મેટિની

ટ્રેજેડી કિંગની ભૂલ

ફિલ્મનામા -નરેશ શાહ

હું પરિસ્થિતિનો શિકાર થઈ ગયો હતો, જેનાથી મારી શાદીશુદા જિંદગીમાં તોફાન આવી ગયું!

શોલે અને શાન પછી અમિતાભ બચ્ચન અને દિલીપ કુમારનું કમાલ કોમ્બિનેશન સિનેમાના પરદા પર પેશ કરનારા રમેશ સિપ્પીના આ શબ્દો પહેલાં વાંચો: ‘શક્તિ’ ફિલ્મ બની રહી હતી ત્યારે જ દિલીપસા’બના જીવનમાં જબરી ઊથલપાથલ ચાલી રહી હતી. તેમણે બીજા નિકાહ કરી લીધા હતા (અને એ મીડિયામાં સ્કૂપની જેમ બ્લાસ્ટ થયા હતા!) પરંતુ સેટ પર તેમના વાણી-વહેવારમાં કોઈ અણસાર વરતાતો નહોતો. (બીજા લગ્ન બારામાં) તેમને પૂછવાની કે વાત કરવાની તો કોઈની હિંમત જ નહોતી છતાં તેમણે મને માત્ર એક અનુરોધ કર્યો હતો કે સેટથી ‘ચોથે ખભ્ભે’ (પત્રકારો અને મીડિયાકર્મી) કો દૂર રખ્ખા જાએ!

દિલીપકુમાર.
અભિનયના ટાઈમબૉમ્બ ગણાયેલા યુસુફ ખાન યાની કી દિલીપ કુમારને હિન્દી સિનેમામાં એકટિંગની પાઠશાળા અને અભિનયના ભીષ્મ પિતામહનો દરજ્જો અપાયો છે અને ઉચિત પણ છે, કારણકે દિલીપસા’બના અભિનયની લય પકડીને જ બચ્ચનસા’બ મિલેનિયમ સ્ટાર બન્યા છે તો નાકનકસથી તેના જેવા જ લાગતા શાહરુખ ખાન (દિલીપસા’બ-સાયરાબાનુ તેને પોતાનો પુત્ર ગણાવી ચૂક્યાં છે!)ની દમદાર લોકપ્રિયતામાં પણ દિલીપસા’બનું આડકતરું યોગદાન માનવું રહ્યું, પરંતુ અભિનય ઉપરાંત દિલીપ કુમાર મધુબાલા, સાયરાબાનો અને અસ્મા રહેમાન નામની મહિલાથી કાયમ ચર્ચાસ્પદ રહ્યા હતા. મધુબાલા સાથેનું તેમનું અફેર તો કોર્ટે પણ ચડેલું. સાયરાબાનુ (જન્મ: ૨૩ ઓગસ્ટ, ૧૯૪૪) સાથે તેમણે ૧૯૬૬માં કરેલા નિકાહ પણ છાપરે ગવાયેલા, કારણકે સાયરાજી તેમનાથી બાવીસ વરસ નાના હતાં.

અને ત્રીજી લેડી અસ્મા રહેમાન.
આ અસ્મા રહેમાનને તલ્લાક લીધેલાં દિલીપકુમારના બીજા પત્ની કહો તો તમે ખોટાં નથી કારણ કે અસ્મા સાથે દિલપસા’બે ઓફિશ્યિલી તલ્લાકની કાર્યવાહી કરી હતી. મતલબ બન્નેના નિકાહ થયા હતા પરંતુ ૧૯૮૧માં થયેલાં નિકાહ સ્કૂપની જેમ પ્રગટ થતાં દિલીપસાહેબના જીવનમાં ઊથલપાથલ મચી ગઈ હતી. એ જ અરસામાં ‘શક્તિ’ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું.

