લીલા ખેતરની વચ્ચોવચ્ચ
ટૂંકી વાર્તા – ચંદ્રકાન્ત પટેલ
કુસલી ખૂબ સાવચેતીથી ખેતર ફરતી કરેલી વાડના એક છેડાં પાસે આવીને અટકી. પછી પગનાં ફણાભાર (ફણાભેર) થઈને એણે ખેતરની અંદર નજર નાખી. બધું બરાબર હતું એણે ઉપલા દાંત નીચે નીચલો હોઠ દબાવ્યો. સાડીનો કછોટો ભીડ્યો ને છીંડાની આડે ભરાવેલું કાંટાળું ઝાંખરું હટાવીને છીપકલીની જેમ આજુબાજુ નજર ઘુમાવતી એ હળવેકથી ખેતરની અંદર પ્રવેશી.
ડાંગરના લચકાતા લીલા લીલા છોડવા એના રતુંબડાં ભરાવદાર ગુલાબી ગાલની સાથે ઘસાઈને તાજાં ખીલેલાં પોયણાં જેવી એની રંગીન જુવાનીને માણી લેતા હતા.
કૂવા ઉપર ચાલતા મશીનમાંથી ફગફગ પાણી વહેતાં હતાં અને ધોરિયામાં થઈ ડાંગરના ક્યારમાં અદૃશ્ય થઈ રહ્યાં હતાં. કુસલી ધોરિયાને કાંઠે કાંઠે કાળજીથી પગ મૂકીને આગળ વધી રહી હતી. પગ ભીના ન થાય તેની ખેવના રાખવા છતાંય એના પગ ભીના થઈ રહ્યા હતા. પગ ભીના હતા પણ તેનાં મનનું ફલક સાવ કોરું હતું.
એણે નેજવે હાથ તોળ્યો ને વાડીપડામાં નજર નાખી. ને મનોમન મલકી. ડાંગરનો ક્યારો પૂરો થતા ગદબનો ક્યારો આવ્યો. ગદબના ક્યારામાં ગદબની સાથે વાવેલા મૂળાના છોડવા તથા રાઈના છોડવા એકબીજાના હરીફ બનીને ગદબના આખા ક્યારામાં માથું કાઢી ગયા હતા. જાણે ગદબનું જીવતર તેના થકી જ હોય એમ લહેરાઈ રહ્યા હતા.
રઘલે જ પરાણે તેના હાથે મૂળા તથા રાઈનાં બી ગદબના ક્યારામાં છંટાવ્યા હતાં. આજે બીજમાંથી છોડ થયાં હતાં. કાલે મૂળા તથા રાઈ થશે. અવિરત આમ જ ચાલ્યા કરશે ને વંશવૃદ્ધિ આગળને આગળ વધતી રહેશે… એનાથી નિસાસો મુકાઈ ગયો. રઘલા સાથે પરણ્યાને આજે દસમી વસંતપંચમી થઈ હતી. આ દસ દસ વરસનાં વહાણાં પછી પણ તેનામાં રોપાયેલાં વંશવૃદ્ધિનાં બીજ ઊગવાને બદલે ઊલટાની કોહવાઈ જઈને મૃતપ્રાય થઈ જતાં હતાં. કુસલીએ પોતાના ખાલી પેટ ઉપર હાથ ફેરવીને જબરો આંચકો અનુભવ્યો.
આ વરસે જ કુસલીને છવીસમું બેઠું હતું. એ પણ લીલાં ખેતર જેવી જ હતી. છતાં અંતરમાં વાવેલા આશાના છોડવાઓ પાંદડાં તો પીળાપટ્ટ જ રહ્યાં. સોળ વરહની (વરસની) નાનકડી વયે એણે ચોરીનો ધુમાડો નાકમાં ભર્યો હતો. એક વરસ પિયરના ગામમાં ઝાડવાંઓની વડવાઈએ હીંચકી બાળપણને બેઠું કર્યું હતું. અઢારમે વરસે સાસરિયે આવી તેણે ઘરસંસાર શરૂ કરી ખોરડાની ખાનદાની આભે અડાડી હતી. વૃદ્ધ સાસુ-સસરા `વહુ કંકુપગલાંની છે’ કહી તેનાં બે મોઢે વખાણ કરતાં ત્યારે એ ફુલાતી ફરતી.
