તૂ તૂ મૈં મૈં, હમ દોનો માર્વેલસ
સિનેમા ઇતિહાસના પરફેક્ટ કાસ્ટિંગની અવિશ્ર્વસનીય વાત
શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા
ઈમાન વેલાની એટલે પરફેક્ટ કાસ્ટિંગનું પરફેક્ટ ઉદાહરણ. ૧૦ નવેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ માર્વેલ્સ’માં સુપરહીરો મિસ માર્વેલનું પરફેક્ટ કાસ્ટિંગ એટલે ઈમાન વેલાની. તેની રિયલ લાઈફ અને રીલ લાઈફમાં ફરક શોધવો બહુ જ મુશ્કેલ છે. ઈમાન લગભગ બધી જ રીતે તેના પાત્ર કમાલા ખાન ઉર્ફ મિસ માર્વેલ જેવી જ છે. તેની રહેણીકરણી, વિચારો, ફેમિલી બેકગ્રાઉન્ડ, સ્વભાવ, વગેરે બધું જ. આવા કિસ્સામાં બે વાત મનમાં ઝબકી જાય. એક એ કે કોઈ ફિલ્મ, ટીવી શો કે નાટક માટે સર્જેલા કાલ્પનિક પાત્ર સાથે મહદ અંશે મેળ ખાતી વ્યક્તિ વાસ્તવિક જિંદગીમાં પણ જોવા મળે ખરી? અને બીજી એ કે તે જ વ્યક્તિને પાછું એ પાત્ર ભજવવા મળે એવું બને ખરું? આ બંને સખત અશક્ય લાગતી વાત મનોરંજન દેવની કૃપાથી સિનેમાના ઇતિહાસમાં શક્ય બની છે.
તો ૨૦૧૯માં વિશ્ર્વની સૌથી સફળ ફિલ્મ ફ્રેન્ચાઈઝ કે સિનેમેટિક યુનિવર્સ એમસીયુ (માર્વેલ સિનેમેટિક યુનિવર્સ)નો ઇન્ફિનિટી સાગા ફિલ્મ ‘એવેન્જર્સ એન્ડગેમ’ સાથે પૂરો થયો એ પછી ફેઝ ચારમાં માર્વેલે ઘણા નવા પાત્રો ઉમેર્યા. એમાંનું એક પાત્ર એટલે કમાલા ખાન કે જેનું સુપરહીરો નામ છે મિસ માર્વેલ. ગયા વર્ષે જૂન મહિનામાં ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થયેલી સિરીઝ ‘મિસ માર્વેલ’ દ્વારા આ પાત્રની એમસીયુમાં એન્ટ્રી થઈ. અને ગયા મહિને રિલીઝ થયેલી ‘ધ માર્વેલ્સ’માં બીજી વખત તેનું પાત્ર દેખાયું. મિસ માર્વેલ પણ માર્વેલના બીજા પાત્રોની જેમ કોમિક બુક્સમાંથી લેવામાં આવ્યું છે. બાકીના સુપરહીરોઝથી તેનું પાત્ર ઘણી રીતે અલગ પડે છે. ન્યૂ જર્સીમાં રહેનારી મૂળ પાકિસ્તાની મુસ્લિમ કમાલા ખાન એટલે માર્વેલનું પહેલું સાઉથ એશિયન સુપરહીરો કેરેક્ટર. કમાલા ખાન હાઈસ્કૂલ જતી ટીનેજર છે અને એવેન્જર્સની સુપર ફેન છે. જી, હા. માર્વેલનું પાત્ર માર્વેલના જ સુપરહીરો વિશ્ર્વનું ચાહક. કમાલાની મોસ્ટ ફેવરિટ સુપરહીરો ગર્લ એટલે કેપ્ટન માર્વેલ કે જેણે સુપરવિલન થેનોસને ‘એવેન્જર્સ એન્ડગેમ’માં હરાવવામાં મોટું યોગદાન આપેલું.