રમેશ સિપ્પીએ દિલીપસા’બના બીજા નિકાહ (પ્રથમ ફકરો ફરી વાંચો)ની વાત કરી છે એટલે નહીં, સિપ્પીનું આ આખું નિવેદન દિલીપકુમારની ઉદયતારા નાયરે લખેલી બાયોગ્રાફીમાં પ્રસિદ્ધ થયું છે એટલે તેનું એક દસ્તાવેજી મૂલ્ય છે. એ જ આત્મકથાના ‘પરિવાર કે મસલે’ ચેપ્ટરમાં પણ દિલીપકુમારે ખુદ અસ્મા રહેમાનના ‘ભૂલી જવા જેવા પ્રસંગ’ને યાદ કરીને ટાંક્યો છે. આત્મકથામાં તેની છણાવટ કરતાં દિલીપકુમારે લખ્યું છે કે અસ્મા રહેમાનને તેઓ હૈદરાબાદના ક્રિકેટના મેદાનમાં પ્રથમ વખત મળ્યા હતા ત્યારે એ તેના પતિ અને ત્રણ બાળકો સાથે હૈદરાબાદમાં જ રહેતી હતી.

અસ્મા સાથેની મુલાકાત માટે દિલીપસા’બે પોતાની બે બહેનો ફોજિયા અને સઈદાને નિમિત્ત ગણાવે છે. પોતાની બહેનો કે ભાઈઓ આ રીતે કોઈ પ્રશંસકો સાથે ઓળખાણ કરાવે ત્યારે દિલીપસા’બ (ભાઈ-બહેનોને સારું લાગે એટલે) ગર્મજોશીથી મળતાં. આવી ગર્મજોશીના કારણે જો કે ખોટાં ગણિત બેઠાં. અસ્મા અને તેનો પતિ હવે દિલીપસા’બને અવારનવાર અથડાવા લાગ્યા. દિલીપસાહેબ લખે છે, ‘અજીબ વાત એ હતી કે તેમને મારા પ્રવાસો અને કાર્યક્રમોની પૂરી જાણકારી મળી જતી હતી (એટલે આ જોડી ગમે ત્યાં ટપકી પડતી)’.

રસપ્રદ વાત એ છે કે આવી બધી વાતો અને નિકાહના બ્રેકિંગ ન્યુઝ પછી સર્જાયેલાં તરંગોની વાત દિલીપસા’બે લખી છે, પરંતુ પોતે ક્યા સંજોગોમાં યા કઈ શરતે યા શી અપેક્ષાએ અસ્મા સાથે નિકાહ કરેલાં એ વાત ટ્રેજેડી કિંગ પોતાની આત્મકથામાં છાવરી ગયા છે. માત્ર આ કારણે એવો તાળો મારવાનું મન થાય કે શું સંતાનપ્રાપ્તિ માટે દિલીપસા’બે અસ્મા સાથે નિકાહ કર્યા હશે? અસ્મા સાથેના નિકાહ જાહેર થઈ ગયા ત્યારે દિલાપસા’બ-સાયરાબાનુના નિકાહને સોળ વરસ થઈ ચૂક્યા હતા. હાઈ બ્લડપ્રેશરના દર્દી સાયરાબાનુ એ પહેલાં ગર્ભવતી બની ચૂકેલાં પણ પછી ગર્ભમાં રહેલા આઠ મહિનાના પુત્ર (એ પુત્ર હતો)ને ડૉકટર બચાવી શક્યા નહોતા. સવાલ તો એ પણ થાય કે શું દિલીપસા’બ બીજા નિકાહ કરે એવું તેમની બહેનો ઈચ્છતી હશે અને તેણે અસ્મા સાથે પઘડા ગોઠવ્યાં હશે?

દિલીપસા’બ લખે છે કે અસ્માના કિસ્સામાં તેઓ ભોળવાઈ કે છેતરાઈ ગયા પણ એકેય મુદાની તેમણે છણાવટ કરી નથી. બીજા નિકાહની વાત જાહેર થયા પછી અને સાયરાબાનુ સહિતના લોકો હર્ટ થયા પછી તરત દિલીપસા’બે અસ્મા સાથે તલ્લાક લઈ લીધા હતા પણ તો પછી માત્ર એક-દોઢ વરસ માટે નિકાહ કરવાનો ઉદ્દેશ શું હોય શકે? આ વાતો હવે અધ્યાહાર રહી ગઈ છે કારણકે દિલીપસા’બે લખ્યું છે: હું એમ કહીને આ કિસ્સાને ખતમ કરીશ કે હું પણ એક ઈન્સાન છું અને મારાથી પણ ભૂલ થઈ શકે છે. હું પરિસ્થિતિનો શિકાર થઈ ગયો હતો, જેનાથી મારી શાદીશુદા જિંદગીમાં તોફાન મચી જવું, વાજબી હતું!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button