રઘલાની અને તેની ઉંમરમાં ખાસ્સો એવો ફેર હતો. એ સોળ વરસની હતી ત્યારે રઘલો છવીસ વરસનો હતો. વરસ સ્ત્રીનાં જોવાય છે, પુરુષનાં નહીં. પુરુષ સ્ત્રીની ઉંમર કરતાં પાંચ-સાત વરસ મોટો હોવો જોઈએ. એવું મા-બાપને ઘણીવાર કહેતાં કુસલીએ સાંભળ્યા હતા.
વિચારોના વમળામાં ઘુમરાતી એ ચાલી રહી હતી. ત્યાં એનો પગ પાણીના ધોરિયામાં લપસ્યો. એ પડતાં પડતાં રહી ગઈ. ઓચિતું મશીન બંધ પડી ગયું. એ હીબકી ગઈ, ને ઝડપથી દોડીને ડાંગરના ક્યારાના પાટલામાં સંતાઈ ગઈ. પછી પોતાના બે હાથ વડે ડાંગરના છોડવાઓને એકબીજાની વિરુદ્ધ દિશામાં નમાવી કૂવા તરફ જોવા લાગી. પરંતુ ત્યાં કોઈ દેખાયું નહીં.
ફક્…ફક્…ફક્… થતો મશીનનો મરણિયો અવાજ તેના કાનમાં અથડાઈ તેના સૂના જીવનનું અનુકરણ કરી તેના અરમાનોને ઠેકડીએ ચડાવીને જાણે કે ચાળા પાડી રહ્યો હોય તેવો લાગતો હતો. થોડીવાર પછી હળવેથી એ બહાર આવી. એણે જોયું તો કૂવાના થાળાંની સામેના આંબાના ઘટદાર વૃક્ષ નીચે એક માણસ પગથી-માથા સુધી ફાળિયું ઓઢી સૂતો હતો.
કુસલીએ ભેટમાં ભરાવેલ દાતરડું બહાર કાઢ્યું. દાતરડાના હાથાને મુઠ્ઠીમાં મજબૂત રીતે પકડીને એણે તાજા જ કરાવેલા દાતરડાની ધારનું પાણી માપવા ધારની માથે પોતાની આંગળી ફેરવી. કૂણાં માખણ જેવી આંગળી પર લોહીનાં લાલ બુંદ ઊપસી આવ્યાં.
મકાઈના છોડવા ઉપર ડોડા બેસી ગયા હતા. એણે દાતરડાના ઝટકાથી એક ડોડો તોડ્યો. ઉપરનાં પડ ઉખેડી જોયું. ડોડો બરાબર પાક્યો ન હતો. કાચો હતો. દસેક દિવસ પછી મકાઈ પાકી જશે. ડોડા શેકાશે. એને ડોડા બહુ ભાવતા ને શેકેલા ડોડાને જોઈને એ નાચી ઊઠતી.ને પાંચ-સાત ડોડા ઝાપટી જતી. ત્યારે રઘલો મજાકમાં કહેતો: તું તો છપ્પનિયા કાળમાં અવતરી લાગ' શ આટલા બધા ડોડા ખાઈને હાજરીને શું કામ કહટામણ દે'શ' લી? ત્યારે એ છણકો કરતી, પગ પછાડતી અને ડોડાને બંને દાંતની બત્રીસી વચ્ચે દબાવને કહેતી:
જાવ…જાવ તમારી પુરુષજાતને ડોડાના સવાદ (સ્વાદ)ની શી ખબર પડે?’ ને પછી ખિલખિલાટ હસી પડતી.