એમસીયુના વાર્તાવિશ્ર્વમાં લોકો તેના હીરોઝના ચાહક પણ છે અને તેના પરાક્રમો પર પુસ્તકો અને પોડકાસ્ટ પણ છે. જેમ રિયલ લાઈફમાં ફિલ્મ ઈવેન્ટ્સ, કોમિક કોન, થીમ પાર્ક હોય એમ જ એમસીયુ ફિલ્મ્સની અંદર હીરોઝને ચાહતા ફેન્સ આવા કાર્યક્રમો યોજે. કમાલા ખાન પણ એ ચાહકમાંની જ એક. રૂઢિચુસ્ત પરિવારની ઈચ્છા વિરુદ્ધ પણ એવેન્જર્સ કોનમાં હિસ્સો લેવા થનગનતી સુપરફેન કમાલા સ્ટુડન્ટ સાથે સાથે ફેન ફિક્શન રાઇટર પણ છે. તેની પોતાની યુટ્યૂબ ચેનલ પણ છે જેના પર એ કેપ્ટન માર્વેલને લગતા વીડિયોઝ બનાવતી રહે છે. જેઓ કોઈ ફિલ્મ, પોપ કલ્ચર કે આર્ટિસ્ટના પાક્કા ફેન હોય, તેમના ગળાડૂબ પ્રેમમાં હોય તેમના માટે નર્ડ કે ગીક જેવા શબ્દપ્રયોગો ઇંગ્લિશમાં વપરાય છે. આવા સેંકડો રિયલ એમસીયુ નર્ડ્સ છે જે સુપરફેન હોઈને કોમિક કોન, ટોય્ઝ, કોમિક બુક્સ, મર્ચન્ડાઈઝ, ફિલ્મ્સ અને ફિલ્મ્સને લગતી નાનામાં નાની બાબતોમાં રચ્યાપચ્યા રહે છે. રિયલ લાઈફ એમસીયુ નર્ડ જેવી જ કમાલા ખાન ‘મિસ માર્વેલ’ શોમાં એક એવેન્જર્સ નર્ડ છે. તેની બુક્સ, તેનો રૂમ, તેની વાતો બધે જ તમને કેપ્ટન માર્વેલ અને એવેન્જર્સની હાજરી શોરશરાબા કરતી જણાય.
એવેન્જર્સના શોમાં એક પાત્ર એવેન્જર્સનું જ ફેન આટલી મેટાનેસ (મતલબ સેલ્ફ રેફરન્સ) કાફી ન હોય તેમ એવેન્જર્સની જેમ જ સુપરપાવરની દુનિયાને ચાહતી કમાલાને પોતાને પણ સુપરપાવર મળે છે. વાત ફિલ્મની જ છે, પણ વિચારો કે સુપરહીરો અને સુપરપાવરને ચાહતી વ્યક્તિને જ એક દિવસ અચાનક સુપરપાવર મળી જાય તો? હવે આમાંથી ફિલ્મને બાકાત કરીને વિચારો કે આવું જ કંઈક રિયલ લાઈફમાં બને તો? હા, રિયલ લાઈફ એવેન્જર્સ અને માર્વેલ ફેન ઈમાન વેલાનીને પણ તે જેને અત્યંત ચાહે છે એ સુપરહીરોની દુનિયામાં જ પોતાને એક સુપરહીરો બનવાનો મોકો મળ્યો. માનો કે અમિતાભ બચ્ચનના અઠંગ ચાહકને અચાનક એક દિવસ અમિતાભ બચ્ચન સાથે ડિનર લેવાનો કે આખો દિવસ સમય પસાર કરવાનો મોકો મળે તો? છે ને અદ્ભુત વાત? સુપરફેન ઈમાન વેલાનીની જિંદગીમાં પણ આવું જ બન્યું.
એમસીયુમાં ઈમાનનો માત્ર પ્રવેશ થયો એટલું જ નહીં, પણ તેને જે પાત્ર મળ્યું એ પણ તદ્દન તેના જેવું જ મળ્યું. ઈમાન અને કમાલામાં ફક્ત એવેન્જર્સ ફેન તરીકેની જ સામ્યતા છે એવું નથી, જન્મે કમાલાની જેમ જ ઈમાન પણ પાકિસ્તાની મુસ્લિમ છે. ૨૦૦૨માં પાકિસ્તાનના કરાચીમાં ઈમાનનો જન્મ થયો છે. પછી તેનો પરિવાર તે માત્ર એક વર્ષની હતી ત્યારે કેનેડા શિફ્ટ થઈ ગયો હતો.
