
પરેશ રાવલ, નરેશ ક્નોડિયા, શત્રુધ્ન સિંહ, ઝિન્ન્ત અમાન, રાજ કુમાર
પોતાની અનોખી સ્ટાઈલ અને સાવ અતરંગી સ્વભાવ માટે જાણીતા અભિનેતા રાજકુમારનો એક કિસ્સો એ જમાનાના ‘સ્ટારડસ્ટ’ નામના મેગેઝિનમાં છપાયો હતો. જો કે એ ‘નીતા’ઝ નેટર’ નામની કોલમ મૂળ તો ફિલ્મી લોકોની ગોસિપ માટેની જ કોલમ હતી.
કિસ્સો એવો હતો કે એક ફિલ્મી પાર્ટીમાં રાજકુમારને ઝિન્નત અમાનનો ભેટો થઈ ગયો. થોડી વાતચીત પછી રાજકુમારે ઝિન્નતનાં વખાણ કરવા માંડ્યાં: ‘આપ બડી ખૂબસૂરત હૈં… આવાઝ ભી અચ્છી હૈ… આપ સ્ટાઇલિશ ભી હો…
આપ કી મુસ્કાન ભી બડી પ્યારી હૈ…’
ઝિન્નત પોતાનાં વખાણ સાંભળીને ‘થેન્ક્યુ થેન્ક્યુ’ કરતી રહી ત્યાં રાજકુમારે કટ મારી ‘તુમ ફિલ્મોં મેં ક્યું ટ્રાય નહીં કરતી?’
હજી ઝિન્નત અમાન કહેવા જાય કે હું ઓલરેડી હીરોઈન છું ત્યાં તો ઝિન્નતને ઇગ્નોર કરીને રાજકુમાર આગળ સરકી ગયા!
આવી બીજી એક જોક રાજકુમાર માટે પ્રચલિત હતી. જે પાછળથી શત્રુઘ્ન સિંહાને નામે ફરતી થઈ ગઈ હતી.
જોક એવી છે કે શત્રુઘ્ન સિંહા એક વાર મુંબઈની પ્રખ્યાત તાજ હોટલમાં ગયા, જઈને વેઈટરને કહે છે: ‘ગરમ મેં ક્યા હૈ?’
વેઇટર કહે છે ‘સબ ગરમ હૈ, સબ્જી ગરમ મિલેગી, રોટી ગરમ મિલેગી, પરાંઠા ગરમ મિલેગા, દાલ ગરમ મિલેગી…’
શત્રુઘ્નજી કહે છે ‘નહીં, ઉસ સે ભી ગરમ ક્યા હૈ?’
વેઇટર કહે છે ‘સર, બાર્બેક્યુ હૈ! યહાં આપ કે સામને જલતી હુઈ આગ સે ડીશ કે ઉપર ફ્રાય કિયા જાતા હૈ…’
શત્રુજી કહે : ‘અરે, વો તો બાદ મેં ઠંડા પડ જાતા હૈ… ઉસ સે ભી ગરમ ક્યાં હૈ?’
વેઇટર કહે : ‘સર, ગરમ મેં હોટ ડ્રીંક્સ હૈં… ચાય હૈ, કોફી હૈ… ગરમ દૂધ ભી મિલ જાયેગા…’
શત્રુજી કહે છે: ‘બસ? ઈસ સે ગરમ તુમ્હારે કિચન મેં કુછ હૈ હી નહીં? ’
વેઇટર હવે જરા અકળાયો. એણે જવાબ આપ્યો : ‘સર, કિચન મેં તવા બહોત ગરમ હૈ!’
શત્રુજી હજી છાલ છોડતા નથી. ‘ઉસ સે ભી ગરમ ક્યા હૈ?’
‘ઉસ સે ગરમ તો સા’બ, જલતા હુઆ કોયલા હૈ!’ વેઇટર બોલી ઉઠ્યો.
શત્રુજીએ તરત કહ્યું : ‘વેરી ગુડ! વો એક ડિશ લે આઓ!’ અને ખરેખર વેઇટર એક ડિશમાં સળગતા કોલસા લઈને આવી પહોંચ્યો! હવે તો સૌની નજર શત્રુઘ્ન સિંહા ઉપર હતી કે એ શું કરશે? પણ શત્રુજી પોતાની સ્ટાઇલ માટે કંઈ એમ ને એમ થોડા મશહૂર હતા? એમણે ખિસ્સામાંથી સિગારેટ કાઢી સળગતા કોલસા વડે સળગાવી અને ચાલતા થયા!
જતાં જતાં કહેતાં ગયા : ‘બિલ મેરે એકાઉન્ટ મેં ડાલ દેના!’
આવી એક જોક અમિતાભજી માટે પણ ચાલતી હતી. એ સમયે બચ્ચનજી ફિલ્મોમાં એન્ટ્રી લેવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. એક તો છ ફૂટની હાઈટ અને ઉપરથી પાતળી સરખી કાયા… એટલે એમનું નામ ‘લંબૂજી’ પડી ગયું હતું.