પુરાણી સ્મૃતિઓ સળગતાં લીલાં લાકડાંની જેમ ધૂંધવાયા કરતી હતી. સ્મૃતિને એક બાજું ફંગોળી એ મશીન રાખવાની ઓરડી આડે આવી ઊભી રહી. ને સૂતેલા આદમી તરફ જોયું તેનું ભરાવદાર શરીર અને છ એક ફૂટ ઊંચાઈ હતી. પ્રથમ તો એ ખચકાઈ પણ હિંમત કરી એણે ભેટમાં ભરાવેલ દાતરડાને સંભાળી લીધું. હોઠ ચીપ્યા. અને કૂવાના ટોડા પાસેથી આગળ વધવા પગ ઉપાડ્યો. ત્યાં પાછળથી તેની સાડીનો છેડો ખેંચાયો. એ ફફડી ગઈ. ને ડોક મરડી પાછળ જોયું તો સાડીનો છેડો ટોડાની દીવાલમાં ખોડેલી નાની ખીલીમાં અટવાયો હતો. એણે હાશ અનુભવી ને વાંકા વળીને એણે સાડીના છેડાને ખીલીમાંથી છોડાવ્યો. આ ઘટનાએ જગલાની યાદ અપાવી દીધી. જગલાની યાદ આવતાં એ નવોઢાની જેમ શરમાઈ ને જગલાની વિચારમાં સરી પડી. ખોવાઈ ગઈ.
એક દિવસ એ ખેતરેથી ગાડાના રસ્તાને બદલે નાની કેડીનેે રસ્તે થઈને ગામ તરફ જઈ રહી હતી. ત્યારે પાછળથી કોઈએ તેની સાડીનો છેડો ખેંચ્યો. એણે ડોક મરડીને જોયું તો એ જગલો હતો.
એઈ જરખ! આમ ઉઘાડા કેડે પારકી પરણેતરનો છેડો પકડી તેની સાથે ચેડાં કરતાં લાજતો નથી? મારો છેડો મેલ્ય...'
કુસલી! છેડો તો તંઈ મેલીશ જંઈ તું આ કેડો મેલીશ. ને વળી તું પારકી કે’ દા’ડાથી થઈ ગઈ? બોલ્ય.. બોલ્ય જરા..’
` જગલા, તું તો જાણ’શ. ને કે ઈ…ઈ..’ કુસલી બોલતાં બોલતાં થોથવાઈ.
`જાણ’ શ…હંધુય જાણ’ શ. રઘલો નપાણિયો છે. નપાણિયા ધણીની બૈરીને છતાં ધણીએ આયખાભારનો રંડાપો!! ઈ દુ:ખ ઓસું (ઓછું) થોડું કે’ વાય! તારી ફૂલગુલાબી જોવનાઈને આમ ધૂળ્યમાં રોળાતી જોઈને હું બળી-બળીને અરધો થઈ ગ્યો સું! પણ તારું રુંવાડુંય ફરકતું નથી કે કાળજુંય થડકતું નથી.
પારકી પરણતેર મરી છું એટલે જગલા!'
પારકી!!’ જગલો ડોળા ફાડીને કુસલીના મોં સામે જોઈ રહ્યો.હા , પારકી! મારે માથે રઘલાનું ઓઢણું છે.'
એવા નમાલા ઘણીનું ઓઢણું કેચલા દી’ ઓઢી રાખવું સે તારે?’
`જગલા! ઈ જે હોય તે. પણ આમ ચોરીછૂપેથી આપણે કેટલો ટેમ મળતા રે’ શું? કો’ ક દા’ પાપ પીપળે પોકારશે તો મારે વખ ઘોળાવાનો દા’ ડો આવશે.’
