી તેવી કમાલા રિયલ વર્લ્ડમાં કેવી હોઈ શકે? પણ પછી અમને ઈમાન મળી. એ છોકરી સાચે જ કમાલા ખાન છે. કાસ્ટિંગ પ્રક્રિયા દરમિયાન તેણે વીડિયો કોલમાં જ અમને તેનો રૂમ બતાવ્યો, જે આખો જ માર્વેલની ચીજોથી ભરેલો હતો. અરે! ક્લોઝેટ સહિત તેના રૂમનો ખૂણેખૂણો તે માર્વેલની કેવડી મોટી ફેન છે એ દર્શાવતો હતો. જાણે તે ઈમાનનો નહીં, પણ કમાલાનો બેડરૂમ જ ન હોય! તે કમાલાની જેમ જ માર્વેલના બધા જ કેરેકટર્સની નાનામાં નાની બાબતોની માહિતગાર છે. એ ઉપરાંત તેનો મીઠડો, લાગણીશીલ, રમતિયાળ અને પ્રામાણિક સ્વભાવ પણ કમાલા ખાન સાથે મેળ ખાય છે.’ કેવિન ફાઇગીનું પણ કહેવું છે કે ‘ઈમાનનું કમાલાના રોલ માટે કાસ્ટિંગ એ સર્વાનુમતે લેવાયેલો નિર્ણય હતો.’ કાસ્ટિંગ પછી પોતાની એક્ટિંગ કાબેલિયત પર શંકા કરતી ઈમાનને પણ આ જ ચીજે મદદ કરી કે માર્વેલની ટીમના એ દરેક લોકોએ મારામાં આવડત જોઈને જ મને કાસ્ટ કરી હશે ને.

‘ધ માર્વેલ્સ’ ફિલ્મને જોઈએ એટલો પ્રતિસાદ નથી મળ્યો છતાં તેમાં કમાલાના પાત્ર અને ઈમાનની એક્ટિંગના ખૂબ જ વખાણ થયા છે. તેનું એક કારણ છે કોમિક બુક્સ અને એમસીયુ ફિલ્મ્સ થકી છેલ્લા દોઢ દાયકામાં માર્વેલ નર્ડ્સમાં થયેલો વધારો. કમાલા પણ એક એવેન્જર્સ નર્ડ હોઈને ફેન્સ તેની સાથે વધુ જોડાય છે. એ જ જરૂરિયાત હશે કે માર્વેલને કમાલા જેવું સુપરફેન પાત્ર કોમિક બુક્સમાં સર્જવું પડ્યું. હા, કમાલા ખાન કંઈ સ્પાઇડરમેન કે હલ્ક માફક ૬૦-૭૦ વર્ષ જૂનું પાત્ર નથી. એ તો હજુ ૨૦૧૪માં જ નિર્માણ પામ્યું છે. ૨૦૧૩માં સના અમાનતે સાથી એડિટર સ્ટીવન વેકરને બચપણના મુસ્લિમ અમેરિકન હોવાના અનુભવો કહ્યા અને એમાંથી કમાલા ખાનનું કથાબીજ ઊગી નીકળ્યું. એ રીતે સના કમાલાનું મૂળ હોઈને તે પણ કમાલા અને ઈમાન જેવી જ કહી શકાય.

સનાએ પોતાના અનુભવો આધારિત કમાલા ખાનનું સર્જન કર્યું અને ઈમાનનું કમાલાના રોલ માટે કાસ્ટિંગ થયું એના જેવી જ વધુ એક મજેદાર વાત એ છે કે ઈમાનને કમાલાનું પાત્ર લખવા પણ મળ્યું છે. ‘મિસ માર્વેલ: ધ ન્યુ મ્યુટન્ટ’ નામની ચાર ઈશ્યુની ઈમાને કો-રાઈટ કરેલી કોમિક બુક સીરિઝ હજુ આ્ૅગસ્ટમાં જ રિલીઝ થઈ છે. તેની સિક્વલ સિરીઝ પણ ઈમાન સબીર પીરઝાદા સાથે કો-રાઈટ કરવાની છે જે આવતા વર્ષે રિલીઝ થશે. જોકે એક્ટિંગના પેચેકમાંથી તે શું કરે એમ પૂછવામાં આવતા ઈમાન કહે છે કે ‘બસ હવે હું મોંઘી અને વધુ માત્રામાં કોમિક બુક્સ ખરીદું છું.’

માર્વેલના ફેનડમની આ સઘળી વસ્તુ અતિશય મેટા અને અવિશ્ર્વસનીય લાગે નહીં? તમે વાસ્તવિક જિંદગીમાં જેવા હો એવા જ એક પાત્રનું સર્જન થાય અને એ પણ તમને અતિ પ્રિય વાર્તાવિશ્ર્વમાં. તમે એ પાત્ર ભજવવાનું સપનું જુઓ અને તમારું એ સપનું હકીકત બની જાય. એ પછી એ જ પાત્રને આગળ સર્જવાનો પણ તમને મોકો મળે એ કેવી અદ્ભુત વાત! વ્હોટ અ લાઈફ, વ્હોટ અ સિનેમા, વ્હોટ અ સિનેમેટિક લાઈફ! સર્જન અને કલાના જગતની આ જ તો ખૂબી છે!

લાસ્ટ શોટ
ઈમાન વેલાની કમાલાના કાસ્ટિંગ બાબતે કહે છે, માર્વેલ મારુ જીવન છે, અને હવે હું ખુદ એની અંદર છું. હું વિશ્ર્વાસ જ નથી કરી શકતી કે આ સાચે બન્યું છે!’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