કહે છે કે સંઘર્ષના દિવસોમાં થોડા સમય માટે એ મહેમૂદના ઘરે રહેતા હતા. જોક એવી છે કે અમિતાભ ચોપાટી પર જઈને એ સરસ મજાના શણગારેલા ઊંટ ઉપર બેસીને ફોટો પડાવ્યો.
એ ફોટો જોઈને મહેમૂદ કહે :
‘અરે વાહ! તુમ તો બહુત શાનદાર દિખ રહે હો…’
બચ્ચન કહે છે : ‘જી. શુક્રિયા.’
મહેમૂદ વધારે વખાણ કરતાં કહે છે : ‘બડે સજધજ કે ફોટો ખિંચવાયા હૈ…! પોઝ ભી અચ્છા દિયા હૈ… સ્ટાઈલ ભી અનોખી હૈ, મગર…’
‘મગર?’
‘મગર યે તુમ્હારી પીઠ કે ઉપર કૌન બૈઠ્ઠા હૈ?’
કહેવાય છે કે ખુદ અમિતાભ આ જોક બધાને સંભળાવતા હતા!
જોકે અમુક સાચુકલી જોક્સ પણ ફેમસ થઈ જતી હતી જેમ કે, એક ફિલ્મના શૂટિંગ વખતે પરેશ રાવલે મલ્લિકા શેરાવતનો ટૂંકો ડ્રેસ જોઈને કહ્યું હતું કે ‘ઈન કે જૈસી લડકિયાં હી ગ્લોબલ વોર્મિંગ કે લિયે જિમ્મેદાર હૈં.’
પરેશભાઈ જ્યારે હિન્દી ફિલ્મોમાં જાણીતા નહોતા થયા ત્યારે ‘નસીબની બલિહારી’ નામની એક ગુજરાતી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા કરી હતી. એ ફિલ્મના દિગ્દર્શક નિમેષ દેસાઈએ આ અગાઉ કેતન મહેતાની જાણીતી ફિલ્મ ‘ભવની ભવાઈ’માં કામ કર્યું હતું. એના શૂટિંગ દરમિયાન એમને નસીરુદ્દીન શાહ અને સ્મિતા પાટિલ સાથે સારી દોસ્તી થઈ ગઈ હતી. જ્યારે ‘નસીબની બલિહારી’ બની રહી હતી ત્યારે નિમેષ દેસાઈનો આગ્રહ હતો કે કોઈ રીતે નસીરુદ્દીન શાહ અને સ્મિતા પાટિલની આ ફિલ્મમાં ‘ખાસ એન્ટ્રી’ થવી જોઈએ. આમ તો મૂળ વાર્તામાં કોઈ જગ્યા ન હોવાથી, ગામમાં નાટક મંડળી આવી છે અને એમાં એક ગીત નસીર અને સ્મિતા ઉપર પિક્ચરાઈઝ થાય એવું નક્કી થયું.
આ પણ વાંચો…Anushka Sharmaએ ડિવોર્સને લઈને આ શું કહ્યું? વિરુષ્કા વચ્ચે વધું બરાબર તો છે ને?
ગીત રેકોર્ડ પણ થયું અને તેનું શૂટિંગ પણ થયું. બધું પત્યા પછી નિમેષ દેસાઈએ આખી ટીમને ભેગી કરીને ખાસ એ ગીતનું સ્ક્રીનિંગ રાખ્યું. ગીત જોઈને સૌએ વાહવાહ કરી. પણ પરેશ રાવલ બોલ્યા: ‘નિમેષ, હવે તું ફિલ્મમાં ઈન્ટરવલ ના પાડીશ.’ ‘કેમ?’ એના જવાબમાં પરેશભાઈએ કહ્યું ‘આ ગીત આવશે ત્યારે આમેય લોકો એકી-પાણી કરવા માટે સ્વેચ્છાએ બહાર જતા રહેશે!’
મશહૂર કોમેડિયન આઈ.એસ. જોહર માટે એક જોક એવી ચાલી રહી હતી કે જ્યારે ‘જોહર મહેમૂદ ઇન ગોવા’ ફિલ્મ બની ગઈ ત્યારે એને ‘ટેક્સ-ફ્રી’ કરાવવા માટે જોહરે એ ફિલ્મ એક મિનિસ્ટરને બતાડી. મિનિસ્ટર એ ફિલ્મ જોઈને ત્રાસી ગયા. ‘આમાં નથી કોઈ વાર્તાનાં ઠેકાણાં, નથી એક્ટિંગમાં ભલીવાર, નથી કોઈ એવો બોધ… તો શા માટે એને ટેક્સ-ફ્રી કરું?’
જોહર કહે છે ‘સાહેબ, તમારું મનોરંજન તો થયું ને?’
મંત્રી કહે છે : ‘શેનું મનોરંજન? આમાં મનોરંજન થાય એવું કશું છે જ નહીં !’
એ જ ક્ષણે જોહરે તક ઝડપી લેતાં કહ્યું : ‘સર, જહાં મનોરંજન હી નહીં હૈ, તો ઉસ કે ઉપર મનોરંજન ટેક્સ કૈસા?’
આ જ જોક્સ પાછળથી ગુજરાત સરકારના એક વરિષ્ઠ મંત્રી અને નરેશ કાનોડ્યિાના નામે પણ બહુ ફેમસ થઈ હતી !