ઊર્મિઓનો જૂઠ્ઠો ,પણ હ્દયસ્પર્શી વેપાર…!
એક જાપાન કંપનીએ ૭૦૦ થી વધુ સ્ત્રી-પુરૂષ એકટર-ક્લાકાર જોબ પર રાખ્યા છે, જે અમુક ફી લઈને ઓર્ડર -વરદી મુજબ રોલ અદા કરી આપે…!
ડ્રેસ-સર્કલ – ભરત ઘેલાણી
થોડાં વર્ષ પહેલાં હોલીવૂડની એક ફિલ્મ જોઈ હતી. નામ હતુ: ‘ધ ટ્રુમેન શો’. આ ફિલ્મે એ જમાનામાં જબરો તહેલકો મચાવી દીધો હતો.
અમેરિકાના એક ટાઉનમાં બહુ સીધી સાદી કથા આકાર લે છે, પરંતુ ફિલ્મમાં એની રજૂઆત એવી સાવ અનોખી કે ફિલ્મને અંતે- મા કસમ.. તમે આફરિન પોકારી ઊઠશો !
હવે મુખ્ય વાત જાણવા માટે આ ‘ટ્રુમેન શો’ ફિલ્મનો થોડો ફ્લેશબેક પણ જાણવો જરૂરી છે…
અમેરિકાના ફ્લોરિડા સ્ટેટના એક નાનકડા ટાઉનમાં ટ્રુમેન બુરબેંક નામનો એક યુવાન સેલ્સમેન રહે છે. સાથે ભણતી એની પ્રેયસીને એ પત્ની બનાવે છે. એના પરિવારમાં માતા-પિતા છે. બીજા કુટુંબીજનો છે.ટ્રુમેનનો બોસ છે-ઓફિસના સહયોગીઓ છે-એના મિત્રો પણ છે.. ટ્રુમેનની સાંસારિક -વ્યાવસાયિક જિંદગી રાબેતા મુજબની રફતારથી ચાલી રહી છે…
અચાનક એક દિવસ ટ્રુમેનને અક્સ્માતે ખબર પડે છે કે એની આસપાસની જિંદગીના બધા જ લોકા- એની પત્ની -પરિવારના સભ્યો સુધ્ધાં તો એક ટેલિવિઝન ક્ંપનીના એકટર્સ – અભિનેતાઓ છે અને એ બધા ટ્રુમેનની રોજિંદી જિંદગીમાં માત્ર અભિનય કરી રહ્યા છે, જેનું ફ્લોરિડા ટાઉનમાં છુપાવેલાં અસંખ્ય કેમેરા દ્વારા લાઈવ ટેલિકાસ્ટ- જીવંત પ્રસારણ એની જાણ બહાર દુનિયાભરમાં ધૂમ મચાવી રહ્યું છે… આ ખબર પડતાં જ ટ્રુમેન આ લાઈવ શોમાંથી નાસી છૂટવા પ્રયાસ કરે છે અને પછી…
‘બિગ બોસ’ જેવા રિયાલિટી ટેલિવિઝન શો હવે છેલ્લાં કેટલાંક વર્ષથી આપણે ત્યાં થવા લાગ્યાં છે,પરતું છેક ૧૯૯૮માં રજૂ થયેલી ‘ધ ટ્રુમેન શો’ ફિલ્મમાં જે રીતે એક રિયાલિટી શોને રજૂ કરવામાં આવ્યો એ ખરેખર હોલીવૂડના ઈતિહાસમાં આલેખાયેલું એક અનોખું પ્રકરણ ગણી શકાય.. અનેક એવૉર્ડ વિજેતા આ ફિલ્મમાં સામાન્ય સેલ્સમેન ટ્રુમેનનું પાત્ર જાણીતા અદાકાર જીમ કેરીએ બહુ અફલાતૂન રીતે ભજવીને વાહ..વાહ મેળવી હતી.
ફિલ્મ ‘ટ્રુમેન શો’ની નવીનતા વત્તા બોક્સઑફિસની સફળતા પછી એનાં જેવી બીજી ફિલ્મો (‘એ સિમ્પલ ટ્વિટસ ઑફ ફેટ – ‘કોલ્ડ સોલ્સ’- ‘ધ લોબસ્ટર’ ઈત્યાદિ) હોલીવૂડમાં આવી ખરી,પરંતુ ‘ટ્રુમેન’ તરહની સફળતા કોઈને નથી મળી.
જો કે, ત્યાર પછી રજૂ થયેલી એક ફિલ્મની અવનવી રજૂઆતે દુનિયાભરના ફિલ્મરસિકોનું ખાસ્સું ધ્યાન ખેંચ્યું છે ખરું.. અને એની રજૂઆતને બરાબર સમજવા માટે આપણે શરૂઆતમાં ‘ધ ટ્રુમેન’ શોની વાત કરવી પડી.