-અને થયું’ તું પણ એવું જ –
લીલાં ખેતરની વચોવચ હાથમાં હાથ પરોવીને દોડતા જગલો અને કુસલી કોઈની નજરે ચડી ગયા. એ આંખો હતી કુસલીની કાળઝાળ જેવી જેઠાણી દીવડીની. દેરાણીને આમ પારકા મરદ સાથે ધિંગામસ્તી કરતી જોઈને દીવડી રોષથી સળગી ઊઠી.
દીવડીએ આ વાત એક સાંજે પોતાની ધણી પ્રેમજીને તથા પોતાના દિયર રઘલાને મીઠું- મરચું ભભરાવીને કરી ત્યારે એ સાંભળીને બન્ને ભાઈઓ હેબત ખાઈ ગયા. ઘડીક તો કોઈ માની શક્યું નહીં કે કુસલી આવું કરી શકે. પણ જ્યારે દીવડીએ દીવાની વાટને સતેજ કરીને રઘલાના હાથમાં જગલાની નાનકડી છબી મૂકી ત્યારે બન્ને ભાઈઓ એકબીજાના ઊતરી ગયેલા મોં સામે જોઈ રહ્યા ને આવી વાત હોબાળો ઊભો કરે તે પહેલાં તેને ભોમાં ભંડારી દેવાનો ફેંસલો ઘરમાં લેવાયો.
એ રાતે કુસલીએ વાળું ન કર્યું. વાળુ વગરની ભૂખ્યાપેટે એની રાત પસાર થઈ. રઘલાના વરવા વેણે કુસલીને ભાંગી નાખી હતી. બે ચાર દિવસ ઘરનું વાતાવરણ ધૂંધળું રહ્યું હતું.
કુસલીના કાળજામાં કોતરાયેલાં કડવાં વેણ કવેણને ભૂલવા એ મથતી રહી, તેમ તેમ એ ઘા ધીરે ધીરે વકરીને મોટો જખમ બની ગયો.
આમાં વાંક કુસલી કે જગલાનો ક્યાં હતો? વાંક હતો આ ઘરમાં સાલતી એક અધૂરપનો. ઘરની પાળેલી બિલાડીને જો દૂધ પાવામાં ન આવે તો દૂધ પીવા એ બીજાના ઘરે જાય તો એમાં બહુ નવાઈ પામવા જેવું ન ગણાય.
કુસલીની વિચારધારા અટકી, એણે નેજવે હાથ તોળી ચારે તરફ જોયું. વાડીપાડામાંઊભેલા જાંબુ, રાયણ, જામફળી વગેરે ઝાડવાં પવનની ઝપટે માથાં ધુણાવતાં હતાં. લીલાશે લથબથ મોલાત જાણે લળી લળીને કુસલીને સલામી કરતી હોય એવી લાગતી હતી.
આ લીલાછમ લહેરાતા ખેતરનું લીલુંછમ એક બીજું નામ એટલે `કુસલી'(કુસુમ) એવું રઘલો વારંવાર કુસલીને કહેતો ત્યારે એ હરખના હેલારે ચડી જતી.-પણ
પણ આજે વાડી ઊડ ઊડ લાગી એને. લાંબા ઉજાગરાની રતાશ આંટા લઈ ગઈ હોય એવી આંખો હતી કુસલીની. એણે ભેટમાં લટકાવેલું દાતરડું છોડ્યું ને મજબૂત હાથે પકડીને આગળ વધી. રઘલા સાથેની દસ-દસ વરસ ગુજારેલી જિંદગી આજે પૂરી થવાની હતી. કાલનો સૂરજ તેના માટે નવા રંગરૂપે ઝળહળી ઊઠવાનો હતો. એની સડતાં કપડાં જેવી અને દરેક ધોલાઈ બાદ સંકોચાઈ રહેલી જિંદગીને નવું રૂપ આપવા એ થનગની રહી હતી.