૨૦૦૮માં રિલીઝ થયેલી ફિલ્મ ‘આયર્ન મેન’થી એમસીયુની શરૂઆત થઈ. મતલબ ઈમાન સમજણી થઈ એ વખતે જ એમસીયુનો ઉદય થયો અને તે પણ લાખો એમસીયુ ફેન્સમાંની એક બની ગઈ. પણ સામાન્ય નહીં, હાર્ડકોર નર્ડ ફેન. તમે ‘મિસ માર્વેલ’ વેબ શો જુઓ, તેમાં કમાલા ખાનને જાણો અને પછી ઈમાન વેલાની વિશે તપાસ કરો, વાંચો અને તેના ઇન્ટરવ્યૂઝ જુઓ એટલે તમને એમ જ લાગશે કે આ બંને તો એક જ છે. એટલે ફક્ત ઈમાનને માર્વેલમાં કામ કરવા મળ્યું એમ નહીં, પણ માર્વેલને પણ કમાલા તરીકે ઈમાન મળી એમ કહેવું પડે. પરફેક્ટ કાસ્ટિંગ!
ઈમાને ૧૯ વર્ષની ઉંમરે પહેલી વાર પ્રોફેશનલી એક્ટિંગ કરી. તે માર્વેલની ફેન હતી એટલું જ નહીં, હાઈસ્કૂલની એક ડ્રામા કોમ્પિટિશનના ઓડિશનમાં તેના ડ્રિમ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે શું કહ્યું હતું ખબર છે? તેણે કહ્યું હતું કે ‘મારું સપનું છે એમસીયુ ફિલ્મમાં કામ કરવાનું.’ અને ઈમાનનું એ સપનું પૂરું થયું. અને એ પણ ક્યારે ખબર છે? હાઈસ્કૂલના છેલ્લાં દિવસે જ ઈમાનનું કાસ્ટિંગ થયું. અત્યાર સુધીમાં તે માર્વેલના બે પ્રોજેક્ટ્સમાં કામ કરી ચૂકી છે. જેમ કમાલાની દુનિયામાં ચારેબાજુ તમને એવેન્જર્સ જ દેખાય તેમ ઈમાનને પણ દરેક ચીજમાં માર્વેલ હીરોઝનો જ સાથ ગમતો રહ્યો છે. વાસ્તવિક વ્યક્તિ અને કાલ્પનિક પાત્રની આ સમાનતા એટલી હદની કે આ રોલ મળ્યા પહેલાં એક વખત હેલોવીનમાં ઈમાને સંયોગવશાત્ મિસ માર્વેલનો જ ડ્રેસ પહેર્યો હતો જે તેણે તેની દાદીની મદદથી બનાવેલો. આ જ ઘટનાનું જાણે પુનરાવર્તન હોય તેમ ‘મિસ માર્વેલ’ શોમાં કમાલાનો સુપરહીરો ડ્રેસ તેની મમ્મી બનાવી આપે છે. ઈમાન અને કમાલાને લઈને આ સમાનતાઓ ઘટ્યા છતાં આપણને અસંભવિત લાગે. પણ ઈમાન અને કમાલામાં એક મૂળભૂત ફરક પણ છે. કમાલાની ફેવરિટ કેપ્ટન માર્વેલ છે જયારે ઈમાનનો ફેવરિટ આયર્ન મેન છે.
આ પરફેક્ટ કાસ્ટિંગની વાતમાં ઈમાનને ‘મિસ માર્વેલ’નો આ રોલ કઈ રીતે મળ્યો, એ પછી તેની જિંદગી કેવી રહી અને માર્વેલની ટીમનું આ બધા વિશે શું માનવું છે એ જાણવું પણ રસપ્રદ છે. એ વાતો આવતા સપ્તાહે.
લાસ્ટ શોટ
‘મિસ માર્વેલ’ શોમાં ભારતીય અભિનેતાઓ ફરહાન અખ્તર અને મોહન કપૂરે પણ કામ કર્યું છે.