જાપાનમાં એક કંપની- કોર્પોરેશન એવું છે, જે જાતભાતની ધંધાદારી સેવા આપવા માટે પંકાયેલું છે. આ કંપનીએ જાપાનભરમાં ૭૦૦ થી વધુ સ્ત્રી-પુરુષ એકટર-ક્લાકાર જોબ પર રાખ્યા છે, જે અમુક ફી ચાર્જ કરીને ઓર્ડર -વરદી મુજબ રોલ અદા કરી આપે..!
એનો અદાકાર તમારા પપ્પાની ભૂમિકા ભજવી બતાવે અને જરૂર પડે તો એ કંપનીની બીજી કોઈ લેડી તમારી પ્રેયસી કે પત્નીનોય રોલ કરે..!
આ કંપની વિશે વધારાની માહિતી મળતા જાણીતા જર્મન લેખક -દિગ્દર્શક વેરનર હર્જોગએ જાપાની કંપનીના માલિકથી લઈને એકટરોને થયેલા વિભિન્ન અનુભવોના આધારે કથા-પટકથા-સંવાદ સાથે તૈયાર કરીને OTT પ્લેટફોર્મ પર પ્રદર્શિત કરી છે. આ ફિલ્મનું નામ છે: ‘ફેમિલી રોમાન્સ LLC’ ( Life Lilke Character
જુદા જુદા એપિસોડવાળી વેરનર હર્જોગ દિગ્દર્શિત આ વેબ સિરીઝની એક ખાસિયત એ છે કે એમાં દર્શાવેલાં કિસ્સા સાચા છે અને પેલી જાપાની કંપનીના કલાકારોએ વિવિધ તબક્કે એમાં કિસ્સાના પાત્રો અનુસાર અભિનય પણ કર્યો છે. કંપનીના માલિક ઈસિ યુચી ખુદ એક અચ્છો એકટર છે . એણે પણ અમુક કિસ્સામાં અભિનય કર્યો છે એટલે કે જર્મન દિગ્દર્શકે આ ફિલ્મમાં પેલી જાપાની કંપનીના માલિક સુધ્ધાં પાસે અભિનય કરાવ્યો છે !
આ વેબકથા-ફિલ્મના કેટલાક એપિસોડ તો ખરેખર જાણવા જેવા છે.ઉદાહરણ તરીકે, જાપાની કંપનીનો માલિક ઈસિને એક વાર વરદી મળે છે એક મહિલાના પતિનો રોલ ભજવવાનો. પેલી મહિલાની દીકરીના મેરેજ છે અને પતિ બહુ બીમાર છે એટલે એણે પતિ તરીકે હાજર રહેવાનું છે
એમ એને કહેવામાં આવે છે. એ અનુસાર ઈસિ મેરેજ સેરિમનીમાં પતિનો રોલ બરાબર અદા કરે છે. લગ્નના બધી વિધિના અંતે જે દીકરીના લગ્ન હતા એ ઈસિને ખાનગીમાં કહી દે છે કે ‘મારી મમ્મી ખોટું બોલી છે..મારા પપ્પા હકીકતમાં બીમાર નથી… એ તો અઠંગ શરાબી છે. દારૂ વગર એક મિનિટ પણ ન ચાલે એટલે અહીં લગ્નમાં હાજર રહે તો અમારી આબરૂ જાય એટલે મમ્મીએ ખોટું બોલવું પડયું ! ’
બીજો પ્રસંગ કંઈક અલગ છે. એકટરો પૂરી પાડ્તી જાપાની કંપનીના માલિક ઈસિને એક વાર બહુ મુશ્કેલ રોલ મળ્યો.
એક મહિલાએ જાપાની કંપનીના માલિક-એકટર ઈસિને પોતાની ૧૨ વર્ષની દીકરીના પપ્પા તરીકે હાજર થવા કહ્યું.હકીકતમાં દીકરી એકદમ નાની હતી ત્યારે વર્ષો પૂર્વે મહિલાના ડિવોર્સ થઈ ગયા હતા, પણ ‘તારા પપ્પા વિદેશ છે’ એવું પુત્રીને મમ્મી કહેતી.
-અને પછી પુત્રી માહિરોના પપ્પા અચાનક ઘેર પાછાં ફરે છે… એ પછી કામચલાઉ -નકલી પપ્પા ઈસિ સાથે પુત્રી માહિરો વચ્ચે જે લાગણીના જે સેતુ બંધાય છે એની હ્દયસ્પર્શી વાત આ ફિલ્મમાં સચોટ રીતે રજૂ થઈ છે..
આમ વર્ષો પહેલાં આવેલી ‘ધ ટ્રુમેન શો’ અને થોડાં સમય પહેલાં રજૂ થયેલી ફિલ્મ ‘ફેમિલી રોમાન્સ LLC’ ( Life Like Character)ની ભલે રજૂઆત વિભિન્ન હોય, પણ એ બન્ને વચ્ચે એક સામ્ય છે એ બન્ને જૂઠ્ઠાણુનો સાચુકલો વેપલો બહુ સ-રસ રીતે કરે છે!(સંપૂર્ણ)