ઘોડાની પૂંછડી જેવી ડમરી ઝીંકતો દિવસ ડાબલાના લોંદાની જેમ ઊડતો હતો. એણે થોડાક ડગલાં ભર્યાં ત્યાં તેના કાન ઉપર મશીનની ઓરડીમાંથી અવાજ આવતો સંભળાયો. એ ઓરડીની દીવાલની સાથે સંકોચાઈને ઊભી રહી ગઈ અને કાન સરવા કરીને સાંભળવા લાગી:-તો પછી તમારે શું કરવું છે. રઘલા ભાઈ?'
એમાં બીજું કરવાનું શું હોય ભાભી! કુસલીનાં આ ઘરમાં આવ્યાં કે’ ળે આપણા ગરીબ ખોરડે ચડતીના પગરણ થ્યાં’ છ. સુખનાં બેહણાં અને રધ્ધી-સધ્ધીના પગલાં થ્યાં’ છ. લખમીના અવતારસમી મારી વવને હું જરાય કનડવા કે દુ:ખી કરવા રાજી નથી..’
રઘલાભાઈ મારું માનીને જો તમે બીજું ઘર -નવું નાતરું કરો તો શેર માટીની ખોટ્ય નો રિયે.' મારાં કરમમાં દીકરા કે દીકરી નઈં લખાયા હોય તો બીજી પારકી જણી આવશે તો પણ આ જ હાલ રે' વાના ભાભી.'
પણ તમે તો કે’તા’ તાં કે મોટા દાક્તરે કીધું’ છ કે કુસલી એક અપૂરણ અસ્તરી છે. એ કોઈ દા’ડો સુવાવડનો ખાટલો નંઈ ભાળે.’
`હા, ભાભી! મેં એવું કીધું’ તું ને હજી પણ કવં છુ કે કુસલી અપૂરણ અસ્તરી છે. પણ હું એને રોતી-કકળતી હાલતે મારા ઘરની બાર્ય કાઢી મૂકવા રાજી નથી. એ પૂરણ હોય કે અપૂરણ હોય. એ ગમે એવી રહી, પણ છે મારી પણ છે મારી એક આંખ, એક હાથ , એક પગ અને મારું અરધું ખોળિયું. હું ભવ આખો ભલે વાંઝિયો ર’વં પણ કુસલીને જાકારો આ જીભે નઈં જ દવં…’ બોલતાં બોલતાં રઘલાનો અવાજ ભીનો થઈ ગયેલો કુસલીએ મહેસૂસ કર્યો.
પોતાના ધણીની અને જેઠાણી દીવડીની વાતો સાંભળીને કુસલી ચકિત થઈ ગઈ. એ રઘલાનું કાટલું કાઢવા દાતરડું લઈને આવી હતી. પણ ઘરમાંથી પોતાનું જ કાટલું કાઢી નાખવા નરાધમ જેઠાણી તૈયાર થઈ હતી ને પોતાનો ધણી તેને સમજાવતો હતો જોઈને રઘલાની માથે એને અનરાધાર હેત વરસી આવ્યું. તેના હાથમાંથી દાતરડું નીચે પડી ગયું.
પોતે અપૂરણ સ્ત્રી છે એવી વાત રઘલાએ કોઈ દિવસ તેને જણાવા દીધી ન હતી. એ મનોમન રઘલાને વંદી રહી. પોતાના સુખ માટે રઘલો કેવડું મોટું બલિદાન આપી રહ્યો છે એ જોઈને કુસલી ગદ્ગદિત થઈ ઊઠી. ને કાયમ પાનખરને પીઠે બાંધી ફરનારી કુસલીને આજે લાગ્યું કે રઘલામાં જે કાંઈ છે એ જગલામાં નથી. જગલામાં જીવી રહેલા દાનવને રઘલાએ આજે માનવ બનીને સંહાર્યો હતો. પોતાના જીવનમાં વસંતના વધામણાં આવ્યાં હતાં.